માણસનો સંગ દુનિયાદારી શીખવે છે, જ્યારે ભગવાનનો સંગ...

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
 

ભગવાન અને માણસ વચ્ચેનો ભેદ

સુપ્રસિદ્ધ સંત વ્યંકટેશ પોતાના શિષ્ય સાથે ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમના ધ્યાનનો સમય થતાં તે બન્ને ધ્યાનમાં બેઠા જ હતા કે એક સિંહ ત્રાડ નાખતો તેમની તરફ આવવા લાગ્યો. પેલો શિષ્ય સિંહથી એટલો ગભરાઈ ગયો કે પોતાનો જીવ બચાવવા દોડીને ઝાડ પર ચડી ગયો. પરંતુ સંત વ્યંકટેશ ધ્યાનમાં મગ્ન રહ્યા. સિંહ તેમની પાસે આવ્યો અને ચાલ્યો ગયો. શિષ્ય ઝાડ પરથી ઊતર્યો અને બન્ને ગુરુ-શિષ્ય આગળના પ્રવાસે ઊપડ્યા. અચાનક સંત વ્યંકટેશને એક મચ્છરે ડંખ માર્યો. સંત વ્યંકટેશનો હાથ આપોઆપ જ તેમના ગાલ પર પડ્યો. આ જોઈ તેમના શિષ્યથી રહેવાયું નહીં અને તેણે વ્યંકટેશને પૂછ્યું, ગુરુદેવ, મારી એક શંકા છે. હમણાં જ્યારે એક સિંહ તમારી નજીક આવ્યો ત્યારે તમે બિલકુલ ગભરાયા નહીં અને હાલ એક સામાન્ય મચ્છર કરડવાથી તમે ખુદના જ ગાલ પર થપ્પડ મારી દીધી. આવું કેમ ? સંત વ્યંકટેશનો જવાબ ખૂબ જ મોટું પાથેય આપી જાય તેવો હતો. તેઓએ કહ્યું, ‘જ્યારે સિંહ મારી પાસે આવ્યો ત્યારે હું ધ્યાનમાં એટલે કે ભગવાનની સાથે હતો માટે તે વખતે સિંહ ક્યારે મારી પાસે આવ્યો અને ચાલ્યો ગયો તેની ખબર કે ડર મને બિલકુલ ન લાગ્યો. પરંતુ મચ્છર કરડ્યું ત્યારે હું તારી એટલે કે માણસની સાથે હતો માટે મને ગુસ્સો આવ્યો અને મચ્છરને મારવા હાથ ઊઠી ગયો.’
 
ભગવાન અને માણસની સાથે રહેવામાં આ જ ફરક છે. માણસનો સંગ દુનિયાદારી શીખવે છે, જ્યારે ભગવાનનો સંગ એ દુનિયાદારીમાંથી મુક્તિનો માર્ગ મોકળો કરે છે. આમ છતાં માણસને માણસની સંગતિ વિના ચાલવાનું નથી માટે આપણે માણસોની સાથે રહીને જ ઈશ્ર્વરની આરાધના કરતા રહેવાનું છે.