અમે સંઘનું વર્ચસ્વ નથી ઇચ્છતા, અમે તો સમાજનું વર્ચસ્વ ઇચ્છીએ છીએ - મોહનજી ભાગવત

    ૧૮-સપ્ટેમ્બર-૨૦૧૮   

 

“ભવિષ્યનું ભારત” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રષ્ટિકોણ


“ભવિષ્યનું ભારત” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રષ્ટિકોણ વિષય પર ત્રણ દિવસની વ્યાખ્યાનમાળાનું આયોજન તા. ૧૭,૧૮,૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે.

ઉત્તર ક્ષેત્રના સંઘચાલક બજરંગલાલ ગુપ્તે કહ્યું કે,…

વ્યાખ્યાનમાળાના પહેલા દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉત્તર ક્ષેત્રના સંઘચાલક બજરંગલાલ ગુપ્તે સમગ્ર કાર્યક્રમની સંકલ્પના સ્પષ્ટ કરી હતી. આ વ્યાખ્યાનમાળા આ સમયે કેમ યોજવામાં આવી, તે સમજાવતા કહ્યું કે સંઘ માટે આ નવી વાત નથી. વર્ષ દરમિયાન સંઘના આવા કાર્યક્રર્મો થતા રહે છે. હા તેનો આકાર નાનો મોટો હોઇ શકે છે. મા. સરસંઘચાલકજીનો આખા વર્ષનો કાર્યક્રમ એક સાથે તૈયાર થાય છે. જેમાં દરેક પ્રાંતને સમય અપાય છે. દિલ્હીને તા. ૧૭/૧૮/૧૯ સપ્ટેમ્બરનો સમય ફળવાયો એટલે આ ત્રણ દિવસ અહીં આ વ્યાખ્યાનમાળાનું આયોજન થયું છે. આનો કોઇ બીજો અર્થ થતો નથી. હા, સતત ત્રણ દિવસનું ઉદ્‌બોધન મા. સરસંઘચાલકજી પહેલીવાર કોઇ કાર્યક્રમમાં કરશે. આવું પહેલી વાર બનશે.

સંઘ શું છે?

સંઘ શું છે? શું કરવા માંગે છે? શું કરે છે? કેવી રીતે કાર્ય કરે છે? આ બધું જાણવું બધાને ગમશે. આ સંદર્ભે લોકોમાં જીજ્ઞાસા છે અહીં આ ત્રણ દિવસમાં બધુ જ જાણવા સમજવા મળશે. અને અહીં ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીઓને સંવાદ પણ કરવા મળશે…

મા. સરસંઘચાલક મોહનજી ભાગવતનું ઉદ્‌બોધન….

આ વ્યાખ્યાનમાળામાં પહેલા દિવસે મા. સરસંઘચાલકે કહ્યું હતું કે, અમે સંઘનું વર્ચસ્વ નથી ઇચ્છતા, અમે તો સમાજનું વર્ચસ્વ ઇચ્છીએ છીએ. સમાજના સારા કાર્યો માટે સંઘના વર્ચસ્વની જરૂર પડે એવું સંઘ નથી ઇચ્છતું. પરંતું સમાજના સકારાત્મક કાર્ય સમાજના સામાન્ય લોકો દ્વારા જ પૂરા થાય એજ સંઘનું લક્ષ્ય છે.

સમર્થ, સંસ્કારવાન અને સંપૂર્ણ સમાજ

સંઘના સંસ્થાપક અને આદિ સરસંઘચાલક ડૉ. કેશવ બલિરામ હેડગેવારજી વિશે જણાવતા ભાગવતજીએ કહ્યું કે, સ્થાપનાના સમયથી જ સંઘનું લક્ષ્ય વ્યક્તિ નિર્માણના માધ્યમથી સમાજ નિર્માણનું રહ્યું છે. જ્યારે સમર્થ, સંસ્કારવાન અને સંપૂર્ણ સમાજ પ્રત્યે એકાત્મભાવ રાખનારા સમાજનું નિર્માણ થશે તો સમાજ પોતાના હિત માટેના તમામ કાર્યો સ્વયં કરવા માટે સક્ષમ થઈ જશે.

સંઘની તુલના કોઇ સાથે ન થઈ શકે.

સંઘની કાર્ય શૈલી વિશ્વમાં અનોખી છે. આની તુલના કોઇ સાથે ન થઈ શકે. આજ કારણ છે સંઘ ક્યારેય પ્રચાર પાછળ ભાગતો નથી. બધી જ વિચારધારના લોકો સંઘના મિત્ર છે. સાવરકરથી લઇને એમ.એન.રાય સુધીના લોકો હેડગેવારજીના મિત્રો હતા. સંઘ ક્યારેય કોઇને પારકા ગણતું નથી. સંઘનું માનવું છે કે સમાજને ગુણવત્તાપૂર્ણ બનાવવાના પ્રયત્નો થકી જ દેશને વૈભવપૂર્ણ બનાવી શકાય છે. તેમણે જણાવ્યું કે વ્યવસ્થામાં પરિસ્કાર (શુદ્ધિ) ત્યારે જ આવે જ્યારે સમાજની શુદ્ધિ થાય અને તે માટેનો એક માત્ર ઉપાય વ્યક્તિ નિર્માણનો છે. સંઘનો ઉદ્દેશ દરેક ગામમાં, ગલીમાં આવા નાયકો ઉભા કરવાનો છે.

ભેદભાવ રહિત અને સમતામૂલક સમાજના નિર્માણને સંઘનું લક્ષ્ય છે.

સમાજમાં વાંછિત પરિવર્તન ઉપરથી ન લાવી શકાય. ભેદભાવ રહિત અને સમતામૂલક સમાજના નિર્માણને સંઘનું લક્ષ્ય છે. આપણી વિવિધતાના મર્મમાં પણ અમારી એકાત્મતા જ છે. વિવિધતા પ્રત્યે સમ્માન જ ભારતની શક્તિ છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. કલામ, એમ.એન. રાય, ડૉ, રવીન્દ્રનાથ ઠાકુર, ડૉ, વર્ગીસ કુરિયન વગેરે જેવા અનેક મહાપુરૂષોનું ઉદાહરણ આપતા ભાગવતજીએ કહ્યું કે, આ દેશના સમાજે પોતાના પ્રત્યે વિશ્વાસ જાગૃત કરવાની જરૂર છે. આ વિશ્વાસ ભારતની પ્રાચિન સંસ્કૃતિ અને પરંપરાઓથી જ જાગૃત થશે. ભારતના મૂળ તત્વને નજરઅંદાજ કરીને જે પ્રયાસો થયા તેની નિષ્ફળતા સ્પષ્ટ દેખાય છે.

ઉપસ્થિત મહાનુભાવો…

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસની આ વ્યાખ્યાનમાળામાં અલગ-અલગ ક્ષેત્રના સુપ્રસિદ્ધ અને વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં અનેક દેશોના રાજદૂત, લોકેશ મુનિ, અનેક કેન્દ્રીય મંત્રીશ્રીઓ અને ફિલ્મ જગતની હસ્તીઓ ઉપસ્થિત રહી છે.
 
સાંભળો ભાગવતજીનું ઉદ્‌બોધન......