
પોતાના કરતાં દસગણી શક્તિ ધરાવતા, પડછંદ, ક્રૂર અને લાખોની સેના લઈને આવેલા અફઝલખાનને શિવાજીએ વાઘનહોરથી ચીરી નાંખ્યો અને એનું માથું કાપીને પ્રતાપગઢના કિલ્લા પર લટકાવી દીધું. શિવાજીની આ શક્તિથી દુશ્મનોમાં ભયનું વાવાઝોડું પસાર થઈ ગયું. પણ શિવાજી આટલા માત્રથી ના અટકયા. એ તો હિદુસ્થાનની ધરતી પરથી ગત એક હજાર વર્ષની પરાધીનતા અને નિરાશાના અંધારાને ઉખાડી ફેંકવા માટે નીકળ્યા હતા. અફઝલખાનના વધ પછી શિવાજી એ જ ઘડીએ પ્રતાપગઢથી નીકળી પડ્યા. ચારેકોર દુશ્મનોમાં હાહાકાર મચી ગયો કે શિવાજી આવી રહ્યા છે. શિવાજીની એક ટુકડી ઉત્તરમાં પૂના તરફ સૂપા અને સાસવડ સુધી પહોંચી ગઈ. શિવાજીના સેનાપતિ નેતાજી પાલકરને અનુમતિ મળી એટલે તેઓ `હર હર મહાદેવ'નો નાદ ગુંજાવતા પૂર્વમાં છેક બિજાપુર સુધી ટકરાવા માટે નીકળી પડ્યા. સ્વયં શિવાજી સતારા પ્રાંતમાં ઘૂસીને કૃષ્ણા અને કોયના નદીના ખળખળ વહેતાં પાણીમાં ઝબોળીને પોતાની તલવારની ધાર તેજ કરતાં કહાડ સુધી પહોંચી ગયા. શિવાજીની આકાંક્ષા જેટલી વિશાળ હતી એટલી જ તેમની બુદ્ધિશક્તિ પણ તેજ હતી. અફઝલખાનને હરાવ્યા પછી એની સેના ભાગી ગઈ હતી અને સમુદ્રકિનારે એની કેટલીયે નૌકાઓ સામાનથી લદાયેલી પડી હતી. શિવાજીએ તીવ્ર નિર્ણયશક્તિથી પોતાના સરદાર દોરજીને એ નૌકાઓ પર કબજો કરવા માટે અને એનું રક્ષણ કરી રહેલા અંગ્રેજ દુશ્મન સ્ટીવન્સનને મારી ભગાડવા માટે મોકલી દીધા. અફઝલ-ખાનના મૃત્યુના દિવસોમાં જ આ બધું થઈ ગયું. ચારે તરફ સન્નાટો ફેલાઈ ગયો.
બિજાપુર દરબારમાં માતમ છવાયેલું હતું. એમાં પાછી ખબર મળી કે ૨૫મી નવેમ્બરના દિને શિવાજીએ કોલ્હાપુર પર કબજો જમાવી દીધો છે અને એના ત્રણ દિવસ પછી પન્હાલગઢ પર શિવાજીનો ભગવો ઝંડો ફરકી રહ્યો છે.
માત ખાઈને બેઠેલા મુગલ આક્રાંતાઓ અંદરોઅંદર છાતી કૂટવા લાગ્યા કે, `યા ખુદા યે કૈસી ફજીહત હૈ ! ઈસ કાફિરને તેરહ દિનોં મેં વો સબ કુછ છીન લિયા, જો મરહૂમ અફઝલખાનને બડી જદ્દોજહદ સે છહ મહિનોં મેં કમાયા થા. અબ ઇસ શિવાજી કા સામના ભલા કૌન કરે ? જહાં અફઝલખાન કી નહીં ચલી વહાં કિસી ઔર કી કૈસે ચલેગી ? કોઈ તો રાસ્તા દિખા યા ખુદા ! યા અલ્લાહ !'
આખરે કોલ્હાપુર જેમની જાગીરમાં આવતું હતું એ સરદાર રુસ્તમેજમાને હિંમત કરી. શિવાજીને પન્હાલગઢમાં ખબર મળી કે રુસ્તમેજમાન ૧૦ હજારની ફૌજ લઈને બિજાપુરથી કોલ્હાપુર તરફ નીકળી ગયો છે. સાથે ફાઝલખાન પણ છે. શિવાજીએ તરત જ રણનીતિ બનાવી. તરત જ પોતાના વીર જવાનોને સૂચના આપવા માંડી, `હિરાજી, તું મલિક ઈતવાર પર ચઢાઈ કરજે, મહાડીક ફતેહખાન પર, સિવોજી સાદતખાન પર, ગોદાજી અને સર્જેરાવ ઘાટગ્યા અને ભોપડે સાથે નીપટશે. નાઈકજી અને ખરાટે શત્રુ ફોજનો ડાબો હિસ્સો કાપશે. જાધવરાવ અને સિદ્દિ હલાલ જમણી બાજુ પર આક્રમણ કરશે અને સ્વયં હું ખુદ રુસ્તમેજમાન સાથે લડીશ.' સૂચના મળતાં પાંચ હજાર મરાઠા વીરો તરત જ નીકળી પડ્યા.
ભયાનક યુદ્ધ થયું. શિવાજીના મરાઠા વીરો સામે હાથી, ઘોડા, તોપો અને બીજા ભારે સામાનોથી સજ્જ રુસ્તમેજમાનની ભયંકર અને મોટી ફોજ ટકી ના શકી. આખરે બધા ભાગવા માંડ્યા. સૌથી પહેલાં ફાઝલખાન જ ભાગ્યો. ભાગવાનો એનો રિયાઝ બહુ જૂનો હતો. ગત એક મહિનાથી શિવાજી એને ભગાડી જ રહ્યા હતા. ફાઝલખાન ભાગ્યો એટલે બાકીની ફોજ પણ ભાગવા લાગી. ૨૮ ડિસેમ્બરના રોજ શિવાજીએ બિજાપુર પર આ બીજો ભયાનક હુમલો કર્યો હતો. હવે ઘોડા, હાથી અને ચન્દનગઢ તથા વંદનગઢ બંને કિલ્લાઓ શિવાજીના કબજામાં હતા અને દુશ્મનો થર થર કાંપી રહ્યા હતા.
***
શિવાજી પર કાબૂ મેળવવો તો દૂરની વાત રહી પણ આદિલશાહીને પોતાની ઇજ્જત બચાવવી પણ હવે મુશ્કેલ લાગી રહી હતી. અફઝલખાન માર્યો ગયો પછી બિજાપુરના રણમર્દોને જાણે લકવો મારી ગયો હતો. એમાંય રુસ્તમેજમાન અને ફાઝલખાનના બૂરા પરાજય બાદ તો તેમની રહીસહી ઇજ્જત પણ પાણીમાં મળી ગઈ હતી.
બિજાપુરનાં બડી બેગમ સાહિબા અને અલી આદિલશાહે પોતાના દરબારમાં નજર દોડાવીને જોયું કે શિકસ્ત પર શિકસ્ત મળવાને કારણે મોટા મોટા ખાન સાહેબો અને પઠાણો ભીગી બિલ્લી બનીને દૂમ દબાવીને બેઠા હતા. દરબારમાં કોઈ મર્દ ના દેખાતાં અચાનક અલી આદિલશાહને કુર્નૂલનો કિલ્લેદાર સિદ્દિ જૌહર યાદ આવ્યો.
સિદ્દી જૌહર હબસી હતો. તેની પાસે હબસીઓની ખાસ્સી એવી ફોજ હતી. અનેક યુદ્ધોમાં એણે વિજય પ્રાપ્ત કર્યો હતો. આમ તો એની બિજાપુર દરબાર સાથે અનબન હતી. પણ સમય જ એવો ખરાબ આવ્યો હતો કે અલી આદિલશાહે નીચી મુંડી કરીને પણ તેને બોલાવવો પડે તેમ હતો. એટલે અલી આદિલશાહે સિદ્દી જૌહરની પાસે કાશી તિમાજી નામક દૂતને મોકલ્યો અને બિજાપુર આવવાનું નિમંત્રણ આપ્યુ. સિદ્દી જૌહર પણ આ અવસરનો લાભ લઈને બિજાપુર દરબારમાં સૌથી બહાદુર સરદાર કહેવડાવવા માટે લાલાયિત થઈ ગયો. અફઝલખાન જે મોર્ચા પર માત ખાઈ ગયો એ જ મોર્ચો જો સિદ્દી સર કરી લે તો તમામ આદિલશાહી એની મુઠ્ઠીમાં આવી જાય તેવાં સ્વપ્નાં એ જોવા લાગ્યો. પોતાને મળતો લાભ એ જવા દેવા માગતો નહોતો. એટલે પોતે જાણે અલી આદિલશાહની સાવ નીચે હોય એમ સિદ્દીએ ખુદ બાદશાહ સલામતને ચિઠ્ઠી લખી, `બાદશાહ સલામત કો ઇસ નાચીજ કા સલામ અલયકુમ. મૈંને ઇસકે પહેલે બહુત ગુન્હે કિયે હૈં. જિસકા મુઝે દિલ સે દુ:ખ હૈ. હુજૂર સે અર્જ હૈ કિ મેરે ગુન્હેં માફ હો. મુઝે માફ કરને કા ફરમાન હુજૂર જારી કરેં તો મૈં બાદશાહ સલામત સે મિલને હાજિર હોઉંગા ઔર તખ્ત કી ખિદમત મેં જો હુકમ હોગા વો સબ કરુંગા. હુજૂર કે દુશ્મન શિવાજી કો ઉખાડ ફેંકુંગા. અલ્લાહતાલા આપકો ખુશ રખે. સલામ !'
અલી આદિલશાહ ગરજવાન હતો, એને સિદ્દીની ખૂબ જ જરૂર હતી તેમ છતાં એણે બાદશાહી રૂઆબથી આ પત્રનો જવાબ આપ્યો, `..... હમારે પાસ બહુત સે શૂર સરદાર હૈ, જો શિવાજી કો નષ્ટ કરને કા કામ કરના ચાહતે હૈં. લેકિન તુમને માફી માંગી ઔર અરજ કી હૈ ઇસલિયે તુમ્હેં માફ કર કે ફોરન હી હુકમ દિયા જાતા હૈ કિ દરબાર મેં હાજીર હો.'
સિદ્દી જૌહર ખરેખર ભયાનક અને રણકુશળ પણ હતો. સાથે સાથે એ જિદ્દી અને ઉદ્દંડ પણ હતો. જ્યારે પોતાના મોટા મોટા કાળાડિબાંગ હોઠ ભીંસીને એ રણમેદાને પડતો હતો ત્યારે એનું કાળું કળુટું શરીર ભયંકર રૂપ ધારણ કરી લેતું હતું. એનું રૌદ્ર રૂપ જોઈને યોદ્ધાઓ તો ઠીક પણ સામે ઊભેલા હાથી પણ દૂર હટી જતા હતા. એને મોટો બુદ્ધિમાન કૂટનીતિજ્ઞ પણ માનવામાં આવતો હતો.
સિદ્દિ જૌહરે બહુ આશા અને ઉમંગ સાથે કામ હાથમાં લીધું. પોતાના વિશ્વાસુ હબસીઓની મોટી ફોજને સાથે લઈને એણે શિવાજીને ઘેરવાનો નિશ્ચય કર્યો અને બિજાપુર તરફ નીકળી પડ્યો. પોતાની તલવાર ખભા પર મૂકીને એ બિજાપુરમાં દાખલ થયો. અફઝલખાનની લાશ પર પ્રતિશોધના અંગારા ફૂંકતો ફૂંકતો એ દરબારમાં આવ્યો ત્યારે બાદશાહ સલામતે એનું જોરદાર સ્વાગત કર્યું. બાદશાહ સલામત અલી આદિલશાહ અત્યારે જે લોકો શિવાજીને હણવાની વાત કરે એ લોકો પર બધું જ લુંટાવી દેવા તૈયાર હતો. આથી બાદશાહે સિદ્દી જૌહરને સલાવતખાનની ઉપાધિથી વિભૂષિત કર્યો. ખિતાબ મળતાં એનું જોશ બમણું થઈ ગયું. એને લાવનારા કાશી તિમાજીને પણ દિયાનતરાવનો ખિતાબ આપવામાં આવ્યો.
આખરે નોબત વાગી અને બડી બેગમ સાહિબાએ શિવાજી પર હુમલો કરવાનો હુકમ જારી કર્યો. મરેલાં મરદાંઓમાં પણ જાણે ફરી જાન ફૂંકાઈ. હવે તો પાછલા યુદ્ધમાં માત ખાઈને ડરીને બેસી ગયેલા ફાઝલખાન, રુસ્તમેજમાન પણ સાથે જવા માટે ઉતાવળા થયા હતા. એમના ઉપરાંત સાદતખાન, સિદ્દી મસૂદ, બાજી ઘોરપડે, ભાઈખાન, પીડનાઈક, બડેખાન વગેરે કેટલાયે સરદારો પોતાની પલટનો લઈને તૈયાર થઈ ગયા.
સિદ્દિ જૌહરની ફોજમાં હજાર ઘોડેસવારો અને હજારનું પાયદળ હતું. આ સેના અફઝલખાનની સેના કરતાં પણ વધારે હતી. સેનાએ તંબુ અને સામિયાણા સાથે લીધા, શસ્ત્રો અને અન્ય સામાન ખેંચી જનારાં જાનવરો પણ અનેક હતાં. શિવાજી પરની આ ચઢાઈની ધાક જમાવવા માટે અલી આદિલશાહે બીજાં અનેક મોટાં પગલાં પણ ભર્યાં હતાં. એ પગલાં ખરેખર ખૂબ મોટાં અને શિવાજી માટે ચિંતાજનક હતા. પહેલું પગલું એ કે બાદશાહે કોંકણના શ્રૃંગારપુરના રાજા સૂર્યરાવ સુર્વે, પાલવણીના રાજા યશવંતરાવ, સાવંતવાડીના રાજા ભોંસલે, સાવંત વગેરે હિન્દુ રાજાઓને પણ આ ચઢાઈમાં સામેલ કરી લીધા હતા. દુ:ખની વાત એ હતી કે આ બધા હિન્દુઓ હોવાની સાથે સાથે શિવાજીના દૂરના સંબંધીઓ પણ હતા. પણ કોઈ નાનકડા અણબનાવને કારણે તેઓ શિવાજીથી નારાજ હતા અને પોતાની નાસમજમાં મુસ્લિમ દુશ્મનો સાથે ભળી ગયા હતા. શિવાજીના સૈનિકોની હિન્દુ પદપાદશાહી ભક્તિને અંગારો ચાંપવામાં પણ આ લોકોની ગુલામગીરી અને વાહ-વાહીનો મોટો ફાળો હતો.
બીજું કામ અલી આદિલશાહે એ કર્યું હતું કે ચઢાઈ માટે નીકળતાંની સાથે જ દિલ્હીમાં ઓરંગજેબને એક અરજ મોકલી આપી કે, `હમ સબ લોંગો કો શિવાજીને બહુત હી પરેશાન કિયા હૈ. આજ હમ બડી ફોજ કે સાથે ઉસ કો મિટાને કે લિયે નીકલ પડે હૈં. આપસે ગુજારિશ હૈ કિ આપ ભી અપની સેના કે સાથ નીકલ પડે ઔર ઉત્તર કી ઔર સે શિવા પર હમલા બોલ દે. તાકી ઈસ પહાડી ચૂહે કો ઉસકે બીલ મેં હી દબોચ લિયા જાયે.'
પત્ર મળતાં જ ઓરંગજેબની આંખો લાલ થઈ ગઈ. એણે કમરેથી તલવાર ખેંચી અને ભયાનક ચીસ પાડી કહ્યું, `શિવા, અબ તૈરી ખૈર નહીં !' (ક્રમશ:)