મેક ઇન ઇન્ડિયાનું સપનું સાકર કરવા આવી ગઈ છે સ્વદેશી ટ્રેન -૧૮

    ૦૩-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
આગામી સપ્ટેમ્બરમાં એટલે કે એક મહિના પછી રેલવે ટ્રેક ઉપર એક એવી ટ્રેન દોડતી થશે જે ભારતીય નાગરિકો માટે મુસાફરીનો આખો અનુભવ જ બદલી નાખશે. સ્વદેશી ધોરણે તૈયાર થયેલી આ ટ્રેન-૧૮ ને બુલેટ ટ્રેનનું પ્રારંભિક સ્વરૂપ કહેવામાં ખાસ વાંધો નથી.
 
૧૮૫૩ની ૧૬ એપ્રિલે ભારતની પહેલી ટ્રેન મુંબઈના બોરીબંદરથી થાણે વચ્ચે દોડી હતી. એ ઐતિહાસિક ઘટનાને ૧૬૫ વર્ષ પૂરાં થઈ ગયાં છે. ૧૬૫ વર્ષની ભારતીય રેલવે હવે વધારે યુવાન અને વધારે ડાયનેમિક થઈ રહી છે. ખાસ કરીને છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી રેલવેમાં જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે તેનાથી રેલવે મુસાફરોમાં સંતોષનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે હવે બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છીએ અને વાસ્તવમાં તેના માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે. ભારતીય રેલવેનું તંત્ર ખૂબ જ વિશાળ છે તેથી તેમાં એક સાથે અને મોટાપાયે સુધારા થઈ ન જાય, અને જે સુધારા થાય એ તરત દેખાય પણ નહીં. છતાં જે કંઈ થઈ રહ્યું છે તેની નોંધ લેવી રહી. નોંધ લેવી પડે તેનું મુખ્ય કારણ એ છે કે ભારતીય રેલવેમાં હવે જે કોઈ ટેકનોલોજી તેમજ સુવિધાઓ આવી રહી છે તે સમય અને જ‚રિયાત મુજબની છે. અને તેનું પહેલું ટ્રેલર આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર ૨૦૧૮માં જ જોવા મળશે.
 
બુલેટ ટ્રેનનો અનુભવ તો આપણે જ્યારે કરીશું ત્યારે કરીશું, પણ ભારતીય રેલવે એ હાલ જે ટ્રેન તૈયાર કરી છે તેને (હાલના તબક્કે) કોઈ પરંપરાગત નામ નથી આપ્યું પરંતુ તે ટ્રેન-૧૮ અથવા ટી-૧૮ તરીકે ઓળખાશે. આ ટ્રેન સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ છે અને તેમાં વપરાયેલી ૮૦ ટકા સામગ્રી પણ સ્વદેશી છે. માંડ ૨૦ ટકા જેટલી સામગ્રી વિદેશી છે. સંપૂર્ણ એસી ટ્રેન ચેર-કાર છે. ૧૬ ડબાની આ ટ્રેનમાં બે ડબામાં એક્ઝિક્યુટિવ ચેર-કાર હશે જેમાં ૫૬-૫૬ મુસાફર બેસી શકશે, જ્યારે ૧૪ ડબા નોન-એક્ઝિક્યુટિવ ચેર-કારના હશે જેમાં ૭૮-૭૮ મુસાફર બેસી શકશે.
 
ટ્રેન-૧૮નું નિર્માણ સ્ટેનલેસ સ્ટીલમાંથી થયું છે અને તે ૧૮૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, પરંતુ રોજિંદા વ્યવહારમાં તે ૧૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડશે. સમગ્ર ટ્રેનમાં વાઇફાય સુવિધા હોવાથી મુસાફરો જીપીએસ આધારિત ટ્રેકિંગ પણ કરી શકશે. આ ટ્રેનમાં દરવાજા ઑટોમેટિક સ્લાઇડિંગવાળા હશે. તેમાં દિવ્યાંગોની વ્હીલચેર મૂકવા માટે પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. સૌથી નોંધપાત્ર એ છે કે આ ટ્રેન એન્જિન વિનાની હશે અને મેમુ તથા મેટ્રો જેવી સિસ્ટમથી સંચાલિત હશે.
 
હાલ આ ટ્રેનની નિર્માણ કિંમત ૬.૫ કરોડની આસપાસ છે, પરંતુ ચેન્નઈમાં તેનું નિર્માણ કરનાર કંપની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીનું કહેવું છે કે મોટાપાયે આ ટ્રેનનું ઉત્પાદન શરૂ થશે પછી તેની નિર્માણ કિંમત છ કરોડ રૂપિયા કરતાં ઓછી આવશે. હાલ વિદેશથી આયાત કરવામાં આવતા આવા કોચ પાછળ રૂપિયા ૧૨ કરોડ કરતાં વધારે ખર્ચ થાય છે, જેની સામે ભારતમાં નિર્માણનો ખર્ચ અડધા કરતાં ઓછો છે.
 
ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી દ્વારા હાલ બે ટ્રેનના એક સેટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આગામી માર્ચ-એપ્રિલ ૨૦૧૯ સુધીમાં બીજા પાંચ સેટ તૈયાર કરી દેવાની તૈયારી છે. આમ તો સત્તાવાર રીતે આ નવી ટ્રેનો કયા રૂટ ઉપર ચાલશે તેની જાહેરત હજુ થઈ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે દિલ્હી ચંદીગઢ, દિલ્હી કાનપુર, દિલ્હી લખનઉ, મુંબઈ પૂણે, ચૈન્નઈ હૈદરાબાદ જેવા રૂટ ઉપર પ્રારંભ થશે.
 
૨૦૧૮ના આ ટ્રેન-૧૮ મોડલ પછી સરકાર ટ્રેન - ૨૦ની પણ તૈયારી કરી રહી છે જે ૨૦૨૦માં તૈયાર થઈને મુસાફરોની સેવામાં પાટા પર દોડતી થશે. ટ્રેન ૨૦માં ચેર-કારની સાથે સ્લીપર કોચ પણ જોડવામાં આવશે જેથી ભવિષ્યમાં તે રાજધાની ટ્રેનોનું સ્થાન લઈ શકે.
 

 
 
 
કેવી સુવિધાઓ હશે ટી - ૧૮ અર્થાત્ ટ્રેન - ૧૮માં ?
 
* ઑટોમેટિક દાદર સાથેના ઑટોમેટિક દરવાજા.
* ટ્રેનમાં જ વાઇફાય તેમજ ઇન્ફોટેઇનમેન્ટની સુવિધા.
* જીપીએસ આધારિત મુસાફર ઇન્ફર્મેશન સિસ્ટમ,
* બાયો-વેક્યુમ સિસ્ટમ સાથેના મોડ્યુલર ટોઈલેટ.
* જર્ક (આંચકા) રહિત અનુભવ માટે વિશેષ કાળજી.
* સુધારેલી બ્રેક સિસ્ટમ.
* તમામ કોચ એસી ચેર-કાર, જેમાં એક્ઝિક્યુટિવ અને નોન-એક્ઝિક્યુટિવ વિભાજન
* આધુનિક સમયને અનુરૂપ સળંગ વિન્ડો ગ્લાસ.
* એક્ઝિક્યુટિવ ક્લાસમાં સીટ ગોળ ફેરવી શકાય તેવી હશે જેથી મુસાફરીની દિશામાં ફેરવીને બેસી શકાય.
* કાચની ફર્શ સાથેનું મોડ્યુલર લગેજ રેક.
 
સાચી વાત એ છે કે, આમ તો રેલવેના આધુનીકરણની શરૂઆત એક-દોઢ વર્ષ પહેલાં જ થઈ ગઈ હતી. દિલ્હી-ઉત્તરપ્રદેશ વચ્ચે નવી આધુનિક ટ્રેન દાખલ કરવામાં આવી હતી, પરંતુ માત્ર એક જ દિવસમાં મુસાફરોએ એ ટ્રેનને કબાડીખાના જેવી બનાવી દીધી હતી. લોકોએ જ્યાં ત્યાં વધેલો ખોરાક, પીવાના પાણીની બોટલો નાખી દીધી હતી. બાથ‚મના નળ તોડી નાખ્યા હતા, જેનાથી જેટલું શક્ય બને એટલું નુકસાન કર્યું હતું. ત્યારબાદ છ મહિના પહેલાં તેજસ નામે વધુ એક આધુનિક ટ્રેન દાખલ કરવામાં આવી હતી. એ ચેર-કાર ટ્રેન છે અને તેમાં મુસાફરોની સુવિધા માટે પ્રત્યેક સીટ ઉપર એલઈડી સ્ક્રીન આપવામાં આવ્યા છે, પરંતુ આ ટ્રેનની પહેલી જ મુસાફરીમાં આ દેશના મહાન લોકોએ એલઈડી સ્ક્રીન ખેંચીને ચોરી જવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં પરંતુ કોઈ તોફાનીઓએ તો બહારથી મોટા પથ્થર મારીને ટ્રેનની બારીના કાચ પણ તોડ્યા હતા.
 
ભારત કદાચ પરિવર્તનના કાળમાંથી પસાર થઈ રહ્યો છે અને દાયકાઓથી કે સદીઓથી લોકોને આધુનિક સારી સુવિધાઓનો અનુભવ નથી તેથી આવી તોડફોડ અને ચોરી કરતા હશે એવું માનીને સરકાર અને સિસ્ટમ વધુ એક વખત આપણા માટે નવી, આધુનિક ટ્રેન આપવાની છે. મને, તમને કે સરકારને હાલ ખબર નથી કે નિરાશાવાદી અને નકારાત્મક વિચારો ધરાવતા મુસાફરો ટ્રેન - ૧૮ ની પણ કેવી હાલત કરશે. પણ સાથે એ પણ એટલું જ સાચું છે કે આવા તોડફોડિયા અને ચોરીની દાનતવાળા લોકોનું પ્રમાણ ઓછું જ હોય છે. એ સિવાયના તમારા-મારા જેવા નાગરિકો માટે ટ્રેન - ૧૮ અને ટ્રેન - ૨૦નો અનુભવ રોમાંચક હશે એ વાતમાં શંકાને સ્થાન નથી.
 
અહીં બીજી એક બાબત એ નોંધવા જેવી છે કે ભારત સરકારે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કર્યો ત્યાર પછી તેના હેઠળ દેશ-વિદેશના અનેક ઉત્પાદકો ઉત્પાદન કરી રહ્યા છે. હાલ મેક ઇન ઇન્ડિયા હેઠળ મોબાઇલ હેન્ડસેટથી માંડીને યુદ્ધ માટેનાં આધુનિક શસ્ત્રોનું પણ નિર્માણ થઈ રહ્યું છે.