ચીન આફ્રિકા-એશિયાના ઘણા દેશોને સાવ ખાઈ જશે

    ૦૫-ઓક્ટોબર-૨૦૧૮   

 

ભારતીય લશ્કરના વડા જનરલ બિપિન રાવતે ચીનની મદદથી હરખાતા વિશ્ર્વના દેશોને ચીનની મેલી મુરાદ વિશે ચેતવણી આપી છે. ત્યારે ચીને એશિયાથી માંડી છેક દક્ષિણ અમેરિકન દેશોને પોતાના સાણસામાં લેવાનું શરૂ કર્યું છે, પ્રસ્તુત છે આ અંગે વિશેષ અહેવાલ...

 
ભારતીય લશ્કરના વડા જનરલ બિપિન રાવત લાંબા સમયથી ચીનના મુદ્દે આપણને ચેતવણી આપ્યા જ કરે છે. ચીનના લશ્કરની હરકતો વિશે એ સતત બોલ્યા જ કરે છે ને સાથે સાથે ચીનને દાબમાં રાખવા એવી ચીમકી પણ આપી દે છે કે, ચીનનું લશ્કર ભારતને ઓછું ના આંકે. ચીનને આ કારણે જનરલ રાવત ગમતા નથી. ચીનની સરકારના વાજિંત્ર જેવા અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં જનરલ રાવત વિરુદ્ધ આખો લેખ આવેલો. ભારતીય લશ્કર અહંકારી છે અને જનરલ રાવત ભારત-ચીનના સંબંધો બગાડવા મથે છે તેવા આક્ષેપો તેમાં કરાયેલા.
 
જનરલ રાવતને તેનાથી કોઈ ફરક નથી પડ્યો ને તેમણે પોતાની ફરજ બજાવવાનું ચાલુ રાખીને ચીનના ઇરાદા વિશે બોલવાનું ચાલુ રાખ્યું છે. હમણાં પૂણેમાં બિમ્સ ટેક સૈન્ય અભ્યાસ ૧૮ના સમાપન સમારોહમાં જનરલ રાવતે ફરી એક વાર ચીનને આડે હાથ લીધું ને સાથે સાથે ચીનન સોડમાં ભરાઈને બેઠેલા દેશોને પણ ચેતવી દીધા. ચીનની મદદથી અત્યારે તાગડધિન્ના કરતા દેશોને ચેતવણી આપતાં લશ્કરના વડા જનરલ બિપિન રાવતે સાફ શબ્દોમાં કહ્યું કે, જે દેશોએ ચીન પાસેથી આર્થિક મદદ લીધી છે અને તેના જોરે કૂદાકૂદ કરી રહ્યા છે તેમને ટૂંક સમયમાં જ અહેસાસ થશે કે કંઈ પણ મફતમાં મળતું નથી. નો લંચ ઈઝ ફ્રી.

ચીન કશું જ મફતમાં આપતું નથી

હાલમાં જ નેપાળ અને ચીનના સબંધો ગાઢ બન્યા છે. નેપાળ વરસો જૂના સાથી ભારતને કોરાણે મૂકીને ચીનની સોડમાં ભરાઈ રહ્યું છે ને તેના કારણે ભારતની સુરક્ષા પર ખતરો પેદા થયો જ છે. આ અંગે પુછાયેલા સવાલના જવાબમાં જનરલ રાવતે કહ્યું કે, આર્થિક વિકાસ કરવા માગતો કોઈ પણ દેશ દ્વીપક્ષીય કે બહુપક્ષીય સહયોગના માર્ગ શોધે ને તેમાં કશું ખોટું નથી. અત્યારે ચીનની પાસે પૈસા છે અને તે છૂટા હાથે ખર્ચ કરી રહ્યું છે પણ જે દેશો ચીનની મદદ લઈ રહ્યા છે, તેમને થોડા સમયમાં જ સમજાઈ જશે કે કંઈ પણ મફતમાં મળતું નથી. જનરલ રાવતે તો ત્યાં સુધી કહ્યું કે, આ રીતે લાલચમાં બંધાતા સબંધ કાયમી નથી હોતા. વૈશ્ર્વિક સામાજિક-આર્થિક સ્થિતિ બદલાય તે મુજબ આ સબંધ પણ બદલાઈ જશે. જનરલ રાવતે અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોનું ઉદાહરણ પણ આપ્યું. બંને વચ્ચે એક સમયે અત્યંત ગાઢ મિત્રતા હતી ને પાકિસ્તાનનાં બધાં પાપો પર અમેરિકા ઢાંકપિછોડો કરતું. અત્યારે બંને વચ્ચે કૂતરાં-બિલાડાં જેવી લડાઈ ચાલે છે ને બંને એકબીજા સામે ઘૂરકિયાં જ કરતાં રહે છે. રાવતે એમ પણ કહ્યું કે, આવા કામચલાઉ ને બટકણા સંબંધોથી આપણે ચિંતા કરવાની જરૂર નથી પણ આપણે આપણા અર્થતંત્રને મજબૂત બનાવવું પડે કે જેથી ગમે તે સ્થિતિને પહોંચી વળાય.
જનરલ રાવતે જે વાત કહી છે તે એકદમ વ્યાજબી છે અને સમયસરની પણ છે. ચીનની માનસિકતા પહેલેથી બીજાનું હડપ કરવાની છે અને આપણને તો તેનો પરચો બહુ સારી રીતે મળી ગયેલો છે. અત્યારે ચીન આર્થિક સંબંધો વધારવાના નામે જે ઉદારતા બતાવી રહ્યું છે તેની પાછળનો ઉદ્દેશ પણ અંતે તો એ જ છે. વરસો પહેલાં બ્રિટન વેપાર અને આર્થિક હિતોના બહાને ઘૂસણખોરી કરતું ને પછી એ દેશ પર કબજો કરીને જ બેસી જતું. ચીન પણ અત્યારે એ જ રમત કરી રહ્યું છે ને કમનસીબી એ છે કે, ચીનની આ રમતને સમજ્યા વિના દેશો તેની જાળમાં ફસાતા જાય છે.

એશિયા-આફ્રિકાના દેશો પર ચીનનો ડોળો

ચીને એશિયા અને આફ્રિકાના દેશો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે કેમ કે આ બંને ખંડોના મોટા ભાગના દેશોમાં બહુ વિકાસ નથી ને ભારે ગરીબી છે. આ બંને ખંડના ૨૦ જેટલા દેશો ચીનની વાતોમાં આવી ગયા છે ને તેના ખંડિયા બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. એશિયામાં પણ દક્ષિણ એશિયા પર ચીનનું ધ્યાન વધારે છે ને અત્યારની સ્થિતિએ તો દક્ષિણ એશિયામાં ચીનનો ભરડો જ થઈ ગયો છે. ભારત અને ભૂતાન સિવાયના મોટા ભાગના દેશો અત્યારે ચીનના ખોળામાં બેસી ગયા છે. અત્યારે દક્ષિણ એશિયામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ, નેપાળ એ પાંચ દેશોમાં ચીન બરાબરનું ઘૂસી ગયું છે. અફઘાનિસ્તાન અરાજકતામાં ફસાયેલું છે તેથી ચીનને તેનામાં બહુ રસ નથી પણ ભવિષ્યમાં અફઘાનિસ્તાનમાં રાજકીય સ્થિરતા આવે તો ચીન ત્યાં પણ ઘૂસી જાય જ.
ચીનને દક્ષિણ એશિયામાં ભારત તરફથી મોટો ખતરો લાગે છે તેથી ચીને ભારત ફરતેના દેશોને પોતાની સાથે લઈને ભારતને ભિડાવી રહ્યું છે. ચીને હિંદ મહાસાગરમાં પોતાના નૌકાદળને ઉતારી ભારતને ભિડાવી દીધું છે.
આફ્રિકા પર ચીનનો ડોળો પહેલાંથી હતો. ૧૯૫૦ના દાયકામાં ચીને અલ્જીરિયા, ઈજીપ્ત, સોમાલિયા, ગિનિઆ, મોરોક્કો અને સુદાન એ દેશો સાથે વેપારી સંબંધો સ્થાપિત કર્યા. પછીથી નાઈજીરિયા, ઝામ્બિયા અને ઝિમ્બાવે તેમાં ઉમેરાયાં. ચીન ૧૯૭૧માં યુનાઈટેડ નેશન્સનું સભ્ય બન્યું તેમાં આફ્રિકન દેશોનો ટેકો કારણભૂત હતો. ચીને ૧૯૯૦ના દાયકામાં આફ્રિકન દેશો સાથે સંબંધો વધારવાની ઝુંબેશ શ‚ કરીને એક પછી એક દેશોના વડાઓને પોતાને ત્યાં બોલાવવા માંડ્યા. ૧૯૯૭થી અત્યાર સુધીમાં ૪૦ આફ્રિકન દેશોના વડાએ ચીનની પરોણાગત માણી ચૂક્યા છે. ચીને આફ્રિકામાં પગપેસારો કરવા માટે ફોરમ ઓન ચાઈના-આફ્રિકા કો-ઓપરેશન બનાવ્યું છે. આફ્રિકા ખંડમાં કુલ ૫૪ દેશ છે ને તેમાંથી ૫૩ દેશ તેના સભ્ય છે. એક માત્ર ઈસ્વાનિયા તેનું સભ્ય નથી.

આફ્રિકન દેશોમાં વર્ષે ૨૦૦ અબજનો માલ ઠાલવે છે

ચીને ધીરે ધીરે આ આફ્રિકન દેશો પર કબજો કરી લીધો છે. અત્યારે આફ્રિકન દેશોમાં ચીન દર વર્ષે ૨૦૦ અબજ ડોલરનો માલ ઠાલવે છે. પહેલાં અમેરિકા સૌથી વધારે માલ મોકલતું. હવે ચીન નંબર વન છે ને અમેરિકા ક્યાંય પાછળ છે. ચીનની ૮૦૦ મોટી કંપનીઓ આફ્રિકામાં કામ કરે છે. આ કંપનીઓ આફ્રિકન દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે, પાવર પ્લાન્ટ્સ બનાવે છે ને બેકિંગ ક્ષેત્રમાં પણ તેમનો કબજો છે. ઈલેક્ટ્રોનિક્સ અને ક્ધઝ્યુમર ગુડ્ઝ ચીનથી ઠલવાય છે જ્યારે મોબાઈલ સહિતની સેવાઓ ચીનની કંપનીઓ પૂરી પાડે છે. ચીન આ દેશોને માત્ર દોઢ ટકા વાર્ષિક વ્યાજે લોન આપે છે. આ લોનની રકમ પણ અંતે તો ચીનની કંપનીઓ પાસે જ જાય છે કેમ કે આફ્રિકન દેશોની સરકારોએ ચીનની કંપનીઓને પ્રોજેક્ટ માટે આ રકમ આપવી પડે છે. આ રીતે મોટા ભાગના આફ્રિકન દેશોનાં અર્થતંત્ર તેના કબજામાં છે.
આ દેશો આડાતેડા ના થાય એટલે ચીને આફ્રિકામાં પણ પોતાનાં લશ્કરી થાણાં નાખી દીધાં છે. સોમાલિયા, યુગાન્ડા, ઈજીપ્ત અને ઝિમ્બાબ્વેમાં ચીનનાં લશ્કરી થાણાં છે. આ થાણાં સરેઆમ નથી પણ ચીન જે તે દેશોના સૈનિકોને લશ્કરી તાલીમ આપવાના નામે અડિંગો જમાવીને બેઠું છે.

દક્ષિણ અમેરિકન દેશો પણ ચીનના સકંજામાં

ચીન દક્ષિણ અમેરિકા એટલે કે લેટિન અમેરિકાના દેશને પણ હાથ પર લઈ રહ્યું છે. બ્રાઝિલ, આર્જેન્ટિના, ચિલી અને ક્યુબા દેશો ઉપરાંત વેસ્ટ ઈન્ડિયન ટાપુઓમાં ચીન ઘૂસેલું છે. આ દેશો પર ચીન કબજો કરી શકે તેમ નથી પણ ત્યાંથી કમાણી ધૂમ કરે છે. બુલેટ ટ્રેન સહિતની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટન્સ ઊભી કરવાના પ્રોજેક્ટ ચીન પાસે છે. ક્યુબા વરસો લગી સામ્યવાદી દેશ હતો. હવે તે આધુનિક બની રહ્યો છે ત્યારે તેના પ્રોજેક્ટ ચીનને મળી રહ્યા છે. આ સિવાય ટોંગા, સમોઆ, પપુઆ ન્યુ ગીનીઆ, વાનુઆતુ સહિતના ઘણા નાના નાના દેશો એવા છે કે જે ચીનની માયાજાળમાં ફસાઈ રહ્યા છે.
જનરલ રાવતે જે વાત કરી તે આફ્રિકા અને એશિયામાં સૌથી વધારે સાચી પડશે. બલ્કે આ વાત સાચી પડવાની શ‚આત થઈ ગઈ છે ને શ્રીલંકાને ચીનની નાલાયકીનો સૌથી પહેલો અનુભવ થયો છે. ચીને શ્રીલંકાના હંબનટોટા બંદરનું શું થયું તેની વાત પણ કરવી જોઈએ. ચીને હંબનટોટા બંદરને વિકસાવવાના ઓઠા હેઠળ શ્રીલંકાને મદદ કરવા માંડી. એ વખતે શ્રીલંકાને ખબર નહોતી કે ચીનની મુરાદ મેલી છે. ચીનને બંદરનો વિકાસ કરવામાં ને આર્થિક હિતોમાં રસ છે એમ માનીને તેણે હા પાડી. ધીરે દીરે ચીન ગાળિયો કસતું ગયું ને છેવટે જંગી દેવા હેઠળ દબાઈ ગયેલા શ્રીલંકાએ ૯૯ વર્ષની લીઝ પર આ બંદર ચીનને સોંપી દેવું પડયું. ચીન પોતાના નૌકાદળને પણ હંબનટોટામાં થાણું નાખવા દેવા દબામ કરી રહ્યું છે પણ શ્રીલંકા હજુ તૈયાર નથી. શ્રીલંકા ક્યાં સુધી ઝીંક ઝીલી શકશે એ સવાલ છે.
 
ચીન વરસોથી સ્ટ્રીંગ ઓફ પર્લ્સ નામે પ્રોજેક્ટ ચલાવે છે. આ પ્રોજેક્ટ હેઠળ ચીનથી શરૂ કરીને સુદાન બંદર સુધી ચીન કબજો કરવા માગે છે. હિંદ મહાસાગરમાં ચીન એક પછી એક દેશો પર કબજો કરવાની યોજનામાં આગળ વધી રહ્યું છે ને એ ભારત માટે ખતરનાક છે.
 
આ વાત કોઈને વધારે પડતી લાગશે પણ ચીને સાઉથ ચાઈના સી એટલે કે દક્ષિણ ચીન સમુદ્ર પર આ રીતે કબજો કર્યો જ છે. તેના કારણે ત્યાં કેવી હાલત છે તેની વાત હવે પછીના અંકમાં કરીશું.
 
- જય પંડિત