પ્રકરણ - ૪ । ઇસ્લામ ઔર ઇસ્લામી રિયાસત કે લિયે શિવાજી ખતરા બન ગયા હૈ

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

veer bajiprabhu prakaran
 
 

શિવાજી કો ઐસી મોત દૂગા કી ઉસકી સારી પુસ્તેં હમારે નામ સે કાંપેગી

 
અલી આદિલશાહ, સિદ્દી જૌહર અને ઓરંગજેબે શિવાજી રાજેને હણવા કારસો ઘડી નાંખ્યો હતો. શિવાજી રાજેને ચારે તરફથી ઘેરીને એમને માત આપવા માટેની વ્યવસ્થાઓ થઈ રહી હતી. એ સમયે શિવાજી મહારાજ કૃષ્ણા નદીની પૂર્વમાં મિરજમાં હતા. શિવાજી મહારાજે એ તો જાણતા જ હતા કે બિજાપુર દરબાર આટલી માત અને આટલો માર ખાધા પછી ચૂપ નહીં જ બેસે. રણનીતિનો એક મહત્ત્વનો સિદ્ધાંત એ છે કે યુદ્ધની મારકાટ હંમેશાં શત્રુપ્રદેશમાં જ કરવી જોઈએ. પોતાના રાજ્યની જનતાને ઓછામાં ઓછું નુકસાન અને કષ્ટ પડે તથા જરૂર પડતાં આવશ્યક યુદ્ધસામગ્રી પણ મળી શકે એટલા માટે શિવાજી મહારાજ કૃષ્ણા નદી લાંઘીને મિરજ પર ઘેરો નાંખીને બેઠા હતા.
 
પરંતુ શિવાજીએ જ્યારે સાંભળ્યું કે બિજાપુરની વિશાળ સેના સાથે સિદ્દી જૌહર પણ આવી રહ્યો છે અને છેક દિલ્હીથી ઓરંગજેબને પણ બોલાવવામાં આવ્યો છે ત્યારે તેમને મેદાનમાં મુકાબલો કરવાનું વ્યર્થ લાગ્યું. આથી કૃષ્ણા નદીને ફરીવાર પાર કરીને તેઓ મિરજથી દૂર આવી ગયા. શત્રુની તમામ ગતિવિધિઓની ખબર રાખતાં રાખતાં એ ધીમે ધીમે પંચગંગા પાર કરીને કોલ્હાપુર પણ આવી ગયા.
 
સામાન્ય રીતે જોઈએ તો શિવાજી મહારાજ પાછળ હટી રહ્યા હતા. પણ એ પેલા જેવું હતું કે તરાપ મારતાં પહેલાં ચિત્તો પણ બે ડગલાં પાછળ હટે છે. આમ પણ રણક્ષેત્રમાં વિજયના આકાંક્ષીઓ બધી જ જગ્યાએ ઘોડા નથી દોડાવતા હોતા. શત્રુનું મર્મસ્થાન જાણીને વાર કરનારા સેનાપતિ યોગ્ય સમય અને સ્થાનની રાહ જુએ છે. જ્યારે શત્રુ ચાલાક હોય, એની સેના પોતાની સેના કરતાં અનેકગણી વધારે હોય અને વળી એના સહાયકોમાં આપણા જ જાતિ-ધર્મના લોકો હોય ત્યાં શત્રુને કૂટનીતિ દ્વારા માત આપવી એ જ સૌથી મોટી કળા હોય છે. મહારાજ શિવાજી આ કલામાં માહિર હતા. તેઓ જે સ્ફૂર્તિથી શત્રુઓ પર તૂટી પડવાની આતુરતા રાખતા હતા એટલા જ ઊંડાણથી શત્રુની તાકાતનો અંદાજ લગાવીને પોતાના આવેશ અને આક્રોશને કાબૂમાં રાખવાનું પણ જાણતા હતા. તેમના સાથીઓ પણ તેમની આ રણનીતિને જાણતા હતા.
 
સમય જતાં શિવાજી મહારાજ કોલ્હાપુરથી પણ પાછળ હટી ગયા અને પન્હાલગઢમાં આવીને પોતાનો ડેરો નાંખ્યો. ત્યાં ગયા બાદ તરત જ તેમણે પોતાની મોરચાબંદી કરી દીધી હતી.
 
સિદ્દી જૌહરની ફોજને ખબર પડી કે શિવાજી મહારાજ મિરજથી કોલ્હાપુર અને કોલ્હાપુરથી પન્હાલગઢ સુધી દૂર હટી ગયા છે ત્યારે એ અત્યંત ખુશ થઈ ગયો. એણે અંદાજો લગાવી લીધો કે શિવાજીની સેના પોતાની સેના કરતાં સાવ જ ઓછી છે. સિદ્દી જૌહરે હબસી સાથીઓ વચ્ચે તલવારની મૂઠ પર પોતાની પકડ મજબૂત કરતાં કહ્યું, `સૈનિકો, શિવાજી જાન બચાને કે લિયે પન્હાલગઢ કે કિલે મેં છીપ ગયા હૈ. લેકિન કબ તક છીપેગા ? અબ તો લડને કી આવશ્યકતા હી નહીં, બસ, કિલ્લે કો ચારોં ઓર સે ઘેર લિયા જાય. ન તો પન્હાલગઢ સે કોઈ બાહર આ સકે ઔર ન તો બાહર સે પન્હાલગઢમેં અંદર આ સકે. જહાં સે પન્હાલગઢ મેં કોઈ મદદ આ સકતી હૈ વો હૈ વિશાલગઢ. ઇસ કિલે પર ભી ઘેરા ડાલ દિયા જાય. અબ દેખેંગે કી શિવાજી ભૂખા - પ્યાસા કિતને દિન પન્હાલગઢ મેં ટીક સકતા હૈ ? કિલે કે ભીતર કી રસદ (ખાવા-પીવાનો સામાન-રાશન વગેરે) ખત્મ હોતે હી વહ ખુદ-બ-ખુદ હી હમારી પનાહ માંગેગા. તબ ઉસે ગિરફ્તાર કરકે ઉસકા કચુમર નિકાલકર હી મેં ચૈન લૂંગા! શિવાજી કો ઐસી મોત દૂગા કી ઉસકી સારી પૂસ્તેં ભી હમારે નામ સે કાંપેગી.''
 
સિદ્દી જૌહરે પોતાની સેનામાં નવું જોશ ભરી દીધું હતું. સૈનિકોને લાગ્યું કે હવે તો શિવાજી ગયા. આખી સેનાએ `અલ્લાહુ અકબર'નો બુલંદ નારો લગાવ્યો.
 
સૈનિકોને આ યોજના વધારે સારી લાગ્ો એ સ્વાભાવિક હતું. કારણ કે મેદાનમાં લડવાથી તો એમની ફેં ફાટતી હતી. મરાઠાઓની તલવારનું પાણી પણ એ સેના ભરપેટ પી ચૂકી હતી. હવે એમની હિંમત મરાઠાઓની છાતી માપવાની નહોતી રહી. શિવાજીનો ઘેરો ઘાલવા આવતી વખતે કેટલીયે વાર રસ્તામાં સહ્યાદ્રિ પર્વતની ઝાડીઓમાં છુપાયેલી કાળીડિબાંગ ચટ્ટાનો
 
લોકોને દેખાતી ત્યારે એ થથરી ઊઠતા. એ વિશાળ ચટ્ટાન મરાઠાઓની છાતી જેવી જ ભાસતી. એમને ડર લાગી જતો કે ક્યાંક શિવાજી અહીં છુપાઈને તો નહીં બેઠા હોયને ? અને એ લોકો પરસેવે રેબઝેબ થઈ જતા.
 
આવું એટલા માટે થતું કેમ કે મરાઠાની છાતી અને સહ્યાદ્રિની આ ચટ્ટાનો વચ્ચે કોઈ ભેદ નહોતો. જ્યારે મરાઠા સૈનિકો પોતાના શ્વાસ રોકીને ઝાડીઓ પાછળ છુપાઈ રહેતા ત્યારે એમની ઉઘાડી છાતી આવી જ દેખાતી. છાતી ચટ્ટાન કે પછી ચટ્ટાન છાતી એ ખબર જ નહોતી પડતી. સિદ્દી જૌહર ભલે એની સેનાને પારો ચડાવી રહૃાો હોય, પણ અંદરોઅંદર સૈનિકો વાતો કરતા, `અચ્છા હુઆ સરદારને શિવાજી કો ઘેર કર મારને કા તય કિયા. અગર મૈદાન મેં મિલતે તો જીંદા નહીં બચતે.'
 
છેક મિરજથી પાછળ હટતાં હટતાં શિવાજી મહારાજ બીજી માર્ચ ૧૬૬૦ના રોજ પન્હાલગઢમાં પહોંચ્યા હતા. એ પછી તરત જ તેમનો પીછો કરી રહેલી સિદ્દી જૌહરની સેનાએ પણ પન્હાલગઢનો ઘેરો ઘાલી દીધો હતો. ગઢની પૂર્વમાં સિદ્દી જૌહરે પોતાનો ખેમો લગાવ્યો. તેમની સાથે એક વાર શિવાજીથી માત ખાઈને ભાગેલા ફાઝલખાન અને રુસ્તમેજખાન પણ હતા. સિદ્દીએ વિચાર્યું હતું કે જેનું પાણી ઊતરી ગયું હોય એ તલવાર અને ગભરાઈ ગયેલી ઘોડી રણમેદાનમાં ક્યારે દગો કરી જાય તે કહેવાય નહીં.
 
આ બન્ને સરદારો પણ શિવાજીથી એકવાર માત ખાઈને ભાગી ચૂક્યા હતા. ક્યાંક જો ફરી ભાગી જાય તો પન્હાલગઢ પરના ઘેરાની આખી મહેનત જ માથે પડી જાય. આમ વિચારી એણે એમને સાથે ને સાથે જ રાખ્યા હતા.
 
પશ્ચિમ દિશામાં સાદત ખાન, સિદ્દી મસૂદ, બાજી ઘોરપડે અને ભાઈજાનનો મોર્ચો ગોઠવાઈ ગયો હતો. બાકી ફોજના બે ભાગ કરવામાં આવ્યા. એક ભાગ દ્વારા પન્હાલગઢનો દક્ષિણ ભાગ ઘેરવામાં આવ્યો અને બીજા ભાગ દ્વારા ઉત્તરના ભાગે નાકાબંધી થઈ ગઈ. સિદ્દી જૌહર ખૂબ માહેર હતો. ખૂબ જ સૂઝબૂઝથી આખી યોજના અને વ્યવસ્થા ઘડી કાઢી હતી. ચપ્પે ચપ્પે અને ચટ્ટાને-ચટ્ટાને નજર પડે તેવી રીતે ચોકી-પહેરો ગોઠવ્યો હતો. એ પોતે રાત-દિવસ આંખોમાં તેલ આંજીને નિગરાની કરતો. સિદ્દી જૌહરની કુશળ સેનાપતિ ષ્ટિ વીસ કોસ દૂર આવેલા શિવાજી મહારાજના બીજા કિલ્લા વિશાલગઢ પર પણ એટલી જ ત્વરાથી મંડાયેલી હતી. અહીં એણે એટલે નજર માંડી રાખી હતી કારણ કે આ કિલ્લામાંથી જ શિવાજીને તમામ મદદ મળી શકે તેમ હતી, અને અહીંથી જ મરાઠાઓ નીકળીને એને રાતના અંધારામાં પરેશાન કરી શકે તેમ હતા. માટે વિશાલગઢ પર ઘેરો નાંખવો ખૂબ જ જરૂરી હતો. સિદ્દી ખૂબ ચાલાક પણ હતો. એણે કૂટનીતિથી શિવાજી મહારાજના સંબંધી સેનાપતિ સૂર્યરાવ સુર્વે અને યશવંતરાવ ભોંસલેને વિશાલગઢ પર તૈનાત કર્યા હતા, કારણ કે એ બંને શિવાજી મહારાજના ચમત્કારિક દાવપેચો સારી રીતે જાણતા હતા. જરૂર પડતાં શિવાજી મુગલ તથા આદિલશાહીના મોટા મોટા સરદારોને લાલચ આપીને અથવા તો તેમના અંદરોઅંદરના ઝઘડાઓ ઉકસાવીને પોતાની સહાયતામાં ઉપયોગ કરી લેતા હતા. શિવાજી મહારાજના દૂતો કોઈ પણ ભોગે શત્રુના ઘરમાં પેસી કમજોર દિલવાળી દીવાલોની ખબર મેળવી લેતા હતા. શિવાજી મહારાજ પ્યારની ચૂટકીથી એને છાતી સાથે વળગાડીને એક પછી એક ઈંટ સેરવી લેતા, પછી એમાં પડેલા બાકોરામાંથી શિવાજી મહારાજના બહાદુર માવળાઓ અંદર ઘૂસી જતા અને પોતાનું કામ તમામ કરી દેતા.
 
આ બાબતની સિદ્દીને ખબર હતી. આથી એને બીજો એક વિચાર પણ આવ્યો. એણે વિચાર્યું વિશાલગઢ પર એણે જે બે સેનાપતિઓને મૂક્યા હતા એ આખરે તો શિવાજી મહારાજના વંશજ જ છે. કોણ જાણે ક્યારે શિવાજી મહારાજ સાથે મળી જાય. માટે સુર્વે, સાવંત અને યશવંતરાવ બધા જ હિંદુઓ સાથે એણે પોતાનો એક એક સાથી પણ મૂકી દીધો હતો.
 
***
 
શિવાજી મહારાજ પર ઘેરાયેલું સંકટ મામૂલી નહોતું. અૌરંગજેબ ખુદ દક્ષિણમાં શિવાજીના વધતા પ્રભાવને સૂંઘી ગયો હતો. એના નાકમાં શિવાજીના સ્વરાજની સુગંધ ગંધની શૂળ જેમ ચૂભી રહી હતી. એનો જીવ શાંત નહોતો પડતો. એ શિવાજીને ક્યારનોયે મારી નાંખવા તત્પર બન્યો હતો પણ બરાબર એ જ વખતે અહીં ઉત્તરમાં તખ્તની લડાઈ અને ભાઈઓ વચ્ચેની હુંસાતુંસી તીવ્ર બની એટલે એણે અહીં આવવું પડ્યું હતું. પણ હવે તો સિદ્દી જૌહરની હબસી સેના સાથે બિજાપુરની ફોજ પન્હાલગઢ પહોંચી ગઈ હતી અને વળી તેમને અલી આદિલશાહની મદદ કરીને શિવાજીને માત આપવા અહીં આવી જવાની ચિઠ્ઠી પણ મળી ગઈ હતી કે, `ઇસ્લામ ઔર ઇસ્લામી રિયાસત કે લિયે શિવાજી ખતરા બન ગયા હૈ. શિવાજી ધોખેબાજ હૈ. ઇસ બાગી કાફિર કો જમીંદોસ્ત કરને કે લિયે આપ અધિક સે અધિક ફોજ, કિસી અચ્છે તજુર્બ્ોકાર શાહી સિપહસલાર કે માતહત દક્ખન મેં ભેંજે ઐસી હમારી અર્જ હૈ. અલ્લાહ આપકો સલામત રખ્ખે. ખુદા હાફિઝ !'
 
ચિઠ્ઠી વાંચતાં જ ઓરંગજેબની આંખ લાલ થઈ ગયેલી અને એણે તલવાર ખેંચી ત્રાડ પાડેલી કે, શિવાજી, અબ તેરી ખૈર નહીં.' એ પોતે શિવાજીને હણવા જવા માટે બેતાબ હતો પણ તખ્તની લડાઈ અને હુંસાતુસી હજુ ચાલુ જ હતી એટલે એ પોતે જઈ શકે તેમ નહોતો. એ શાંત ચિત્તે વિચારવા માંડ્યો કે શું કરવું ? થોડી જ વારમાં એને એના મામુજાન યાદ આવ્યા. એ મામુજાનનું નામ હતું શાહિસ્તાખાન. એ અૌરંગાબાદમાં જ રહેતો હતો અને દક્ષિણના સૂબાની દેખભાળ કરતો હતો. એનું સાચું નામ તો ખૂબ જ લાંબુ હતું, અમીર-ઉલ-ઉમરાવ નવાબ બહાદુર મિર્જા અબૂ ઉર્ફ શાહિસ્તાખાન. જેટલું લાંબુ એનું નામ હતું એટલો લાંબો એનો વિશ્વાસ પણ હતો. એ બહુ જ ક્રૂર હતો છતાં દિલેર, અનુભવી અને વફાદાર પણ હતો. પોતાની ધાક જમાવવા માટે અને નામ મોટું કરવા માટે એણે હિન્દુઓ પર એટલા બધા અત્યાચાર કર્યા હતા કે ખુદ ક્રૂરતાને પણ કંપારી છૂટી જાય.
 
આવા ક્રૂર શાહિસ્તાખાનને ઔરંગજેબે ફરમાન મોકલ્યું, `જલ્દ આ જાઓ ! કાફિર શિવાજી કો મારને કે લિયે જાના હૈ.' અને શાહિસ્તાખાન તૈયાર થઈ ગયો.
 
***
 
(ક્રમશ:)