અગિયાર ગઝલ, દસેક અછાંદસ કાવ્યો અને એકતાલીસ ગીતોનો આ સંગ્રહ તમને ગમશે

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
 

આલ્લે લે...! 

અગિયાર ગઝલ, દસેક અછાંદસ કાવ્યો અને એકતાલીસ ગીતોનો આ સંગ્રહ મુખ્યત્વે કવયિત્રી રક્ષા શુકલની ગીતકાર તરીકેની ઓળખ આપે છે 
પુસ્તક : આલ્લે લે...!   લેખક : રક્ષા શુક્લ   પ્રકાશક : રક્ષા શુક્લ   મૂલ્ય : ‚રૂ. ૧૦૦/-   દૂરભાષ : ૯૮૭૯૨૪૮૪૮૪
પુસ્તકનું શીર્ષક ‘આલ્લે લે...’ ક્યાંથી જડ્યું તેના જવાબમાં કવયિત્રી રક્ષાબહેન જણાવે છે કે -
‘કવિતા એટલે શું ?’ એમ વિચારતાં આ પળે લાગે છે કે મારા માટે ‘કીડીને લાધેલો સાકરનો હિમાલય’ને મારાથી બોલી પડાયું ‘આલ્લે લે !’
 
અને બોલાયેલા આ શબ્દોનો સમૂહ આપણી સમક્ષ કાવ્યોના સમૂહ સાથે પ્રસ્તુત થયો. આજનો યુગ એટલે ઇન્ટરનેટ યુગ. વોટ્સએપ, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામના આ યુગમાં સૌ કોઈ જાણે સમયની ખેંચ અનુભવે છે. અમૂલ્ય સમય એપ્લિકેશનના ઉપયોગમાં ખર્ચાય છે, પણ સારું વાંચન અને અવનવું લેખન-સર્જન વગેરે માટે ક્યાંક અણગમો સેવાય છે ત્યારે રક્ષાબહેનનું આ પુસ્તક ક્યાંક ખૂટતી કડીઓને જોડી આપે છે.
 
પુસ્તકમાં મુખ્યત્વે ત્રણ વિભાગ છે, જે પૈકી પ્રથમ વિભાગ ગીત છે, જેમાં ૪૧ જેટલી રચનાઓ છે. જગ આખાને તાળું, ઇચ્છાનાં નોરતાં, પપ્પાની આંગળીએ, બાવળને પાણી, નરસિંહ મહેતા, પીડાનું પરબીડિયું, પુત્રનું મૃત્યુ, આલ્લે લે ગાંધી... જેવાં ગીતો સમાવિષ્ટ છે. ગીતોનાં શીર્ષક જ દર્શાવે છે કે ગીતોમાં કેટલી વિવિધતા છે. તેમાં જુદા જુદા વિષયોને વણી લેવામાં આવ્યા છે.
 
‘રાત હતી પાણીનો રેલો, દિવસ દોડતું ઝરણું રે,
અંધારું જૂઈની ઝળહળી, ને ભીતર લીલું તરણું રે.’
 
આવા મીઠા શબ્દોની ગોઠવણી મનને પ્રસન્નતા આપે છે.
પુસ્તકનો બીજો વિભાગ એટલે ગઝલ, જેમાં ૧૧ ગઝલો સમાવિષ્ટ છે. આટલી દાદાગીરી, મિસકોલ છે, ઘાટ આપું, પરબારું હતું, એક બારી બારણું જેવી ગઝલ પણ કાનમાં પડતાં મીઠાશ ઘોળી આપે છે.
‘કૈંક જન્મો બાદનો મિસકોલ છે, આજ તારી યાદનો મિસકોલ છે...
સોળમા વરસે કરેલી વાત તો, અણદીઠા ઉન્માદનો મિસકોલ છે.’
 
વર્તમાન પુત્રની વાતોને પણ ગઝલમાં સાંકળી લેવાઈ છે. પુસ્તકનો ત્રીજો વિભાગ એટલે અછાંદસ, જેમાં દસ રચનાઓ જેવી કે વિશ્ર્વાસ એટલે માખી, શબરી, હવે સમજાયું, પગ ઘેટું વસ્ત્રાહરણનો સમાવેશ છે. અછાંદસના ચમકારાનો આસ્વાદ્ય માણવા જેવો છે. વિષયોનું નાવીન્ય અને તેને અપાયેલો ન્યાય ખૂબ પ્રશંસનીય છે. હિંતેન આનંદપરાએ કવયિત્રીની સફરના આ ખૂબસૂરત પડાવને એમના જ એક સુંદર શેર સાથે વધાવ્યો છે કે, વાતમાંથી વાત તારી નીકળે, એ પછી તો એકધારી નીકળે.
 
આમ પુસ્તકના માધ્યમથી અનેક ઉત્તમ રચનાઓ માણ્યાનો સુખદ અનુભવ પામવા પુસ્તકનાં ગીતોની સાથે ઝૂમવું પડે અને સુખદ અનુભૂતિને પામી શકાય છે.