જ્યાં ૬૮ પૈસામાં લિટર પેટ્રોલ મળે છે તે દેશ કેમ આજે ભડકે ભળે છે?

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
 

વેનેઝુએલામાં અશાંતિ ભારતને પણ નડે

છેલ્લાં કેટલાંક વરસોથી સતત ચર્ચામાં રહેતા દક્ષિણ અમેરિકામાં આવેલા નાનકડા દેશ વેનેઝુએલામાં ફરી રાજકીય અરાજક્તાનો માહોલ છે અને હિંસા ભડકી છે અને વેનેઝુએલામાં સરકાર સામે હિંસક પ્રદર્શનો શરૂથયાં છે ને તેમા સંખ્યાબંધ લોકોનાં મોત નીપજ્યાં છે. એક તરફ હિંસાના કારણે વેનેઝુએલાની આર્થિક સ્થિતિ ડામાડોળ છે ને તેની અસર વિશ્ર્વના અર્થતંત્ર પર પણ પડવા માંડી છે ત્યારે બીજી તરફ અમેરિકા સહિતની મહાસત્તાઓ વેનેઝુએલાના લોકો કે દુનિયાના અર્થતંત્રની ચિંતા કર્યા વિના પોતાનો અહમ્ પોષવામાં વ્યસ્ત છે. વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો ક્રુડ ઓઇલનો ભંડાર છે. વેનઝુએલામાં હિંસા ભડકી તેના કારણે ક્રુડ ઓઇલના ભાવ વધવા માંડ્યા છે પણ અમેરિકા સહિતના દેશોને તેની કોઈ પરવા નથી.
 
વેનેઝુએલામાં જે કંઈ બની રહ્યું છે તેનાં મૂળ બહુ ઊંડાં છે ને અમેરિકા સહિતના દેશોનું તેમાં મોટું યોગદાન છે. અમેરિકાનો ડોળો વેનેઝુએલાના ક્રુડ ઓઇલના ભંડાર પર છે. ૨૦૧૩ પહેલાં અમેરિકાએ વેનેઝુએલામાં પોતાની કઠપૂતળી જેવી સરકારો બેસાડી હતી તેથી ક્રુડ ઓઇલના ભંડારો પર અમેરિકાનો કબજો હતો. ૨૦૧૩માં નિકોલા માદુરો પ્રમુખ બન્યા ને તેમણે અમેરિકા સામે કડક વલણ લીધું તેમાં સ્થિતિ બગડી. વેનેઝુએલામાં પહેલેથી આર્થિક સંકટ હતું ને ૨૦૧૪માં પેટ્રોલિયમની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં કડાકો બોલતાં હાલત વધારે બગડી. વેનેઝુએલાના વેપારને મોટું નુકસાન થયું અને મોંઘવારી વધવા માંડી.

સરકાર સામે લોકાક્રોશ કેમ?

વેનેઝુએલાની ૯૫ ટકા આવક પેટ્રોલિયમની નિકાસથી થાય છે. પેટ્રોલિયમના ભાવ ગબડતાં દેશનું વિદેશી હૂંડિયામણ પતી ગયું તેથી બીજા દેશોમાંથી માલસામાનની આયાત કરવી મુશ્કેલ બની ગઈ. અમેરિકા વેનેઝુએલાને દબાવવા માગતું હતું તેથી તેણે પણ ગાળિયા કસવા મંડ્યા તેથી મોંઘવારી વધી અને લોકો માટે રોજિંદી જીવનજ‚રિયાતની ચીજવસ્તુઓ ખરીદવી પણ અશક્ય થઈ પડી. માદુરો સરકારે અર્થતંત્રમાં તેજી લાવવા જંગી પ્રમાણમાં ચલણી નોટો છાપવાનું શરૂ કરી દીધું, તેમાં ફુગાવો વધ્યો ને સ્થિતિ વણસી.
 

 
 
માદુરોએ છેલ્લા પગલા તરીકે વેનેઝુએલાની કરન્સીનું અવમૂલ્યન કરીને તેને ક્રિપ્ટો કરન્સી પેટ્રો સાથે જોડી દીધી. આ પગલાંનો દુનિયાભરના અર્થશાસ્ત્રીઓએ વિરોધ કર્યો. તેની પરવા કર્યા વિના માદુરો સરકારે દેશમાં લઘુતમ મજૂરીના દર ૩૫ ગણા વધારી દેતાં મજૂરી મોંઘી થઈ ગઈ. તેનું પરિણામ એ આવ્યું કે દુનિયાભરના રોકાણકારો વેનેઝુએલાથી ભાગવા માંડ્યા. બીજી તરફ મોંઘવારી અસહ્ય બનતાં લોકોએ દેશ છોડવાનું શરૂ કરી દીધું. યુ.એન.ના આંકડા પ્રમાણે જ ૨૦૧૪ બાદ વેનેઝુએલાના ૩૦ લાખથી વધારે લોકો દેશ છોડી ચૂક્યા છે અને ૨૦૧૯ના અંત સુધીમાં આ આંકડો ૫૩ લાખ થઈ જશે.
આ બધાં કારણોસર માદુરો સામે અસંતોષ વધતો જતો હતો. માદુરોએ પોતાના વિરોધીઓને જેલમાં પૂરીને અસંતોષને દબાવવાનો રસ્તો અપનાવ્યો તેમાં વાત વણસી. બાકી હતું તે માદુરોએ પોતાની સત્તા જળવાય તે માટે ચૂંટણી કરાવી. ગયા વરસે થયેલી આ ચૂંટણીમાં માદુરો જંગી બહુમતીથી જીતી ગયા ને બીજાં છ વર્ષ માટે પ્રમુખ બની ગયા. માદુરો સામે આક્રોશ હતો જ છતાં તે જીત્યા તેનો અર્થ ચૂંટણીમાં ગડબડ કરાઈ એ જ થાય. લોકો તેના કારણે વધારે ભડક્યા ને તેનો લાભ લઈને અમેરિકાએ વિપક્ષી નેતા ખુઆન ગાઇદોએ બળવો કરવા પ્રેર્યા. ગાઈદોએ પોતાને વચગાળાના પ્રમુખ જાહેર કરી દીધા અને માદુરોને દેશમાંથી હાંકી કાઢવાનું એલાન પણ કરી દીધું.
 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાબડતોબ ગાઈદોને વેનેઝુએલાના પ્રમુખ તરીકે માન્યતા પણ આપી દીધી ને પોતાનાં મિત્રરાષ્ટ્રોને અપીલ પણ કરી કે વેનેઝુએલામાં સરમુખત્યારશાહીને ખતમ કરવા અને લોકશાહીની સ્થાપના કરવા માટે ગાઇદોની વચગાળાની સરકારને માન્યતા આપે. અમેરિકાના પગલે બ્રાઝિલ અને કોલંબિયા જેવા દેશોએ પણ વેનેઝુએલાની વચગાળાની સરકારને માન્યતા આપી. યુરોપિયન યુનિયને વેનેઝુએલામાં નવેસરથી ચૂંટણી યોજવાની માંગ કરીને ગાઇદોના નેતૃત્વવાળી નેશનલ એસેમ્બલીને સમર્થન જાહેર કર્યું. ભારતે પોતાની વિદેશનીતિને વળગી રહેતાં ગાઇદોની સરકારને માન્યતા આપવાનો ઇન્કાર કર્યો છે. રશિયા અને ચીન માદુરોની પડખે ઊભાં રહેતાં અત્યારે આ મુદ્દે બે છાવણીઓ પડી ગઈ છે. રશિયા અને ચીનના સમર્થનના કારણે નિકોલા માદુરોએ પ્રમુખપદ છોડવાનો ઇન્કાર કર્યો છે. વેનેઝુએલાનું લશ્કર પણ તેમની પડખે છે તેથી અત્યારે માદુરો મજબૂત છે પણ અમેરિકા પોતાની સામે પડનારને સુખે રહેવા દેતું નથી એ જોતાં વેનેઝુએલામાં માદુરો હશે ત્યાં લગી અશાંતિ રહેશે એ નક્કી છે.
 

 
 

વેનેઝુએલાની અશાંતિ વિશ્ર્વને ભારે પડી રહી છે

જો કે વેનેઝુએલાની અશાંતિ દુનિયાને ભારે પડી રહી છે. વેનેઝુએલામાં દુનિયાનો સૌથી મોટો ક્રુડ ઓઇલ ભંડાર છે અને આ વર્ષે વેનેઝુએલા પેટ્રોલિયમના નિકાસકાર દેશોના સંગઠન ઓપેકનું પ્રમુખ બનશે. આ સંજોગોમાં વેનેઝુએલામાં અશાંતિ રહે એ દેશના હિતમાં નથી. વેનેઝુએલામાં શાંતિ સ્થપાય એ માત્ર ત્યાંના લોકો માટે જ નહીં પરંતુ આખી દુનિયા માટે પણ મહત્ત્વની છે.
 
અમેરિકા વેનેઝુએલામાં વધારે પડતી દખલ કરે છે એ દેખીતું છે ને તેની પાછળ અમેરિકાનાં હિતો છે. વેનેઝુએલામાંથી મોટા પ્રમાણમાં અમેરિકામાં પેટ્રોલિયમ નિકાસ થાય છે. વેનેઝુએલામાં પોતાની કઠપૂતળી સરકાર બેસાડીને અમેરિકા સસ્તા ભાવે ક્રુડ ઓઇલ પડાવતું હતું. માદુરોએ એ ખેલ બંધ કર્યો તેથી અમેરિકા માદુરોને જ પતાવી દેવા માગે છે. તેના કારણે અમેરિકાનાં હિતો સચવાશે પણ દુનિયાના બીજા દેશોને નુકસાન છે.
 
અમેરિકાની દાંડાઈથી ભારતને પણ નુકસાન છે જ. ભારતે અમેરિકા સાથે જવાને બદલે હાલના રાષ્ટ્રપતિ માદુરોની સરકારને સમર્થન આપ્યું છે. ભારતનું કહેવું છે કે, વેનેઝુએલાના રાજકીય સંકટનો ઉકેલ વાટાઘાટોથી લાવવો જોઈએ. ગયા વર્ષે માર્ચમાં આંતરરાષ્ટ્રીય સોલ અલાયન્સ સમિટમાં ભાગ લેવા માટે માદુરો ભારત આવ્યા ત્યારે ભારતે વેનેઝુએલા સાથે હાઇડ્રો કાર્બન સેક્ટરમાં સહયોગ માટે કરાર કર્યા હતા. વેનેઝુએલાના ઓઇલ સેકટરમાં પણ ભારતે રોકાણ કર્યું છે એ જોતાં વેનેઝુએલાની રાજકીય અસ્થિરતા ભારતને પણ અસર કરે જ. આ સંજોગોમાં વેનેઝુએલાનું સંકટ જલદી ટળે એ ભારતના હિતમાં છે.