ભગવાન કૃષ્ણએ રણમેદાનમાં અર્જુનનો તણાવ આ રીતે દૂર કર્યો હતો, તમારો તણાવ પણ દૂર થઈ શકે છે

    ૨૧-ડિસેમ્બર-૨૦૧૮   

 
 

કૃષ્ણએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તારે માત્ર કામ કરવાનું છે ફળ હું નક્કી કરીશ

આજકાલ બધા તણાવમાં રહે છે. જેના કારણે તણાવ દૂર કરવના અનેક ઉપાય પણ આવી ગયા છે. મગજ શાંત રાખો, ઘર ઓફિસનો કલર બદલી નાખો, અઠવાડિયામાં એક વાર બીચ ઉપર ફરવા જાવ….વગેરે…વગેરે…પણ….
 
તમને લાગે છે કે આ રીતે તણાવ દૂર થઈ શકે? કોઇ ને લગતું નથી પણ છતાં આવું કરી મન મનાવવા સિવાય કોઇ ઉપાય પણ આપણી પાસે નથી. પણ આપણે ગીતા પાસે જઈએ તો કૃષ્ણએ તણાવ ઘટાડવાનો ઉપાય સૂચવ્યો છે.
 
અર્જુનને કુરૂક્ષેત્રના મેદાનમાં સખત તણાવ આવી ગયો હતો. તે વિચાર કરતો હતો કે મારે મારા જ સગાવ્હાલાને મારવાના? કેવી રીતે હું આવું કૃત્ય કરી શકું? આમની સાથે યુદ્ધ કરવાનું? ત્યારે ભગવાન કૃષ્ણ તેની મદદે આવ્યા. ભગવાન કૃષ્ણે શું કર્યું? તેમણે કંઇ પણ કર્યા વિના અર્જુનને એક વિચાર આપ્યો. એ વિચાર હતો…
 
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ।।
 
“કર્મણ્ય વાધી કારસ્તે મા ફલેષુ કદાચન”
 
અર્થાત તું કર્મ કર્યે જા અને ફળની આશા ન રાખ.આવું જ બીજું સત્ય કે જે કાંઈ મળે છે તે સર્વે કર્મને આધિન છે.
 
કૃષ્ણએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તારે માત્ર કામ કરવાનું છે ફળ હું નક્કી કરીશ.
 
અહિં વાત સમજવા જેવી છે. આપણને તણાવ કેમ આવે છે? કારણ કે કર્મ કરી ફળ પણ આપણે નક્કી કરી લઈએ છીએ. અહિંથી જ તણાવની શરૂઆત થાય છે. જેમ કે હું આટલું કામ કરી લવ તો સફળતા નક્કી જ છે…હું આટલું ટર્નઓવર કરી જ લઈશ….
 
એકવાત સમજીએ તો આ વાત સારી કહેવાય. ઊંચું લક્ષ્ય વિચારી તેને સાકાર કરવા મહેનત કરવાની. અથાક મહેનત કરવાની. અહિં સુધી તો બરાબર છે. પણ પછી જે પરિણામ આવે ત્યાંથી જ આમણી મુશ્કેલી ઊભી થાય છે. આપણું ધાર્યુ ન થાય એટલે આપણે નિરાશ થઈ જઈએ છીએ. તણાવમાં આવી જઈએ છીએ. અહિં કૃષ્ણને – ગીતાને યાદ રાખવાના છે. પરિણામની ચિંતા કર્યા વગર કાર્ય જ આપણે કરવાનું છે. પરિણામ આપણને ભગવાન આપશે. જો આટલું વિચારી અણથક મહેનત કરીએ તો તણાવ તમારી આસપાસ પણ નહિ ફરકે…