પ્રકરણ - ૨ । અફઝલખાન ગાય અને બ્રાહ્મણોને કાપીને સડક પર ફેંકી દેતો

    ૩૦-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
હિરડસ માવળના રાજા દેશમુખને યુદ્ધમાં પરાજિત કરીને તરુણ મહારાજા શિવાજીએ દેશમુખના શૂર સેનાપતિ બાજીપ્રભુ દેશપાંડેને બંદી બનાવી દરબારમાં પેશ કર્યો. શિવાજીએ એમને ખૂબ સન્માન આપ્યું અને હિરડસ માવળના પુત્રને જ ગાદી સોંપી અને બાજીપ્રભુને તેના સંરક્ષક બનાવ્યા. શિવાજીએ કહ્યું, માવળો અને તેમની સાથે મળીને આદિલશાહી અને મુગલ સેના સામે લડે તો સ્વરાજ્યની સ્થાપનાનો પાક્કો પાયો નાંખી શકાય.' શિવાજીની દેશભક્તિ જોઈ બાજીપ્રભુ અભિભૂત થઈ ગયા હતા. એ જ દિવસથી તેમણે શિવાજીને પોતાના રાજા માની લીધા અને સંકલ્પ કર્યો કે, `જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું તમારો સિપાહી બનીને રહીશ અને સ્વરાજ્યની સંસ્થાપના માટે લડીશ.'
 
દેશભક્તિ શું કરી શકે છે તે સમજવું હોય તો શિવાજીને સમજવા પડે અને કોઈ અનુયાયી, કોઈ સેવક, પોતાના પ્રાણપ્રિય નેતાને બચાવવા માટે કઈ હદ સુધી જઈ શકે છે તે જોવું હોય તો બાજીપ્રભુ દેશપાંડેને સમજવા પડે.
 
શિવાજી અને બાજીપ્રભુ દેશપાંડેની કહાની પન્હાલગઢ અને વિશાલ ગઢની વચ્ચે આવેલી સહ્યાદ્રીની ચટ્ટાનો પર અંકિત થવાની હતી. પણ સાહસની એ અપૂર્વ ગાથા વાંચતા પહેલાં એની પાર્શ્વભૂમિકા જોવી પડે, ભૂતકાળને ફંફોસવો પડે. આદિલશાહીના દાંત ખાટા કરનારા અને મોગલ સેનાની ઊંઘ હરામ કરી દેનારા શિવાજીનો ભવ્ય ભૂતકાળ ભવિષ્યમાં બાજીપ્રભુ દેશપાંડેની વીર ગાથા આલેખવાનો હતો.
 
***
 
દિલ્હીની મોગલ સલ્તનત અને બીજાપુરની આદિલશાહી બંને ખૂબ મોટી શક્તિશાળી સેનાઓ હતી અને એ શિવાજીને નષ્ટ કરવા માંગતી હતી. આ બંનેમાંથી માત્ર એકની સામે લડવાનું હોય તો પણ શિવાજીની સેના ખૂબ જ નાની હતી. શિવાજીની ફોજ, કિલ્લા, હાથી, ઘોડા, ઊંટ, અસ્ત્ર-શસ્ત્ર તથા ખજાનો બધું જ સાવ નગણ્ય. છતાં પણ શિવાજીએ પોતાની હિંમત, કૂટનીતિ અને પરાક્રમના બળ પર બંનેની ઊંઘ હરામ કરી નાંખી હતી.
 
દિલ્હીના તખ્ત પર એ વખતે શાહજહાં બાદશાહની બાદશાહત. એનો પુત્ર ઓરંગજેબ દક્ષિણનો સૂબેદાર હતો. એના વિસ્તારમાં ઘૂસીને શિવાજીએ ૩૦મી એપ્રિલ ૧૬૫૭ના દિવસે જુન્નર અને ઓરંગાબાદ જીતી લીધું. ઓરંગજેબ શિવાજી પર ભારે ખફા થયો. એ જ અરસામાં ઓરંગજેબને સમાચાર મળ્યા કે દૂર આગ્રાના કિલ્લામાં એના અબ્બુજાન શાહજહાં ખૂબ બીમાર પડ્યા છે. સમાચાર મળતાં જ એ ઉત્તર તરફ દોડ્યો. એને દિલ્હીના તખ્તની ખૂબ ચિંતા હતી. ભાઈજાનોની ગર્દન કાપીને ખૂનથી લથપથ તખ્ત પર બેસવું એ મોગલોની ખાનદાની આદત હતી. એ માટે ઓરંગજેબ પણ આતુર હતો.
આ તરફ શિવાજી માટે આ એક મોટી તક હતી. બીજાપુરના બાદશાહ મોહમ્મદ આદિલશાહ પણ ચોથી નવેમ્બર ૧૬૫૬ના રોજ ગુજરી ચૂક્યા હતા. એમની વિધવા બેગમ તાજઉલ મુખદ્દિદરાત ઉર્ફ બડી બેગમ સાહિબાએ આદિલશાહીનાં સૂત્રો સંભાળ્યાં હતા. બેટો અલી આદિલશાહ બાદશાહ બન્યો હતો. શિવાજીએ આ તકનો બરાબર લાભ લીધો અને ગરુડ જેવી ઝપટ મારીને આદિલશાહી અને મુગલશાહી બંને ઇલાકાઓને રોળી નાંખ્યા.
 
૧૩મી ઓગસ્ટ ૧૬૫૭ના દિવસે રાજગઢ કિલ્લામાંથી શિવાજી અને તેમના સાથીઓ હર હર મહાદેવના નાદ સાથે નીકળ્યા અને સૌથી પહેલાં તેમણે કોંડાણા કિલ્લો જીતી લીધો. શત્રુ પોતાના મદમાં રહેતો અને શિવાજી ચડાઈ કરી વિસ્તાર જીતી લેતા. જે સ્થળ, મોરચા અને કિલ્લાને શત્રુ એકદમ સુરક્ષિત સમજતો હતો તેના પર જ શિવાજી અને તેમની સેના ત્રાટકતી હતી. છ જ મહિનાની અંદર તેમણે માત્ર આદિલશાહી સલ્તનતના પાયામાં જ ઘા ન કર્યો પરંતુ સમુદ્રકિનારે બેઠેલા ડચ, ફ્રાંસીસી અને અંગ્રેજો પર પણ ધાક જમાવી દીધી હતી. શિવાજીએ ૪૦ કિલ્લાઓ જીતી લીધા હતા અને દૂર દૂર સુધી શિવાજીનો જય જય કાર ગુંજી ઊઠ્યો હતો.
 
બીજાપુરની આદિલશાહી થથરી ઊઠી હતી. પણ વાંભ વાંભના મોજાં જેમ ઊછળતા, ગાંડા થયેલાં દરિયાની સામે પડવાનું જોમ કોઈમાં નહોતું. વળી શિવાજીની ચતુરાઈ પણ જબ્બર હતી. એ ક્યાંય દેખાતા જ નહીં, દેખાય તો દુશ્મનો એમના પર વાર કરે ને ?
 
બીજાપુરનો શ્વાસ રૂધાઈ રહ્યો હતો. એ ચારેબાજુથી ઘેરાઈ ચૂક્યું હતું. આવા વખતે એક જુદી ઘટના બની. હાર ખાઈને બેઠેલો અલી આદિલશાહ દરબાર ભરીને બેઠો હતો. બધાનાં મોઢાં વિલાયેલાં હતાં. શિવાજીને કેવી રીતે માત કરવો એ જ કોઈને સમજાતું નહોતું. બરાબર એ જ વખતે બાબરા ભૂત જેવો એક વિકરાળ આદમી દરબારમાં દાખલ થયો, `બડી બેગમ સાહિબા ઔર બાદશાહ સલામત કો તહે દિલસે સલામ !'
 
`કૌન હો તુમ ?'
 
`અફઝલખાન નામ હૈ હમારા, ઔર દુશ્મનો કો મીટાના કામ હૈ હમારા !'
 
`ક્યા ચાહતે હો ?' બડી બેગમે પૂું.
 
`જો આપ ચાહતે હો વોહી ! પહેલે શિવાજીકી માત ઔર ફિર મૌત !'
 
`સોચ લો ! શિવા કો મારના ઇતના આસાન નહીં હૈ. વો તુફાન હૈ, ઉસે પકડના મુશ્કિલ હૈ.' અલી આદિલશાહ બોલ્યો. એની વાત સાંભળી ક્રૂર અફઝલખાન ખડખડાટ હસ્યો, `તુફાન સે તો હમ બચપન સે ખેલતે આયે હૈં. મેં આપકો જબાન દેતા હૂં કિ શિવાજી કા સિર કાટકર ઈસ દરબાર મેં લટકાઉંગા ઔર આપકી પૈશે ખિદમત કરુંગા !'
 
અફઝલખાનનો આત્મવિશ્વાસ જોઈ બડી બેગમ સાહિબા અને આદિલશાહ સહિત સમગ્ર દરબારીઓમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું. એ જ દિવસે અફઝલખાનને શિવાજીને જીવતો કે મરેલો પકડી લાવવાનું કામ સોંપાઈ ગયું. આખાયે દરબારે અફઝલખાનને ફતેહની દુઆઓ આપી.
 
અફઝલખાન જેટલો શરીરથી ભયંકર હતો એના કરતાં દસ ગણો મનથી પણ ભયાનક અને ક્રૂર હતો. શિવાજીને પકડવા જતી વખતે એણે જનાનખાનાની ૨૦૦ બેગમોની પોતાના હાથે જ કતલ કરી નાખી. હત્યા, લૂંટફાટ, મંદીરો તોડવાં, ગાય અને બ્રાહ્મણોને કાપીને સડક પર ફેંકી દેવા, હિન્દુ વસ્તીઓ સળગાવી નાંખવી એના માટે રમતની વાત હતી. એ જ એનો ખોરાક હતો. આવો ક્રૂર અફઝલખાન ૩૫ હજારની ફોજ, ઘોડેસવારો, હાથી અને તોપો લઈને નીકળ્યો. વળી એ એકલો જ ભયાનક સરદાર હતો એવું ય નહોતું. એનો ભયંકર આવેશ અને ક્રોધને જોઈને ચારે દિશાઓ થરથર કાંપી ઊઠી. ચટ્ટાનો ચીખી ઊઠી, લોકો વાતો કરવા લાગ્યા કે હવે શિવાજીની ખૈર નથી. હિન્દુઓ ડરી ગયા અને મુસ્લિમ આતંકીઓ ખુશી મનાવવા લાગ્યા.
 
એક સેવકે શિવાજીને ખબર આપ્યા, `મહારાજ, એક ક્રૂર અને ભારે પરાક્રમી સરદાર અફઝલખાન આપને મારવા મોટી ફોજ લઈને આવી પહોંચ્યો છે. ક્ષમા કરજો પણ એ એટલો બધો ભયાનક છે કે આ વખતે આપણે એનો સામનો કરી શકીએ તેમ નથી.'
 
શિવાજી હસ્યા અને બોલ્યા, `મારી સાથે મા ભવાનીના આશીર્વાદ છે. મા ભવાનીએ આવા કંઈક રાક્ષસોનું માથું વાઢીને પોતાનું ખપ્પર ભર્યું છે. મને અફઝલનો ડર નથી. તમને હોય તો તમે ઘરે જઈ શકો છો. હું વચન આપું છું કે અફઝલખાન આપણામાંથી કોઈનો વાળ પણ વાંકો નહીં કરી શકે.' શિવાજીની હિંમત જોઈને આખોય દરબાર એમના જય જયકારથી ગુંજી ઊઠ્યો.
 
આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે શિવાજી અને અફઝલખાનનો ભેટો થયો. શિવાજીએ એક પેંતરો કર્યો અને અફઝલખાન સાથે મુલાકાત ગોઠવી. અફઝલખાનને થયું કે વાહ ! આ તો શિકાર સામેથી મરવા આવી રહ્યો છે. એણે એમને મારવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી. એમાંય અફઝલખાન પડછંદ અને શિવાજીનું કદ-કાઠી પ્રમાણમાં ખૂબ નાનું, વામન ! આથી અફઝલને તો એમ હતું કે શિવાજીને મચ્છરની જેમ રોળી નાંખીશું.
 
તારીખ હતી ૧૦મી નવેમ્બર, ૧૬૫૯ ! જાવલીના ભયાનક જંગલમાં આવેલા પ્રતાપગઢ કિલ્લામાં શિવાજી અને અફઝલખાન મળ્યા. શિવાજી આવ્યા ત્યારે અફઝલખાનના સરદારોએ એમની પૂરી તપાસ કરી હતી અને કોઈ પણ હથિયાર વિના અંદર જવા દીધા હતા. પણ ચાલાક શિવાજી વાઘના નહોર પહેરીને આવ્યા હતા. એના પર કોઈનું ધ્યાન ના ગયું. એ અફઝલખાનને મળ્યા અને ભેંટ્યા. બસ, એટલી જ વાર. એમણે અફઝલખાનને વિચારવાનો મોકો પણ ના આપ્યો. એ કંઈ પણ વિચારે એ પહેલાં જ શિવાજીએ વાઘનખ વડે અફઝલખાનનું પેટ ચીરી નાંખ્યું. સરદારની ખુદની હત્યા થઈ ગઈ એ જોઈને અફઝલના સૈનિકોમાં નાસભાગ મચી ગઈ. શિવાજીએ માત્ર પેટ ચીરીને સંતોષ ના માન્યો. પણ અફઝલખાનનું માથું વાઢીને પ્રતાપગઢના કિલ્લા પર લટકાવી દીધું.
 
એ સાથે જ નગારાં અને તુતારી બજવા માંડ્યાં. શિવાજીએ અફઝલખાનને ખતમ કરી નાંખ્યો એ સમાચાર ફેલાતાં જ જંગલો અને ગુફાઓમાં છુપાઈને બેઠેલાં વીર માવળાઓ અફઝલખાનની સેના પર તૂટી પડ્યા. અફઝલખાને છ મહિના મહેનત કરીને આટલી લાંબી યાત્રા કરી હતી પણ માવળાઓ અને શિવાજીની સેનાએ માત્ર છ કલાકમાં જ હજ્જારોની ફોજને કાપીને ફેંકી દીધી. અફઝલખાનના બેટાઓ ફાજલખાન અને મુસેખાન માંડ માંડ જીવ બચાવીને ભાગી છૂટ્યા.
 
જાવલીના ઘનઘોર જંગલમાં મરતાં મરતાં અફઝલખાને જે ભયાનક ચીસો પાડી હતી એના પડઘા છેક બીજાપુરના દરબારમાં અને ઘર ઘરમાં પડ્યા. અલી આદિલશાહ, બડી બેગમ અને દરબારીઓ થથરી ઊઠ્યા. શિવાજીના ડરથી એમનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. ચારે તરફ સન્નાટો હતો. બીજાપુરમાં એક જ વાત ફેલાયેલી હતી, અફઝલખાન જેવા ક્રૂર રાક્ષસનું માથું વાઢીને લટકાવી દેનાર, એનું પેટ ચીરી નાંખનાર શિવાજી કેવા હશે ?
 
રાયગઢ કિલ્લામાં શિવાજીનો જય જયકાર થઈ ગયો. પણ વિજયોલ્લાસ કરતા આ કોઈને ખબર નહોતી કે બધા દુશ્મનો ભેગા થઈને હવે એવી ચાલ ચાલવાના હતા કે શિવાજીનું જીવવું મુશ્કેલ થઈ જાય.
 
(ક્રમશ:)