જો આ માત્ર ૨૨ KM નો રસ્તો બંધ થાય તો ઉત્તર-પૂર્વ ભારત દેશથી અલગ થઈ જશે! જાણો શું છે 'ચિકનનેક' કોરિડોર?

ચિકનનેક એ ભારતના નકશા પરનો એક સાવ નાનો સરખો ભાગ છે, જેને દેશની રણનીતિક જીવન રેખા (ધોરી નસ) કહેવામાં આવે છે.

    ૦૪-જુલાઇ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

ચિકનનેક
 
 
ચિકનનેક : પૂર્વોત્તર ભારતની જીવનરેખા
 
રાષ્ટ્રનાયક અને પરાક્રમના પ્રતીક નેતાજી સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા વગર કોઈપણ દેશ વિકાસના પથ પર આગળ વધી શકતો નથી. સત્તાનું કામ માત્ર શાસન કરવાનું નથી, પરંતુ નાગરિકોની અંદર આત્મબળ અને સુરક્ષાની ભાવના જગાડવાનું પણ છે.’ નેતાજી દ્વારા ચીંધેલા આ જ પથ પર પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારે વધુ એક ડગલું ભર્યું છે. આ ડગલું જોડાયેલું છે ભારતના મહત્ત્વપૂર્ણ ચિકનનેક કોરિડોર સાથે.
 
સુવેન્દુ સરકારે બંગાળની સરહદોની સુરક્ષા કરનારી BSFને ૬૦૦ હેકટર જમીન આપી છે. આ જમીન સાથે ચિકનનેક કોરિડોરનો લગભગ ૧૨૦ હેકટેર સંવેદનશીલ વિસ્તાર પણ સોંપવામાં આવ્યો છે. એટલે કે હવે પશ્ચિમ બંગાળની બાકી સરહદોની જેમ ચિકનનેક પણ BSFને તારબંધી કરવાની મંજૂરી મળી ગઈ છે.
 
શું છે ચિકનનેક?
 
ચિકનનેક એ ભારતના નકશા પરનો એક સાવ નાનો સરખો ભાગ છે, જેને દેશની રણનીતિક જીવન રેખા (ધોરી નસ) કહેવામાં આવે છે. આ વિસ્તારને ચિકનનેક એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, ભૌગોલિક રૂપે તેનો આકાર મરઘીની ડોક જેવો પાતળો છે. આ વિસ્તાર પશ્ચિમ બંગાળના ઉત્તરી ભાગમાં દાર્જિલિંગ અને જલપાઈગુડી પાસે આવેલો છે. લગભગ ૬૦ કિ.મી. લાંબા આ સમગ્ર વિસ્તારની સૌથી સાંકડી જગ્યા માત્ર ૨૦ થી ૨૨ કિલોમીટર પહોળી છે. આકારમાં નાનો હોવા છતાં આ વિસ્તાર ભારતનો સૌથી સંવેદનશીલ ભૂભાગ છે.
 
ભૌગોલિક દૃષ્ટિએ આ વિસ્તાર ભારત માટે કરોડરજ્જુ સમાન છે, કારણ કે, તે એક માત્ર જમીની માર્ગ છે, જે ભારતને આપણા આઠ ઉત્તર-પૂર્વી રાજ્યો આસામ, અરુણાંચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાને
જોડે છે. એટલે જો ક્યારેય આ સાંકડા રસ્તા પર કોઈ સંકટ આવે તો, ઉત્તર પૂર્વનાં આઠેય રાજ્યોનો સંપર્ક દેશના મુખ્ય ભૂભાગ સાથે સંપૂર્ણ રીતે કપાઈ શકે છે.
 
આ જ કારણસર ૨૦૨૦માં દિલ્લીમાં થયેલા હિન્દુવિરોધી રમખાણોના આરોપી શરજીલ ઈમામે અહીંના મુસ્લિમોને ઉશ્કેરતાં કહ્યું હતું કે, જો પાંચ લાખ મુસલમાન પણ એકઠા થઈ જાય તો ચિકનનેક બંધ કરી ભારતને નોર્થ ઇસ્ટના રાજ્યોને પૂરી રીતે કાપી શકાય છે. શરજીલ ઈમામે આવી શેખી એટલા માટે મારી હતી કે, આ વિસ્તાર મુસ્લિમ ઘૂસણખોરીને કારણે મુસ્લિમ બહુમતીવાળો બની ગયો છે.
 
આંતરરાષ્ટ્રીય સરહદો
 
સિલીગુડી કોરિડોર (ચિકનનેક) માત્ર આંતરિક રૂપથી જ મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય સરહદો તેને અતિ સંવેદનશીલ બનાવી દે છે. આ વિસ્તાર નેપાળ અને બાંગ્લાદેશની સરહદોથી ઘેરાયેલો છે. આ સાથે જ સિક્કિમ અને ચીનની ચુંબી વેલી સહિત ભુટાનનું ડોકલામ ટ્રાઈ-જંક્શન પણ તેની ખૂબ જ નજીક છે. મહત્ત્વની વાત એ છે કે, ચિકનનેક અને ચીનની ચુંબી ઘાટી વચ્ચે માત્ર ૧૩૦ કિલોમીટરનું જ અંતર છે અને ચુંબી ઘાટીમાં ચીને મોટી સેના ગોઠવી રાખી છે, જે ભારત માટે વધુ ખતરો છે. ચિકનનેકની તારબંધી માત્ર ચીન જ નહીં બલ્કે બાંગ્લાદેશી ઘૂસણખોરી અટકાવવા માટે પણ ખૂબ જરૂરી છે. ચિકનનેકનો એક ભાગ બાંગ્લાદેશની સરહદને પણ સ્પર્શતો હોવાથી ત્યાં ઘૂસણખોરો મોટો પડકાર બની રહ્યા છે. આ કોરિડોરમાં દાર્જિલિંગ જિલ્લાનું ફાંસીદેવા આવે છે. જે બાંગ્લાદેશ સરહદથી ખૂબ જ નજીક છે. ઘૂસણખોરો અહીંથી જ ઉત્તરી બંગાળ થઈને આસામ, મિઝોરમ અને મેઘાલય જેવાં રાજ્યો સુધી પહોંચી જાય છે.
 
આ બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ચિકનનેકના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો પણ ત્રાસી ગયા છે. આ લોકો ચોખ્ખેચોખ્ખું કહી રહ્યા છે કે, અહીં તારબંદી જ અમને ઘૂસણખોરોથી બચાવી શકે તેમ છે. સીમાના સુરક્ષાકવચ એટલે કે, તારબંદીના નિર્ણયથી અહીં સરહદ પર રહેતાં લોકોને પણ રાષ્ટ્રભાવનાથી ભરી દીધા છે. કૂચબિહારના ‘સતગ્રામ મનાબાડી’માં ખેડૂતો સ્વેચ્છાએ તારબંદી માટે પોતાની જમીનો દાનમાં આપી રહ્યા છે. સ્થાનિકો કહે છે કે, રાષ્ટ્રની સુરક્ષાનો પ્રશ્ન હોય ત્યાં વ્યક્તિગત હિત ન જોવાય. સરહદ પર તારબંદી હશે તો અમારી સુરક્ષા પણ મજબૂત બનશે. પહેલાં ફેન્સિંગ ન હોવાને કારણે ઘૂસણખોરો, તસ્કરી અને ખેતી પર સતત બાંગ્લાદેશી ઘૂસણખોરોનું સંકટ તોળાતું રહેતું હતું. બાંગ્લાદેશી ઘૂસણખોરો રાત્રે સરહદ ઓળંગી તેમનાં પાલતું પશુઓ પણ ચોરી જતા હતા. પરંતુ તારબંદી થતાં આ સમસ્યામાંથી કાયમી છુટકારો મળી જશે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...