‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ભજન ‘ઈસાઈ જન તેને રે કહીએ’ બની શકે ?

    ૦૫-ઓક્ટોબર-૨૦૧૮   

 
 

લંપટ પાદરીઓને છાવરતું ચર્ચ હવે દક્ષિણ ભારતના ભક્તિસંગીતનું પણ વિકૃતીકરણ કરી રહ્યું છે

લગભગ એકાદ દાયકા પૂર્વે, કેરળમાં ખ્રિસ્તી સાધ્વી તરીકે કાર્યરત રહેલા, સિસ્ટર જેસ્મેએ ‘આમેન’ નામની તેમની આત્મકથા પ્રકાશિત કરીને વ્યભિચારી ખ્રિસ્તી પાદરીઓનાં કરતૂતો ઉજાગર કર્યાં હતાં. તેમણે સમાજને વ્યભિચારી પાદરીઓથી સાવધાન કર્યા હતા, પરંતુ કથિત સેવાધારી બનીને વટાળ પ્રવૃત્તિ કરનારા આ લોકો સામે કોઈ પગલાં લેવાયાં ન હતાં. આ ઘટનાનાં લગભગ દસ વર્ષ પછી કેરળમાં અનેક ‘સિસ્ટર જેસ્મે’ બહાર આવી છે અને લંપટ પાદરી સામે લગભગ ત્રણ માસ પૂર્વે બળાત્કારની પોલીસ ફરિયાદ કરી છે. આમેય, વિશ્ર્વભરમાં હજારો પાદરીઓ સામે મહિલાઓ તથા બાળકો સાથે દુષ્કર્મના અપરાધ નોંધાયેલા છે, જેનાથી સ્વયં પોપ પણ ચિંતિત છે ત્યારે ભારતમાં વંચિતોની વટાળ પ્રવૃત્તિથી નહીં ધરાયેલા ખ્રિસ્તી ચર્ચે ‘સાક્ષર’ હિન્દુઓને માનસિક રીતે ‘વટલાવવાનું’ જાણે કે એક નવું ‘તરકટ’ અમલમાં મૂક્યું છે. હિન્દુસ્થાનના હિન્દુ સમાજ સામે થઈ રહેલા અનેક આઘાતોમાં ચર્ચના આ ‘બૌદ્ધિક’ આઘાત સામે
‘કથિત સેક્યુલર બૌદ્ધિકો’ પણ ધરાશાયી થઈ રહ્યા છે.

કેરળ સહિત દેશભરમાં હિન્દુઓને વટલાવીને ખ્રિસ્તી બનાવવાનું કાર્ય  

પૂર્વોત્તર ભારત અને કેરળ સહિત દેશભરમાં હિન્દુઓને વટલાવીને ખ્રિસ્તી બનાવવાનું કાર્ય ચર્ચ માટે સેંકડો વર્ષોથી જાણે કે ‘ધીખતો ધંધો’ જ બની ગયો છે. વંચિતોની ‘સેવા’ના નામે ધાક-ધમકી તથા લોભ-લાલચથી વટાળ પ્રવૃત્તિ કરતું ચર્ચ હવે ‘સેક્યુલર’ ‘સાક્ષર’ હિન્દુઓની માનસિક વટાળ પ્રવૃત્તિઓમાં પણ પ્રવૃત્ત છે. ભીલોડાથી લઈને રાજકોટ જેવાં અનેક સ્થાનોએ હિન્દુ પરંપરા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની પૂજા, અર્ચના થાય છે !! ઈસુ ખ્રિસ્તની રથયાત્રા (?) અને નવરાત્રિનું આયોજન કરતા ખ્રિસ્તી આયોજકો ક્યારેય ભગવાન શ્રીકૃષ્ણની રથયાત્રા કે માતાજીની નવરાત્રિમાં જોડાઈને તેમનું સેક્યુલરિઝમ ભયમાં મૂકતા નથી. સાક્ષર હિન્દુઓની માનસિક વટાળ પ્રવૃત્તિઓનું આવું જ એક સેક્યુલર ‘તરકટ’ તમિલનાડુમાં ગત માસમાં બહાર આવ્યું છે.

સુંદર સંગીતપરંપરાને પ્રદૂષિત કરવાનું પાપ તમિલનાડુ ચર્ચે કર્યું છે. 

ભારતમાં શાસ્ત્રીય સંગીતના મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે. એક પ્રકાર છે ઉત્તર ભારતીય અને બીજો પ્રકાર છે દક્ષિણ ભારતીય - જે કર્ણાટકી પદ્ધતિ તરીકે જાણીતું છે. જેમ ઉત્તર ભારતના શાસ્ત્રીય ગાયનમાં સામાન્ય રીતે વ્રજ ભાષાની રચનાઓ હોય છે, તે જ રીતે કર્ણાટકી શાસ્ત્રીય સંગીતમાં હરિદાસ પુરંદર દાસ, ત્યાગરાજ, મુથ્થુસ્વામી દીક્ષિતાર તથા શ્યામ શાસ્ત્રી જેવા મહાન સંતોની રચનાઓનું ગાયન-વાદન થાય છે. આ સંતો શ્રેષ્ઠ આધ્યાત્મિક વિભૂતિઓ હોવા ઉપરાંત ઉચ્ચ કક્ષાના સંગીતજ્ઞો પણ હતા, તેથી જ સેંકડો વર્ષો પછી પણ દક્ષિણ ભારતમાં ઘેર ઘેર આ સંતોની રચનાઓના આધારે જ શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન પીરસાય છે. આવી સુંદર સંગીતપરંપરાને પ્રદૂષિત કરવાનું પાપ તમિલનાડુ ચર્ચે કર્યું છે.
થોડા દિવસો પૂર્વે તમિલનાડુમાં ખ્રિસ્તી સંગઠનો દ્વારા આયોજિત વિવિધ સંગીત કાર્યક્રમોમાં પ્રાત:સ્મરણીય સંતો પૂ.હરિદાસ, પૂ. ત્યાગરાજ સહિતના વંદનીય સંતોની ભક્તિરચનાઓનું વિકૃતીકરણ કરીને પ્રસ્તુત કરવામાં આવી હતી. કોઈ પંથનાં શ્રદ્ધાકેન્દ્રો કે તેના સ્થાપકનું સ્થાન કોઈ જ લઈ શકે નહીં એ તો સર્વવિદિત છે. એટલે કે ખ્રિસ્તી પંથના સ્થાપકના નામની જગ્યાએ અન્ય નામ મૂકી જ ના શકાય, પરંતુ તમિલનાડુમાં ખ્રિસ્તી આયોજકોએ યોજેલા વિવિધ સંગીત કાર્યક્રમોમાં હિન્દુઓના આરાધ્ય દેવોના શ્રીરામ તથા શ્રીકૃષ્ણના સ્થાને અન્ય પંથના સ્થાપક / ભગવાનનાં નામો મૂકીને હિન્દુ સંતોની રચનાઓનું વિકૃતીકરણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આઘાતજનક વાત તો એ હતી કે ભારતના બંધારણમાં જેમને સ્થાન મળેલું છે એવા આપણા આરાધ્યદેવોની સ્તુતિઓનું વિકૃતીકરણ કરીને ગાનારા લોકો પણ જાણીતા હિન્દુ કલાકારો જ હતા !! ખ્રિસ્તી સંસ્થાઓએ યોજેલા સંગીત કાર્યક્રમોમાં નિત્યશ્રી મહાદેવન, ઓ.એસ. અ‚ણ, શ્રીનિવાસ અને ઉન્નીકૃષ્ણન જેવા અગ્રગણ્ય કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરી હતી. આ કલાકારોએ સંત ત્યાગરાજ સહિતના સંતોની રચનાઓમાં જ્યાં ‘શ્રીરામ’ નામ આવતું હતું ત્યાં ‘ઈસુ’ શબ્દ પ્રયોજ્યો હતો!! આવા અધમ વિકૃતીકરણને જ કથિત બુદ્ધિજીવીઓ સેક્યુલરિઝમ કહેતા હશે !! સેક્યુલર બુદ્ધિજીવી હિન્દુઓના માનસિક ધર્માંતરણ માટે હવે ‘સેક્યુલર યોગા’ ‘સેક્યુલર ભરતનાટ્યમ્’ પણ ઉપલબ્ધ થઈ શકે છે ! આમ, હિન્દુ મંદિરોની નકલ, હિન્દુ પૂજા-પદ્ધતિની નકલ, હિન્દુ પર્વોની નકલ પછી હવે ચર્ચે દક્ષિણ ભારતના સંતોએ ભગવાન શ્રીરામ તથા શ્રીકૃષ્ણની રચેલી દિવ્ય રચનાઓની પણ નકલ કરીને કલાકારોને ‘સેક્યુલર’ બનાવવાના તરકટનો આરંભ કર્યો છે. આ વિકૃતીકરણ સામે વિવાદ ન થાય તે માટે ચર્ચે ઘણાં પદોમાં શ્રીરામ અથવા શ્રીકૃષ્ણના નામને સ્થાને ભગવાન શબ્દ મૂકીને એ પવિત્ર પદોને સેક્યુલર બનાવ્યાં છે !!

ચર્ચનું તરકટ 

સનાતન હિન્દુ પરંપરાના આ અજરઅમર દિવ્ય રચનાઓનું વિકૃતીકરણ કરવાનું ચર્ચનું તરકટ ધ્યાનમાં આવતાં જ તમિલનાડુની રાષ્ટ્રીય સનાતન સેવા સંગમ નામની સંસ્થાના અગ્રણી શ્રી રામનાથને ચર્ચ અને કલાકારોના દુષ્કર્મને વખોડી નાંખ્યું હતું. ચર્ચે હિન્દુ સંતોની અમર રચનાઓના કરેલા વિકૃતીકરણથી તમિલ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળતાં નિત્યશ્રી મહાદેવને તો પોતે કરેલા અપરાધ માટે ક્ષમાયાચના કરી લીધી, પરંતુ અન્ય સેક્યુલર કલાકારોને આ વિકૃતીકરણમાં સેક્યુલરિઝમ દેખાઈ રહ્યું છે !
દક્ષિણ ભારતમાં સંત પુરંદરદાસ, સંત ત્યાગરાજ સહિતના વંદનીય સંતોએ રચેલાં પદોને કૃતિ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના શાસ્ત્રીય સંગીતની વિશેષતા એ છે કે આ સંતોની અમર કૃતિઓનું માત્ર ગાયન જ નહીં, વાદન પણ થાય છે. દક્ષિણ ભારતના સંગીતના કાર્યક્રમોમાં આ મહાન વિભૂતિઓની કૃતિઓ જ ગાયન-વાદન સ્વરૂપે પ્રસ્તુત થાય છે. આથી આવી દિવ્ય રચનાઓ ચર્ચે કરેલા વિકૃતીકરણ સાથે તમિલ સમાજમાં વ્યાપક રોષ ફાટી નીકળે એ સ્વાભાવિક છે. તમિલ સમાજની માગણી છે કે મહાન સંતોની દિવ્ય કૃતિઓનું વિકૃતીકરણ કરનારા સર્વ ‘સેક્યુલર’ કલાકારો ક્ષમાયાચના કરે. જયાં સુધી એ લોકો ક્ષમાયાચના ન કરે ત્યાં સુધી તેમને કોઈ કાર્યક્રમમાં બોલાવવા નહીં એવો પણ તમિલ સમાજે નિર્ધાર કર્યો છે.
હવે નક્કી કરવાનું છે કે આપણે વૈષ્ણવજન તો તેને રે કહીએ... એ ભજનને ઈસાઈજન તો તેને રે કહીએ - એ શબ્દોથી પ્રચલિત કરીને ‘સેક્યુલર’ અંચળો પહેરવો છે કે નરસિંહ મહેતા જેવા સંતને પૂજવા છે ?
 
 
- પ્રશાંત વૈદ્યરાજ 
(સાભાર : ૨ સપ્ટેમ્બર, ૨૦૧૮, ઓર્ગેનાઈઝર, ભાવાનુવાદ : જગદીશ આણેરાવ)