ભારતમાં જેનો ઉગ્ર વિરોધ થાય છે તે આરસીઈપી ( RCEP) શું છે ?

    ૦૭-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
વિશ્વમાં હવે લશ્કરી તાકાત કરતાં આર્થિક તાકાત વધારે મહત્વની છે. આ કારણે વિશ્વના દેશો પોતપોતાની આર્થિક તાકાત વધતી રહે તે માટે પ્રયત્નો કરતા રહે છે. તેના ભાગરૂપે અલગ અલગ સંગઠનો રચતા રહે છે. આવું જ એક સંગઠન રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ ( RCEP) છે. ભારત અને ચીન સહિતના વિશ્વના 16 દેશોએ આ સંગઠન બનાવ્યું છે અને એક નક્કર સમજૂતીની દિશામાં આગળ વધી રહ્યા છે. આ સમજૂતી થશે તો આ સંગઠનમાં રહેલાં 16 દેશો વચ્ચેના 90 ટકા વેપાર પર કોઈ કર નહીં લાગે. આ દેશોના વેપારીઓ બીજા 15 દેશમાં કોઈ પણ પ્રકારના નિયંત્રણો વિના પોતાનો માલ મોકલી શકશે.
 
ચીનના પ્રીમિયર શી જિનપિંગ ગયા મહિને ભારત આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે મામલ્લપુરમ ખાતે અનૌપચારિક બેઠક ચાલતી હતી એ વખતે જ થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં RCEPની બેઠક મળી હતી. આ બેઠકમાં ભારતના વ્યાપાર મંત્રી પિયૂષ ગોયલ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં 16 દેશો વચ્ચે પ્રસ્તાવિત 25 જોગવાઇઓમાંથી 21 અંગે બધા દેશો સમહમત થતાં બહુ જલદી આ સંગઠન અસ્તિત્વમાં આવી જશે એવું લાગે છે. આ સંગઠનની રચના ઐતિહાસિક ઘટના હશે ને વિશ્વમાં આર્થિક ક્ષેત્રે એક નવા યુગનો ઉદય થશે. તેનું કારણ એ કે, RCEPમાં જોડાવા તૈયાર 16 દેશોમાં દુનિયાની લગભગ ૪૫ ટકા વસતી રહે છે. દુનિયાની કુલ નિકાસમાં ચોથા ભાગનો હિસ્સો આ 16 દેશો ધરાવે છે. વૈશ્વિક જીડીપીમાં 30 ટકા હિસ્સો આ 16 દેશોનો છે. ટૂંકમાં આ 16 દેશો પાસે વિશ્વ વ્યાપારની ચાવી છે એ જોતાં આ સમજૂતિ થઇ તો તે દુનિયાની સૌથી મોટી વ્યાપારી સમજૂતિ હશે.
 
રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ (RCEP) હેઠળ જે 16 દેશોનું સંગઠન બનશે તેમાં 10 દેશ આસિયાન સમૂહના છે. બ્રુનેઈ, મ્યાંમાર, કંબોડિયા, વિયેતનામ, લાઓસ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલીપાઇન્સ, સિંગાપોર અને થાઇલેન્ડનો તેમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જાપાન અને દક્ષિણ કોરિયા એ છ દેશ પણ આ સંગઠનમાં જોડાશે. આ છ દેશોનીની આસિયાન દેશો સાથે મુક્ત વેપારની સમજૂતિ છે. મુક્ત વેપાર સમજૂતિનો અર્થ એ થાય છે કે બે કે બે કરતાં વધારે દેશો વચ્ચે એવી સંઘિ કરવી જેના કારણે આયાત અને નિકાસમાં સરળતા વધારી શકાય. આ સમજૂતિમાં સામેલ થયેલા દેશો સાથ દેશોના માલસામાન ટેક્સ ઘટાડે છે અને વેપાર માટે અનુકૂળ માહોલ તૈયાર કરે છે.
 
પ્રસ્તાવિત સંગઠન RCEP બનશે તો આ 16 દેશો વચ્ચે એક સહિયારું બજાર બનાવવામાં આવશે. આ સમજૂતિ બાદ સ્થાનિક બજારમાં રહેલી મોટી કંપનીઓ અને સેવા આપનારી કંપનીઓને પણ નિકાસ માટે મોટું બજાર મળી શકશે. આ બજાર આ દેશોના પરસ્પરના વ્યાપારને આસાન બનાવશે. આ સમજૂતિમાં દરેક દેશમાં બનતા અલગ અલગ ઉત્પાદનો, સેવાઓ, રોકાણ, આર્થિક અને ટેકનિકલ સહકાર, વિવાદોની પતાવટ, ઇ-કૉમર્સ, ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અને નાના-મોટા ઉદ્યોગોને સામેલ કરવામાં આવશે. અત્યારે મોટા ભાગના મુદ્દા પર સહમતિ થઈ ચૂકી છે એ જોતાં બહુ ઝડપથી આ સંગઠન અસ્તિત્વમાં આવી જશે એવું લાગે છે.
 
આ પ્રકારની સમજૂતીના કેટલાક ફાયદા છે. સૌથી મોટો ફાયદો એ છે કે, દેશની મોટી કંપનીઓ અને સેવા આપનારી કંપનીઓને નિકાસ માટે મોટું બજાર મળી શકશે. તેના કારણે તેમનું ઉત્પાદન વધશે અને દેશના અર્થતંત્રને વેગ મળશે. સાથે સાથે સંગઠનના બાકીના 15 દેશોમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટી જશે અને તેના પરિણામે ભારતીય ગ્રાહકોને ઓછી કિંમતે માલસામાન ઉપલબ્ધ બની શકશે. મુક્ત વ્યાપારના સમર્થકોના મતે આ સમજૂતીથી કૃષિ અને ડેરી ઉત્પાદનોના ભાવ ઘટશે. આ ઉપરાંત ભારતીય બજારોમાં સસ્તા ચીની મોબાઇલ ફોન, સ્ટીલ, એન્જિનિયરિંગનો માલસામાન અને રમકડાં મળશે. આ સમજૂતિના કારણે ભારતીય ઉદ્યોગો વૈશ્વિક સપ્લાયની ચેન સુધી સરળતાથી પહોંચી શકશે. લોકો સરળતાથી એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક માલસામાન પ્રાપ્ત કરી શકશે. કે વિદેશી બજારો સુધી પહોંચ વધવાના કારણે આર્થિક મંદીની અસરો ખાળવામાં મદદ મળી રહેશે.
 
 

 
 
જો કે ભારતમાં આ સંગઠનમાં ભારત જોડાય તે સામે ઉગ્ર વિરોધ વ્યાપક થઈ છે. ખાસ કરીને કૃષિ અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. ભારતીય ઉત્પાદકોને ડર છે કે ડેરી અને અન્ય ઉત્પાદનો પરના કરવેરામાં ઘટાડો થવાથી સસ્તા ચીની માલસામાનનો ભારતમાં આવવાનો રસ્તો ખૂલી જશે. પરિણામે ભારતના કૃષિ અને ડેરી ઉદ્યોગ પર મોટું જોખમ સર્જાશે. ચીન સાથેના મુક્ત વ્યાપારનો વિરોધ કરતા લોકોનું કહેવું છે કે, દેશમાં આર્થકિ મંદી છે જ ત્યારે આ સમજૂતીથી દેશના ઉદ્યોગો અને કૃષિ સાવ નિરાધાર બની જશે.
 
આજે મુક્ત વેપાર સમજૂતિ વિના પણ ભારતના બજારોમાં ચાઇનીઝ માલ બેરોકરોટ મળે છે. હવે RCEP સમજૂતિ અમલમાં આવી જાય તો ચીનના ચોખા અને ઘઉં સહિતની ખેતપેદાશોથી ભારતના બજારો છલકાઇ જશે. એ જ રીતે આ સમજૂતીમાં ડેરી ઉદ્યોગને સમાવવામાં આવ્યો તો દૂધનું ઉત્પાદન કરતા ખેડૂતો બરબાદ થઇ જશે. દેશના ત્રીજા ભાગના બજાર પર ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાંથી આવતા દૂધના ઉત્પાદનો છવાઇ જશે અને ભારતના ખેડૂતોને હાલ દૂધના ઉત્પાદનો પર જે કિંમત મળી રહી છે એમાં ઘટાડો થઇ જશે. તેના કારણે પશુપાલન પર નભતા લોકોની હાલત ખરાબ થઈ જશે.
 
આ ઉપરાંત ભારતની ન્યાપાર ખાધ વધશે તેથી અર્થતંત્રની હાલત બગડશે. કોઇ દેશની નિકાસ કરતાં આયાત વધારે હોય એ સ્થિતિને વેપાર ખાધ કહેવાય છે. આ 16 દેશોમાંથી 11 દેશો સાથે ભારત વેપાર ખાધની સ્થિતિમાં છે. મતલબ કે ભારત આ દેશોમાં જે નિકાસ કરે છે તેના કરતાં આયાત વધારે છે. આ પૈકી સૌથી મોટી વેપાર ખાધ ચીન સાથે છે. દેશનમાં વ્યાપેલી મંદી પણ એક કારણ છે. નિકાસના મામલે કડાકો બોલી ગયો છે ને ઉત્પાદન ઘટી રહ્યું છે. નિકાસદર ઘટતો રહ્યો તો ભારતની વેપાર ખાધ હજુ વધશે. આ ઉપરાંત જેમ ભારતની કંપનીઓને વિદેશના બજારોમાં વેપાર કરવાની તક મળશે. તેના કારણે વિદેશોની કંપનીઓ પણ ભારતના વિશાળ બજાર પર કબજો જમાવશે અને આ સમજૂતિ અંતર્ગત આવતા દેશો સસ્તી કિંમતે પોતાનો માલસામાન ભારતના બજારોમાં ઠાલવશે.
 
ટૂંકમાં આ સમજૂતીના કારણે દેશના અર્થથંત્ર પર પ્રતિકૂળ અસરો પડવાની જ છે. હવે મોદી સરકાર શું નિર્ણય લે છેતે જોવાનું બાકી હતું પણ હવે Bangkok માં યોજાયેલ RCEP summit માં PM Narendra Modi એ world ની સૌથી મોટી trade deal RCEP ફગાવી દીધી છે…