બુશરા બીબીના જીને (ભૂત) ઈમરાનને વડાપ્રધાન બનાવ્યા ? પાકિસ્તાની મીડિયા!

    ૧૨-ઓક્ટોબર-૨૦૧૯   

 
 
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને ભારત સામે એક પછી એક પછડાટ મળી રહી છે ત્યારે પાકિસ્તાનની પ્રજાનું ધ્યાન બીજી તરફ વાળવા એક નવું તૂત ઊભું કરાયું છે. પાકિસ્તાની મીડિયામાં પહેલાં એવું તૂત ચાલ્યું હતું કે, ઈમરાનની પત્ની બુશરા બીબીએ બે જીન (ભૂત)ને વશમાં કર્યાં છે અને તેની મદદથી તે હવે પાકિસ્તાનની બધી સમસ્યાઓનો ઉકેલ લાવી દેશે. હવે બુશરા બીબી વિશે એવું તૂત ચાલ્યું છે કે, બુશરાએ બે જીનને વશમાં કર્યાં હોવાથી બુશરા બીબીનો ચહેરો અરીસામાં દેખાતો નથી. પાકિસ્તાની પી.એમ. ઓફિસના સ્ટાફના હવાલાથી આ પડીકું વહેતું કરાયું છે.
 
બુશરા બીબી વિશે પહેલાં પણ આ પ્રકારની વાતો વહેતી થઈ જ છે. બુશરાએ જીનને વશમાં કર્યા હોવાની વાતો તો લાંબા સમયથી ચાલે છે ને તેના કારણે જ ઈમરાન વડાપ્રધાન બન્યા છે તેવું પડીકું પણ ફરતું થયેલું છે. આ વાતો પ્રમાણે, બુશરા બીબી પાસે બે જીન છે અને તેમને રોજ રાંધેલું માંસ કે ક્યારેક કાચું માંસ પીરસવામાં આવે છે. ઇમરાને બુશરા બીબીના જીન વિશે સાંભળેલું તેથી તે બુશરાના શરણે ગયા.
 
ઈમરાને બુશરાના જીન ચૂંટણી જીતવામાં મદદ કરે તેવી અરજ કરી હતી. બુશરાએ આ અરજ સ્વીકારીને ખાસું બધું કાચું માંસ ઇમરાન તરફથી જીનને ખવડાવ્યું પણ જીન ખુશ ના થયા. બંને જીને એવી માંગણી કરી કે, ઈમરાને બુશરા પરિવારની એક મહિલા સાથે લગ્ન કરવું પડશે કેમ કે બુશરાનો પરિવાર અત્યંત પાક છે. બુશરાએ પોતાની નાની બહેન અથવા મોટી દીકરી સાથે ઇમરાનના નિકાહ કરવાની તૈયારી બતાવી. જો કે જીન તેના કારણે ખુશ નહોતા તેથી બુશરાએ પોતે ઈમરાન સાથે લગ્ન કર્યાં ને તેના પુણ્યના કારણે ઈમરાન વડાપ્રધાન બની ગયા. એવી વાર્તા ચાલી છે.
 
પાકિસ્તાની પ્રજાનું ધ્યાન બીજી તરફ વાળવા આ વાતો ભલે ફરતી કરાતી હોય પણ આ વાતોમાં દમ નથી. બુશરા સામાન્ય મહિલા છે. તેના પિતા રીયાઝ વટ્ટુ પંજાબના વગદાર રાજકારણી પરિવારમાંથી આવે છે. બુશરાએ પહેલાં લગ્ન કસ્ટમ ઓફિસર ખવર માણેક સાથે કરેલાં ને આ લગ્નથી તેને પાંચ સંતાન થયાં. માણેક પરિવાર પણ રાજકીય રીતે પાવરફુલ છે. જોકે બુશરા અને ખવર વચ્ચે મતભેદ થતાં બંનેએ ૨૦૧૭માં છૂટાછેડા લીધા. બુશરા અને ઈમરાન ૨૦૧૫માં મળ્યાં હતાં. બંનેની વધતી નિકટતા તલાકનું કારણ મનાય છે. કાયમ બુરખામાં દેખાતી બુશરાનું મોં ઈમરાને લગ્ન પછી જ જોયેલું એવું ઈમરાનનું કહેવું છે પણ ઈમરાન કેટલા સાચા માણસ છે તે બધાંને ખબર છે. ઈમરાને પહેલાં તો બંનેના સંબંધોની વાત છુપાવી હતી પણ છેવટે તેની સાથે લગ્ન કરી લીધાં.
 
ઈમરાન પર બુશરાનો ભારે પ્રભાવ છે. હમણાં ઈમરાન સાઉદી અરેબિયા ગયા તો બુશરાની સલાહ મુજબ બુટ પહેરવાને બદલે ખુલ્લા પગે ફર્યા હતા. અમેરિકામાં ઇમરાને ટ્રમ્પ સાથે મુલાકાત કરી ત્યારે પણ હાથમાં મંત્રેલી માળા રાખી એના જપ કર્યા કરતા હતા. સૂટ પહેરવાના બદલે તે પાકિસ્તાની ડ્રેસ પહેરીને ગયા હતા. અમેરિકાથી પાછા ફર્યા પછી કરેલા પ્રવચનમાં પણ તેમણે બુશરાનો વિશેષ ઉલ્લેખ કર્યો.
 
બુશરા ભેદી કેરેક્ટર છે તેથી પાકિસ્તાનીઓને રસ પડી જાય છે. ઈમરાન ખાન તેનો ફાયદો લઈ રહ્યા છે.