ચીનને પણ સમજાયું છે કે, ભારતનો વિરોધ કર્યા કરવાથી નહીં

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૮   

 
 

ચીનની POK મુદ્દે ગુલાંટ, ચમત્કાર વિના નમસ્કાર નહીં

ચીન ખુલ્લેઆમ પાકિસ્તાનની તરફદારી કરે છે અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (POK) મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનની તરફેણ કરે છે. તેના કારણે છેલ્લા કેટલાક સમયથી કાશ્મીર મુદ્દે ચીન હસ્તક્ષેપ કરી રહ્યું હોવાના આક્ષેપ પણ ઊઠી રહ્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તો એ પછી જાહેરમાં સ્વીકાર્યુ છે કે, કાશ્મીર મુદ્દે ચીન પાકિસ્તાનને મદદ પૂરી પાડી રહ્યું છે.
 
ચીન ભારતને બીજા મામલે પણ કનડે છે અને અનેક મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર ચીને ભારતની વિરુદ્ધ વલણ અપનાવ્યું છે. એનએસજીમાં ભારતના સભ્યપદનો મામલો માત્ર ચીનના વિરોધના કારણે અટકેલો છે. ચીને જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાના ભારતના ઠરાવને બે વખત પોતાનો વીટો પાવર વાપરીને ફગાવ્યો છે.
 
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરને ચીન પાકિસ્તાનનો ભાગ જ ગણાવે છે અને ભારતનો નકશો બતાવે ત્યારે તેમાંથી પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની બાદબાકી જ કરી નાંખે છે.
 
હવે અચાનક ચીને ગુલાંટ લગાવી છે અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરને ભારતના વિસ્તાર તરીકે દર્શાવીને મોટું આશ્ર્ચર્ય સર્જ્યું છે. થોડા સમય પહેલાં પાકિસ્તાનના કરાચીમાં ચીનની એમ્બેસી પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલાના સમાચાર ચીનના સરકારી ટીવી નેટવર્ક (સીજીટીએન) પર બતાવાયા તેમાં ઙઘઊંને ભારતના નક્શામાં બતાવાયું હતું. અત્યાર સુધી સત્તાવાર રીતે બહાર પડાતા નક્શાઓમાં ચીને કદી પણ પીઓકેને ભારતના વિસ્તાર તરીકે દર્શાવ્યો નહોતો. ચીનમાં શાળાનાં પાઠ્યપુસ્તકોમાં પણ POKને પાકિસ્તાનનો વિસ્તાર જ બતાવાય છે.
 
ચીનનું આ વલણ અચાનક બદલાયું છે ને તેને માટે પાકિસ્તાનની નવી સરકાર જવાબદાર છે એવું કહેવાય છે. ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા પછી તેણે ચીનને પોતાનું દોસ્ત ગણાવ્યું ખરું પણ સામે ચીન પાકિસ્તાનમાં ભારે રોકાણ કરી રહ્યું છે તે મામલે એવા પગલાં પણ લેવા માંડ્યાં કે જેથી ચીનના હિતો જોખમાય. ચીન પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરી રહ્યું છે એ જગજાહેર છે. ઈમરાને તેની સામે પણ નારાજગી બતાવી છે તેથી સામે ચીને પાકિસ્તાનને ધમકી આપવા આ ખેલ કર્યો એવું કહેવાય છે.
 
જો કે મૂળ કારણ અલગ છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી ભારતે ચીન સામે મક્કમ વલણ અપનાવ્યું છે. ચીનને બાજુ પર મૂકીને ભારતને ફાયદો કરાવે તેવી નવી ધરી મોદીએ રચી છે તેથી ચીન ફફડ્યું છે. ભારતનું બજાર બહુ મોટું છે ને ભારત ચીન સામે આકરા તેવર બતાવે તો ચીનને આર્થિક રીતે મોટો ફટકો પડે. મોદીએ આ વાતનો અહેસાસ સાડા ચાર વર્ષમાં કરાવી દીધો છે. ચીનને પણ સમજાયું છે કે, ભારતનો વિરોધ કર્યા કરવાથી નહીં ચાલે ને પાકિસ્તાનની વધારે પડતી તરફદારી કરવાથી તેને જ નુકસાન થશે. આ કારણે જ ચીને પોતાનું વલણ બદલ્યું છે કે જેથી ભારતની નારાજગી હળવી થાય.
 
ગુજરાતીમાં કહેવત છે કે, ચમત્કાર વિના નમસ્કાર નહીં ને ચીન નમ્યું છે તેનો યશ મોદીના ચમત્કારને જાય છે.