કોંગ્રેસના ‘ભગવા આતંક’ના જૂઠનો પર્દાફાશ કરનાર સાહસિક અધિકારી આર.વી.એસ. મણિને પદ્મશ્રી!

આર.વી.એસ. મણિને આ સન્માન માત્ર વ્યક્તિગત સન્માન નથી, પરંતુ રાષ્ટ્રહિત અને આંતરિક સુરક્ષા માટે કાર્ય કરનાર તમામ બાહોશ અધિકારીઓનું સન્માન છે.

    ૦૪-જુલાઇ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

આર.વી.એસ. મણિ
 
 
કોંગ્રેસના ‘ભગવા આતંક’ના જૂઠને બેપર્દા કરનાર પૂર્વ આઈએએસ આર.વી.એસ. મણિને પદ્મશ્રી
 
 
કેન્દ્રીય ગૃહમંત્રાલયના પૂર્વસચિવ આર.વી.એસ. મણિને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે મોટાભાગના અધિકારીઓ પોતાના સેવાકાળ દરમિયાન સરકાર-પ્રશાસનની ગુડબુકમાં રહેવા માટે જી હજૂરી કરવામાં લાગેલા રહે છે ત્યારે આર.વી.એસ. મણિએ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર સિસ્ટમની અંદર રહીને પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.
 
૨૦૦૬-૧૦ દરમિયાન તેઓ તત્કાલિન કોંગ્રેસ સરકારમાં ગૃહમંત્રાલયના આંતરિક સુરક્ષા વિભાગમાં સેવારત હોવાથી તેમની નજર સામે હિન્દુ અને હિન્દુત્વ વિરોધી જે કોંગ્રેસી ખેલ ખેલાયો હતો, તેના તેઓ સાક્ષી હતા. સરકારી સેવા બાદ તેઓએ પાંચ પુસ્તકો લખ્યાં હતાં. જેમાં તત્કાલિન યુપીએ સરકારના કાળા કૃત્યોને ઉઘાડાં પાડ્યાં હતાં. તેઓએ યુપીએ સરકાર દ્વારા ષડયંત્રપૂર્વક વહેતી મુકાયેલ ભગવા આતંકવાદની અવધારણાને નકારી દઈ તેને રાજનૈતિક ષડયંત્ર ગણાવ્યું હતું. પોતાની આપવીતી અને આંતરિક સુરક્ષા મામલાઓ પર રાજનૈતિક હસ્તક્ષેપનાં રૂંવાડા ઊભાં કરી દે તેવા ખુલાસા પોતાના પુસ્તક ‘The Myth of Hindu Terror : Insider Account of Ministry of Home Affairs – 2006-2010’માં વિસ્તારપૂર્વક કર્યા છે. પુસ્તકમાં તેઓ લખે છે કે, ૨૦૦૯માં ગૃહમંત્રાલયના રાજનૈતિક નેતૃત્વએ તેઓને ‘ભગવા આતંક’ની ખોટી વાર્તા ઘડનારા સોગંદનામા પર હસ્તાક્ષર કરવા મજબૂર કર્યા હતા. હિન્દુઓને બદનામ કરવા અને તેમને આતંકવાદી સાબિત કરવા આ ષડયંત્ર તત્કાલિન સરકાર દ્વારા રચવામા આવ્યું હતું. યુપીએ સરકારના કાળાચીઠ્ઠા ખોલતાં પોતાના પુસ્તકમાં તે લખે છે કે, ૨૦૦૬માં નાગપુરમાં રા.સ્વ. સંઘના કાર્યાલયમાં બૉમ્બ વિસ્ફોટ બાદ તત્કાલિન પોલીસ અધિકારી હેમંત કરકરે, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને તત્કાલિન ગૃહમંત્રી શિવરાજ પાટિલે બેઠક બોલાવી હતી. મને પણ તે બેઠકમાં બોલાવવામાં આવ્યો હતો અને વિસ્ફોટ અંગે જાણકારી માંગી હતી. જેમાં મેં દેશના ચોક્કસ મજહબના (મુસ્લિમ) સમાજના લોકોની આતંકી હુમલામાં સંડોવણી હોવાની વાત કરી હતી, પરંતુ તે લોકોને મારી માહિતીમાં રસ જ નહોતો. તેઓ વારંવાર નાંદેડ, બજરંગદળને ઘૂસાડી રહ્યા હતાં. નાંદેડ વિસ્ફોટો બાદ સૌ પ્રથમ વખત યુપીએ સરકારે ‘ભગવા આતંક’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
 
તેઓએ પુસ્તકમાં લખ્યું છે કે, મક્કા-મસ્જિદમાં જે વિસ્ફોટો થયા હતા તેમાં પણ અસલી આરોપીઓને બચાવી નિર્દોષ લોકોને ફસાવવામાં આવ્યા હતા. (તમામ લોકોને બાદમાં ૨૦૧૮માં ન્યાયાલયે નિર્દોષ જાહેર કર્યા છે.) માલેગાંવ વિસ્ફોટને લઈ કોંગ્રેસની ગંદી રાજરમતનો પર્દાફાશ કરતાં તેઓએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, આ કેસમાં પણ સાધ્વી પ્રજ્ઞા અને વરિષ્ઠ સૈન્ય અધિકારી કર્નલ પુરોહિતને જાણી જોઈને ફસાવવામાં આવ્યા હતા. માલેગાઉ વિસ્ફોટમાં પુરાવા હતા, છતાં પણ તેઓને ધરાર નજરઅંદાજ કરવામાં આવ્યા હતા અને વિમર્શને આડા પાટે ચડાવી દેવા માટે ભગવા આતંકનો શબ્દ ચગાવવામાં આવ્યો હતો.
 
આ કેસમાં એટીએસ દ્વારા જે મોટર સાઈકલને મુખ્ય પુરાવા તરીકે રજૂ કરાઈ હતી તે ત્યાં હતી કે નહિ એ પણ એક રહસ્ય જ છે. એટીએસ દ્વારા મુંબઈ વિસ્ફોટો બાદ ધરપકડ કરવામાં પાંચ મહિનાનો સમય લગાડી દીધો હતો. પરંતુ માલેગાંવ વિસ્ફોટમાં લેફ્ટિનન્ટ કર્નલ પુરોહિતની માત્ર ૩૫ દિવસમાં જ ધરપકડ કરી લેવાઈ હતી.
 
ઇસરત જહાં કેસમાં તો તત્કાલિન યુપીએ સરકારનું નિશાન સ્પષ્ટરૂપે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હતા. યુપીએ સરકાર કોઈ પણ ભોગે તેમને જેલમાં ધકેલવા ઇચ્છતી હતી. તેમણે આ મુદ્દે જે સોગંદનામા પર હસ્તાક્ષર કર્યા હતા, તેમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે, ઇશરત જહાં લશ્કરે તૈયબાની આતંકી હતી અને તેના નિશાન ઉપર ગુજરાતનું તત્કાલિન નેતૃત્વ હતું. છતાં યુપીએ સરકારે એ જાણકારી જ તેમાંથી ઉડાવી દીધી હતી અને નવું સોગંદનામું બનાવી તેના પર તેમની પાસે બળજબરીપૂર્વક હસ્તાક્ષર કરાવ્યા હતા.
 
આર.વી.એસ. મણિને આ સન્માન માત્ર વ્યક્તિગત સન્માન નથી, પરંતુ રાષ્ટ્રહિત અને આંતરિક સુરક્ષા માટે કાર્ય કરનાર તમામ બાહોશ અધિકારીઓનું સન્માન છે. આ સન્માન એ સંદેશ આપે છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત રાજનીતિને બદલે સત્ય અને પારદર્શિતાને મહત્ત્વ આપતા અધિકારીઓ આજે પણ છે.
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...