કુંભના મેળામાં પ્લાસ્ટિકનો કચરો આ મશીનમાં નાંખો, તે તમને કડક ચા ફ્રીમાં આપશે

    ૧૧-ફેબ્રુઆરી-૨૦૧૯   

 

જો આવું પ્લાસ્ટિક મળી જાય તો અહિં ચા મફતમાં મળી જાય છે

સ્વચ્છતા માટેનો આ અનોખો પ્રયોગ છે જે કુંભના મેળામાં સફળ થઇ રહ્યો છે. જરા વિચારો જ્યાં કરોડો લોકો ભેગા થવાના હોય ત્યાં જો સાફ-સફાઈની કાળજી ન રાખવામાં આવે તો શું થાય? મેળો જ્યાં યોજાયો હોય તે જગ્યા કચરાપેટી બની જાય. સાર્વજનિક જગ્યાઓને લોકો દ્વારા જ કઈ રીત સ્વચ્છ રાખી શકાય તે માટે અનેક માધાંતાઓ દુનિયા ભરમાં કામે લાગ્યા છે. આમાં અનેક ધાંસુ ઉપાયો પણ સામે આવ્યા છે. કુંભના મેળામાં પણ આયોજકોએ એક જોરદાર ઉપાય શોધી કાઢ્યો છે. કુંભના આયોજકોએ એક ચાની બ્રાંડ સાથે મળીને એક ચાનું મશીન બનાવ્યું છે. આ મશીનમાં જો કોઇ પણ પ્રવાસી પ્લાસ્ટીકનો કચરો નાંખે તો આ મશીન તરત તેને એક કપ ગરમાં ગરમ ચા ભરી આપે છે. કુંભના આયોજકોએ આ વખતે કુંભના મેળામાં અનેક જગ્યાએ આવા મશીનો મૂક્યા છે. હા પણ પ્લાસ્ટિક રિસાયકલ થઈ શકે તેવું હોવું જોઇએ. એટલે કે પાણીની બોટલ, ઝભલું, થેલી, વેફર કે ચોકલેટનું કવર વગેરે… જો આવું પ્લાસ્ટિક મળી જાય તો અહિં ચા મફતમાં મળી જાય છે.
 

 
 
આ મશીનની વાત કરીએ તો મશીનના નીચેના ભાગે એક કચરાપેટી લગાવવામાં આવી છે. અને તેની સહેજ ઉપર સેંસર લગાવવામાં આવ્યું છે. આપણે આ કચરાપેટીમાં પ્લાસ્ટિક નાંખીએ એટલે તરત આ પ્લાસ્ટિકને સેંસર રેકોર્ડ કરી લે છે અને જેમ ચાના મશીનમાંથી ચા નિકળે તેમ જ આ મશીન પણ એક કપ ચા કચરો આપનારને ભરી આપે છે.
 

 

પ્રયાગરાજમાં અનેક મહત્વનાં સ્થળોએ આવા મશીનો લગાવાયા છે.

૧૨ જેટલા આવા મશીનો આ વખતે કુંભના મેળામાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર પ્રયાગરાજમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવા મહત્વનાં સ્થળોએ પણ આવા મશીનો લગાવાયા છે. શહેરની નગરપાલિકા દરરોજ સાંજે આ મશીનો માંથી કચરો ખાલી કરી દે છે અને કાચરાનો યોગ્ય જગ્યાએ નીકાલ કરે છે.
 

 

એક થેલીમાં પણ ચા મળે 

મહત્વની વાત એ છે કે ચા પીવા માટે કેટલો કચરો નાંખાવો પડે? તો આ માટે વજનની કોઇ સિમા નક્કી કરવામાં આવઈ નથી. એક પ્લાસ્ટિકનું ઝભલું નાંખો એટલે આ મશીન તમને ચાનો કપ ભરી આપે છે.
 
સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આવું કરવાથી અમને ઘણો ફાયદો થઇ રહ્યો છે. હવે આ પ્રયોગમાં કેટલી, કેટલા લોકેએ ચા પીધી અને કેટલું પ્લાસ્ટિક ભેગું કરવામાં આવ્યું? એ તો તેના આંકડાઓ જાહેર થાય પછી જ ખબર પડશે પણ એકવાત તો સાચી છે કે લોકો રસ લઈ ચા પી રહ્યા છે. કુંભ જાવ તો આ ચા પીવા જેવી છે હો!!!