ભારતની પહેલી મહિલા જેને સમુદ્રમાંથી માછલી પકડવાનું લાયસન્સ મળ્યું છે…

    ૨૨-નવેમ્બર-૨૦૧૮   

 

 

કેરલની એક મહિલા

મહિલા માછાલી પકડવા દરિયો ખેડતી હોય એવું તમે ક્યાંય સાંભળ્યું છે? અથવા કોઇ ફિલ્મમાં પણ આ કામ કોઇ મહિલા કરતી હોય તેવું બતાવાયું છે? લગભગ નહિ. હા માછલીના વેપાર સાથે જરૂર મહિલાઓ સંકળાયેલી છે. દરિયામાંથી માછલી પૂરૂષો પકડી લાવે અને પછી જે રીતે માછાલીનો વેપાર થાય છે તે વેપારની પ્રક્રિયામાં જરૂર મહિલાઓ સંકળાયેલી છે. મોટા ભાગે આપણે માછાલી વેચતી મહિલાઓ જોઇ છે. ફિલ્મથી લઇને માછલીના રીયલ બજાર સુધી. પણ હમણા કેરલની એક મહિલા આ બધાથી આગળ નીકળી ગઈ છે.
 

 
 

ડીપ ફિશીંગ લાયસન્સ 

વાત એમ છે કે ભારત સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર જો માછલી પકડવી હોય તો તે માટેનું પહેલા લાયસન્સ લેવું પડે. અત્યાર સુધી માત્ર પૂરૂષોને જ આ લાયસન્સ આપવામાં આવ્યું છે પણ હવે પહેલી વખત એક મહિલાને આ લાયસન્સ આપવામાં આવ્યું છે. આ મહિલા છે કેરળની કે. સી. રેખા. કેરળના સ્ટેટ ફિશરીઝ ડિપાર્ટમેન્ટે રેખાને “ડીપ ફિશીંગ લાયસન્સ” આપ્યું છે. આ લાયસન્સ મેળવ્યા બાદ રેખા દેશની પહેલી એવી મહિલા બની ગઈ છે જે દરિયામાં જઇને માછાલી પકડી શકશે. આ માટે હમણાં જ દેશની પ્રિમિયર મરીન રિસર્ચ એજન્સી “ધી સેન્ટ્રલ મરિઅન ફિશરિઝ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ”એ રેખાનું બહુમાન કર્યું હતું.
 

 
 

કોસ્ટલાઇન પર આવું કામ કરનારી મહિલાઓનો કોઇ રેકોર્ડ નથી 

આ સંદર્ભે કેરળના સ્ટેટ ફિશરીઝ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર એ. ગોપાલકૃષ્નને કહ્યું કે મહિલાઓ નદી, તળાવમાં માછલી પકડે છે પણ દરિયામાં નહી. કોસ્ટલાઇન પર આવું કામ કરનારી મહિલાઓનો કોઇ રેકોર્ડ નથી. રેખા પહેલી મહિલા છે જેને આ લાયસન્સ મળ્યું છે. અમે તેના કામની કદર કરીએ છીએ.
 

 
 

રેખા ૪૫ વર્ષની છે અને ચાર બાળકોની માતા છે 

“ધી હિન્દુ”માં છપાયેલા અહેવાલ મુજબ રેખા ૪૫ વર્ષની છે અને ચાર બાળકોની માતા છે. તે છેલ્લા ૧૦ વર્ષથી કેરળની આંતરરાષ્ટ્રીય સરહદ પર માછલી પકડવાનું કામ કરી રહી છે. રેખાનો પતિ પણ માછલી પકડવાના વ્યવસાયમાં છે. થયું એવું કે એક સમયે રેખાના પતિ સાથે કામ કરતા બે મજૂરો કામ છોડીને જતા રહ્યા. પતિને એકલો દરિયો ખેડવા જતા જોઇને તે પણ તેની સાથે જવા લાગી. આમ બન્ને દરિયામાં ૨૦થી ૩૦ નોટીકલ માઇલ્સ સુધી દરિયામાં માછલી પકડવા જાય છે. મુખ્યવાત એ છે કે આ પતિ પત્ની જોઇ પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરતી નથી જીપીએસ સીસ્ટમ કે હોકાયંત્ર પણ તેની પાસે નથી.
 

 
 

કેરળના થ્રિશૂર જિલ્લાના ચવક્કડ ગામમાં રહે છે. 

રેખા અને તેનો પતિ પી કાર્તિકેયન કેરળના થ્રિશૂર જિલ્લાના ચવક્કડ ગામમાં રહે છે. ચવક્કડના ચેતુવા બીચ પર આ બન્ને માછલી પકડવાનું કામ કરે છે. આ સંદર્ભે રેખા કહે છે કે હું “કદલ્લમા” વિશ્વાસ રાખું છું. કદલ્લમાને નદીની દેવી ગણવામાં આવે છે. રેખાને વિશ્વાસ છે કે આ દેવી તેની રક્ષા કરશે. તેને આ કામ હવે ગમવા લાગ્યું છે. દરિયામાં કોઇવાર વાવાઝોડું આવે તો પણ તે હવે ડરતી નથી. તે નીડર થઇને પોતાનું કામ કરે છે. રેખાનું કહેવું છે કે ટેકનોલોજીની પર નહિ અમે પારંપરિક જ્ઞાન પર વધારે વિશ્વાસ રાખીએ છીએ.