કોઈપણ સાર્વભૌમ અને સ્વતંત્ર રાષ્ટ્ર માટે તેના પોતાના કાયદા, સામાજિક તાણાવાણા અને સાંસ્કૃતિક ઓળખ એ જ તેની ખરી તાકાત હોય છે. પણ જ્યારે સાત સમંદર પાર બેઠેલી કોઈ વિદેશી સંસ્થા, જેનું પોતાનું અસ્તિત્વ જ શંકાસ્પદ અને એજન્ડા-ડ્રિવન હોય, તે ભારતની આંતરિક બાબતોમાં માથું મારે અને આપણાં રાષ્ટ્રીય સંગઠનો પર પ્રતિબંધની માંગ કરે ત્યારે તેનો જડબાતોડ જવાબ આપવો અનિવાર્ય બની જાય છે. આવો જ એક નફ્ફટ અને દુસ્સાહસી પ્રયાસ અમેરિકાની કહેવાતી ધાર્મિક સ્વતંત્રતાની રખેવાળ સંસ્થા યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) દ્વારા કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ. પૂ. સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત આગામી ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬થી અમેરિકા, કેનેડા અને બ્રિટનના પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ૨૯ ઓગસ્ટે ન્યૂયોર્કમાં ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન્સ’માં પણ ભાગ લેવાના છે. પરંતુ આ સમાચાર સાંભળતાં જ અમેરિકામાં બેઠેલી ભારત-વિરોધી, પાકિસ્તાન-પરસ્ત અને હિન્દુ-વિરોધી લૉબીના પેટમાં એવું તેલ રેડાયું છે કે, તેમણે ડૉ. ભાગવતજીની મુલાકાત રોકવા અને RSS પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવાની ગેરવાજબી માંગણીઓ શરૂ કરી દીધી છે. USCIRFના અધ્યક્ષ આસિફ મહેમૂદ અને કમિશનર જીન મિલ્સે તો ત્યાં સુધી ઝેર ઓક્યું કે, અમેરિકી સરકારે ડૉ. ભાગવતજીને કોઈ રાજદ્વારી સન્માન ન આપવું જોઈએ અને RSSના નેતાઓ સાથે કોઈ ઉચ્ચ સ્તરીય બેઠકો ન કરવી જોઈએ! સવાલ એ થાય છે કે એક સદીથી દેશમાં રાષ્ટ્રનિર્માણ અને સેવાકાર્યો કરનારા ભારતના વિરાટ સ્વયંસેવી સંગઠનથી આ વિદેશી બાબુઓને આટલો બધો ડર કેમ લાગી રહ્યો છે? આવો, આ આખા ષડયંત્રનું પોસ્ટમોર્ટમ કરીએ.
USCIRFનું પાકિસ્તાની કનેક્શન અને એજન્ડા
સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ USCIRF છે કઈ બલા? આ કોઈ અમેરિકાનું વિદેશ મંત્રાલય કે ગુપ્તચર સંસ્થા નથી. આ માત્ર એક સલાહકાર સમિતિ છે, જેમાં લોકોની નિમણૂકો રાજકીય વગથી થાય છે. આ સંસ્થા ઘણાં વર્ષોથી ભારતને ‘કન્ટ્રી ઓફ પર્ટિક્યુલર કન્સર્ન’ (CPC) એટલે કે ‘વિશેષ ચિંતાજનક દેશ’ જાહેર કરવાની ભલામણો કરી રહી છે. અને અત્યારે આ ભારત-વિરોધી ટોળકીનો બોસ આસિફ મહેમૂદ છે. આ કલાકાર મૂળ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખારિયાં ગામમાં જન્મેલ છે. ૨૦૧૯માં ભારતે જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી ત્યારે આ જ આસિફ મહેમૂદે પાકિસ્તાની અને કાશ્મીરી લૉબીઓને ભેગી કરીને અમેરિકન કોંગ્રેસમાં ભારત વિરુદ્ધ જોરદાર લોબિંગ કર્યું હતું, RSS વિરુદ્ધ અને શ્રી રામમંદિરના નિર્માણ વિરુદ્ધ છાતીફાટ રૂદન કરીને ભારતની લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા પર સવાલો ઉઠાવ્યા હતા. હવે તમે જ કહો, જેનાં મૂળિયાં પાકિસ્તાનમાં હોય અને જેનું આખું કરિયર જ ભારતની બદનામી પર ચાલતું હોય, એવો માણસ RSS વિશે કદી સારું બોલે ખરો?
ઇવેન્જિલિકલ લૉબી અને ધર્માંતરણનો બિઝનેસ
હવે વાત કરીએ આ ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે તેની તો આ ષડયંત્રમાં માત્ર પાકિસ્તાનીઓ જ નથી, પણ અમેરિકાની કટ્ટરપંથી ઇવેન્જિલિકલ (ખ્રિસ્તી ધર્મપ્રચારક) લૉબીનો પણ મોટો હાથ છે.
USCIRFના કમિશનરો મોટેભાગે એવાં રૂઢિચુસ્ત ચર્ચજૂથો સાથે સંકળાયેલા છે, જેમનો એકમાત્ર એજન્ડા ગરીબ દેશોમાં ઈસાઈ ધર્માંતરણને પ્રોત્સાહન આપવાનો છે. ભારતમાં કેન્દ્ર સરકારે FCRA (વિદેશી ફંડિંગ નિયમન કાયદો) કડક બનાવ્યો છે એના કારણે ‘કમ્પેશન ઇન્ટરનેશનલ’ જેવી અનેક અમેરિકન ઈસાઈ સંસ્થાઓનાં શટર પડી ગયાં, જેઓ સેવાના નામે ધર્માંતરણનો ગોરખધંધો ચલાવતી હતી. સેવાના નામે લોકો પાસેથી લીધેલ નાણાંની ભાગબટાઈ થતી હતી.
ઉપરાંત, ભારતનાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને ઉત્તરાખંડ જેવાં રાજ્યોએ પણ છેતરપિંડી કે લાલચથી થતા ધર્માંતરણ વિરુદ્ધ કડક કાયદાઓ બનાવ્યા છે, એના કારણે પશ્ચિમની આ ધર્માંતરણ માફિયા લૉબીને બહુ મોટો ફટકો પડ્યો છે. RSS હંમેશાં સનાતન ધર્મની રક્ષા અને ઘરવાપસીને આવકારતું રહ્યું છે. એટલે જ, પોતાના ધર્માંતરણના બિઝનેસને બચાવવા માટે આ વિદેશી તાકાતો USCIRFનો માઇક્રોફોન તરીકે ઉપયોગ કરીને RSSને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહી છે.
ભારત-વિરોધી ગઠબંધનઃ CAIR અને IAMCનો સાથ
USCIRFના આ કાળા મનસૂબાઓને અમેરિકામાં બેઠેલાં કટ્ટરપંથી મુસ્લિમ સંગઠનો સીધો ટેકો આપી રહ્યાં છે. હિન્દુ સંગઠન હિન્દુ પેક્ટએ સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે, આ ભારત-વિરોધી અભિયાનને CAIR, ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (IAMC) અને હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સ (HFHR) જેવાં સંગઠનોનું પીઠબળ છે. આ એ જ CAIR છે જેને ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે મુસ્લિમ બ્રધરહૂડ સાથેના તેના જોડાણને કારણે આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું હતું. જ્યારે અમેરિકામાં હિન્દુ મંદિરો પર હુમલા થાય છે કે તોડફોડ થાય છે, ત્યારે આ USCIRF અને CAIRનાં મોઢાં સિવાઈ જાય છે. પરંતુ જ્યારે ભારતના એક રાષ્ટ્રીય સંગઠનના વડા અમેરિકાની મુલાકાતે આવે છે ત્યારે તેમને માનવાધિકારનાં ભાષણો યાદ આવે છે.
યાદ રહે... ભારત કોઈના બાપની જાગીર નથી
RSS, એ માત્ર એક સંગઠન નથી, તે ભારતીય સમાજને એકતાના તાંતણે બાંધનારી શક્તિ છે. કોરોના-કાળ હોય, કુદરતી આપત્તિ હોય કે સરહદની સુરક્ષા, કોઈ પણ આપત્તિની ઘડીમાં સરકાર સાથે સાથે સંઘનો સ્વયંસેવક પણ સેવા કરતો ઊભો હોય છે. સંઘ શતાબ્દી વર્ષમાં પ્રવેશી ચૂક્યો છે અને ભારતની સાંસ્કૃતિક પુનઃજાગૃતિમાં તેનો સિંહફાળો છે.
અમેરિકા ભલે પોતાને દુનિયાનો દાદા માનતું હોય, પણ ભારતે એ સ્પષ્ટ કરી દીધું છે કે, અમેરિકાના કોઈ પોકળ આયોગના સર્ટિફિકેટની અમને જરૂર નથી. જો USCIRFને એટલી જ માનવાધિકારની ચિંતા હોય, તો પહેલાં પોતાના દેશમાં હિન્દુ મંદિરો પર થતા હુમલાઓ અને હિન્દુઓ વિરુદ્ધ વધતી અસહિષ્ણુતા રોકાવે. આ લેખ છપાવા જઈ રહ્યો છે ત્યારે ડૉ. ભાગવતજી યાત્રા પર નીકળી ગયા હશે. અર્થાત્ ડૉ. મોહનજી ભાગવતની અમેરિકા યાત્રા રોકાવાની નથી અને ભારતનો સાંસ્કૃતિક પ્રભાવ કોઈ પાકિસ્તાની કે ઇવેન્જિલિકલ લૉબીના કહેવાથી ઓછો થવાનો નથી. આ નવું ભારત છે, જે આંખમાં આંખ નાખીને જવાબ આપતાં શીખી ગયું છે. જય હિન્દ!
વિદેશ મંત્રાલયનો સણસણતો જવાબ, ‘આ સંસ્થા કોઈ શાખ ધરાવતી નથી!’
USCIRFના આ પાયાવિહોણા અને બાલિશ નિવેદનો સામે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે અત્યંત કડક શબ્દોમાં વળતો પ્રહાર કરતાં કહ્યું છે કે, ‘આપણે સૌ જાણીએ છીએ કે જે સંગઠનની વાત થઈ રહી છે, તે સંપૂર્ણપણે પક્ષપાતી છે. વર્ષોથી તે ભારત વિશે અપમાનજનક અને ઉશ્કેરણીજનક વાતો કરતું આવ્યું છે. આ સંસ્થા પોતાના એજન્ડા હેઠળ કામ કરે છે અને તેની કોઈ વિશ્વસનીયતા કે શાખ બચી નથી. આપણે આવાં સંગઠનોથી દૂર રહેવું જોઈએ.’
હિન્દુ પેક્ટનો હુંકાર અને આતંકી સંગઠનોનો પર્દાફાશ
અમેરિકામાં સક્રિય હિન્દુ સંગઠન હિન્દુ પેક્ટએ USCIRFની આ ભારત-વિરોધી ઝુંબેશની આકરી નિંદા કરી છે. હિન્દુ પેક્ટના સ્થાપક અજય શાહે સ્પષ્ટ કહ્યું છે કે, ‘USCIRFના અધ્યક્ષ કોઈ બહુમતીવાદી કમિશનના વડા ઓછા અને કટ્ટર હિન્દુ-વિરોધી વકીલ વધારે લાગે છે.’ હિન્દુ પેક્ટે ચેતવણી આપી છે કે અમેરિકન હિન્દુઓ પોતાના ટેક્સના પૈસાથી ચાલતી કોઈ સંસ્થાનો હિન્દુ ધર્મ અને ભારત વિરુદ્ધ થતો દુરુપયોગ ચલાવી લેશે નહીં.