દુનિયાભરમાં આતંક ફેલાવનાર આતંકવાદી હક્કાની હવે નથી

    ૧૩-સપ્ટેમ્બર-૨૦૧૮   

 

અફઘાનિસ્તાનને આતંકવાદથી ગ્રસ્ત નર્ક બનાવી દેનાર હક્કાની નેટવર્કનો જલાલુદ્દીન હક્કાની લાંબી બીમારી બાદ મૃત્યુ પામ્યો છે. ત્યારે એક નજર અફઘાનિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર બનાવી દેનાર હક્કાની નેટવર્ક અને જલાલુદ્દીન હક્કાનીના ઇતિહાસ પર...

આખી દુનિયા અત્યારે ઈસ્લામના નામે આતંકવાદ ફેલાવતાં સંગઠનોથી ત્રસ્ત છે ને આ સંગઠનોમાં એક સંગઠન અફઘાનિસ્તાનનું હક્કાની નેટવર્ક છે. અફઘાનિસ્તાન અત્યારે દુનિયાભરના આતંકવાદીઓનો અડ્ડો છે અને તેને આ અડ્ડો બનાવવામાં તાલિબાનોનો ફાળો સૌથી મોટો છે. હક્કાની નેટવર્ક તાલિબાનો સાથે સંકળાયેલું સંગઠન હતું ને તેની સ્થાપના જલાલુદ્દીન હક્કાનીએ કરેલી. હક્કાની નેટવર્કને અત્યારે યાદ કરવાનું કારણ એ કે, જલાલુદ્દીન હક્કાની ગયા અઠવાડિયે ગુજરી ગયો. જલાલુદ્દીન હક્કાની લાંબા સમયથી બીમારી સામે લડતો હતો ને છેવટે આ જંગ પણ હારી ગયો. જો કે આ જંગ હારતાં પહેલાં જલાલુદ્દીન હક્કાનીએ દુનિયાને ઘણું નુકસાન કર્યું ને અફઘાનિસ્તાનને તો આતંકવાદથી ગ્રસ્ત નર્ક જ બનાવી દીધું એમ કહીએ તો ચાલે.
 
અત્યારે ઈસ્લામના નામે ફેલાવાતા આતંકવાદથી સૌથી વધારે ફફડેલું અમેરિકા છે. અમેરિકા જ્યાં પણ ઈસ્લામિક આતંકવાદી સંગઠનો દેખાય ત્યાં તૂટી પડે છે ને તેમને સાફ કરવા મથે છે. વિધિની વક્રતા એ છે કે, છેલ્લા બે દાયકામાં દુનિયાને કનડનારા મોટા ભાગના આતંકીઓ અમેરિકાએ જ પેદા કરેલા છે. જલાલુદ્દીન હક્કાની પણ તેમાં એક હતો. ૧૯૮૦ના દાયકામાં સોવિયેત રશિયાએ અફઘાનિસ્તાનમાં પગપેસારો કર્યો પછી તેને હટાવવા અમેરિકાએ મુસ્લિમ આતંકીઓને તન મન, ધનથી મદદ કરેલી. એ બધા મુઝાહિદ્દીન કહેવાતા. અમેરિકાના ઇશારે એ લોકો સોવિયેત રશિયા સામે લડતા. હક્કાની પણ તેમાંથી એક હતો ને ઓસામા બિન લાદેનથી માંડીને ઝકી ઉર રહેમાન લખવી સુધીના આતંકીઓ આ જંગમાં સામેલ હતા. રશિયા ૧૯૮૭માં અફઘાનિસ્તાનમાંથી ખસી ગયું, પછી આ બધા નવરા થઈ ગયા એટલે અમેરિકાએ તેમને મદદ બંધ કરી. આ આતંકીઓને લડ્યા વિના ચાલતું નહોતું એટલે તેમણે અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો ને પછી અમેરિકા સામે જ બાંયો ચડાવી દીધી. ૧૯૯૦ના દાયકાની શ‚આતથી આ બધું શ‚ થયું ને આજેય ચાલુ છે. અમેરિકા હવે આ આતંકીઓનો સૌથી મોટો દુશ્મન છે ને તેને ખતમ કરવા બધા ભેગા થઈને મથે છે કે જેથી આખી દુનિયા પર ઈસ્લામનું શાસન સ્થાપી શકાય.
 

દુનિયાનું સૌથી શક્તિશાળી આતંકી સંગઠન

જલાલુદ્દીન હક્કાનીનું આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્ક પણ અમેરિકા સામે લડે છે ને અમેરિકાને સૌથી વધારે નુકસાન કરનારાં સંગઠનોમાં એક છે. હક્કાની નેટવર્ક દુનિયામાં સૌથી શક્તિશાળી આતંકી સંગઠનોમાં એક છે કેમ કે તેની પાસે ૧૫ હજાર જેટલા સૈનિકો છે. જાણીને આશ્ર્ચર્ય થશે કે આ પૈકીના મોટા ભાગના એક જ પરિવારના લોકો છે. હક્કાની વાસ્તવમાં એક પઠાણોનો કબીલો છે, તેનાં મૂળિયાં ઝદરાનમાં છે. જલાલુદ્દીન હક્કાની આ કબીલાનો મુખિયા હતો. હક્કાની પરિવાર બહુ ધનિક છે ને તેમની પાસે મોટા પ્રમાણમા જમીનો છે. એ લોકો પછીથી વેપારમાં પણ આવ્યા તેથી તેમની પાસે બેસુમાર સંપત્તિ છે. આ કારણે જલાલુદ્દીન ઐશોઆરામમાં ઊછર્યો ને ઈસ્લામનું શિક્ષણ લઈને મૌલવી બન્યો. અફઘનિસ્તાનમાં સિત્તેરના દાયકામાં શહેનશાહ ઝહિર શાહ ભાગી ગયો પછી દાઉદ ખાન પ્રમુખ બનેલો. એ વખતે હક્કાની રાજકીય રીતે સક્રિય હતો.
 
અફઘાનિસ્તાનના રાજકારણમાં તેનું મોટું નામ હતું તેથી ખાને તેને સરકાર ઉથલાવવાના કેસમાં ફિટ કરી દીધો. હક્કાની ભાગીને પાકિસ્તાનના મિરાનશાહ જતો રહેલો. ૧૯૭૮માં સોવિયેતના પીઠ્ઠુ જેવા સામ્યવાદીઓનું શાસન સ્થપાયું ત્યારે અમેરિકાના ઈશારે કટ્ટરવાદી મુસ્લિમોએ આતંકવાદ ફેલાવવા માંડ્યો. હિઝ્બ-એ ઈસ્લામી અમેરિકા દ્વારા પોષાતાં સંગઠનોમાં એક હતું. હક્કાની તેમાં જોડાયો ને તેણે પણ આતંકવાદ શ‚ કર્યો. હક્કાનીએ પાકિસ્તાનમાં રહીને અમેરિકન અધિકારીઓ સાથે ઘરોબો કેળવેલો તેથી તેને પુષ્કળ મદદ મળતી. અમેરિકનોએ તેનો પરિચય આરબ દેશોના સત્તાધીશો સાથે કરાવ્યો. તેના કારણે હક્કાનીને આરબ સત્તાધીશો પાસેથી પણ જંગી મદદ મળવા લાગી.
હક્કાનીએ ધનિક આરબોને પોતાની સાથે જોડ્યા ને તેમાં એક ઓસામા બિન લાદેન પણ હતો. હક્કાની દુનિયાના બીજા આતંકીઓને પણ અફઘાનિસ્તાન લાવ્યો ને એ રીતે તેણે અફઘાનિસ્તાનને આતંકીઓનો અડ્ડો બનાવી દીધું. અમેરિકનો તેના પર એટલા ફિદા હતા કે, પ્રમુખ રોનાલ્ડ રેગને તેને વ્હાઈટ હાઉસમાં બોલાવેલો. હક્કાનીએ આ મદદનો ઉપયોગ કરીને પોતાનું અલગ સંગઠન ઊભું કર્યું ને આ સંગઠન હક્કાની નેટવર્ક કહેવાય છે. આ નેટવર્ક ખરેખર ક્યારે અસ્તિત્વમાં આવ્યું તે કોઈને ખબર નથી પણ ૧૯૯૧માં હક્કાનીએ ખોસ્ત શહેર પર કબજો કર્યો પછી તે દુનિયાભરમાં જાણીતો થયો. દરમિયાનમાં તાલિબાની અફઘાનિસ્તાન પર કબજો કરવા મથતા હતા. હક્કાની તેમને પણ મદદ કરતો. ૧૯૯૬માં તાલિબાને કાબુલ પર કબજો કરીને સરકાર રચી ત્યારે હક્કાની તેમાં જસ્ટિસ મિનિસ્ટર બનેલો. તાલિબાનમાં તેનો પ્રભાવ વધતો ગયો ને ૨૦૦૧માં તે તાલિબાનનો મિલિટરી કમાન્ડર હતો.

 
અમેરિકા પર સૌથી વધુ હુમલા આ નેટવર્ક કરે છે

અમેરિકામાં નાઈન ઈલેવનના આતંકી હુમલા વખતે હક્કાની તાલિબાનનો મિલિટરી કમાન્ડર હતો. આ હુમલાને પગલે અમેરિકાએ અફઘાનિસ્તાનને ઘમરોળ્યું ને તાલિબાનને ઉખાડી ફેંક્યા પછી તમામ કટ્ટરવાદી સંગઠનોએ ભેગાં મળીને અમેરિકા પર ગેરીલા હુમલા શરૂ કર્યા. આ હુમલા આજેય ચાલુ છે ને તેમાં હક્કાની નેટવર્ક સૌથી વધારે સક્રિય છે. હક્કાની નેટવર્કનો પ્રભાવ તોરાબોરાની પહાડીઓના વિસ્તારમાં તથા ઉત્તર વઝિરિસ્તાનમાં મિરાનશાહમાં છે. અમેરિકાના હુમલા પછી લાદેન તથા મુલ્લા ઉમર સહિતના મોટા ભાગના આતંકી વરસો લગી આ પહાડીઓમાં છુપાઈને રહેલા.
હક્કાની નેટવર્કે છેલ્લા દોઢ દાયકામાં સો કરતાં વધારે મોટા આતંકી હુમલા કર્યા છે ને ૧૦૦૦ કરતાં વધારે અમેરિકનોની હત્યા કરી છે. હક્કાની પાસે આખા અફઘાનિસ્તાનમાં નેટવર્ક છે ને નિયમિત રીતે નાના નાના હુમલા તો કરાવ્યા જ કરે છે. ૨૦૧૭માં કાબુલમાં ટ્રક બોમ્બ ફૂટેલો ને ૨૦૦ લોકોનાં મોત થયેલાં. આ હુમલો હક્કાની નેટવર્કે કરાવેલો. અમેરિકા તથા તેના સાથી દેશોના દૂતાવાસો પર તો ઘણા બધા હુમલા હક્કાનીએ કરેલા છે. અમેરિકન સહિતના વિદેશીઓનાં અપહરણ સહિતની પ્રવૃત્તિઓમાં પણ આ નેટવર્ક મોટા પાયે સામેલ છે. અફઘાનિસ્તાનમાં સુસાઈડ ટેરર એટેકની શ‚આત હક્કાનીએ કરેલી. તાલિબાન મહદ્ અંશે અફઘાનીઓ પર નિર્ભર છે જ્યારે હક્કાની નેટવર્ક આ બધાં કામો માટે વિદેશીઓનો ઉપયોગ કરે છે, તેના કારણે તેના સુધી પહોંચવું મુશ્કેલ છે.
 
હક્કાની નેટવર્કની તાકાત એ પણ છે કે તે મદરેસાઓમાં ફેલાયેલું છે. તેના કારણે તેને સતત નવા આતંકવાદીઓ મળતા જ રહે છે. બીજું એ કે, હક્કાની નેટવર્કનું પોતાનું કોમ્પ્યુટર નેટવર્ક છે. તેમાં કોડ લેંગ્વેજ જ વપરાય છે તેથી તેને હેક કરાય તો પણ કશું ખબર પડતી નથી. જલાલુદ્દીનનો પુત્ર સિરાજુદ્દીન લાંબા સમયથી હક્કાની નેટવર્કનો કમાન્ડર છે. તેણે આતંકવાદનું આખું મેન્યુઅલ લખ્યું છે.
 
અમેરિકા માટે હક્કાની માથાનો દુખાવો છે પણ અમેરિકા તેમને સાફ કરી શકતું નથી. તેનું એક કારણ એ છે કે, આ પરિવાર સાથે રહેતો નથી. તેમનું નેટવર્ક વ્યાપક છે ને તેને સાચવવા બધા ભાઈઓ અલગ અલગ ઠેકાણે રહે છે. આ કારણે અમેરિકા ને તેના સાથી દેશો તેને જોરદાર ફટકો મારી શકતા નથી.
 
હક્કાની નેટવર્ક અત્યારે તાલિબાન કરતાં પણ તાકતવર છે. જલાલુદ્દીનની છાપ નરમવાદી તાલિબાન તરીકેની હતી તેથી ૨૦૦૮માં પ્રમુખ હમિદ કરઝાઈ તેમને વડાપ્રધાન બનાવવા પણ તૈયાર હતા. હક્કાની તૈયાર ના થયા એ અલગ વાત છે પણ અત્યારે હક્કાનીનો પ્રભાવ જોતાં ભવિષ્યમાં તેમનો દીકરો સિરાજુદ્દીન ગાદી પર બેસે તો કહેવાય નહીં.