એ પાકિસ્તાની વિદ્યાર્થિનીએ વર્ગખંડમાં સરેઆમ જન ગણ મન... ગાયું અને પછી...

    ૦૫-ઓક્ટોબર-૨૦૧૮   


 

પાકિસ્તાનમાં  ભારતીય રાષ્ટ્રગીત...જન ગન મન....

પ્રત્યેક પાકિસ્તાનીના મનમાં હિન્દુસ્તાન માટે માત્ર નફરત સિવાય બીજુ કાંઈ જ હોતું નથી. મોટાભાગના ભારતીયો કદાચ આવું જ માને છે, પરંતુ હકીકત આનાથી અલગ છે અને હકીકત એ છે કે, પાકિસ્તાનની અંદર પણ અન્ય એક ઉદાર પાકિસ્તાન ધબકી રહ્યું છે, જેના મનમાં આજે પણ હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનીઓ પ્રત્યે પ્રેમ-આદર અને સન્માન છે અને આ લોકો આજે પણ એવી આશા સાથે જીવી રહ્યા છે કે, ભારત પાકિસ્તાન વચ્ચે એક દિવસ સંબંધો સુધરશે જ અને બન્ને દેશના લોકો વચ્ચે ફરી એક વખત ૧૯૦૬ જેવો ભાઈચારો કાયમ થશે. ૧૯૦૬માં જ હિન્દુ-મુસ્લિમો વચ્ચે નફરતની દીવાલ ઊભી કરનારી મુસ્લિમ લિગનો પાયો નંખાયો હતો. હાલ બન્ને દેશોના લોકો વચ્ચે જે નફરત છે તે જ મુસ્લિમ લિગીઓની દેણ છે.
પરંતુ આ બધા વચ્ચે બન્ને દેશના યુવાઓ આશાનું નવું કિરણ બની રહ્યા છે. બન્ને દેશો વચ્ચે અમન-ભાઈચારાની આશા રાખનારી આવી જ એક યુવા વિદ્યાર્થિની છે. લાહોરની એક કૉલેજમાં ભણતી અમબરીન રિયાઝ. અરીને તાજેતરમાં એવું કર્યું કે, પાકિસ્તાનના કટ્ટરવાદીઓમાં ભૂકંપ સર્જાયો છે. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ પાકિસ્તાનના લાહોરની કૉલેજના એક વર્ગખંડમાં બનેલી એક ઘટના હાલ સમગ્ર પાકિસ્તાનમાં સનસની બની વાયરલ થઈ રહી છે. અમબરીને આખરે એવું તો શું કર્યું કે સમગ્ર પાકિસ્તાનમાં સનસની મચી છે ?
 
પાકિસ્તાનના લાહોરમાં રહેતી અમબરીન કહે છે કે, પોતે બાળપણથી માંડી યુવાવસ્થા સુધી હિન્દુસ્તાન પાકિસ્તાન વચ્ચે દુશ્મનીની વાર્તા જ સાંભળતી આવી છે. દુશ્મનીની એ વાતોએ મારા મનમાં હિન્દુસ્તાન પ્રત્યે એક અલગ જ પ્રકારની ઉત્સુકતા જગાવી હતી. ઇન્ટરનેટના માધ્યમ થકી હું હિન્દુસ્તાન બાબતે વધુ ને વધુ જાણવાની કોશિશ કરવા લાગી. આ દરમિયાન સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર તેની દોસ્તી હિન્દુસ્તાની યુવક-યુવતીઓ સાથે થઈ. તેમની સાથે દૈનિક વાતચીત દરમિયાન મને લાગ્યું કે, ભારતને લઈ પાકિસ્તાનમાં જે કાંઈ વાતો ચાલે છે એવું તો બિલકુલ નથી.
હવે મને સમજાઈ ગયું હતું કે, ભારતમાં પણ એવા લોકોની કમી નથી જે પાકિસ્તાન માટે મૈત્રીપૂર્ણ સકારાત્મક દૃષ્ટિકોણ રાખે છે અને બન્ને દેશો વચ્ચે અમન-શાંતિની આશા રાખે છે. જો કે અમબરીન સ્વીકારે છે કે પાકિસ્તાનનું હાલનું વાતાવરણ જ એવું છે કે, ભારતને લઈ કોઈ ખુલ્લેઆમ દોસ્તીનો ઇઝહાર કરી જ ન શકે. મારી પણ એવી જ હાલત હતી. કદાચ ભારતનું સમર્થન કરીશ તો મારા પર પાકિસ્તાનની ખિલાફતનાં આરોપ મઢી દેવાશેનો ડર તેને આવું કરતા રોકતો હતો.
 

 

મારા મિત્રો પાસેથી પણ મને જરાય આશા નહોતી

અમબરીન કહે છે કે, થોડા દિવસ પહેલાં ક્લાસમાં હું મારા મિત્રો સાથે ગપાટા મારી રહી હતી. બધા જ પોતાનાં મનપસંદ ગીતો સંભળાવી રહ્યાં હતાં. એવામાં ગીત સંભળાવાનો વારો મારો આવ્યો. મેં મારા લેપટોપમાં સેવ રાખેલ એક બ્રેકગ્રાઉન્ડ મ્યુઝિક પ્લે કર્યું અને મારી આંખો બંધ કરી મેં પૂરા સન્માનથી ભારતીય રાષ્ટ્રગાન જન ગણ મન... ગાવાનું શરૂ કર્યું. મારી આંખો ભારતના રાષ્ટ્રગાન અંતિમ શબ્દો સુધી બંધ હતી. તેના પૂર્ણ થયા બાદ જ્યારે મેં મારી આંખો ખોલી તો વર્ગખંડમાં જે નજારો હતો તે જોઈ હું દંગ રહી ગઈ. મારા સહપાઠીઓ એક ભારતીય રાષ્ટ્રગાનના સન્માનમાં ઊભા હતા અને મારા ગીતને તાળીઓ પાડી વધાવી રહ્યા હતા. આખો વર્ગખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી રહ્યો હતો. આશાથી તદ્દન વિપરીત મારા મિત્રોની પ્રતિક્રિયા જોઈ મારી આંખોમાંનાં આંસુ રોકાઈ રહ્યાં ન હતાં. હવે મને અહેસાસ થઈ ચૂક્યો હતો કે, ભારત સાથે દોસ્તીની આશા રાખનારી હું એકલી નથી. મારો આખો ક્લાસ મારી જોડે છે.
પોતાના મિત્રોના સાથથી ગદ્ગદ્ અમબરીને ટ્વિટર પર આ પ્રસંગ લખ્યો, ‘આજે મેં મારા ક્લાસમાં ભારતનું રાષ્ટ્રગાન ગાયું. મારા સહપાઠીઓએ મારો વીડિયો બનાવ્યા. રાષ્ટ્રગાન પૂર્ણ થતાં તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી મને પ્રોત્સાહન આપ્યું. ‘ઓહ માય ગોડ’ કેટલો અદ્ભુત નજારો હતો.’

ધાકધમકીઓ પણ મળી રહી છે

અમબરીનને પોતાની આ ખુશીનો ઇઝહાર ૧૩ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સાંજે ૩.૨૪ વાગે ટ્વિટર પર કર્યો. તેની સાથે જ સમગ્ર પાકિસ્તાનમાં સનસની મચી ગઈ. આશાની વિપરીત મોટાભાગના પાકિસ્તાનીઓને અમબરીનનું ભારતીય રાષ્ટ્રગાન ગાવામાં જરાય ખોટું ન લાગ્યું અને તેઓ તેના સમર્થનમાં હતા, પરંતુ એવા લોકોની પણ કમી ન હતી જેઓને અમબરીનનું આ પગલું પાકિસ્તાન વિરોધી લાગ્યું. તેઓએ તેને નિશાન બનાવવાનું શ‚ કરી દીધું. કોઈએ કાશ્મીરમાં ચાલી રહેલા ઇન્ડિયન આર્મીના ઓપરેશનની સાચી-ખોટી તસવીરો પોસ્ટ કરી તો કેટલા કે કૌમ અને મુલ્કની દુહાઈ આપી તેના પર ટીકાનો મારો ચલાવ્યો. પરંતુ અત્યાર સુધી ભારત તરફની પોતાની લાગણીઓને દબાયેલા સ્વરોમાં વ્યક્ત કરતી અમબરીને હવે તેના જેવા અનેક યુવાઓનું સમર્થન મળતાં તેણે ખુલ્લેઆમ અમનના દુશ્મનોને જવાબ આપી ઝાટકવાનું શરૂ કરી દીધું.
 
 
 

અમનના દુશ્મનોને અમબરીનનો પડકાર

અમનના દુશ્મનોને પોતાના તરફથી જોરદાર જવાબ આપતાં અમબરીન લખે છે કે, જો હું ભારતીય રાષ્ટ્રગાનવાળો વીડિયો પોસ્ટ કરું છું તો મને આતંકવાદી, દેશદ્રોહી, સહિત શી ખબર શું-શું સંભળાવવામાં આવે છે, પરંતુ એ લોકો મારા વિશે શું વિચારે છે એની મને બિલકુલ પરવાહ નથી, કારણ કે મારો અલ્લાહ મને એ લોકોથી વધુ જાણે છે માટે હું એ તમામ લોકોને નજરઅંદાજ કરું છું, જે મારા માટે એલ-ફેલ બોલે છે.
વાત આટલેથી જ પૂરી નથી થઈ જતી. કટ્ટરવાદીઓ હવે અમબરીનને શોધી રહ્યા છે. સતત સોશ્યલ નેટવર્કિંગ પર તેને ધમકાવવામાં આવી રહી છે. આમ છતાં, અમબરીને ડરવાને બદલે પોતાની ઓડિયો ક્લિપ ટ્વિટર પર પોસ્ટ કરી છે. તેની આ પોસ્ટ પાકિસ્તાનની સાથે સાથે ભારતમાં પણ લોકપ્રિય થઈ રહી છે. મોટી સંખ્યામાં નવયુવાઓ ખુલ્લેઆમ બન્ને દેશો વચ્ચે શાંતિ અને ભાઈચારાની તરફેણ કરી રહ્યા છે.

દરેક ભારતીય-પાકિસ્તાની માટે રોમાંચક બન્યો આ કિસ્સો

ભારત અને પાકિસ્તાનની વચ્ચે જ્યારે પણ મેચ થાય છે, ત્યારે તે દરેક ભારતીય અને પાકિસ્તાની માટે રોમાંચક બની જાય છે. મેચ દરમિયાન સંવેદના જબરદસ્ત થઈ જાય છે. ૧૯ સપ્ટેમ્બરના રોજ એશિયા કપ ૨૦૧૮ની ભારત-પાકિસ્તાનની મેચ પણ અપવાદ ન રહી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને દેશોના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મેચ પહેલા પ્લેયર્સ પોતપોતાના દેશોનાં રાષ્ટ્રગીત ગાય છે. આવામાં એક પાકિસ્તાની ફેને સ્ટેડિયમમાં ભારતનું રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ ગાઈ ભારતીયોનું દિલ જીતી લીધું હતું.