પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક તારિક ફતેહનો ચર્ચાસ્પદ ઇન્ટરવ્યુ

    ૧૩-સપ્ટેમ્બર-૨૦૧૮   

 

તાજેતરમાં જાણીતી ન્યૂઝ ચેનલ ‘ઇન્ડિયા ટીવી’ પર પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક અને બૌદ્ધિક તારિક ફતેહ સાથે ભારત-પાકિસ્તાની સંબંધો, ભારત તરફની પાકિસ્તાનની માનસિકતા પીઓકે અને પાકિસ્તાનના નવનિર્વાચિત પ્રધાનમંત્રી ઇમરાન ખાન જેવા મુદ્દાઓને લઈ ગરમાગરમ ચર્ચા થઈ હતી. પ્રસ્તુત છે ચર્ચાનું સંક્ષિપ્ત રૂપ.

તીખી ચર્ચાની શરૂઆત પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાનના તે ભારતને સમજે છેના નિવેદન પર ટિપ્પણી સાથે થઈ હતી, જેના જવાબમાં તારિક ફતેહે મજાકિયા અંદાજમાં જણાવ્યું હતું કે, ઇમરાન ખાન કદાચ ભારતની ઝડપી બોલિંગને સમજતા હશે, ભારતને નહીં. ઇમરાન ખાન પઠાણ છે જ નહીં. તેઓને પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્થાન અને કેપ્ટન પદ પણ પાક. સૈન્યના દબાણને કારણે મળ્યું હતું. ઇમરાન ખાન એ જનરલ નિયાઝીના ભત્રીજા છે, જેઓ ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારત સામે હથિયાર હેઠાં મૂકી ઘૂંટણીએ પડી ગયા હતા.
 
ઇમરાન ખાન પાકિસ્તાન આર્મીની કઠપૂતળી માત્ર જ છે. તેમને જીતાડવા માટે પાકિસ્તાની સૈન્યનાં દ્વારા લાખોની સંખ્યામાં બોગસ મતદાન થયું હતું.
 
ઇમરાન ખાનની નવી બેગમ વિશે તારિક ફતેહે કહ્યું હતું કે, તે એક જાદુગરણી અને તાંત્રિક છે. તોટકા કરવામાં માહેર છે. રાત્રે દીવાલો પર જીનો માટે ગોશ્ત (માંસ) ટીંગાડી રાખે છે. ઇમરાન ખાન સંપૂર્ણપણે તેના વશમાં છે.

પાક. પીઓકે પરનો કબજો છોડે અને વાત કરે

ઇમરાન ખાન કાશ્મીરના મુદ્દે ભારત સાથે વાતચીત કરવા ઇચ્છતા હોવાના અહેવાલો અંગે તારિક આશ્ર્ચર્ય સાથે કહે છે કે, અરે ભાઈ, કેવી વાતચીત, શું કામ ભારતે વાતચીત કરવી જોઈએ ? પાકિસ્તાને ભારતના કાશ્મીર પર કબજો જમાવી દીધો છે, તે કબજો છોડો અને વાતચીત કરો.
મને ખબર નથી પડતી કે ભારતની સમસ્યા શું છે, એક સામાન્ય નકશો ખોટો છપાઈ જાય અને કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ બતાવી દેવામાં આવતાં અહીં હોહા થઈ જાય છે, પરંતુ ગિલગિટ-બાલ્ટિસ્તાન, સ્કૂર્દ, હમઝા જેવા ભારતના વિસ્તારો પર પાક.-ચીની સૈન્યે કબજો જમાવી રાખ્યો છે. ચીન પીઓકેમાં બાંધકામ કરે છે. તે મુદ્દાઓ પર ચર્ચા કે તેનો વિરોધ કરવામાં આવતો નથી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની દયનીય હાલત પર પ્રકાશ પાડતાં તારિક કહે છે કે, આજે પીઓકેની હાલત એ છે કે, ત્યાં એક વ્યક્તિ પણ કાશ્મીરી ભાષા બોલતો નથી. અહીં કાશ્મીરી ભાષાનું રીતસરનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે અને હવે વારો મૂળ કાશ્મીરીઓનો છે. આમ છતાં ભારતમાં કેટલાક લોકો આ મુદ્દે પાકિસ્તાન સાથે વાતચીતની ભલામણો કરે છે. કોઈ તમારા ઘરમાં કબજો કરી લે તો, તમે તેની સાથે વાતચીત કરશો કે તેને ઉઠાવી બહાર ફેંકી દેશો ?
આ સમસ્યાનું એક જ સમાધાન છે, ભારતે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના સંબંધો કાપી નાખી વાતચીત સદંતર બંધ કરી દેવી જોઈએ. પાકિસ્તાન ભારતની સંસદ પર હુમલા કરાવે છે, ત્યાંના લોકો છેક બોમ્બે સુધી પહોંચી જઈ ૨૦૦ લોકોની હત્યા કરી નાખે છે. ત્યાર બાદ ભારતનું સ્વાભિમાન જાગવું જોઈએ. ૧૦ હજાર વર્ષ જૂની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરનાર આ દેશની આવી હાલત યોગ્ય ન જ ગણાય.
ન્યૂયોર્ક ટાઇમ્સના પાક. જનરલ નિયાઝી દ્વારા ભારત સાથે ખાનગીમાં મંત્રણા કરવાના પ્રસ્તાવને નાટક ગણાવતાં તેઓ કહે છે કે, ભારતે પાકિસ્તાનને ક્યારેય સમજ્યું જ નથી. ભારતે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ વખતે ઢાકામાં જનરલ નિયાઝી અને ૪૫ જનરલ, ૨૦૦ બ્રિગેડિયર અને ૯૦,૦૦૦ પીઓડબલ્યુને બંદી બનાવી શું કર્યું હતું. તેમને ફિલ્મ બતાવી. આ બધામાં બાંગ્લાદેશને ધરાર અવગણવામાં આવ્યું અને ૫૦ દિવસમાં બાંગ્લાદેશમાંથી નીકળી ગયા અને પાકિસ્તાની આઈએસઆઈ એજન્ટો ત્યાં જ રહી ગયા. ભારતની આ ભૂલને કારણે બાંગ્લાદેશમાં આજે તબાહી મચી છે.

કાશ્મીર મુદ્દો ઉકેલાશે તો હિન્દુસ્તાન પાકિસ્તાનનો ઝઘડો શાંત થઈ જશે ?

આવું માનવું મૂર્ખામી સિવાય બીજું કાંઈ જ નથી. પાકિસ્તાન-હિન્દુસ્તાનનો ઝઘડો ટુ-નેશન થિયરીનો છે અને આ ટુ-નેશન થિયરી કહે છે કે, હિન્દુ એ મુસ્લિમોથી ઊતરતી કક્ષાના છે. મુસલમાન હિન્દુઓ સાથે એક દેશમાં રહી જ ન શકે.
અલ્લમા ઇકબાલે આ જ થિયરી અંતર્ગત ભારતને ધુત્કાર્યું. તેણે ભારતને નફરત કરી, ટાગોરને નફરત કરી. હિન્દુઓનાં ગળાં કાપવાની વાતો કરી, છતાં આશ્ર્ચર્યજનક રીતે ભારતમાં આજે પણ તેની નજમો ગૌરવભેર ગવાય છે. પશ્ર્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં ઇકબાલ ડે ઉજવાય છે.

પાકિસ્તાન કેવી રીતે બન્યું તે સમજો !

ભારતના લોકોએ પાકિસ્તાન કેવી રીતે બન્યું તે સમજવાની જ‚ર છે. હાલ જે પાકિસ્તાન છે ત્યાં તો કોઈએ પાકિસ્તાનની માંગણી જ નહોતી કરી. સિંધ, બલૂચિસ્તાન, પંજાબ ફ્રન્ટિયરમાં મુસ્લિમ લીગનું અસ્તિત્વ જ ન હતું. મુસ્લિમ લીગનું અસ્તિત્વ બાંગલામાં હતું જેના પ્રાઇમ મિનિસ્ટર સૈયદ સોહરાબુદ્દીનને પાકિસ્તાન બન્યાને બીજે જ દિવસે ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને હરિયાણાના કરનાલના લિયાકત અલીખાં કે જેઓના કોઈ કહેતાં કોઈ જ સંબંધ પાકિસ્તાન સાથે નહોતા. તેઓને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવ્યા.
રહી વાત જીણાની તો જીણાને ન તો ઉર્દૂ આવડતી હતી કે ન સિંધી, ન પંજાબી. તેઓ માત્ર બે જ ભાષા જાણતા હતા. અંગ્રેજી અને ગુજરાતી. તેઓને કાયદે આઝમ બનાવ્યા કોણે ? યુપી, બિહાર, મદ્રાસ અને બોમ્બેના મુસ્લિમોએ. આ વિસ્તારના ૮૦ ટકા મુસ્લિમોએ જીણાના પાકિસ્તાન તરફી મતદાન કર્યું. આમ મુસ્લિમોએ પોતાનો અલગ દેશ પણ બનાવી લીધો અને ભારતમાં પણ રહી ગયા.

ભારતીય મુસ્લિમોનો અરબી પ્રેમ

ભારતના પાકિસ્તાન-બાંગ્લાદેશના મુસ્લિમો આજે પણ અરબસ્તાનમાંથી પ્રેરણા લે છે. માટે જ તેઓ પોતાના નામ સાથે સૈયદ, રિઝવી જોડે છે. અહીંના મુસ્લિમો માને છે કે, અમે અરબસ્તાનથી ભારત પર રાજ કરવા જ આવ્યા છીએ. તમે જુઓ ઈરાન, ઇન્ડોનેશિયા, તુર્કિસ્તાનના મુસ્લિમોએ ક્યારેય પોતાના પર અરબી સંસ્કૃતિ હાવી થવા દીધી નથી. આખા ઈરાનમાં તમને ખાલિદ નામનો કોઈ જ વ્યક્તિ નહીં મળે. કારણ કે એ દેશના મુસ્લિમોએ પોતાની સંસ્કૃતિ પર ધર્મને હાવી થવા દીધો નથી. પરંતુ હિન્દુસ્તાન-પાકિસ્તાનના મુસલમાનો પોતાને અરબોની ઓલાદો માને છે અને એ પણ ત્યારે જ્યારે અરબી લોકો તેઓને સતત તિરસ્કારે છે. ગુલામો ગણે છે.

પાકિસ્તાનીઓ ભારતને પ્રેમ કરે છે, એ વાતમાં દમ નથી

સામાન્ય રીતે એવી ચર્ચા વારંવાર ચાલે છે કે, બન્ને દેશના નેતાઓને કારણે જ બન્ને દેશમાં દુશ્મની છે. બાકી પાકિસ્તાનના લોકો ભારતને ખૂબ પ્રેમ કરે છે. અરે ભાઈ, મુંબઈ પર હુમલો કરી ૨૦૦ લોકોને મારી નાખનાર પાકિસ્તાની સારા હતા. લશ્કરે તૈયબા-જૈસ-એ મહંમદવાળાને તમે સારા કહેશો ? જનરેશન થિયરીવાળા લોકો ક્યારેય સારા ન થઈ શકે, પોતાને ત્યાં કોઈ હિન્દુ આવીને જમે તો તેના ગયા બાદ હિન્દુએ જમેલી પ્લેટને પણ ઘસી ઘસીને ધોનારા લોકો છે. હું ત્યાં જન્મ્યો છું. મને ત્યાંની ખબર છે. ત્યાંના મુસ્લિમોને હિન્દુઓ માટે માત્ર ને માત્ર નફરત કરવાનું શીખવાડાય છે અને આ નફરત પાકિસ્તાનના અસ્તિત્વ માટે જ‚રી છે. જો આ નફરત ન રહે તો પાકિસ્તાન ખતમ થઈ જાય.
માત્ર હિન્દુઓને જ નહીં તેઓ બલૂચિસ્તાનીઓને પણ નફરત કરે છે. ૫૦,૦૦૦ બલૂચીઓને હેલિકોપ્ટરમાં લઈ જઈ ફેંકી દઈ હત્યા કરી છે. તે બલૂચ મુસ્લિમોને ઇઝરાયલે-ભારતે માર્યા છે ? ૩ મિલિયન બાંગ્લાદેશીઓને કોણે માર્યા ? પાકિસ્તાને (મુસલમાનોએ) જ ને !

આઝાદીના નારા લગાવતા કાશ્મીરીઓને શું કહું...

જે લોકોએ પાંચ લાખ પંડિતોને કાશ્મીરમાંથી બેદખલ કરી પોતાના જ દેશમાં મુહાજિર બનાવી દીધા તે લોકોને હું શું કહું ? ૧૯૪૭માં રઝાકારો દ્વારા કાશ્મીર પર હુમલો થયો તે વખતના અત્યાચાર યાદ કરો. તે વખતના પાકિસ્તાની કમાન્ડર ઇન ચીફ લેફ્. જનરલ અકબરનું ‘રેડ ઇઝ ઇન કાશ્મીર’ વાંચવી જોઈએ. પાકિસ્તાનીઓએ કાશ્મીરમાં કેવા-કેવા અત્યાચાર કર્યા હતા, કેટકેટલી કાશ્મીરી મહિલાઓ સાથે બળાત્કાર કર્યા હતા, કેટકેટલી યુવતીઓને ઉઠાવી ગયા હતા ? એ લોકોને એ વાતની ખબર હોવી જોઈએ કે, આખી દુનિયામાં એક જ દેશ છે, જ્યાં મુસ્લિમો પોતાની મનમરજી મુજબ જીવી શકે છે અને તે છે હિન્દુસ્તાન. કાશ્મીરી મુસ્લિમોએ આ વાત સમજવી પડશે.

બાબરી તૂટી એ હકીકત, તો બંધાઈ એ પણ હકીકત છે

૧૯૯૨માં વિવાદિત એવી બાબરી મસ્જિદ કારસેવકો દ્વારા ધ્વંસ કરાઈ એ હકીકત છે, પરંતુ આ મસ્જિદને મંદિર તોડી બનાવાઈ હતી એ પણ હકીકત છે. અફઘાનિસ્તાનથી કોઈ ગુંડો આવ્યો તેણે મંદિર તોડ્યું અને તેના પર મસ્જિદ બાંધી ચાલતો થયો, માટે ત્યાં નમાઝ પઢવી એ ગેરઇસ્લામિક છે. ત્યાં રામમંદિર જ બનશે. અને એક મસ્જિદ તોડી પાડવામાં આવી એમાં આટલી રાડારાડ શું કામ ? મક્કાની અંદર રસૂલના ઘર-મસ્જિદો તોડી પાડી રાતોરાત પાર્કિંગ બનાવી દેવાય છે ત્યારે કેમ કોઈ રાડારાડ થતી નથી ?