
તાજેતરમાં વૈશ્વિક મંચ પર ભારતની લશ્કરી તાકાત અને તકનીકી સાર્વભૌમત્વનો એક નવો સૂર્યોદય જોવા મળ્યો છે. સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન જ્યારે બ્રહ્મોસ, આકાશ, લોયટરિંગ મ્યુનિશન અને નેત્ર જેવી ભારતીય બનાવટનાં શસ્ત્રોએ યુદ્ધભૂમિ પર પોતાની અચૂક સચોટતા અને વિધ્વંસક ક્ષમતા સાબિત કરી, ત્યારે સમગ્ર વિશ્વની સેનાઓ ભારતની એ ટેકનોલોજીથી સ્તબ્ધ થઈ ગઈ. આ સફળ ઓપરેશનના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ હથિયારોની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. આજે વિશ્વના ઘણા દેશો ભારતીય શસ્ત્રો ખરીદવા માટે હોડમાં ઊતર્યા છે, જેના પ્રત્યક્ષ પરિણામ સ્વરૂપે ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ અને આકાશ એર ડિફેન્સ સિસ્ટમ માટે વિશ્વના ચાર અગ્રણી દેશો સાથે ૨૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના સંરક્ષણ કરારો કર્યા છે. આ ઐતિહાસિક પરિવર્તન દર્શાવે છે કે, સંરક્ષણ ક્ષેત્ર હવે માત્ર દેશની સરહદો સાચવવાનું સાધન નથી રહ્યું, પરંતુ તે ભારતના રાષ્ટ્રીય અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જનારું એક મજબૂત આર્થિક એન્જિન બની રહ્યું છે. એક જમાનામાં વિશ્વના સૌથી મોટા શસ્ત્ર આયાતકાર તરીકે ઓળખાતો આપણો દેશ આજે ‘મેક ઇન ઇન્ડિયા - મેક ફોર ધ વર્લ્ડ’ના વિઝન સાથે વૈશ્વિક સંરક્ષણ નિકાસના નકશા પર એક શક્તિશાળી હબ તરીકે ઊભરી રહ્યો છે.
૨૦૧૪ પહેલાંની સ્થિતિ
૨૦૧૪ પહેલાંના દાયકાઓ પર નજર કરીએ તો ભારતીય સંરક્ષણક્ષેત્રની તસવીર અત્યંત નિરાશાજનક અને પરાવલંબી હતી. તે સમયે દેશમાં સંરક્ષણ ઉત્પાદન અંગે દૂરંદેશી વ્યાપારી વલણ કે વ્યાપક નિકાસ વ્યૂહરચનાનો સદંતર અભાવ હતો. ૨૦૧૪ પૂર્વે ભારત પોતાની જરૂરિયાતના નાનામાં નાના સ્પેરપાર્ટ્સ, દારૂગોળો, રડાર સિસ્ટમથી લઈને મોટાં ફાઈટર જેટ્સ, સબમરીન અને મિસાઈલો માટે વિદેશી સપ્લાયર્સ પર સંપૂર્ણપણે આશ્રિત હતું. દેશમાં ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ અને સરકારી સંરક્ષણ ઉપક્રમો અસ્તિત્વમાં હોવા છતાં, લાલફીતાશાહી, વહીવટી શિથિલતા અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) માટે બજેટની ભારે અછતને કારણે આપણે અદ્યતન હથિયારોનું સ્થાનિક સ્તરે નિર્માણ કરવામાં અસમર્થ હતા. ભારતીય વૈજ્ઞાનિકો પાસે પ્રતિભા હોવા છતાં નીતિગત મડાગાંઠના કારણે સ્વદેશી હથિયાર પ્રણાલીઓ કાં તો કાગળ પર રહેતી અથવા દાયકાઓ સુધી ટ્રાયલના ચક્રવ્યૂહમાં ફસાયેલી રહેતી હતી.
અંધાધૂંધ આયાત અને આર્થિક ધોવાણ
આ નીતિગત શિથિલતાનું સૌથી ભયાનક પરિણામ એ આવ્યું કે, ભારત વર્ષો સુધી વિશ્વના નકશા પર શસ્ત્રો આયાત કરનારો દુનિયાનો એક મોટો દેશ બની રહ્યો હતો. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ((SIPRI) અને ભારત સરકારના સત્તાવાર સંરક્ષણ આંકડાઓ મુજબ, ભારત પોતાની સૈન્ય જરૂરિયાતોના ૬૦% થી વધુ તૈયાર હથિયારો સીધા વિદેશથી આયાત કરતો હતો.
આ અંધાધૂંધ આયાતના કારણે ભારતના ટેક્સપેયર્સના કઠોર પરિશ્રમના અબજો ડોલરનું કિંમતી વિદેશી હૂંડિયામણ (Foreign Exchange) દર વર્ષે મોસ્કો, પેરિસ, તેલ અવીવ અને વોશિંગ્ટનના બજારોમાં વહી જતું હતું. આનાથી ભારતની ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) સતત વધતી રહી અને દેશનું નાણાકીય માળખું નબળું પડતું રહ્યું. સૌથી મોટું જોખમ એ હતું કે, યુદ્ધ કે ભૌગોલિક કટોકટીના સમયે જો આ વિદેશી દેશો સ્પેરપાર્ટ્સ આપવાનો ઇનકાર કરી દે, તો આપણી આખી સેના હથિયારવિહીન બની જતી.
સ્પેરપાર્ટ્સથી લઈને ફાઇટર જેટ્સનું સ્વદેશીકરણ
પરંતુ વર્ષ ૨૦૨૦માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાને ભારતીય સંરક્ષણ ઇકોસિસ્ટમનો આખો ચહેરો બદલી નાખ્યો છે. સરકારે સંરક્ષણ ક્ષેત્રને રાષ્ટ્રીય મિશનમાં પરિવર્તિત કરીને અત્યાર સુધીમાં પાંચ ‘પોઝિટિવ ઇન્ડિજેનાઇઝેશન લિસ્ટ’ જાહેર કર્યાં છે. આ લિસ્ટ હેઠળ અનેક લશ્કરી સાધનો અને હથિયારોની વિદેશથી આયાત કરવા પર સંપૂર્ણ કાનૂની પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અને તેમાંના મોટાભાગની વસ્તુઓ અને પૂર્જાઓનું અત્યારે ભારતમાં જ શુદ્ધ સ્વદેશી ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે. આજે ભારત માત્ર નાના સ્પેરપાર્ટ્સ જ નહીં, પરંતુ ચોથી પેઢીનું અત્યાધુનિક એલસીએ તેજસ ફાઇટર જેટ, એલસીએચ પ્રચંડ હેલિકોપ્ટર, એડવાન્સ ટોર્ડ આટલરી ગન સિસ્ટમ, રડાર પ્રોડક્ટ્સ અને આકાશ મિસાઈલ જેવાં શસ્ત્રો અને તેના પૂર્જાઓનું દેશમાં જ સફળતાપૂર્વક નિર્માણ કરી રહ્યું છે.
૧,૫૦૦થી ૩૮,૪૨૪ કરોડ રૂપિયા સુધી
જ્યારે કોઈ દેશ પોતાની સંરક્ષણ આયાત ઘટાડીને નિકાસ તરફ આગળ વધે છે, ત્યારે તે વૈશ્વિક અર્થતંત્રમાં સુપરપાવર બનવાની દિશા પકડે છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતની સંરક્ષણ નિકાસ (Defense Exports) ૨૩,૬૨૨ કરોડ રૂપિયાના અત્યાર સુધીના સર્વોચ્ચ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. સંરક્ષણ મંત્રાલયના અંદાજ મુજબ, આગામી સમયમાં આ નિકાસ ૩૮,૪૨૪ કરોડ રૂપિયાના લક્ષ્યાંકને આંબી જશે, આ પ્રગતિની ભવ્યતા ત્યારે સમજાય છે જ્યારે આપણે તેની તુલના વર્ષ ૨૦૧૬-૧૭ના આંકડા સાથે કરીએ, જ્યારે ભારતની સંરક્ષણ નિકાસ માત્ર ૧,૫૨૨ કરોડ હતી.
છેલ્લા એક દાયકામાં સંરક્ષણ નિકાસમાં ૨૫ ગણાથી વધુનો આ વિસ્ફોટક વધારો એ વાતની ગવાહી આપે છે કે વૈશ્વિક બજારમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ બ્રાન્ડની વિશ્વસનીયતા કેટલી મજબૂત થઈ છે. ભારત આજે વિશ્વના ૧૦૦થી વધુ શક્તિશાળી અને આધુનિક દેશોને શસ્ત્રો, દારૂગોળો, સંપૂર્ણ સબ-સિસ્ટમ્સ અને જટિલ કમ્પોનન્ટ્સ એક્સપોર્ટ કરી રહ્યું છે. ભારત સરકારે આ ગતિને જાળવી રાખવા માટે આગામી વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં ૩ લાખ કરોડ રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદન અને ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ હાંસલ કરવાનો અત્યંત સ્પષ્ટ અને વ્યૂહાત્મક લક્ષ્યાંક નક્કી કર્યો છે.
સંરક્ષણ બજેટ અને ‘મિશન સુદર્શન ચક્ર’
ભારત સરકારે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય નીતિઓમાં પણ ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬માં સંરક્ષણ મંત્રાલયને ૬.૮૧ લાખ કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી છે, જેમાંથી સૈન્યના આધુનિકીકરણ અને મૂડી ખર્ચ માટે ૧.૮૦ લાખ કરોડ રૂપિયા નિર્ધારિત કરાયા છે. આ મૂડી બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો પૂરો ૭૫% હિસ્સો માત્ર સ્થાનિક ભારતીય ઉત્પાદકો પાસેથી જ ખરીદી કરવા માટે અનામત રાખવામાં આવ્યો છે. આનાથી ભારતીય કંપનીઓ માટે બજારમાં કાયમી અને સાતત્યપૂર્ણ માંગ ઊભી થઈ છે, જેનાથી સંરક્ષણ ક્ષેત્રમાં નવું ખાનગી રોકાણ આકર્ષાઈ રહ્યું છે.
સરકારે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં બે વિશાળ ‘ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર’ સ્થાપ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ૯,૧૪૫ કરોડ રૂપિયાથી વધુનું વાસ્તવિક રોકાણ થઈ ચૂક્યું છે અને ૬૬,૪૨૩ કરોડ રૂપિયાની સંભવિત તકોનાં દ્વાર ખુલ્યાં છે. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ઘોષિત કરેલું ‘મિશન સુદર્શન ચક્ર-૨૦૩૫’ સુધીમાં દેશવ્યાપી સુરક્ષા કવચ વિસ્તૃત કરવાનો રોડમેપ ધરાવે છે, જે રાષ્ટ્રીય સુરક્ષાની સાથે સ્થાનિક ઉદ્યોગો માટે આગામી એક દાયકા સુધી આર્થિક વૃદ્ધિની ગેરંટી આપે છે.
આત્મનિર્ભરતાથી આર્થિક સુપરપાવર
આમ ટૂંકમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા એ હવે કોઈ માત્ર રાજકીય સૂત્ર કે આકાંક્ષા નથી, પરંતુ તે ભારતની એક માપી શકાય તેવી, જીવંત અને વિશ્વસનીય આર્થિક વાસ્તવિકતા છે. ૨૦૧૪ પહેલાં જે સંરક્ષણ ક્ષેત્ર અબજો ડોલરની આયાત કરીને દેશના ખજાના પર આર્થિક બોજ સમાન હતું, તે આજે રેકોર્ડબ્રેક ઉત્પાદન અને ઐતિહાસિક નિકાસ કરીને દેશના વિદેશી મુદ્રા ભંડારને મજબૂત કરનારી શક્તિ બની ગયું છે.
ઓપરેશન સિંદૂરની રણભૂમિથી શરૂ થયેલો ભારતીય હથિયારોનો આ વૈશ્વિક વિજયધ્વજ આવનારા સમયમાં ભારતને માત્ર લશ્કરી રીતે સુરક્ષિત જ નહીં, પરંતુ સાચા અર્થમાં પાંચ ટ્રિલિયન ડોલરની આર્થિક મહાશક્તિ અને આત્મનિર્ભર ‘સમર્થ ભારત’ બનાવવામાં એક વિશ્વાસ-નિર્માતા તરીકે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
મિસાઈલ ડીલ્સનું આર્થિક સમીકરણ
# આજે ભારતની શસ્ત્રનિકાસના મુખ્ય ખરીદદારોમાં અમેરિકા, ફ્રાન્સ અને આર્મેનિયા મોખરે છે. શુદ્ધ શસ્ત્રપ્રણાલીઓ ખરીદવામાં આર્મેનિયા ભારતનો સૌથી મોટો સિંગલ ખરીદદાર દેશ બનીને ઉભર્યો છે.
# આર્મેનિયાએ ભારત પાસેથી પિનાકા મલ્ટિ-બેરલ રોકેટ સિસ્ટમ (જે ત્યાં ‘શાંત’ના નામે સેનામાં કાર્યરત છે) અને આકાશ-1 એસ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે, જેની ડિલિવરી પણ શરૂ થઈ ગઈ છે. એકલા આકાશ મિસાઈલ સિસ્ટમ માટે આર્મેનિયા સાથે ૬૧૦૦ કરોડ રૂપિયાનો કરાર થયો છે.
# ભારતની અજોડ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ માટે ફિલિપાઈન્સ સાથે આશરે ૩૨૦૦ કરોડ રૂપિયાની ડીલ પૂર્ણ થઈ ગઈ છે.
# વિયેતનામ સાથે ૫૮૦૦ કરોડ રૂપિયાની અને ઈન્ડોનેશિયા સાથે ૩૬૦૦ કરોડ રૂપિયાની હાઈ-પ્રોફાઈલ ડિફેન્સ ડીલ કરારના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
# આ ચાર દેશો સાથેનો કુલ મિસાઈલ સોદો જ ૨૧૦૦૦ કરોડ રૂપિયાને પાર થઈ ગયો છે.
# વૈશ્વિક એરોસ્પેસ જાયન્ટ્સ એવી બોઇંગ અને લોકહીડ માર્ટિન જેવી અમેરિકન સંરક્ષણ કંપનીઓ આજે ભારતની ખાનગી કંપનીઓ પાસેથી આશરે ૨.૮ અબજ ડોલરના અદ્યતન એરોસ્ટ્રક્ચર્સ, સબ-સિસ્ટમ્સ અને સ્પેરપાર્ટ્સ આયાત કરી રહી છે.
# આ ઉપરાંત મોરોક્કો, બ્રાઝિલ, ઇજિપ્ત અને દક્ષિણ અમેરિકાના અનેક દેશોએ ભારતના નાગાસ્ત્ર-૧ અને સ્કાયસ્ટ્રાઈકર જેવા લોયટરિંગ મ્યુનિશન અને નેત્ર એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમ ખરીદવા માટે કાનૂની પૂછપરછ અને રોડમેપ તૈયાર કર્યો છે.