આજના સમયમાં મોટાભાગની ફિલ્મો ૩૦૦-૪૦૦ કરોડના બજેટ, આઈટમ સોંગ્સ, હિંસા, ગાળો અને વિવાદો વગર થિયેટરનાં પગથિયાં નથી ચડી શકતી, ત્યારે એક એવી ફિલ્મ આવી છે જેણે સિનેમાના તમામ વ્યાપારી ગણિતોને ઊંધા પાડી દીધાં છે. ફિલ્મનું નામ છે - ‘હનુમાન અંશ’. સૌથી પહેલાં તો એ નોંધવું જ રહ્યું કે, આ ફિલ્મના નિર્માણમાં મહિલાઓનો સિંહફાળો છે. રાગિણી એસ., નમ્રતાજી. સિંહ અને અનુપ્રિયા એ. નાગર જેવી મહિલા પ્રોડ્યુસરોએ ડૉ. વિશાળ ચતુર્વેદી સાથે મળીને સાહસ ખેડ્યું છે. ૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ માત્ર ૨ કરોડ રૂપિયાના સાવ મામૂલી બજેટમાં બની છે. છતાં, અત્યાર સુધીમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૦૦(+)કરોડ રૂપિયાનો તોતિંગ વકરો કરી સિનેમાજગતનાં મૂળિયાં હચમચાવી દીધાં છે.
આ ૧૫૦ મિનિટની ફિલ્મ ડૉ. વિશાલ ચતુર્વેદીના પુસ્તક ‘ડિવાઇન ડિટોર : ધેટ ચેન્જ્ડ માય લાઇફ’ પર આધારિત છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર પણ વિશાલ ચતુર્વેદી જ છે, જેમણે લગભગ ૨૦ વર્ષ સુધી આ વિષય પર રિસર્ચ કર્યું હતું. શરૂઆતમાં આટલા ઊંડા અને આધ્યાત્મિક વિષય પર કોઈ પૈસા લગાવવા તૈયાર નહોતું. અંતે, મહિલા નિર્માતાઓ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પીયૂષ ઠાકુરનો સાથ મળ્યો અને એક વર્ષના ટૂંકા ગાળામાં આ ફિલ્મ તૈયાર થઈ.
ફિલ્મમાં મુખ્ય ભૂમિકા, એટલે કે ‘નીમ કરોલી બાબા’નું પાત્ર લખનૌના યુવાન કલાકાર શોભિનવ સત્યાએ ભજવ્યું છે (જ્યારે બાબાના અન્ય તબક્કા માટે વિહાન શેડગે પણ છે).
કોણ હતા અસલી નીમ કરોલી બાબા?
આ ફિલ્મ જેના જીવન પર આધારિત છે, તે અસલી ‘નીમ કરોલી બાબા’ એક સંત અને ભારતવર્ષના એક અદ્ભુત આધ્યાત્મિક પુરુષ હતા. તેમનો જન્મ ૧૯૦૦ની આસપાસ ઉત્તર પ્રદેશના અકબરપુર ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ લક્ષ્મી નારાયણ શર્મા હતું. તેઓ ભગવાન હનુમાનજીના પરમ ભક્ત હતા અને લોકો તેમને હનુમાનજીનો અંશ માનતા હતા. અત્યંત સાદું જીવન, કાયમ ધાબળો ઓઢીને બેસવું અને કોઈ આડંબર નહીં, આ તેમની ઓળખ હતી. ૧૧ સપ્ટેમ્બર, ૧૯૭૩ના રોજ વૃંદાવનમાં તેમણે દેહત્યાગ કર્યો હતો. ઉત્તરાખંડના કૈંચી ધામમાં તેમનો આશ્રમ આજે પણ લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.
માર્ક ઝકરબર્ગથી લઈને સ્ટીવ જોબ્સ સુધીના ભક્તો!
નીમ કરોલી બાબાની આધ્યાત્મિક ઊર્જા માત્ર ભારતીયો પૂરતી સીમિત નહોતી. પશ્ચિમના દેશોના મોટા-મોટા દિગ્ગજો તેમની પાસે શાંતિ અને માર્ગદર્શન શોધવા આવતા. એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ જ્યારે યુવાનીમાં જીવનની દિશા શોધતા હતા ત્યારે તેઓ ભારત આવ્યા હતા અને નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, જ્યારે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ખુદ સ્ટીવ જોબ્સે તેમને કૈંચી ધામ જવાની સલાહ આપી હતી અને ઝકરબર્ગ ત્યાં આવ્યા પણ હતા. આ સિવાય હોલીવુડની જાણીતી અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ પણ બાબાની પરમ ભક્ત બની ગઈ હતી.
જ્યારે ટ્રેન રોકાઈ ગઈ!
બાબાના જીવન સાથે જોડાયેલા અનેક ચમત્કારોની વાતો આજે પણ લોકોના હૈયે વસેલી છે, જેમાંથી ઘણા પ્રસંગો ફિલ્મોમાં પણ વણી લેવાયા છે. એક અત્યંત પ્રચલિત પ્રસંગ મુજબ, એકવાર બાબા ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા, પણ તેમની પાસે ટિકિટ નહોતી. ટિકિટ ચેકરે અહંકારમાં આવીને તેમને ‘નીમ કરોલી’ નામના સ્ટેશન પર ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દીધા. બાબા તો શાંતિથી પ્લેટફોર્મ પર બેસી ગયા, પણ ચમત્કાર જુઓ, ટ્રેનનું એન્જિન જ ચાલુ ન થયું. એન્જિનિયરોએ માથું પછાડ્યું, પણ ટ્રેન એક ઇંચ પણ ન ખસી. અંતે, રેલવેના અધિકારીઓને બાબાની માફી માંગવી પડી અને તેમને સન્માનપૂર્વક ટ્રેનમાં પાછા બેસાડવામાં આવ્યા. જેવો બાબાએ ટ્રેનમાં પગ મૂક્યો, કે તરત જ એન્જિન ચાલુ થઈ ગયું. આવા તો અનેક પ્રસંગો છે જે તેમની દિવ્યતાની સાક્ષી પૂરે છે. અને કહેવાય છે કે આ પછી તેમનું નામ નીમ કરોલી બાબા પડ્યું.
થિયેટરોમાં સર્જાયો ચમત્કાર
ફિલ્મ ‘હનુમાન અંશ’ની સફર પણ બાબાના કોઈ ચમત્કારથી કમ નથી. ૭ ઓગસ્ટના રોજ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પ્રીમિયર માટે પણ મેકર્સ પાસે પૈસા નહોતા. પહેલા દિવસે ફિલ્મે માંડ ૧૦ લાખ રૂપિયા કમાયા. પહેલા અઠવાડિયામાં માત્ર ૮૦ લાખનું કલેક્શન! બીજા અઠવાડિયામાં તો થિયેટરો ખાલી પડવા લાગ્યાં. બધાને લાગ્યું કે ફિલ્મ પિટાઈ ગઈ. પણ પછી શરૂ થયો બાબાનો ચમત્કાર.
ત્રીજા અઠવાડિયે ‘વર્ડ ઓફ માઉથ’નું એવું વાવાઝોડું આવ્યું કે જે થિયેટર માલિકો ફિલ્મ ઉતારવાનું વિચારતા હતા, તેમણે શૉઝ વધારવા પડ્યા. માત્ર ૨૫ થિયેટરોમાં ચાલતી આ ફિલ્મ અચાનક ૫૦૦૦થી વધુ સ્ક્રીન્સ પર હાઉસફુલ જવા લાગી. માટે આ ફિલ્મ વિશે કહેવાય છે કે, જ્યારે શ્રદ્ધા બોક્સ ઓફિસનાં સમીકરણો તોડી નાંખે છે ત્યારે સર્જાય છે - ‘હનુમાન અંશ’