અયોધ્યા પર ચૂંકાદો આવી ગયો છે. પાંચ ન્યાયાધિશોએ એક સહમતીથી પોતાનો ચૂંકાદો આપ્યો છે જે ઇતિહાસમાં આ ન્યાયાધિશોના નામ સાથે સૂવર્ણઅક્ષરે લખાઈ ગયો છે. આવો આ ઐતિહાસિક ચૂંકાદો આપનારા ન્યાયાધિશોને જાણીએ…
#1 મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ અયોધ્યા બાબતે બનેલી પાંચ ન્યાયાધિશોની ખંડપીડના અધ્યક્ષ છે. મૂળ અસમના વતની રંજન ગોગોઈ આગામી ૧૭ નવેમ્બરે નિવૃત થવાના છે. નિવૃત્તિના ૭ દિવસ પહેલા તેમણે આ ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. આ ઉપરાંત પણ તેમણે અનેક મહત્વના કેસો પર પોતાનો ચૂકાદો સંભળાવ્યો છે જેમા એનઆરસી જેવા મહત્વના ચૂકાદા પણ સામિલ છે. એનઆરસી બાબતે તો તેમણે એક સેમિનારમાં તેને “ભવિષ્યનો દસ્તાવેજ” પણ ગણાવ્યો હતો.
રજંન ગોગોઈ નાની-નાની બાબતો પર થતી જનહિતની અરજીનો અસ્વીકાર કરનાર ન્યાયાધિશ તરીકે પણ જાણીતા છે. અનેક વખતે આવી અરજી કરનારને તેમણે અદાલતનો સમય બર્બાદ કર્યો એમ કહી દંડ પણ ફટકાર્યો છે. રજંન ગોગોઈ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે એક મહિલાએ તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો. પણ સુપ્રીમ કોર્ટે આ આરોપને આધાર વગરનો ઠરાવ્યો હતો.
#2 ન્યાયાધિશ શરદ અરવિંદ બોબડે
ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ નિવૃત થયા પછી જે ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ બનવાના છે તે શરદ અરવિંદ બોબડે જ છે. આગામી ૧૭ નવેમ્બરે તેઓ શપથ લેશે. તેઓ ભારતના ૪૭માં મુખ્ય ન્યાયાધીશ હશે. તેઓ પણ મહત્વના ચૂકાદાઓ સંભળાવવામાં માહીર છે. હાલમાં દિલ્લીમાં જે પ્રદૂષણની બાબત ચાલી રહી છે તે સંદર્ભે ચૂકાદો તેમણે જ આપ્યો છે.
વર્ષ ૨૦૧૩ સુધી તેઓ મધ્યપ્રદેશ હાઈકોર્ટના જજ હતા પછી તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા. મુખ્ય ન્યાયાધિશ તરીકે ૨૦૨૧ સુધી તેમનો કાર્યકાળ રહેશે. અને પછી તેઓ નિવૃત થશે.
તેઓ ગોપનીયતાના અધિકારને મૌલિક અધિકાર જાહેર કરનારી સદસ્યીય સંવૈધાનિક બેંચના સભ્ય હતા. ગોપનીયતાના અધિકાર પર તેમણે પોતાનો અલગ વિચાર વ્યક્ત કર્યો હતો. તેમનું માનવું હતું કે આધાર કાર્ડ વ્યક્તિની ગોપનીયતાને મર્યાદિત કરે છે. આધાર કાર્ડ ન હોવાથી કોઇ નાગરિકને સબસીડીથી વંચિત ન રાખી શકાય.
તેમના પિતા અરવિંદ બોબડે પણ મહારાષ્ટ્રના પૂર્વ એડવોકેટ જનરલ હતા. જસ્ટિસ બોબડેએ પોતાની કારકિર્દીની શરૂઆત બોબ્બે હાઈ કોર્ટથી કરી હતી. હાઈ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટની તેમની કારકીર્દી ૨૧ વર્ષની રહી છે.
#3 ન્યાયાધિશ ધનંજય યશવંત ચંદ્રચૂડ
દેશમાં સૌથી લાંબા સમય માટે મુખ્ય ન્યાયાધીશ રહેલા યશવંત વી ચંદ્રચૂડના દિકરા એટલે ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડ. ઉલ્લેખનીય વાત એ છે કે એકવાર તેમણે પોતાના પિતાએ આપેલ ચૂકાદને પણ બદલી નાખ્યો હતો. ધારા ૪૯૭ તો યાદ જ હશે! તેમના પિતાએ વ્યાભિચાર કાનૂનની આ કલમને બંધારણીય રીતે માન્ય હોવાનું જણાવ્યું હતું. પરંતુ, તેમણે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે કલમ 497 ખરેખર મહિલાઓના સન્માન અને આત્મ-સન્માનને ઠેસ પહોંચાડે છે. તેમણે કહ્યું કે મહિલાઓને તેમના પતિની સંપત્તિ ગણી શકાય નહીં અને આ કાયદો તેમની જાતીય સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે.
ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબી અને એલએલએમ ડિગ્રી મેળવી છે. તેઓ બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ પણ રહી ચૂક્યા છે. તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહ્યા અને વર્ષ 2016 માં તેમને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ 2024 સુધીનો છે.
#4 ન્યાયાધીશ અશોક ભૂષણ
ઉત્તર પ્રદેશના જૈનપુરથી આવતા ન્યાયાધીશ અશોક ભૂષણને 2016 માં સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવ્યા હતા. અહીં તેમનો કાર્યકાળ 2021 સુધીનો છે.
વર્ષ 2001 માં તેમને અલ્હાબાદ હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને બાદમાં તેઓ 2015 માં કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા.
તેઓ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા પર આંશિક રોક લગાવવાનો આદેશ આપનારી બેંચના સભ્ય પણ હતા. કેરળ હાઇકોર્ટમાં તેઓ હતા ત્યારે તેમની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે પોલીસે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ એફઆઈઆરની નકલ પ્રદાન કરવી પડશે.
#5 ન્યાયાધિશ અબ્દુલ નજીર
તેઓ ૨૦૧૭ સુધી કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ હતા પછી તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા. આ પહેલા તેઓ કોઇ પણ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહ્યા નથી.
મેંગલોરના ન્યાયાધીશ અબ્દુલ નજીરે લગભગ 20 વર્ષ સુધી કર્ણાટક હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે ફરજ બજાવી અને 2003 માં હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂક થયા.
અયોધ્યા કેસની સુનાવણી સમયે ન્યાયાધીશ નજીરએ કહ્યું હતું કે એક મોટી ખંડપીઠે આ કેસની સુનાવણી કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે ન્યાયાધિશ અબ્દુલ નજીર ત્રિપલ તલાકની બંધાયરીય માન્યતા અંગે નિર્યણ લેનારા ન્યાયાધીશોની બેંચમાં પણ સામિલ હતા. આ સમયે ન્યાયાધિશ નજીર અને તત્કાલીન મુખ્ય ન્યાયાધિશ જગદીશ સિંહ ખેહરે કહ્યું હતું કે ત્રિપલ તલાક ખતમ કરવાનો અધિકાર સુપ્રીમ કોર્ટ પાસે નહી પણ સંસદ પાસે છે. અને સરકારને આ બાબતે એક કાયદો બનાવવાનો આદેશ પણ આપ્યો હતો…