ગિલગિટ-બાલ્ટિસ્તાનપાકિસ્તાનના નાપાક કબજા અને ભારતના હકની વાત

    ૧૨-જૂન-૨૦૧૮   

 
પાકિસ્તાનની પૂંછડી તેના નકશા પ્રમાણે જ વાંકી છે. એ કદી સીધી થશે નહીં ! સભ્ય અને શાંત દુનિયા માટે કલંક સમાન પાકિસ્તાની સત્તાવાળાઓ થોડા થોડા દિવસે કોઈ ને કોઈ એવાં ઊંબાડિયાં કરતા રહે છે કે જેથી પાકિસ્તાનની અંદર અથવા આસપાસના દેશો માટે અશાંતિ ઊભી થાય. ના-પાક સત્તાવાળાઓએ આવું તાજું ઊંબાડિયું ગિલગિટ અને બાલ્ટિસ્તાન મુદ્દે કર્યું છે. મૂળ ભારતના, પરંતુ ૧૯૪૭માં સ્વતંત્રતા પછી પાકિસ્તાનીઓએ ઘૂસણખોરી કરીને પચાવી પાડેલા જમ્મુ-કાશ્મીરના પ્રદેશ ગિલગિટ અને બાલ્ટિસ્તાન ઉપર વહીવટી કબજો જમાવવા તાજેતરમાં પાકિસ્તાન સરકારે ઠરાવ કર્યો. જોકે પાકિસ્તાની સરકારના એ પ્રયાસ સામે ગિલગિટ અને બાલ્ટિસ્તાનની પ્રજાએ સખત વિરોધ નોંધાવ્યો, એટલું જ નહીં પરંતુ ભારત સરકારે પણ નવી દિલ્હીસ્થિત પાકિસ્તાનના નાયબ રાજદૂતને વિદેશ મંત્રાલયમાં બોલાવીને સત્તાવાર રીતે ભારતનો વિરોધ નોંધાવ્યો.
 
પણ...આ ગિલગિટ - બાલ્ટિસ્તાન છે શું ?
 
ઘણાબધા વાચકોના મનમાં અત્યાર સુધીમાં એ સવાલ ચકરાવા લાગ્યો હશે કે...પણ આ ગિલગિટ બાલ્ટિસ્તાન છે શું ? અને આજે એના વિશે અહીં ચર્ચા કરવાની શું જ‚ર પડી ? ગિલગિટ - બાલ્ટિસ્તાન મૂળભૂત રીતે જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભારતના જ પ્રદેશ છે, પરંતુ હાલ તે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળ છે. ૧૯૪૭માં ભારતનું વિભાજન થયું ત્યારે જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી છે એવી ખોટી રજૂઆત સાથે પાકિસ્તાનીઓએ એ રાજ્ય પરનો દાવો છોડ્યો નહોતો. સ્વતંત્રતા સમયે દેશના મોટાભાગનાં રજવાડાંએ કયા દેશ સાથે ભળવું તેનો નિર્ણય લઈ લીધો હતો, પરંતુ કાશ્મીરના મહારાજા હરિસિંહ નિર્ણય લઈ શકતા નહોતા. શક્ય છે કે તેઓ એવું માનતા હશે કે ધીમે ધીમે બધો વિવાદ શમી જાય અને પોતાનું રાજ્ય અલગ રહે અને કોઈ દેશ સાથે ન ભળવું પડે તો સારું. પરંતુ તેઓ પાકિસ્તાનીઓના ના-પાક ઇરાદાને ઓળખતા નહોતા. ૧૯૪૭ના વર્ષના અંત પહેલાં તો પાકિસ્તાનીઓએ ઘૂસણખોરી શ‚ કરી દીધી અને તેઓ છેક શ્રીનગર સુધી પહોંચી જવાની તૈયારીમાં હતા ત્યારે હરિસિંહને ભાન થયું અને તેમણે ભારતમાં ભળવા માટેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા.
 

 
 
હવે એ રાજ્ય ભારતનો સત્તાવાર પ્રદેશ હતો તેથી ઘૂસી આવેલા પાકિસ્તાનીઓને મારી હઠાવવાની જવાબદારી ભારતીય લશ્કર ઉપર આવી. ભારતીય લશ્કરી દળોએ પાકિસ્તાનીઓને ખદેડવાનું શ‚ કરી દીધું અને તેમને પૂરેપૂરી સફળતા મળે એ પહેલાં જ એકાએક યુદ્ધવિરામની ઘોષણા થઈ ગઈ એટલું જ નહીં પરંતુ યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો પણ યુએન તરફથી આદેશ થયો, જેનો પંડિત નહેરુએ કોઈ વિરોધ વિના સ્વીકાર કરી લીધો. તેને કારણે અડધુંઅડધ કાશ્મીર પાકિસ્તાનીઓના ના-પાક નિયંત્રણ હેઠળ રહી ગયું, જેનાં પરિણામ આજે ૭૦ વર્ષે પણ આપણે ભોગવી રહ્યા છીએ.
અત્યાર સુધી આ પ્રદેશ અર્ધસ્વાયત્ત સ્થિતિમાં છે, પરંતુ પાકિસ્તાન યેનકેન પ્રકારે પોતાના નિયંત્રણમાં લેવા માગે છે. યુએનના ઠરાવ અને આંતરરાષ્ટ્રીય ઓબ્લિગેશન હેઠળ પાકિસ્તાન તેણે ૧૯૪૭માં કબજે કરેલા કાશ્મીરના કોઈ પ્રદેશને પોતાનો પ્રદેશ જાહેર ન કરી શકે, માત્ર લશ્કરી અને વિદેશી બાબતોમાં જ તેની સત્તા ચાલે. છતાં ગિલગિટ તેમજ બાલ્ટિસ્તાનમાં કોઈ સબળ નેતૃત્વ તેમજ બળવાખોર જૂથો નહીં હોવાને કારણે પાકિસ્તાનની મનમાની ચાલે છે. આ જ કારણે છેલ્લાં થોડાં વર્ષથી આ પ્રદેશમાં ચીનાઓની હાજરી વધી ગઈ છે.
 
આપણે સૌ જાણીએ છીએ કે ચીનની વિસ્તારવાદી નીતિ અત્યંત આક્રમક છે. ભારતમાં અને તેમાંય ખાસ કરીને ૨૦૧૪ પછી તેની દાદાગીરી ચાલી શકે તેમ નથી એટલે તેણે પાકિસ્તાનને તેના સકંજામાં લેવાનું શ‚ કર્યું છે. પાકિસ્તાન આમ પણ તેના જન્મથી જ આર્થિક સહાય માટે કાં તો અમેરિકા અથવા સાઉદી અરેબિયા ઉપર નિર્ભર હતો, હવે ચીન તેને આર્થિક મદદ કરે છે. પરંતુ ચીનની આર્થિક મદદ લેવી એટલે અજગરના મોંમાં સામે ચાલીને માથું મૂકી દેવા જેવી વાત છે. ચીન આર્થિક મદદની પૂરી કિમત વસૂલ કરી રહ્યું છે અને તેની લાંબાગાળાની નીતિના ભાગ‚પે ચીન પાકિસ્તાનમાં થઈને યુરોપ સુધી રોડ-રેલવે તેમજ દરિયાઈ માર્ગ તૈયાર કરી રહ્યું છે એ દુનિયા જાણે છે.
 
આ માટે ગિલગિટ અને બાલ્ટિસ્તાન સૌથી અગત્યના પ્રદેશો છે, કેમ કે ચીન માટે પાકિસ્તાનમાં ઘૂસવા માટેનું એ જ પ્રવેશદ્વાર છે. ચીન છેલ્લાં થોડાં વર્ષથી રોડ અને રેલવે નેટવર્ક ઊભાં કરવા ઉપરાંત ઉદ્યોગો પણ સ્થાપી રહ્યું છે. પરંતુ અગાઉ કહ્યું તેમ આંતરરાષ્ટ્રીય ઓબ્લિગેશનને કારણે ગિલગિટ અને બાલ્ટિસ્તાનની બાબતમાં પાકિસ્તાન અને ચીન બંનેના હાથ બંધાયેલા છે. એ સ્થિતિમાંથી બહાર આવવા પાકિસ્તાની સરકારે ગત ૨૧ મેએ ગિલગિટ-બાલ્ટિસ્તાનને વધુ સ્વાયત્તતા આપવાને નામે ઠરાવ પસાર કરીને વડાપ્રધાન શાહીદ ખાકન અબ્બાસીએ હસ્તગત કરી.
 
જોકે, ધારણા મુજબ ભારત સરકારે તીવ્ર પ્રત્યાઘાત આપીને પાકિસ્તાનને આવું કોઈ સાહસ ન કરવા ચેતવણી આપી દીધી છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે પાકિસ્તાની નાયબ હાઈકમિશનરને બોલાવીને સ્પષ્ટ શબ્દોમાં ભારતનો વિરોધ દર્શાવ્યો એટલું જ નહીં પરંતુ પાકિસ્તાની અધિકારીને એ વાત યાદ કરાવી કે ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ-કાશ્મીરના તમામ પ્રદેશ ભારતના છે અને ત્યાં કોઈ કબજો કરવાનો પ્રયાસ કરવાને બદલે પાકિસ્તાને એ પ્રદેશ ખાલી કરવા જોઈએ.
 
ભારતે આ મુદ્દે આવું આકરું વલણ લેવું આવશ્યક છે કેમકે જો આકરું વલણ ન લે તો એ પ્રદેશમાં ચીનાઓ કાયમી કબજો કરી દે અને આગળ જતાં કાશ્મીર ઉપર અને એ રીતે ભારત ઉપર જોખમ વધી જાય. ૧૯૬૦ના અરસામાં ચીનાઓ તિબેટ ઉપર કબજો જમાવી રહ્યા હતા ત્યારે તત્કાલીન નહેરુ સરકારે ઢીલું વલણ રાખીને ચીનાઓને મનમાની કરવા દીધી તેનાં પરિણામો હજુ આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ. એ સમયે ભારતે દખલ કરીને તિબેટને સ્વતંત્ર પ્રાંત રહેવામાં મદદ કરી હોત તો આજે આપણે ડોકલામ અને અરુણાચલ પ્રદેશ તેમજ લડાખમાં ચીનાઓની વારંવારની ઘૂસણખોરીથી બચી શક્યા હોત.
 
૨૧ મેના ઠરાવ દ્વારા પાકિસ્તાને ગિલગિટ બાલ્ટિસ્તાનને હડપ કરી જવાની જે ચાલ ચાલી હતી તેને પાકિસ્તાનના જ કેટલાક બુદ્ધિજીવીઓએ ઉઘાડી પાડી દીધી છે, એટલું જ નહીં પરંતુ આ બંને પ્રદેશના સ્થાનિક આગેવાનોએ પણ ધરણાં અને વિરોધ પ્રદર્શન કરીને પાકિસ્તાનના (બદ) ઇરાદા સામે લાલબત્તી ધરી દીધી છે. પાકિસ્તાનના માનવ અધિકારવાદી કાર્યકર અબ્દુર રહેમાને પાકિસ્તાની અખબાર ડોનમાં લેખ લખીને પાકિસ્તાની સરકારના પગલાને ગેરકાનૂની ગણાવ્યું હતું. સ્ટોર્મ ઈન ધ ગિલગિટ-બાલ્ટિસ્તાન (’જજ્ઞિંળિ શક્ષ ૠશહલશિ-ંઇફહશિંતફિંક્ષ’) શીર્ષક હેઠળ લખેલા એક લેખમાં અબ્દુર રહેમાને કહ્યું કે, ગવર્નમેન્ટ ઑફ ગિલગિટ-બાલ્ટિસ્તાન ઓર્ડર, ૨૦૧૮ દ્વારા પાકિસ્તાની સરકાર અત્યંત ખોટું અને વિવાદાસ્પદ પગલું લઈ રહી છે. પાકિસ્તાનના આ માનવ અધિકારવાદી કર્મશીલના મતે પાકિસ્તાની સરકાર જો ખરેખર ગિલગિટ-બાલ્ટિસ્તાનને સ્વાયત્તતા આપીને તેનો વિકાસ કરવા માગતી હોય તો એ પ્રદેશને પાકિસ્તાનનો પાંચમો પ્રાંત જાહેર કરવો પડે.
 
અલબત્ત, પાકિસ્તાની સરકાર પણ જાણે છે કે તે ગિલગિટ-બાલ્ટિસ્તાનને તેનો પાંચમો પ્રાંત જાહેર કરી શકે તેમ નથી કેમ કે યુએન ઠરાવ મુજબ તે વિવાદી પ્રદેશ છે અને કોઈપણ પગલાં લેતા પહેલાં પાકિસ્તાને તેણે ભારત પાસેથી આંચકીને કબજે કરેલા પ્રદેશમાં યુએનના ઠરાવનો સૌથી પહેલાં અમલ કરવો પડે. એ ઠરાવ અનુસાર પાકિસ્તાને સૌથી પહેલાં તેના તમામ લશ્કરી, સરકારી તેમજ અન્ય અધિકારીઓ-કર્મચારીઓને હટાવી લેવા પડે અને ત્યારપછી ભારતીય વહીવટીતંત્રની દેખરેખ હેઠળ લોકમત લઈ શકાય. ત્યારે જે પરિણામ આવે તે સૌએ માન્ય રાખવું પડે... પરંતુ આવું ક્યારેય થવાનું નથી એ બધા જાણે છે. પાકિસ્તાન તેનો ના-પાક કબજો છોડવાનું નથી. ભારત આરપારનું યુદ્ધ કર્યા વિના એ પ્રદેશો પરત મેળવી શકવાનું નથી અને યુએનની મધ્યસ્થીથી આજ સુધી કોઈ મોટા વિવાદના અંત આવ્યા હોય એવું બન્યું નથી.