ક્લાયમેટ ચેંજ સામે જંગે ચડેલી ૧૬ વર્ષની ગ્રેટા

    ૧૨-ઓક્ટોબર-૨૦૧૯   

 
 
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની અમેરિકા યાત્રામાં છવાઈ ગયા હતા. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં મોદીએ વિશ્ર્વને પરેશાન કરતા ક્લાઇમેટ ચેઈન્જથી માંડીને આતંકવાદ સુધીના મુદ્દાને આવરી લઈને કરેલા સંબોધનની ચર્ચા હજુ ચાલી રહી છે. મોદીની જેમ જ બીજી એક વ્યક્તિ પણ હમણાં ચર્ચામાં છે અને એ છે ગ્રેટા થનબર્ગ. અમેરિકાના ન્યૂયોર્ક ખાતે યુ.એન.ની ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સમાં માત્ર ૧૬ વર્ષની ગ્રેટાએ કરેલા સંબોધન પર સૌ વારી ગયા છે. દુનિયાની સૌથી નાની વયની પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગે આ કોન્ફરન્સમાં જે સવાલો ઉઠાવ્યા તેના કારણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને યુ.એન.ના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટારેસ સુધીના દુનિયાભરના તમામ નેતાઓની બોલતી બંધ કરી દીધી હતી.
 
ગ્રેટાએ દુનિયાના કહેવાતા મોટા દેશો પર સીધું જ પર્યાવરણનું સત્યાનાશ વાળવાનું આળ મૂકી દીધું. આ મહાપાપ કરીને આ મોટા કહેવાતા દેશો ભાવિ પેઢીનું બાળપણ અને સપનાંને છીનવી રહ્યા છે તેવો આક્ષેપ કરીને ગ્રેટાએ આખી દુનિયાના લોકોને ખુશ કરી દીધા છે. પર્યાવરણનું નિકંદન કહેવાતા વિકસિત દેશોને કારણે નીકળી રહ્યું છે એ આખી દુનિયા જાણે છે પણ તેમના મોં પર આ વાત કહેવાની કોઈની હિંમત નથી ચાલતી. વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે ? ગ્રેટાએ આ હિંમત બતાવી છે અને આ દેશોને તેમની અસલિયત બતાવી દીધી છે. આ હિંમતના કારણે ગ્રેટા રાતોરાત વિશ્ર્વભરમાં મર્દાની તરીકે સ્થાપિત થઈ ગઈ છે ને સોશિયલ મીડિયા પર તો તેની જ ચર્ચા છે. પર્યાવરણ માટે જાગૃતિ ફેલાવવા માટે કામ કરતા લોકો માટે ગ્રેટા થનબર્ગ આદર્શ બની ગઈ છે. વિશ્ર્વભરમાં બાળકો પોતાનાં સંતાનોને તેના જેવી બનાવવા માગે છે.
 
માત્ર ૧૬ વર્ષની ગ્રેટા ૩ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ સ્વીડનમાં જન્મી હતી. તેની માતા મેલેના અર્નમેન ઓપેરા સિંગર છે, જ્યારે પિતા સ્વાન્તે થનબર્ગ લેખક છે. તેના દાદા ઓલોફ થનબર્ગ સ્વિડનના મહાન ફિલ્મ નિર્દેશક અને અભિનેતા ગણાય છે. ટાઈમ મેગેઝિનના કવર પર ચમકી ચૂકેલી ગ્રેટા ૮ વર્ષની હતી ત્યારે તેણે પહેલી વાર ક્લાઈમેટ ચેઈન્જના કારણે પેદા થતી સમસ્યાઓ વિશે સાંભળ્યું. આ દિશામાં કશું થતું નથી તે સાંભળીને તેને આઘાત લાગ્યો અને તેણે તેનો અભ્યાસ કરવા માંડ્યો. બે વર્ષ પછી તેણે પૂર્ણ સમયની પર્યાવરણ કાર્યકર તરીકે કામ કરવાનું નક્કી કર્યું ને પાંચ વર્ષમાં એટલું જોરદાર કામ કર્યું છે કે સૌ તેને વિશ્ર્વમાં પરિવર્તન લાવી શકે તેવી જબરદસ્ત નેતા તરીકે સ્વીકારવા માંડ્યા છે.
 
ગ્રેટાએ ક્લાઈમેટ ચેન્જની સમસ્યાનો અભ્યાસ કર્યો પછી તેને લાગ્યું કે, પર્યાવરણને બચાવવું હશે તો તેની શ‚રૂઆત ઘરથી જ કરવી પડશે. તેણે સૌથી પહેલાં તો પોતાનાં માતાપિતાને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધારે તેવી ચીજવસ્તુઓનો ઉપયોગ બંધ કરાવ્યો. વિમાનમાં મુસાફરી ન કરવી અને માંસાહાર ન કરવો એ બે પગલાં તેણે લીધાં. વિમાનો દ્વારા મોટા પ્રમાણમાં કાર્બન પેદા થાય છે તેથી ગ્રેટા પોતે પણ વિમાનનો ઉપયોગ નથી કરતી. ન્યૂયોર્ક ખાતેના સંમેલનમાં હાજરી આપવા માટે પણ ગ્રેટા પ્લેનમાં નહીં પણ સ્ટીમરમાં ગઈ હતી. ઇંગ્લેન્ડના પ્લાયમાઉથથી બે અઠવાડિયાં લાંબી મુસાફરી કરીને ન્યૂયોર્ક પહોંચેલી ગ્રેટાએ લોકોને પણ વિમાન દ્વારા મુસાફરી ત્યાગવાની અપીલ કરી. ગ્રેટાની માતાને પણ પ્લેનમા મુસાફરી નહીં કરવાના કારણે કારકિર્દી છોડવી પડી છે. તેના માતા ઓપેરા સિંગર છે પરંતુ વિમાનમાં મુસાફરી નથી કરતી તેથી શો મળતા નથી. જો કે તેના પરિવારને તેનો વસવસો નથી.
 
થનબર્ગે સ્વીડનમાં ક્લાઈમેટ ચેઈન્જના મામલે સરકાર સામે મોરચો માંડીને ઘણાં પગલાં ભરવાની ફરજ પાડી છે. સરકાર પહેલાં તો થનબર્ગને ગાંઠતી નહોતી. ગ્રેટાએ પંદર વર્ષની ઉંમરે શાળામાં રજા પાડીને સ્વીડનની સંસદ બહાર પ્રદર્શન કર્યું હતું. સળંગ ત્રણ અઠવાડિયાં સુધી ગ્રેટા શાળા જવાનું ટાળીને સ્વીડનની સંસદ બહાર પ્રદર્શન કરતી રહી. જેમ જેમ ગ્રેટાના આંદોલન વિશે બીજા વિદ્યાર્થીઓને જાણવા મળતું ગયું તેમ તેમ એ લોકો પણ ગ્રેટાના આંદોલનમાં જોડાવા લાગ્યા. છેવટે સરકારે તેની વાત માનવી પડી.
 
જો કે નક્કર પગલાં ના ભરાતાં થનબર્ગે દર અઠવાડિયે સ્વીડનની સ્કૂલોમાં પર્યાવરણ માટે હડતાલ પાડવાનું અભિયાન શ‚ કર્યું પછી સરકાર જાગી. થનબર્ગનું આ અભિયાન આજે દુનિયાભરનાં શહેરોની શાળાઓમાં ફેલાઈ ગયું છે. ગ્રેટાની હાકલના કારણે ૨૦થી સપ્ટેમ્બર દરમિયાન દુનિયાભરની શાળાનાં બાળકોએ ક્લાઈમેટ ચેઈન્જ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યાં. એક જ દિવસમાં ૧૩૯ દેશોમાં ૪૬૩૮ કાર્યક્રમો થયા અને લાખો વિદ્યાર્થીઓએ ભાગ લીધો. લંડન, પેરિસ, પર્થ જેવાં શહેરોમાં મોટા પાયે દેખાવો થયા. ન્યૂયોર્કની સ્કૂલોએ તો ૨૦ સપ્ટેમ્બરે રજા જ જાહેર કરી દીધી હતી કે જેથી વિદ્યાર્થીઓ પર્યાવરણ બચાવવાના આંદોલનમાં ભાગ લઈ શકે. દિલ્હી અને મુંબઈ ખાતે પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શનો યોજ્યાં હતાં.
 
ગ્રેટા થનબર્ગે ફ્રાઇડેઝ ફોર ફ્યુચર નામનું અભિયાન શરૂ કર્યું છે. આ આંદોલનને દુનિયાભરની શાળાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ જબરદસ્ત સફળતા પછી હવે થનબર્ગે એ પછી સામાન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે તૈયાર કર્યા છે. તેના કારણે અત્યારે ક્લાયમેટ ચેન્જ સામે થતાં વિરોધ પ્રદર્શનો માટે દુનિયાભરના શહેરોની સડકો પર લાખો લોકો આવી રહ્યાં છે. પર્યાવરણ બચાવવા માટે સરકારો તાત્કાલિક પગલાં ઉઠાવે એ માટે લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે એ ગ્રેટાની સફળતા છે. શ‚આતમાં તો ગ્રેટાનાં માતાપિતા ગ્રેટા શાળા છોડીને આંદોલન કરે એ સામે વાંધો લેતાં હતાં પણ તેના અભિયાનને મળેલા પ્રચંડ પ્રતિસાદ પછી હવે માતાપિતા પણ ગ્રેટાને સાથ આપે છે.
 
ગ્રેટા માને છે કે, આપણે રહી શકીએ તેવો કોઈ ગ્રહ પણ નથી એ જોતાં આપણે પૃથ્વીને ગમે તે ભોગે બચાવવી જ પડશે. આ વાત સાચી છે ને એટલે જ લોકોને ગળે ઊતરી રહી છે. ગ્રેટાને આ કારણે જ લોકોનો જોરદાર સાથ મળી રહ્યો છે.