૨૦૧૭માં આખી દુનિયાના દેશોનું લશ્કરી બજેટ ૧૭૮૯ અબજ ડોલર હતું. આ આંકડો જ્યારે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પિસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI - Stockholm International Peace Research Institute)એ બહાર પાડ્યો તો આખી દુનિયાની આંખો પહોળી થઈ ગઈ હતી. વિશ્વ આખું પોતાની રક્ષા માટે આટલું મોટું બજેટ હથિયારોમાં ખર્ચી નાખે છે. આ બજેટ જો ગરીબો પાછાળ ખર્ચવામાં આવે તો આ દુનિયામાં કોઇ ગરીબ ન રહે. આ વખતે એટલે કે ૨૦૧૮નો એક આંકડો પણ આ સંસ્થાએ બહાર પાડ્યો છે જેમાં તો કહેવામાં આવ્યું છે કે માત્ર એક વર્ષમાં દુનિયાના દેશોએ ૪૨૦ અબજ ડોલરના હથિયાર ખરીદ્યા છે જેમાં અમેરિકાએ ૨૪૨ અરબ ડોલરના હથિયાર ખરેદ્યા છે. ભારત પણ હથિયાર ખરીદવામાં પાછાળ નથી. આજે એક બટન દબાવીને આખી દુનિયાને નષ્ટ કરી શકાય એટલા હથિયારો આ દુનિયાએ બનાવી લીધા છે. આવા સમયે આવો હથિયારો વિશે જોડું બધુ સમજીએ…
ઉન્માદ વખતે ઘણા લોકોને એવું લાગતું હતું. સોશિયલ મીડિયા પર પણ યુદ્ધ કરવા મુદ્દે યુદ્ધ મચ્યું હતું. પરંતુ યુદ્ધ કોઈને પોસાતું નથી. આખું જગત વિશ્ર્વશાંતિ માટે કેટલો ખર્ચ કરે છે અને શા માટે શાંતિ જરૂરી છે એ જરા સમજીએ...
વિયેટનામ નામના નાનકડા દેશે અમેરિકાને હંફાવ્યું હતું. ઇતિહાસમાં એ યુદ્ધ વિયેટનામ વૉર તરીકે જાણીતું છે. એ યુદ્ધનો અંત કઈ રીતે આવ્યો હતો ? અમેરિકા હારી રહ્યું હતું એટલે? વિયેટનામ હારી રહ્યું હતું એટલે? બે દાયકા પછી પણ યુદ્ધનો કોઈ નિવેડો આવતો ન હતો એટલે ?
બધા સવાલના જવાબ ‘ના’ છે.
હકીકતે એક ફોટોગ્રાફને કારણે યુદ્ધનો અંત આવ્યો હતો. બે દાયકા સુધી પ્રહાર કર્યા પછી પણ વિયેટનામ જેવું નાનકડું રાષ્ટ્ર અમેરિકાના તાબે થતું ન હતું. રઘવાઈ થયેલી અમેરિકી સેના જ્યાં ત્યાં બોમ્બમારો કરતી હતી. ૧૯૭૨ની ૮મી જૂને એક ગામ પર નેપામ નામનો અતિ ખતરનાક બોમ્બ ફેંક્યો. બોમ્બથી આગ લાગતી, જેમાં કેટલાંક ગામવાસી મ્ાૃત્યુ પામ્યા જ્યારે જીવતાં રહ્યાં તેનાં કપડાં-ચામડી બળી ગયા. દોડી રહેલી ફાન નામની દીકરીનાં કપડાં સળગી ગયાં હતાં અને ફોટોગ્રાફર પાસે પહોંચી ત્યારે શરીરમાં બળતરા થતી હતી. ફોટોગ્રાફરે તુરંત તેની સારવારની વ્યવસ્થા કરી હતી (એ બહેન હવે ૫૬ વર્ષનાં થયાં છે). પરંતુ એ બાળકો કપડાં વગર દોડતા હોય એવો ફોટો અમેરિકાનાં અખબારોમાં છપાયો, દુનિયાના અન્ય ભાગોમાં પણ છપાયો. એ પછી અમેરિકી પ્રજા રસ્તા પર ઊતરી અને કોઈ પણ ભોગે જંગ બંધ કરવા સંસદ પર દબાણ કર્યું. છેવટે ઘણાં વર્ષોથી ચાલતું એ યુદ્ધ પછીના બે વર્ષમાં અમેરિકાએ સંકેલી લીધું

યુદ્ધથી શું થાય તેનાં આવાં એકથી એક ચડિયાતાં ભયાનક ઉદાહરણોની કોઈ કમી નથી. સદ્ભાગ્યે દુનિયાના દેશોને ખબર છે કે ગમે તે કરાય, યુદ્ધ ન કરાય. એટલે અનિવાર્ય ન હોય ત્યાં સુધી હાથ ઉપાડવાનું પસંદ કરતા નથી. અલબત્ત, દુનિયા દોરંગી છે એટલે ઘણા યુદ્ધખોર નેતાઓ પણ છે જ. પરંતુ મોટો વર્ગ યુદ્ધથી દૂર રહેવામાં માને છે. કેમ કે વિયેટનામ વખતે સર્જાઈ એવી સ્થિતિ જ્યાં-ત્યાં સર્જાતી જ રહે છે. યુદ્ધ ન થાય એટલા માટે દુનિયા શું કરે છે? કેટલાંક ઉદાહરણ સાથે સમજીએ..
૧૯૧૮માં પહેલું વિશ્ર્વયુદ્ધ પૂરું થયું એટલે ૧૯૨૦માં દુનિયાના દેશોએ ભેગા મળીને લિગ ઓફ નેશનની સ્થાપના કરી. એ સંગઠન વૈશ્ર્વિક હતું અને કામ વિશ્ર્વયુદ્ધ જેવી સ્થિતિ ન આવે એ જોવાનું હતું. તો પણ ૧૯૩૯માં બીજું વિશ્ર્વયુદ્ધ સળગ્યું. ૧૯૪૫માં એ પૂરું થયા પછી ફરીથી યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્રસંઘ) નામની સંસ્થા સ્થપાઈ. એ પછી સદ્ભાગ્યે વિશ્ર્વયુદ્ધની સ્થિતિ તો નથી આવી. નાનાં-મોટાં છમકલાં થયા કરે છે. અમુક દેશો યુદ્ધરત પણ છે. પરંતુ આખી દુનિયા એકંદરે શાંતિ ઇચ્છે છે. રાષ્ટ્રસંઘનું વાર્ષિક બજેટ સાડા પાંચ અબજ ડૉલર છે. એટલે એવું કહી શકાય કે એકલું રાષ્ટ્રસંઘ દુનિયાને શાંત રાખવા વર્ષે સાડા પાંચ અબજ ડૉલર ખર્ચે છે.
દરેક દેશ બીજા દેશમાં પોતાના એમ્બેસેડેર (એલચી)ની નિમણૂક કરે છે. સામાન્ય દિવસોમાં તો એલચીની કામગીરી ખાસ નોંધપાત્ર હોતી નથી. પરંતુ બે દેશો વચ્ચે તણાવ થાય ત્યારે એમ્બેસેડેરની ભૂમિકા મહત્ત્વની બની રહે છે, જેમ કે ભારતે તંગદિલી વચ્ચે પાકિસ્તાની હાઈ કમિશનર હૈદર શાહને બોલાવીને શાંતિ માટે કહ્યું. એ પછી બીજા દિવસે પાકિસ્તાને ભારતના વિંગ કમાન્ડરને છોડી દેવાનો નિર્ણય કર્યો. જે વાત યુદ્ધ સુધી પહોંચી હતી, સામસામાં ફાઇટર વિમાનો ગોઠવાઈ ચૂક્યા હતાં અને મિસાઇલો સજ્જ થવા લાગ્યાં હતાં એ હાલ તો શાંત પડી ગયાં છે. એ એમ્બેસેડરની નિમણૂક અને નિભાવ પાછળ દરેક દેશ કરોડો પિયા ખર્ચે છે. એ ખર્ચો કટોકટીના સમયે લેખે લાગે.
તટસ્થ દેશ સ્વીડનની સંસ્થા સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પિસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષે દુનિયાના લશ્કરી ખર્ચનો રિપોર્ટ તૈયાર કરે છે. છેલ્લો રિપોર્ટ ૨૦૧૮માં આવ્યો હતો. એ પ્રમાણે આગલા વર્ષે (૨૦૧૭માં) આખા જગતનું કુલ મળીને લશ્કરી બજેટ ૧૭૮૯ અબજ ડૉલર હતું. ૨૦૧૬ કરતાં એ ખર્ચ ૧.૧ ટકા વધ્યો હતો. હવે અમેરિકા અને ચીન વચ્ચે સૌથી મોટી લશ્કરી તાકાત બનવાની સ્પર્ધા ચાલે છે.
આંકડા તપાસીએ તો ખબર પડે છે કે ભારતે આ વર્ષે ૩ લાખ કરોડ કરતા વધારે રકમ ડિફેન્સ બજેટના નામે ફાળવી છે. પહેલી વાર ૩ લાખ કરોડનો આંક પાર થયો છે. સવાલ કદાચ એ થાય કે આટલી રકમ વધારે છે કે ઓછી? આટલી રકમ બીજે ખર્ચવી જોઈએ ? ઘણા લોકો મોટી રકમનો વિરોધ પણ કરતાં હોય છે. જેમ કે થોડા વર્ષો પહેલા મિરાજ-૨૦૦૦ વિમાનો ભારતે અપગ્રેડ કર્યા હતા. ભારતે આ વિમાનો ફ્રાન્સ પાસેથી ખરીદ્યા છે. એ વખતે એવી શરત થઈ હોય કે જરૂર પડ્યે ભારતમાં આવીને તેને નવી ટેક્નોલોજીથી સજ્જ કરી દેવા. ભારતે બેશક એ માટે કિંમત ચૂકવવી પડે. ભારતે હજારો કરોડના ખર્ચે અપગ્રેડેશ કરાવ્યુ હતુ. ત્યારે સવાલ એ થતો હતો કે વિમાન સુધારણા પાછળ આ ખર્ચની શું જરૂર છે ? પણ જો ત્યારે ખર્ચ ન થયો હોત તો પાકિસ્તાનમાં જઈને મિરાજે જે અડધી રાતે તડાફડી બોલાવી એ બોલાવી શક્યા ન હોત. લશ્કરી બજેટનો ઉપયોગ આવા અનેક નાના-મોટા ખર્ચ માટે થતો હોય છે. છેલ્લા દાયકામાં ભારતનું સંરક્ષણ બજેટ પચાસેક ટકા વધી ગયુ છે. પરંતુ બીજી તરફ એ પણ હકીકત છે કે દાયકામાં ચીનનું બજેટ ૧૧૮ ટકા, રશિયાનું ૮૭ ટકા, દક્ષિણ કોરિયાનું ૩૫ ટકા વધ્યુ છે.
૪૮ વર્ષ પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું અને એ યુદ્ધે બાંગ્લાદેશનો જન્મ આપ્યો. ભારતનો ભવ્ય વિજય થયો. એ ગૌરવગાથા આપણા માટે અજાણી નથી. અજાણી વાત એ છે કે એ વખતે ૫૪ ભારતીય જવાનો પાકિસ્તાને પકડી લીધા હતા (જેમ હમણાં અભિનંદનને પકડ્યા). યુદ્ધ પૂરું થયુ એટલે સ્વાભાવિક રીતે ૫૪ કેદી પરત આવે એવી પણ ઇચ્છા હતી. યુદ્ધ પૂરું થાય ત્યારે આ રીતે સૈનિકોની આપ-લે થતી હોય છે. ભારતે પણ ૯૩ હજાર પાકિસ્તાની સૈનિકોને પરત કરી દીધા હતા. પણ ૫૪ સૈનિકો પરત આવ્યા ? આજે ૪૮મા વર્ષે પણ નથી આવ્યા. એમના પરિવારને જઈને પછીએ તો ખબર પડે કે યુદ્ધ તેમને કેવી અસર કરે છે ?
એ ૫૪ સૈનિકો સાથે શું થયું ? મૃત્યુ પામ્યા ? જીવે છે ? ક્યાં છે ? કેવી સ્થિતિમાં છે ? કોઈ જાણતું નથી. પાકિસ્તાન દર વખતે અમારે ત્યાં આવા કોઈ સૈનિકો નથી એવો જવાબ આપે છે. બીજી તરફ પાકિસ્તાનથી વર્ષોની સજા કાપીને પરત આવનારા અન્ય કેદી (યુદ્ધકેદી સિવાયના) જણાવે છે કે પાકિસ્તાનની ભૂગર્ભ જેલોમાં તેમને રાખવામાં આવ્યા છે. અહીં તેમનો પરિવાર રાહ જુએ છે, ૪૮ વર્ષ એટલે એ કેદીઓ પછી તેમના ઘરમાં બીજી બે પેઢી ઉમેરાઈ ગઈ હશે. પરંતુ તેમના સંતાનોને ખબર નથી કે પિતા જીવે છે કે મૃત્યુ પામ્યા છે ? બીજી તરફ ત્યાં રહેલા કેદીઓ પૈકી જે જીવતા રહ્યા છે એ અડધી સદીથી રાહ જૂએ છે કે કોઈક આવીને છોડાવે અને વતનની ધરા પર ફરી એક વખત તસ લેવા મળે.. બસ એવી બીજી કોઈની હાલત ન થાય એટલા માટે યુદ્ધ ન થવું જોઈએ.