ભારતનું સમૃદ્ધ નકશા વિજ્ઞાન
હમણાં યુ.એન.માં ૪૫૭ વર્ષ જૂના ‘મર્કેટર નકશા’ને સુધારવા ‘કરેક્ટ ધ મેપ’નો ઠરાવ લાવવો પડ્યો. એટલે કે નકશો બન્યાના છેક સાડા ચાર સદીથી વધારેનો સમય વીત્યા બાદ યુ.એન. અને વિશ્વને લાગ્યું કે, ભાઈ આપણે તો સદીઓથી વિશ્વના ખોટા નકશાના ભ્રમમાં જીવી રહ્યા છીએ. આપણે જે નકશાને વિશ્વની સાચી ભૂગોળ માની રહ્યા છીએ તેમાં તો ગરબડ છે. ખેર, નવો નકશો જાહેર થયા બાદ, થોડા ઘણા વિવાદ પણ થાય એ સ્વાભાવિક છે. પરંતુ અહીં વાત વિવાદોની નથી કરવી. વાત ભારતના પરંપરાગત વિજ્ઞાનની કરવી છે, કારણ કે એવું અનેક વખત સાબિત થઈ ચૂક્યું છે કે, જ્યાં પશ્ચિમની કલ્પનાઓ અટકે છે ત્યાંથી ભારતનું વિજ્ઞાન શરૂ થાય છે. આ પરંપરાનું એક રસપ્રદ પ્રતીક ગુજરાતના સોમનાથ મંદિરનો બાણસ્તંભ છે. છઠ્ઠી સદી કરતાં પણ પ્રાચીન સોમનાથના બાણ પર કોતરાયેલું છે કે, आसमुद्रांत दक्षिण ध्रुव पर्यंत अबाधित ज्योर्तिमार्ग એટલે કે સોમનાથથી છેક દક્ષિણ ધ્રુવ સુધી સીધી લીટીમાં જમીનનો એક પણ ટુકડો નથી. અને આજના આધુનિક સેટેલાઇટ પણ આ વાતને સો ટકા સાચી સાબિત કરે છે.
મહાભારતના ભીષ્મ પર્વમાં પણ પ્રાચીન ભારતનું વ્યાપક ભૂગોળીય વિશ્વદર્શન જોવા મળે છે. જંબૂખંડ વિનિર્માણ પર્વના વર્ણનમાં સંજય પૃથ્વીના પ્રદેશો પર્વતો અને દિશાઓનું વર્ણન કરે છે.
सुदर्शनं प्रवक्ष्यामि द्वीपं तु कुरुनन्दन।
परिमण्डलो महाराज द्वीपोऽसौ चक्रसंस्थितः॥
यथा हि पुरुषः पश्येदादर्शे मुखमात्मनः।
एवं सुदर्शनद्वीपो दृश्यते चन्द्रमण्डले॥
द्विरंशे पिप्पलस्तत्र द्विरंशे च शशो महान्।।
એટલે કે, હે કુરુનંદન, સુદર્શન નામનો આ દ્વીપ એટલે કે, પૃથ્વી ગોળાકાર છે. જેમ માનવ શીશામાં પોતાનો ચહેરો જુએ છે, તે જ રીતે તે ચંદ્ર મંડળ પર દેખાય છે. આ દ્વીપના ચાર ભાગ છે. જેમાં બે ભાગ પીપળાના પાનની આકૃતિ જેવા દેખાય છે અને બાકીના બે ભાગ સસલાના આકાર જેવા દેખાય છે.
આ નકશાને ભલે કેટલાક લોકો વિશ્વના નકશા સાથે સરખાવતાં ખચકાય, પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે પ્રાચીન ભારતના ચિંતનમાં પૃથ્વીને માત્ર પોતાના ગામ, રાજ્ય કે પ્રદેશ સુધી મર્યાદિત કરી જોવામાં આવતી ન હતી. પર્વતો, સમુદ્રો, દિશાઓ અને વિવિધ પ્રદેશોને જોડી સમગ્ર ભૂમિને સામે રાખીને એક વિશાળ માનસિક ભૂગોળ રચવામાં આવી હતી. ભારતની આ જ પરંપરાએ આગળ ગણિત અને ખગોળ વિજ્ઞાનમાં વધુ વૈજ્ઞાનિક સ્વરૂપ ધારણ કર્યું. દુનિયા જ્યારે પૃથ્વીને સપાટ અને ચપટી માનતી હતી (કેટલાક અવૈજ્ઞાનિક સંપ્રદાયો-પંથો આજે પણ ચપટી માની રહ્યા છે) ત્યારે ઈ.સ. ૫૦૦માં આર્યભટ્ટે પૃથ્વીનો વ્યાસ ગણીને કહી દીધું હતું કે, પૃથ્વી ગોળ છે. લોથલના બંદરેથી છેક જાપાન સુધી દરિયો ખેડનારા પ્રાચીન ભારતીય સાહસિકો પાસે સદીઓ પહેલાં અદ્યતન નકશાઓ હતા. આ જ ભારતીય નકશા વિજ્ઞાનની શ્રેષ્ઠતા સાબિત કરે છે. નકશો માત્ર રેખાઓ દોરવાથી નથી બનતો. તેના માટે પૃથ્વીનું સ્વરૂપ, દિશાઓ, અંતર, ખગોળીય સ્થિતિ અને ભૂગોળનું જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. અને ભારતની પ્રાચીન પરંપરામાં આ બધાં જ્ઞાનક્ષેત્રો એકબીજા સાથે જોડાયેલાં હતાં.
સોમનાથનો બાણસ્તંભ, મહાભારતનું વર્ણન અને આર્યભટ્ટની ગણિતીય ખગોળ પરંપરા, આ ત્રણેયનો સંગમ ભારતીય શ્રેષ્ઠ જ્ઞાન પરંપરાનું એક સુંદર ચિત્ર બનાવી સાબિત કરે છે કે, ભારતના ઋષિ-મુનિઓ માત્ર ધ્યાનમાં બેઠેલા સાધક ન હતા; તે આકાશને સમજતા ખગોળવિદ, અંતર માપતા ગણિતજ્ઞ, દિશાઓ સમજતા ભૂગોળવિદ અને સમુદ્રના માર્ગો ઓળખતા જ્ઞાનસાધક પણ હતા. ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક પરંપરા અંધશ્રદ્ધા અને કથાઓની પરંપરા નહોતી; તેમાં આકાશને સમજવાની, પૃથ્વીને માપવાની અને સમુદ્રમાર્ગો શોધવાની ગંભીર જ્ઞાનસાધના પણ હતી.