હિસાબ - માના પ્રેમનું કોઈ મૂલ્ય નથી હોતું.

    ૨૦-ડિસેમ્બર-૨૦૧૮   

 
 

 હિસાબ

એક પરિવારમાં ત્રણ જણનું સુખી કુટુંબ રહે. માતા-પિતા અને એક દીકરો. દીકરાનું નામ પીન્ટુ. પીન્ટુ દસેક વર્ષનો હતો. ઘરમાં બીજુ કોઈ છોકરું નહોતું એટલે પીન્ટુની મમ્મી એની પાસે નાનાં મોટાં ટાંપા કરાવતી હતી. છોકરો સમજણો થયો હતો. મા એને કામ કરાવતી એ એને ગમતું નહીં. એ વિચારવા લાગ્યો કે બહાર લોકો નોકરી કરે એને તો કામ કરવાના પૈસા મળે છે, જ્યારે મમ્મી મારી પાસે આટલું બધું કામ કરાવે છે તોય પૈસા આપતી નથી. આવું વિચારી એણે મા પાસેથી કામના પૈસા લેવાનું નક્કી કર્યુ.
 
એક દિવસ પિન્ટુએ એક ચિઠ્ઠી તૈયાર કરી. એમાં લખ્યું
 
કરિયાણાની દુકાને ચાની ભૂકી લેવા ગયો એનો ૧/- રૂપિયો, બપોરે સ્કૂલેથી આવીને દૂધ લેવા ગયો એનો ‚પિયો ૧/-રૂપિયો બાજુની સોસાયટીમાં માસીને બોલાવવા ગયો એના ૨/- રૂપિયા, સાંજે ધાબા પરથી જૂનો સામાન ઉતાર્યો એનો ૧/- રૂપિયો, અને વરસાદ આવતાં સુકાવેલ કપડાં લીધાં એના ૨/- રૂપિયા., માટે તારી પાસેથી મારે કુલ લેવાના ૭/- રૂપિયા.
 
હિસાબની ચિઠ્ઠી તૈયાર કરી પીન્ટુએ માના ઓરડામાં મૂકી દીધી. સાંજે માએ ચિઠ્ઠી જોઈ. એ કંઈ બોલી નહીં. એણે બીજી એક ચિઠ્ઠી લખી અને એ જ ઓશીકા નીચે મૂકી દીધી. પીન્ટુને એમ કે મા કાં તો પૈસા આપી દેશે અથવા તો એને ફટકારશે. પણ એવું કશું ના થયું. મા તો એની રીતે રસોડામાં જઈ રસોઈ કરવા લાગી. ઘણી બધી રાહ જોઈ પીન્ટુ ઓરડામાં ગયો અને ઓશીકા નીચે જોયું. ત્યાં એને બીજી એક ચિઠ્ઠી મૂકેલી જોવા મળી.
 
એ ચિઠ્ઠી એ વાંચવા લાગ્યો. એમાં લખ્યું હતું કે - તને નવ મહિના પેટમાં રાખ્યો એના - શૂન્ય રૂપિયા, પ્રસૂતિની પીડા વેઠી તને જન્મ આપ્યો એના - શૂન્ય રૂપિયા, વર્ષો સુધી તારું છી અને પેશાબ ધોયાં એના - શૂન્ય રૂપિયા, રાત-રાતભર તને હીંચકો નાંખ્યો એના - શૂન્ય રૂપિયા, તને ભણાવીને મોટો કરી રહી છું એના - શૂન્ય રૂપિયા, માટે - તારી પાસેથી મારે કુલ લેવાના - શૂન્ય રૂપિયા.
 
કારણ કે માના પ્રેમનું કોઈ મૂલ્ય નથી હોતું. અને એ કોઈ ચૂકવી પણ નથી શકતું. ચિઠ્ઠી વાંચી પીન્ટુ મમ્મી પાસે દોડી ગયો અને એને વળગીને ધ્રસકે ને ધ્રુસકે રડી પડ્યો. માએ એને ગળે વળગાડી દીધો. અને એ પણ રડી પડી.