રાજ્યની સાચી સંપત્તિ

    ૧૯-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |
 
pathey_1  H x W
 
 એક વખત મગધનરેશે કૌશલ રાજ્ય પર આક્રમણ કર્યું. કૌશલનરેશે તરત જ પોતાના રાજ્યના નાગરિકોને રાજ્ય છોડી કોઈ સુરક્ષિત સ્થળે ચાલ્યા જવાનો આદેશ આપ્યો. રાજાની આજ્ઞા માની તમામ લોકો પોતાના પરિવાર અને માલ-મિલકત સાથે સુરક્ષિત સ્થાને ચાલ્યા ગયા. મગધના સૈન્યે નગરમાં પ્રવેશ કર્યો અને કૌશલનરેશ અને તેમની સાથે ચાલતા કેટલાક લોકોને ઘેરી લીધા. કૌશલનરેશે મગધના સેનાપતિને અરજ કરી કે જો તે તેમની સાથેના ૧૨ લોકોને છોડી દેશે તો તે કોઈપણ પ્રકારની શરત વિના આત્મસમર્પણ કરવા તૈયાર છે.
 
સેનાપતિએ એ શરત તરત જ સ્વીકારી લીધી અને તેમના કહ્યા મુજબ તમામ લોકોને જવા દીધા. અને કૌશલનરેશને તેમના અંગરક્ષકો સાથે મગધનરેશ સમક્ષ રજૂ કર્યા. સેનાપતિએ જ્યારે સમગ્ર વાત મગધનરેશને કરી ત્યારે તેઓના આશ્ચર્યને પાર ન રહ્યો. તેઓએ કૌશલ નરેશને પૂું, જે બાર લોકોને તમે છોડાવ્યા તે આખરે કોણ હતા ? કૌશલનરેશે જવાબ આપ્યો, માન્યવર, તે અમારા રાજ્યના સંત અને વિદ્વાન હતા. હું રહું કે ન રહું તેનાથી કોઈ જ ફરક પડવાનો નથી. પરંતુ એક રાજ્ય માટે તેના સંતો અને વિદ્વાનોનું હયાત રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તે જ રાજ્યની સાચી સંપત્તિ હોય છે, તે રહેશે તો આદર્શ અને સંસ્કાર રહેશે અને તે કોઈપણ રાજ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. તેના થકી જ ભવિષ્યમાં પણ કર્તવ્યનિષ્ઠ અને યોગ્ય નાગરિકોનું નિર્માણ થશે અને ફરી મારું રાજ્ય રાખમાંથી બેઠુ થઈ સમૃદ્ધિનાં શિખરો સર કરશે.
 
કૌશલનરેશના આ ઉત્તમ વિચારોથી મગધનરેશ એટલા પ્રભાવિત થયા કે તેઓએ કૌશલનરેશને મુક્ત કર્યા, એટલું જ નહીં, જીતેલું રાજ્ય પણ પાછું આપી દીધું.