પાકિસ્તાનીઓ સમજે કે તેમની અને ભારતની સાંસ્કૃતિક વિરાસત એક જ છે : ડો. તાહિર

    ૨૨-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |
 

અમદાવાદ ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા `મત, પંથ અનેક સાંસ્કૃતિક વિરાસત એક' વિચારવિમર્શ કાર્યક્રમ યોજાયો

`ભારતની સુપ્રીમ કોર્ટે શ્રીરામ જન્મભૂમિ પર સર્વસ્વીકૃત ચુકાદો આપી સાબિત કરી દીધું છે સત્ય શું છે. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ નાબૂદ કરી અગાઉ જે અશક્ય લાગતું હતું તેને શક્ય કરી બતાવ્યું છે' આ શબ્દો છે મૂળ પાકિસ્તાની અને હાલ કેનેડામાં રહેતા વિદ્વાન ડો. તાહીર અસલમ ગોરાના.
 
તા. ૨૧ નવેમ્બર, ૨૦૧૯ના રોજ અમદાવાદના લો-ગાર્ડન સ્થિત ભાઈકાકા હોલમાં ભારતીય વિચારમંચ દ્વારા આયોજીત `મત, પંથ અનેક, સાંસ્કૃતિક વિરાસત એક' નામે વિચાર વિમર્શ કાર્યક્રમમાં તેઓએ ભારત અને પાકિસ્તાનની વિરાસત એક હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, કાશ્મીરમાંથી ધારા ૩૭૦ની નાબૂદી અને અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતીય મુસ્લિમોએ પરિપક્વતા દાખવી છે તે કાબિલેદાદ છે. હવે સમય છે  પાકિસ્તાને પોતાના કબજામાં લઈ લીધેલા પાક. અધિકૃત કાશ્મીરની મુક્તિનો. પાકિસ્તાન માટે હાલ ભારત નહીં પણ ખુદ પાકિસ્તાન જ સૌથી મોટો પડકાર બન્યું છે. પાકિસ્તાન  આતંકવાદ ફેલાવવાનું  છોડી દે  તો સૌથી વધુ ભલુ પાકિસ્તાનનું જ થવાનું છે. પાકિસ્તાનીઓને આ વાત સમજાવી તેમનું ભારત પ્રત્યેનું માઇન્ડ સેટ બદલવાની જરૂર છે. તેઓને સમજાવવું પડશે કે ભારત અને પાકિસ્તાન એક જ સાંસ્કૃતિક વિરાસતનો ભાગ છે.
 
તેઓએ કહ્યું હતું કે, અગાઉ પાકિસ્તાન અમેરિકા પાસેથી મળતા નાણાંનો દૂર ઉપયોગ અફઘાનિસ્તાનના આતંકીઓ મારફતે કાશ્મીરમાં આતંક ફેલાવવા કરતું હતું. પરંતુ હવે સમય બદલાયો છે. અમેરિકા દ્વારા પાકિસ્તાનને મળતી સહાય બંધ થઈ છે અને વર્તમાન ભારત સરકારની ચોક્સાઈને કારણે તેમના આતંકના કારોબાર પર પણ લગામ લાગી છે ત્યારે તે ભારત વિરુદ્ધ વૈશ્વિક વાતાવરણ ઊભું કરવા માટે પશ્ચિમી દેશોના ભારત વિરોધી માધ્યમોનો સહારો લઈ ભારત વિરોધી અભિયાન ચલાવી રહ્યું છે.

 
 
ડો. તાહિરે કહ્યું હતું કે, હું પણ આ જ ધરતી હિન્દુ હેરિટેજનો જ એક ભાગ છું અને સાંસ્કૃતિક વિરાસત એ બન્ને દેશો વચ્ચેનો એક બોન્ડ છે. બન્ને દેશો વચ્ચે એક એવું કોમન કલ્ચર છે જેનાથી આપણે બંધાયેલા છીએ. વર્તમાન પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, મોસ્ટર કન્ટ્રી પાકિસ્તાનની ટૂ-નેશન્સની નફરતની થિયરીને નેસ્તોનાબૂદ કરવાનો સમય આવી ગયો છે.
 
પરંતુ આ શક્ય છે ખરું ? જો પાકિસ્તાનીઓ સમજી જાય કે તેઓની અને ભારતની સાંસ્કૃતિક વિરાસત એક જ છે. તો આ થવું અશક્ય નથી અને પાકિસ્તાનીઓના ભારત તરફી માઇન્ડ સેટ કરવા માટે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા કારગર સાબિત થઈ શકે છે. પાકિસ્તાનીઓને એ અહેસાસ કરાવવો પડશે કે ભારત એ તમારી મા છે માટે જ્યારે તમે ભારતને ગાળો આપો છે, ત્યારે હકીકતમાં તમારી મા ને જ ગાળો આપો છો આનાથી બદનસીબ દુનિયાની બીજી કઈ વાત હોઇ શકે.
 

 
 
ચીન અને પાકિસ્તાનના સંબંધો અંગે તેઓએ કહ્યું હતું કે, ચીન માત્રને માત્ર પાકિસ્તાનનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યું છે.  પાકિસ્તાને યાદ યાખવું જોઇએ કે ચીનમાં  લાખો ઉયગુર મુસ્લિમોને કેદમાં રાખી તેમની પર અત્યાચાર કરાઈ રહ્યો છે જ્યારે ભારતમાં મુસ્લિમોને કોઈ જ બંધન નથી.
 
તેઓએ કહ્યું હતું કે, વર્તમાન ભારત સરકારને સેલ્યુટ કરવી જોઈએ જેણે ૩૭૦ જેવી કલમને નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. આ નિર્ણય બાદ જે જમ્મુ-કાશ્મીર ભારતથી અલગ લાગતું હતું. તે હવે ભારતનો ભાગ બની ગયું છે. આ નિર્ણય બાદ કાશ્મીરમાં કોઈ જ હિંસા થઈ નથી અને અયોધ્યાના ચુકાદા બાદ ભારતીય મુસ્લમોએ પણ સાબિત કર્યું છે કે તેઓ પણ ભારતના વિકાસમાં ભાગીદાર બનવા માગે છે તેઓએ સાબિત કર્યું છે કે હવે તેઓ દેશના તકવાદી રાજકીય નેતાઓની વાતોમાં ભરમાવવાનાં નથી.
 
ભારતીય વિચાર મંચના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં ભારતીય વિચાર મંચ અમદાવાદ શહેરના અધ્ય ઉમેશભાઈ અગ્રવાલ, અમદાવાદ શહેર મંત્રી અનિલભાઈ વાઘેલા સહિત મોટી સંસ્થામાં પ્રબુદ્ધ જનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.