ભાગ- ૨- શ્રી રામજન્મભૂમિ આંદોલનની આરપાર | અયોધ્યાની ગૌરવગાથા

    ૧૨-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |


ram ayodhya_1  
ઉત્તરપ્રદેશમાં પુન: ચૂંટણીઓ યોજવાની નોબત આવી, જેમાં શ્રી રામજન્મભૂમિ પર મંદિરનિર્માણનો વિરોધ કરતા પક્ષોની નાલેશીભરી હાર થઈ અને કલ્યાણસિંહ યુ.પી.ના મુખ્યમંત્રી પદે આરૂઢ થયા. ભાગ- ૨
 

સમતલીકરણ - મુખ્યમંત્રી કલ્યાણસિંહે 42 એકર ભૂમિ શ્રી રામજન્મભૂમિ ન્યાસને પટ્ટા પર આપી અને..

 
શ્રી રામજન્મભૂમિ ન્યાસ દ્વારા ઉત્તરપ્રદેશ સરકાર પાસે રામકથાકુંજ માટે થોડી ભૂમિની માગણી કરવામાં આવી, જેનો સ્વીકાર કરી મુખ્યમંત્રી કલ્યાણસિંહે 42 એકર ભૂમિ શ્રી રામજન્મભૂમિ ન્યાસને પટ્ટા પર આપી અને ઉત્તરપ્રદેશ સરકારે પણ 2.77 એકર ભૂમિ તીર્થયાત્રીઓની સુવિધા માટે સંપાદિત કરી. 1991માં યુ.પી. સરકાર દ્વારા આળ્ર ખાડાટેકરાવાળી જમીનનું સમતલીકરણનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ઇમારતના દક્ષિણપૂર્વના ખૂણેથી જમીનમાંથી અનેક પથ્થરો મળી આવ્યા જેમાં શિવ-પાર્વતીની ખંડિત પ્રતિમા, સૂર્યસમાન અર્ધકમળ, મંદિરનું શિખર, ઉત્કૃષ્ટ કલાકૃતિવાળી અનેક શિલાઓ તેમજ પ્રતિમાઓ હતી.
 

 

અયોધ્યા ખાતે સૂર્યદેવના અનુષ્ઠાનનો પ્રારંભ થયો

 
9 જુલાઈ, 1992થી સતત 60 દિવસ સુધી અયોધ્યા ખાતે સૂર્યદેવના અનુષ્ઠાન તપ્નો પ્રારંભ થયો, સાથે સાથે રામજન્મભૂમિની બરોબર સામેના શિલાન્યાસ સ્થળ આગળ ભાવિ મંદિરનો પાયો નાખવામાં આવ્યો, પરંતુ તે વખતના દેશના વડાપ્રધાન નરસિંહારાવ દ્વારા સંતો પાસે થોડો સમય માંગવામાં આવ્યો અને સંતોને આ કામ તત્કાળ પૂરતું રોકી દેવાની અરજ કરવામાં આવી. તેનો સ્વીકાર કરી સંતસમાજ એ સ્થળેથી થોડા અંતરે નિર્માણ પામી રહેલ શેષાવતાર મંદિર નિર્માણના કામમાં લાગી ગયો.
 

 

દેશના ગામડે ગામડે શ્રી રામની પાદુકાનું પૂજન

 
રામાયણ અનુસાર નંદીગ્રામ ખાતે ભરત દ્વારા 14 વર્ષ વનવાસી રૂપમાં રહી અયોધ્યાનું શાસન ભગવાન શ્રી રામની પાદુકાના માધ્યમ થકી ચલાવાયું હતું. આ જ જગ્યાએ 26 સપ્ટેમ્બર, 1992ના રોજ શ્રી રામની પાદુકાઓનું ફરી એક વાર પૂજન કરવામાં આવ્યું. ત્યાર બાદના ઑક્ટોબર માસ દરમિયાન દેશના ગામડે ગામડે શ્રી રામની પાદુકાનું પૂજન કરી જનજાગૃતિ લાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું.
 

 

લાખો રામભક્તોના રોષે તાંડવનુ સ્વરૂપ ધારણ કર્યું જેમાં કથિત બાબરી ઢાંચો જમીનદોસ્ત બન્યો

 
30 ઑક્ટોબર, 1992ના રોજ રાજધાની દિલ્હી ખાતે દેશભરના સંતો દ્વારા પાંચમી ધર્મસભાનું આયોજન કરી ઘોષણા કરવામાં આવી કે, આગામી ‘ગીતા જયંતી’ (6 ડિસેમ્બર, 1992)ના દિવસથી કારસેવાનો પુન: પ્રારંભ કરવામાં આવશે. સંતોના આ આહ્વાનથી દેશભરમાંથી લાખો કારસેવકો અયોધ્યા પહોંચવા લાગ્યા અને 6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યા ખાતે એકત્રિત થયેલા લાખો રામભક્તોના રોષે તાંડવનુ સ્વરૂપ ધારણ કર્યું જેમાં કથિત બાબરી ઢાંચો જમીનદોસ્ત બન્યો.
 

 

ઇમારતમાંથી શિલાલેખ મળ્યો

 
6 ડિસેમ્બર, 1992ના રોજ કથિત બાબરી મસ્જિદ તૂટી રહી હતી તે દરમિયાન પ્રાપ્ત એક શિલાલેખ વિશેષજ્ઞોને અભ્યાસ માટે સોંપી દેવામાં આવ્યો હતો. પુરાતત્ત્વવિદોના ઊંડા અભ્યાસમાં જે વિગતો બહાર આવી તે મુજબ શિલાલેખ 1154ના સમયનો છે, જેના પર સંસ્કૃત ભાષામાં 20 પંક્તિઓ લખેલી છે. તેનો પ્રારંભ ૐ નમ: શિવાયથી થાય છે. શિલાલેખમાં સુવર્ણકળશનું તેમજ અયોધ્યાના સૌંદર્યનું વર્ણન પણ છે. આ અભ્યાસ જ સાબિત કરી દે છે કે, આ સ્થાને ભૂતકાળમાં ભવ્ય મંદિર હતું.
 

 

ભારતીય બંધારણ અને ભગવાન શ્રીરામ

 
ભારતીયો માટે ભગવાન શ્રી રામ આદર્શ છે જ, પરંતુ ભારતીય બંધારણના ઘડવૈયાઓ દ્વારા પણ બંધારણના ઘડતર વખતે ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. ભારતીય બંધારણની આવૃત્તિના ત્રીજા પાને ભગવાન શ્રીરામ, સીતાજી અને ભાઈ લક્ષ્મણ સાથે લંકાવિજય બાદ પુષ્પક વિમાનમાં પરત ફરી રહ્યા છે તે સમયનું ચિત્રાંકન આ જ વાતની સાક્ષી પૂરે છે. ભારતના બંધારણનું નિર્માણ કરવામાં તમામ ધર્મના લોકો હતા, તેમ છતાં તેમાંના કોઈએ આ ચિત્ર સામે વાંધો ઉઠાવ્યો ન હતો, એટલું જ નહિ બંધારણમાં ભારતના વેદકાલીન આશ્રમો, મહાભારતના યુદ્ધ દરમિયાન વિષાદયુક્ત અર્જુનને પ્રેરણા આપતા ભગવાન શ્રીકૃષ્ણ, ગૌતમબુદ્ધ, મહાવીર સ્વામી વગેરે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનાર શ્રેષ્ઠીઓનાં ચિત્રો જોવા મળે છે, ત્યારે આપણા એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મભૂમિની રક્ષા આપણી નૈતિક ફરજ બની જાય છે.
 

 

હસ્તાક્ષર અભિયાન - 10 કરોડ નાગરિકોના હસ્તાક્ષરવાળું એક આવેદન

 
1993માં દેશભરમાંથી 10 કરોડ નાગરિકોના હસ્તાક્ષરવાળું એક આવેદન તત્કાલીન રાષ્ટ્રપતિને આપવામાં આવ્યુ હતું, જેમાં એક પંક્તિનો સંકલ્પ હતો કે, હાલ જે સ્થાને રામલલા બિરાજમાન છે તે જ સ્થાન શ્રીરામ જન્મભૂમિ છે અને અમારી આસ્થાનું પ્રતીક છે માટે મંદિર તો ત્યાં જ નિર્માણ પામવું જોઈએ.
 

સાંસ્કૃતિક ગુલામીમાંથી મુક્તિની સતત પ્રક્રિયા

 
શ્રી રામજન્મભૂમિ મેળવવા માટેનું આ અભિયાન, આઝાદી બાદ તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના, દેશભરમાંથી ગુલામીની ચાડી ખાતાં પ્રતીક ચિહ્નો હટાવવાના સંકલ્પ જેવું જ છે. તે વખતે સરદાર પટેલે આક્રમણકારી મહંમદ ગઝની દ્વારા ખંડિત કરાયેલ સોમનાથ મંદિરનું પુન: નિર્માણ કરાવવાના સંકલ્પ સાથે આ અભિયાનની શ‚આત કરી હતી. આ અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા દેશભરના બગીચા, ચાર રસ્તા સહિતનાં જાહેર સ્થળો પરથી રાણી વિક્ટોરિયાની પ્રતિમાઓ હટાવી દીધી હતી, રસ્તાઓનાં નામ પણ બદલી નાખવામાં આવ્યા હતાં. દિલ્હીની ઇર્વિન હાસ્પિટલ જયપ્રકાશ નારાયણ હાસ્પિટલ બની, વિલિંગ્ટન હાસ્પિટલ રામમનોહર લોહિયા હાસ્પિટલ તરીકે ઓળખાઈ, તેવી જ રીતે મિન્ટો બ્રિજને શિવજી પુલ નામ આપવામાં આવ્યું. વિવિધ રાજ્યો જેવાં કે બોમ્બેનું મુંબઈ, મદ્રાસનું ચેન્નઈ, કલકત્તાનું કોલકાતાનું નામાંકરણ કરી દેવામાં આવ્યું હતું.
 

 
 

અસ્થાયી મંદિરનું નિર્માણ

 
6 ડિસેમ્બર, 1992ના રોજ કથિત બાબરી ઢાંચાના ધ્વંસ બાદ રામભક્તોએ વચ્ચેના ગુંબજની જગ્યાએ ભગવાન શ્રીરામનું સિંહાસન સ્થાપિત કરી પૂજાનો પ્રારંભ કરી દીધો. ત્યાર બાદ લાખો રામભક્તો દ્વારા 36 કલાકમાં અને એ પણ કોઈપણ પ્રકારનાં ઓજાશેરો વગર પોતાના હાથથી તે સ્થાનની ચારે બાજુ દીવાલો ઊભી કરી ઉપર કપડાની છત બનાવી દેવામાં આવી. રામભક્તો દ્વારા 5-5 ફૂટ ઊંચી અને 25 ફૂટ લાંબી અને 25 ફૂટ પહોળી દીવાલો ચણાઈ અને આ રીતે બની ગયું રામલલાનું મંદિર. આજે પણ તે જગ્યાએ પૂજા-અર્ચના થઈ રહી છે. બસ હવે ત્યાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બાંધવાનું બાકી છે.
 
ન્યાયાલય દ્વારા દર્શનની પુન: અનુમતિ : કથિત બાબરી ધ્વંસની ઘટના બાદ સરકાર દ્વારા 8 ડિસેમ્બર, 1992ની વહેલી સવારથી જ સમગ્ર અયોધ્યા શહેરને કરફયુગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યું હતું અને રામમંદિર પરિસર સુરક્ષા દળોના હાથમાં સોંપી દેવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સુરક્ષાદળના જવાનો જ ખુદ અહીં ભગવાન શ્રીરામની પૂજા કરી રહ્યા હતા. ત્યાર બાદ હરિશંકર જૈન નામના એક વકીલ દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી કે, અમારા ભગવાન ભૂખ્યા છે, માટે તેમના રાજભોગ માટે અમને પૂજનની અનુમતિ આપવામાં આવે. પરિણામે 1 જાન્યુઆરી, 1993ના રોજ ન્યાયમૂર્તિ હરિનાથ તિલહરી દ્વારા રામભક્તોને રામલલાનાં દર્શન, પૂજન માટે અનુમતિ આપવામાં આવી.
 

 

સરકારી અધિગ્રહણ અને દર્શનની પીડાદાયક વ્યવસ્થા

 
7 જાન્યુઆરી, 1993ના રોજ સરકાર દ્વારા કથિત બાબરી ઢાંચાની ઇમારતવાળા સ્થાનની ચારે બાજુની લગભગ 67 એકર જમીન પોતાના કબજામાં લઈ લેવામાં આવી, જેની ચારે બાજુ લોખંડની પાઈપોની ઊંચી મજબૂત દીવાલ બનાવી દેવામાં આવી. પરિણામે ભગવાન શ્રીરામ સુધી પહોંચવા માટે ખૂબ જ સાંકડો રસ્તો બચ્યો છે. વળી, અહીં દર્શને જતા ભક્તોને આકરી તપાસમાંથી પસાર થવું પડે છે. દર્શનાર્થીઓને પગરખાં પહેરીને જ દર્શન કરવાની ફરજ પાડવામાં આવે છે અને તેઓ રામલલાની પ્રતિમા સામે અડધી મિનિટ પણ ઊભા રહી શકતા નથી કે, નથી પોતાની પસંદગીનો ભોગ ધરી શકતા. કારણ અહીં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી અમુક પૂજાની સામગ્રી અને અમુક જ પ્રકારનો ભોગ (પ્રસાદ) લઈ જવાની મંજૂરી મળે છે. વળી દર્શનનો સમય પણ સરકારી આફિસ ટાઇમ મુજબનો. પરિણામે અહીં આવતા દર્શનાર્થીઓને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે. આપણે આ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનું છે.
 

 

ભાવિ મંદિરનું પ્રારૂપ અને કાર્ય શાળા

 
શ્રીરામ જન્મભૂમિ સ્થળ પર ભવિષ્યમાં નિર્માણ પામનાર મંદિર કેવળ પથ્થરો દ્વારા જ બનેલું હશે. તેમાં સિમેન્ટ, કાઁક્રિટ કે લોખંડનો જરાસરખો પણ ઉપયોગ કરવામાં આવશે નહીં. આ મંદિર બે માળનું હશે. રામદરબાર, સિંહદ્વાર, નૃત્યમંડપ, રંગમંડપ, ગર્ભગૃહ અને પરિક્રમા વગેરે મંદિરનાં અંગો હશે. મંદિરમાં 106 થાંભલા અને 6 ફૂટ મોટી પથ્થરની દીવાલ હશે. 270 ફૂટ લાંબુ, 135 ફૂટ પહોળું તથા 121 ફૂટ ઊંચું શિખર હશે. છેક 1993થી આ ભવ્ય રામમંદિરના નિર્માણની તૈયારીઓ ચાલુ થઈ ચૂકી છે. મંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવાનાર પથ્થરોના કોતરણીકામ માટે અયોધ્યા, રાજસ્થાનના પિંડવાડા તેમજ મકરાણામાં કાર્યશાળાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરના 6.6 ફૂટના 108 થાંભલા તો તૈયાર પણ થઈ ચૂક્યા છે. આમ મંદિરનિર્માણના ઉપયોગમાં આવનારા કુલ પથ્થરોમાંના 60 ટકા જેટલા પથ્થરોનું કામ પૂર્ણ પણ થઈ ચૂક્યું છે.
 
શ્રી રામજન્મભૂમિ એ હિન્દુઓ માટે સંપત્તિ નથી, આસ્થા છે. પોતાના આરાધ્યદેવનું જન્મસ્થળ છે, તીર્થસ્થાન સમાન છે. રામભક્તો આ જગ્યાએ આસ્થાપૂર્વક પોતાનાં શિશ નમાવે છે. માટે આ વિવાદને માત્ર જગ્યા કે સંપત્તિનો વિવાદ માનવો ન જોઈએ.


રાષ્ટ્રપતિનો પ્રશ્ર્ન અને ખોદકામ દરમિયાન મળી આવેલ અવશેષો

 
કથિત બાબરી ધ્વંસની ઘટના બાદ 1993માં તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા બંધારણની કલમ 143 અંતર્ગત સુપ્રીમ કોર્ટને એક પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો કે ઇમારતની જગ્યાએ 1528 પહેલાં કોઈ મંદિર હતું? સર્વોચ્ચ અદાલતે નિર્ણય કર્યો કે જો આ જગ્યાએ 1528 દરમિયાન કોઈ હિન્દુ મંદિર હોય તો તેનો મતલબ અહીં જ‚રથી મંદિરના અવશેષો દબાયેલા હશે. પરિણામે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા 2003માં રડારતરંગો દ્વારા જમીનની નીચેની ફોટોગ્રાફી કરવાનો આદેશ આપવામાં આવ્યો. ફોટોગ્રાફી માટે ખાસ ફોટોગ્રાફીના કેનેડિયન વિશેષજ્ઞોને બોલાવવામાં આવ્યા. ફોટોગ્રાફીમાં પણ જમીનમાં ઊંડે નિર્માણના અવશેષો હોવાનું બહાર આવ્યું. પરિણામે અદાલત દ્વારા અહીં ખોદકામ કરવાનો આદેશ આપવામાં આવ્યો. ખોદકામ દરમિયાન આ જગ્યાએથી 27 દીવાલો, તેમાં જડેલ નકશીદાર પથ્થરો, ચાર છત અને બાવન સ્થળો પર થાંભલા મળી આવ્યા. આ ઉપરાંત એક શિવમંદિર પણ મળી આવ્યું ખોદકામ કરનાર પુરાતત્ત્વખાતાના વિશેષજ્ઞો દ્વારા પણ તેમના અહેવાલમાં સ્વીકાર કરાયો હતો કે, ભૂતકાળમાં આ જગ્યાએ ઉત્તર ભારતીય શૈલીનું મંદિર અવશ્ય હોવું જોઈએ. આ તમામ તથ્યો આજે પણ અદાલતના રેકર્ડમાં છે. તેમ છતાં સુપ્રીમકોર્ટનો નિર્ણય શો હશે એ કહેવું કઠિન છે, પરંતુ એક વાત નક્કી જ છે કે, જાગૃત અને સ્વાભિમાની હિન્દુ સમુદાય પોતાના સ્વમાનની રક્ષા માટે તે સમયે પણ સંકલ્પબદ્ધ હતો અને આજે પણ છે જ.
 

 

વાટાઘાટોનો ઇતિહાસ

 
હાલ અનેક લોકો દ્વારા આ વિવાદ વાટાઘાટોના માધ્યમ થકી ઉકેલવાની સલાહો અપાઈ રહી છે, પરંતુ આ લોકોને ખબર હોવી જોઈએ કે ભૂતકાળમાં આ મુદ્દે અનેક વખત વાટાઘાટો થઈ ચૂકી છે. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના શાસનકાળ દરમિયાન બૂટાસિંહના નેતૃત્વ હેઠળ અનેક વખત વાટાઘાટો થઈ છે. પરંતુ દરેક વખત ચર્ચાના મુદ્દા જ બદલાઈ જતા. સ્વ. વિશ્ર્વનાથ પ્રતાપ સિંહના શાસનકાળની વાટાઘાટો દરમિયાન એક વખતે શુક્રવારે વાતચીતનો સમય નક્કી કરવામાં આવ્યો. મુસ્લિમ પક્ષના લોકો શુક્રવાર હોવાથી બપોરે નમાઝ પઢવા ચાલ્યા ગયા. આ લોકો નમાજ પઢીને પાછા આવ્યા ત્યારે હિન્દુ પક્ષ તરફથી ચર્ચાની આગેવાની લેનાર સત્યમિત્રાનંદજી મહારાજે ખોળો પાથરીને મુસ્લિમોને રામજન્મભૂમિ દાનમાં આપી દેવાની અરજ કરી. સત્યમિત્રાનંદજીએ એટલે સુધી કહ્યું કે ઇસ્લામમાં નમાજ પઢ્યા બાદ જકાત (દાન)નો મહિમા છે ત્યારે રામજન્મભૂમિને પણ જકાત સમજી હિન્દુઓને દાનમાં આપી દો. ત્યારે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા જે જવાબ આપવામાં આવ્યો તે સાંભળવા જેવો છે. મુસ્લિમ અગ્રણીઓએ સાવ ઉડાઉ જવાબ આપતાં કહ્યું કે, બાબરી મસ્જિદની જમીન કાંઈ માચીસબોક્સ થોડું છે કે તમે માગો ને અમે આપી દઈએ? એક વખત શાહબુદ્દીન સાહેબે જોરશોરથી કહ્યું હતું કે અહીં કોઈ મંદિર હોવાનું સાબિત થશે તો મુસ્લિમો પોતે જ આ જગ્યા હિન્દુઓને સોંપી દેશે, પરંતુ તેના બીજા જ દિવસે તેઓ તેમના વચનથી ફરી ગયા હતા. એક વાતચીત ચંદ્રશેખર રાવના વડાપ્રધાનપદ દરમિયાન પણ યોજાઈ હતી, જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે બંને પક્ષના વિદ્વાનો સાથે બેસી આ સમસ્યાનો નિવડો લાવે. તેના અનુસંધાને 10 જાન્યુઆરી, 1991ના દિવસે બંને પક્ષની મંજૂરીથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ મુસ્લિમ પક્ષ તરફથી એક પણ વિદ્વાને કોઈ જ કારણ વગર એ બેઠકમાં હાજરી આપી નહીં. ત્યારબાદ 25 જાન્યુઆરી, 1991ના દિવસે ફરી બેઠક બોલાવવાનું નક્કી થયું, પરંતુ આ વખતે પણ અગાઉ જેવી જ પરિસ્થિતિ થઈ. મુસ્લિમ પક્ષની વારંવારની ગેરહાજરીને હિન્દુ પક્ષે પોતાનું અપમાન ગણાવી વાતચીતની પ્રક્રિયાને ત્યાં જ થંભાવી દીધી.
 

 

ન્યાયાલયની પ્રક્રિયા

 
શ્રી રામજન્મભૂમિ અંગે સૌ પ્રથમ કેસ હિન્દુઓ દ્વારા 1950માં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1959માં રામાનંદ સંપ્રદાયના નિર્મોહી અખાડા તરફથી કેસ દાખલ કરવામાં આવ્યો, જેના જવાબમાં 1961ના ડિસેમ્બર માસમાં સુન્ની મુસ્લિમ વકફબોર્ડ તરફથી એક કેસ દાખલ કરવામાં આવ્યો. આ તમામ કેસો 40 વર્ષ સુધી ફૈજાબાદની જિલ્લા અદાલતમાં જેમના તેમ પડી રહ્યા. ત્યારબાદ 1989માં અલ્હાબાદ વડીઅદાલતના નિવૃત્ત ન્યાયાધીશ દેવકીનંદન અગ્રવાલે (કે જે આજ હયાત નથી) રામજન્મભૂમિ પર હિન્દુઓના હક્કને લઈને એક કેસ દાખલ કર્યો. આ તમામ કેસો એક જ જગ્યાના વિવાદને લગતા હોવાથી અદાલત દ્વારા તમામ કેસોને એક સાથે જોડી તમામની સુનાવણી એક જ સાથે કરવાનું નક્કી કરવામાં આવ્યું. બાદમાં વિષયની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી આ તમામ કેસો જિલ્લા અદાલતમાંથી ઉચ્ચ ન્યાયાલયની ખંડપીઠમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યા, જેની સુનાવણી માટે બે હિન્દુ અને એક મુસ્લિમ ન્યાયધીશવાળી પૂર્ણપીઠ બનાવવામાં આવી. તેની સામે છેલ્લાં 20 વર્ષથી આ કેસોની સુનાવણી ચાલી. અંતે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ અદાલતે એક ચૂકાદો સંભળાવ્યો જેમાં રામજન્મભૂમિની ૨.૭ એકર જમીનને ત્રણભાગમાં વહેંચવાનો આદેશ કરવામાં આવ્યો. જેમાં એક ભાગ રામલલ્લાને, બીજો ભાગ નિર્મોહી અખાડાને અને ત્રીજો ભાગ વક્ફ બોર્ડને આપવામાં આવ્યો. પણ ૯ મેં ૨૦૧૧ના રોજ સુપ્રિમ કોર્ટે આ ફેસલા પર રોક લગાવી અને પછી આ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો. આ કેસનું કોર્ટની બહાર સમાધાન થાય તેનો પ્રયત્ન પણ કોર્ટ દ્વારા થયો પણ તેનું કોઇ પરિણામ ન આવ્યું. અંતે ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો. રામજન્મભૂમિની બધીજ જમીન રામલલ્લાને સોંપવામાં આવી. વક્ફ બોર્ડને અયોધ્યામાં ૫ એકર જમીન આપવાનો આદેશ થયો છે…
(સમાપ્ત)
 
ભાગ - ૧ વાંચવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો...