ખરેખર બિસ્મિલ જેવા સપૂતો ખૂબ જ ઓછા હોય છે...

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૮   

 
 

રામપ્રસાદ બિસ્મિલ

આઝાદીના લડવૈયા રામપ્રસાદ બિસ્મિલ એક જેલમાં બંધ હતા. તેઓ જેલમાંથી ભાગી ન જાય તેના માટે એક સિપાહીને ચોકીદારી કરવા તહેનાત કરાયો હતો. રાતનો સમય હતો. આખા દિવસની ચોકીદારીના કારણે પેલા સિપાહીને ઝોકું આવી ગયું. રામપ્રસાદ બિસ્મિલને લાગ્યું કે આ જ ભાગવાનો યોગ્ય અવસર છે, પરંતુ અચાનક તેઓએ કંઈક વિચાર્યું અને ભાગવાને બદલે પેલા સિપાહીને ઢંઢોળ્યો. બિસ્મિલે કહ્યું, ભાઈ, તારા પર મુસીબત આવવાની છે, તેની તને ખબર છે ? હાંફળા જાગેલા સિપાહીને બધી જ વાત સમજાઈ ગઈ. તેણે ગળગળા સ્વરમાં કહ્યું, મહેરબાની કરીને તમે અહીંથી ન ભાગતા. જો તમે ભાગી જશો તો તેનો દોષ મારા પર આવી જશે. મારી ધરપકડ થશે. મારી નોકરી જશે અને મારાં બાલ-બચ્ચાં ભૂખે મરશે. રામપ્રસાદ બિસ્મિલે પોતે નહીં ભાગે એવું વચન આપ્યું. થોડા સમય બાદ તેમણે શૌચાલય જવાનું કહ્યું. પેલા સિપાહીએ તેઓને ખુલ્લા કરી દીધા અને તેમની સાથે પણ ન ગયો. આ જોઈ બીજા સિપાહીએ કહ્યું, તને ખબર છે તે કેટલો ખતરનાક કેદી છે. ભાગી જશે તો તારે લેવાના-દેવા પડી જશે. સિપાહીએ જવાબ હતો મને એમના પર વિશ્ર્વાસ છે. તે મારો વિશ્ર્વાસ નહીં તોડે. બિસ્મિલ શૌચક્રિયા કરી ફરી પાછા કોટડીમાં આવી ગયા. ખરેખર બિસ્મિલ જેવા સપૂતો ખૂબ જ ઓછા હોય છે, જે ગમે તેવા કપરા સમયમાં પણ પોતાના સિદ્ધાંતોને વળગી રહે છે અને અન્યોનો વિશ્ર્વાસ ક્યારેય નથી તોડતા.