પ્રકરણ - ૨ જેમ્સ નામનો એક ચીપકું આદમી બે મહિનાથી ગુલાલને ચેટિંગ પર હેરાન કરી રહ્યો હતો

    ૧૬-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
 
સાયબર ક્રાઈમનો કિસ્સો હતો પણ કંપનીની શાખને આંચ ના આવે એટલે એ લોકો પોલીસ કેસ કરવા નહોતા માગતાં.


 સૂરજનો હૂંફાળો તડકો કાચની બારીમાંથી કૂદીને ગુલાલના ચહેરા પર પડ્યો. જાણે ગુલાબની પાંખડીઓ ઊઘડતી હોય એમ ગુલાલની આંખો ઉઘડી. ઊંઘરેટી અને ઊદાસ નજર તડકાની દિશામાં ખેંચાઈ. એનાં મમ્મી કૌશલ્યાબહેન બારીનો પરદો હટાવી રહ્યાં હતાં. એ અડધી બેઠી થઈ અને વાળ સંવારતાં ઓશીકાનો ટેકો લઈને ઉભડક બેઠી. મમ્મી એની પાસે આવ્યાં અને એના માથે હાથ ફેરવતાં બોલ્યાં, ‘ગુડ મોર્નિંગ બેટા, ચાલ જલદી બ્રશ કરી લે. આજે તો હું તારા માટે ગરમા ગરમ નાસ્તો તૈયાર કરી આપું.’

ગુલાલની આંખોમાં હજુ હચમચાવી મૂકે એવો ભૂતકાળ અંજાયેલો હતો. હજુ જયદેવસિંહ ઝાલાની લટકતી લાશ અને દીવાલ પરનું લખાણ કીકીઓ પર તાંડવ કરી રહ્યાં હતાં. એ કંઈ જ ના બોલી. માત્ર મમ્મી સામે જોયા કર્યું. એને ખબર હતી કે એ ઉદાસ હોય ત્યારે ત્યારે મમ્મી એને આ જ રીતે લાડ લડાવે છે. કૌશલ્યાબહેને બીજી વાર કહ્યું, ‘હરીઅપ, બેટા! નહીંતર તારે ઓફિસ જવાનું મોડું થશે.’

          ગુલાલ છતાંય ચૂપ રહી. એની આંખોમાં આંસુ તગતગી આવ્યાં. કૌશલ્યાબહેને ફરીવાર એના માથે હાથ ફેરવતાં કહ્યું,‘બેટા, તને હું લાખ વાર સમજાવી ચૂકી છું કે દરેક માણસની જિંદગીમાં આવા અકસ્માતો થતા રહે છે. એને ગાંઠે બાંધીને ફરીએ તો જીવી જ ના શકાય. ત્રણ વર્ષ થઈ ગયાં. જે થવાનું હતું એ થઈ ગયું. એટલું યાદ રાખ કે ભૂતકાળ હંમેશાં ભૂલવા માટે હોય છે.’

          ગુલાલ હસી, છેલ્લા સ્ટેજના કેન્સરના રોગી જેવું ફિક્કું. એણે મમ્મીની આંખોમાં આંખો પરોવતાં એને સામો પ્રશ્ર્ન પૂછ્યો, ‘મમ્મી, શું તું પપ્પાના અકસ્માતને ભુલાવી શકી છે? તું એ ભૂતકાળ ભુલાવી દે, હું આ ભૂતકાળ ભુલાવી દઈશ.’
ગુલાલની આંખોમાં બેઠેલાં આંસુઓ કૌશલ્યાબહેનની આંખોમાં આવીને બેસી ગયાં. બંને મા-દીકરી એકબીજાને ભેટીને રડી પડ્યાં. ક્યાંય સુધી રડ્યા પછી આખરે ગુલાલે જ કહેવું પડ્યું, ‘મને આમ આંસુ જ પીવરાવતી રહીશ કે ચા પણ પીવરાવીશ ? ચાલ ઊભી થા. મારે ઓફિસ જવાનું મોડું થાય છે. આજે તો બે લોકો ઇન્ટરવ્યુ માટે આવવાના છે. મારે અને નિખિલે ઈન્ટરવ્યુ લેવાનું છે. જો હું જ મોડી પડીશ તો રોંગ ઈમ્પ્રેશન પડશે. જલદી કર !’

***

          સવારના દસ વાગીને પંદર મિનિટ થઈ હતી. ગાંધીનગરની એક મોટી આઈ.ટી. કંપની ‘સાયબર વર્લ્ડ પ્રા. લિ.’ના ગેટ પર કર્મચારીઓની ભીડ જામી હતી. કંપનીના દરવાજા પર મેગ્નેટિક લોક લગાવેલું હતું. એક પછી એક કર્મચારી સ્માર્ટકાર્ડ દ્વારા દરવાજો ઓપન કરીને અંદર પ્રવેશી રહ્યા હતા. દસ પચ્ચીસ સુધીમાં તમામ કર્મચારીઓ અંદર પ્રવેશી ચૂક્યા હતા અને કામ પણ શરૂ કરી દીધું હતું.

          સાડા દસમાં બે મિનિટની વાર હતી અને ગુલાલ અંદર પ્રવેશી. આગળ ડ્રાઇવર એની બેગ લઈને ચાલતો હતો અને પાછળ ગુલાલ હતી. લી બ્રાન્ડના ડાર્ક બ્લ્યુ શુટ અને સ્ટ્રેટફીટ પેન્ટના કેજ્યુઅલ વેરમાં સજ્જ ગુલાલની ચાલમાં આજે રોજ જેવું જોશ નહોતું. ઓફિસમાં પ્રવેશતાં જ રિસેપ્સનિસ્ટે ઊભા થઈને એને ગુડ મોર્નિંગ વિશ કર્યું પણ ગુલાલે માત્ર માથું હલાવ્યું. રોજ જેમ વિશફુલ અભિવાદન ના કરી શકી. રિસેપ્શન કાઉન્ટર પછી બંને તરફ કયુનિકલ્સ હતા અને પછી એની કેબિન. વચ્ચેના સાંકડા રસ્તામાંથી એ પસાર થઈ એ વખતે બીજા કર્મચારીઓએ પણ એને ‘ગુડ મોર્નિંગ’ વિશ કર્યું પણ એ નીચી નજર કરી માત્ર માથું હલાવતાં હલાવતાં પોતાની કેબિન તરફ આગળ વધી ગઈ.

          ગુલાલ એની ચેરમાં બેઠી. કોમ્પ્યુટર ઓન કર્યું. ત્યાં જ એની સેક્રેટરી અંતરા અંદર આવી.
‘ગુડ મોર્નિંગ મેડમ !’
‘વેરી ગુડ મોર્નિંગ !’
‘મેડમ, જેન્ટલ રિમાઈન્ડ યુ! આજે સાડા અગિયાર બે સોફટવેર એન્જિનિયરને આપણે ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા છે. સાંજે સાડા પાંચ વાગે દિલ્હીના આપણા બિઝનેસ ડિલર મિ. શર્મા આવવાના છે.’

‘યેસ, આઈ નો. ઇન્ટરવ્યુમાં તો હું બેસીશ જ પણ સાંજે મિ. શર્માને નહીં મળી શકું. મેનેજર મિ. આકાશ પટેલ સાથે એમને મળાવી દેજે. મારે એમની સાથે ફોન પર વાત થઈ ગઈ છે. ખાસ કંઈ કામ નથી. મિ. પટેલ સોલ્વ કરી શકશે.’
‘ઓ.કે મેડમ.
‘નિખિલ આવી ગયો છે ?’
‘હા!’
‘સારું તું જા. અગિયારને પચ્ચીસે મને યાદ કરાવજે.’

           અંતરા ગઈ પછી ગુલાલે એની કંપનીનું મેઈલ આઈ.ડી ઓપન કર્યું. બે-ત્રણ મહત્વના મેઈલ હતા. એ ચેક કર્યા. એમાંથી બેનો લેખિત જવાબ આપવાનો હતો એ પણ આપી દીધો. અડધા કલાકમાં કામ પતી ગયું. હજુ મિટિંગ શરૂ થવાને અડધા કલાકની વાર હતી. એણે સ્માર્ટ ફોન પર એનું ફેઈસબૂક એકાઉન્ટ ઓપન કર્યું. બસ હજુ તો શરૂ જ કર્યું હતું ત્યાં જ એના ચેટિંગ બોકસમાં મેસેજ આવ્યો,‘હાય, હાઉ આર યુ?’ ગુલાલે ચેટિંગ કરનારનું નામ જોયું. જેમ્સ જ હતો. એને ગુસ્સો ચડ્યો. ભારે ચીપકું આદમી છે આ તો. છેલ્લા બે મહિનાથી પાછળ પડ્યો છે. શરૂમાં ચેટિંગ દરમિયાન એકવાર ગુલાલે એની સાથે વાત કરેલી, પણ પછી તો એ એની પાછળ જ પડી ગયેલો. જાણે એ ચોવીસેય કલાક નેટ પર જ રહેતો હોય એમ ગુલાલ જ્યારે જ્યારે ઓનલાઈન હોય ત્યારે ચેટિંગ વિંડોમાં જેમ્સનો મેસેજ ટપકી જ પડે. એ કંટાળી ગઈ હતી. શરૂમાં થોડો ટાઈમ ઔપચારિકતા ખાતર એ જવાબ પણ આપતી, પણ પછી તો એણે એ પણ બંધ કરી દીધું. એ રીતસરનો એને ઈગ્નોર જ કરતી. હવે એ એના એક પણ મેસેજનો જવાબ નથી આપતી, છતાં એ એને મેસેજ મોકલ્યા જ કરે છે.

          આજે પણ એનો મેસેજ આવ્યો,‘હાય, હાઉ આર યુ?’ ગુલાલ એને ઇગ્નોર કરી કામમાં પરોવાઈ. જેમ્સે બીજી વાર મેસેજ મોકલ્યો, ‘લાગે છે આપ મારાથી નારાજ છો. હવે તો હાય નો જવાબ પણ નથી આપતાં. કમ સે કમ બાય તો કહો.’
ગુલાલે મેસેજ વાંચ્યો પણ જવાબ ના આપ્યો. એ એનું કામ કરતી રહી. ફરીવાર મેસેજ એલર્ટનો ટોન સંભળાયો. જેમ્સે એક ફની શાયરી મોકલી હતી,
‘દૂર સે દેખા તો પાની બરસ રહા થા...
દૂર સે દેખા તો પાની બરસ રહા થા...
પાસ ગયા તો ભીગ ગયા...’

ગુલાલને શાયરી પર તો હસવું ના આવ્યુ પણ એની છોકરમત પર આવી ગયું. એ એની બાળસહજ શાયરી પર હસી રહી હતી ત્યાં જ જેમ્સે બીજી શાયરી ફટકારી મારી,
‘દૂર સે દેખા તો પથ્થર દિખ રહા થા....
દૂર સે દેખા તો પથ્થર દિખ રહા થા....
પાસ ગયા તો સચમુચ પથ્થર થા....’

ગુલાલને માથાં પછાડવાનું મન થયું. આ ચીપકુથી હવે ગમે તેમ કરી છુટકારો મેળવવો પડશે. ક્યાં તો હવે એને મેસેજ કરીને ચોખ્ખેચોખ્ખું જ કહી દેવું પડશે કે હવે ક્યારેય એ એની સાથે ચેટિંગ ના કરે.
ગુલાલ વિચારી રહી હતી ત્યાં જ અંતરા અંદર દાખલ થઈ, ‘મેમ, અગિયાર પચ્ચીસ થઈ ગઈ છે.’
‘ઓ.કે પેલા બંને આવી ગયા છે?’

‘હા,’
‘અને નિખિલ ?’
‘હા, નિખિલ સર પણ આવી ગયા છે.’
‘ઓ.કે, બંનેની ફાઈલ લઈ લે અને કોન્ફરન્સમાં મૂકી દે. હું ત્યાં જાઉં છું. પછી એમને બોલાવીશ.’
‘ઓ.કે, મેમ...’ અંતરા બહાર ચાલી ગઈ.
પાંચ મિનિટ પછી કંપનીના કોન્ફરન્સ હોલમાં કંપનીના યુવાન અને ઉત્સાહી મેનેજિંગ ડિરેકટર મિ. નિખિલ ભટ્ટ અને એવી જ ચાર્મિંગ અને બ્યુટીફુલ યુવાન સી.ઈ.ઓ. ગુલાલ જોશી બેઠાં હતાં. ઈન્ટરવ્યુ આપવા આવનારની ફાઈલ ટેબલ પર પડી હતી પણ બેમાંથી એકેયે એના પર નજર ના નાંખી. એ એમની ચર્ચામાં મશગૂલ હતાં.
એકચ્યુઅલી બન્યું હતું એવું કે હમણાં હમણાંથી કંપનીમાં એક પ્રોબ્લેમ શરૂ થયો હતો. કંપનીના કેટલાક ગુપ્ત અને મહત્વના પ્રોગ્રામ્સ અને સોફ્ટવેરની ચોરી થતી હતી. આ કંપની દ્વારા કોઈ નવું સોફ્ટવેર બને અને લોન્ચ થાય એ પહેલાં જ બીજી એક કંપની દ્વારા અદ્દલ એવું જ સોફટવેર લોન્ચ થઈ જતું અને કંપની કરોડોના ખાડામાં ઊતરી જતી.

          છેલ્લા ચારેક મહિનાથી આ ચોરી થતી હતી. કંપનીનો જ કોઈ વ્યક્તિ આ ચોરી કરતો હતો અને બીજી કંપનીને એ પ્રોગ્રામ્સ વેચી નાંખતો હતો. કંપનીની સિક્યુરિટી જબદસ્ત હતી. પણ અહીં કામ કરનારા બધા ભયંકર ભેજાબાજ હતા. જે લોકોએ એ સિક્યુરિટીના મોડ્યુઅલ બનાવ્યા હોય એને એ તોડતાં વાર કેટલી ?

         નિખિલ અને ગુલાલ પર આખી કંપનીનો મદાર હતો. એ બંને આ મુદ્દાને લઈને બહું ચિંતિત હતાં. સાયબર ક્રાઈમનો કિસ્સો હતો પણ કંપનીની શાખને આંચ ના આવે એટલે એ લોકો પોલીસ કેસ કરવા નહોતા માગતાં. પોલીસ કેસ કરવામાં બીજી એક બીક ગુનેગાર છટકી જાય એની પણ હતી. બહુ થિંકિંગ પછી આ પ્રોબ્લેમથી છૂટવા માટે નિખિલ અને ગુલાલે એક તુક્કો અજમાવ્યો હતો. કંપનીનો કયો કર્મચારી આ ચોરી કરી રહ્યો છે એ કહેવું મુશ્કેલ હતું. એટલે તપાસ માટે કંપનીના કોઈ કર્મચારીને એપોઇન્ટ કરવો એ જોખમી હતું. જો કોઈ કર્મચારીને કહે તો એ ફૂટી જાય એમ પણ બને. અને આ બંને એ ચોરને રંગે હાથ પકડવા માંગતાં હતાં. પછી પોલીસને સોંપી દેવામાં કંઈ વાંધો નહોતો. ઉપરાંત ચોરી કરનારને એ પણ ખબર નહોતી કે નિખિલ અને ગુલાલને એ વાતનો ખ્યાલ આવી ગયો છે. એટલે બંનેએ એક નાટક ઊભુ કર્યું. આઈ.ટી.ના બે એક્સપર્ટ્‌સ યુવાનો સાથે આ આખા મુદ્દાની ચર્ચા કરી લીધી હતી. કંપનીના કોઈ કર્મચારીને ખ્યાલ ના આવે એ માટે દેખાવ પૂરતા ઇન્ટરવ્યુ કરીને એમને કંપનીમાં એપોઇન્ટ કરવાના હતા. એ લોકોએ એમને ખાતરી આપી હતી કે થોડા જ સમયમાં એ એ ક્રિમિનલને રંગે હાથ પકડી આપશે. આ રીતે કોઈ પર શક પણ ના જાય અને કામ પણ થઈ જાય.

          બંને એક્સપર્ટ્સ અનિકેત અને નયનેશ ગુલાલ અને નિખિલ સામે બેઠા હતા. લગભગ કલાકેક સુધી ચર્ચા ચાલી. નિખિલે એમને આખી ડિટેઈલ સમજાવી દીધી હતી. છેલ્લે ગુલાલે એમને કહ્યું, ‘આઈ થિંક, બોથ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધી મેટર! અમારા લેવલે જે સમજાવવાનું હતું એ અમે સમજાવી દીધું છે. હેવ યુ એની કવેશ્ર્ચન ?’

‘નો, એવરીથિંગ ઈઝ ક્લીઅર!’
‘ગુડ, પણ એક વાતનું ધ્યાન રાખજો. કોઈને ખ્યાલ ના આવે કે તમે કોઈ મિશન અંતર્ગત અહીં જોડાયા છો. તમે માત્ર સામાન્ય કર્મચારી જ છો. ઓ.કે?’
‘ઓ.કે... ડોન્ટ વરી!’
‘ઓ.કે બેસ્ટ ઓફ લક બોથ ઓફ યુ.’
ગુલાલ અને નિખિલ ઊભા થયાં. બંનેએ બંને સાથે વારાફરતી હેન્ડ શેઈક કર્યું.

ક્રમશ:

પ્રકરણ ૧ની લિંક...