પાકિસ્તાનની નાપાક યુદ્ધનીતિ અને ભારતની સક્ષમ રણનીતિ વિશે પ્રસ્તુત મુખપૃષ્ઠ વાર્તા

    ૦૨-માર્ચ-૨૦૧૯   

 
 

પાકિસ્તાનની નાપાક યુદ્ધનીતિ સામે ભારતની સક્ષમ કૂટનીતિ

 
પુલવામાના આતંકવાદી હુમલા બાદ ફરી એક વખત સાબિત થયું છે કે પાકિસ્તાન ભારત સાથે એક હજાર વર્ષ સુધી લડવાની નાપાક યુદ્ધનીતિ પર આગળ વધી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા કદી પણ શાંતિ સ્થાપન શક્ય નથી તે હવે સર્વવિદિત છે. ભારતનું સૈન્ય પણ મજબૂત છે. લાખો સૈનિકો પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે તૈનાત છે, પરંતુ આ બાબતે સક્ષમ કૂટનીતિથી આગળ વધવાની જરૂર છે. પાકિસ્તાનને આર્થિક, સામાજિક અને રાજકીય રીતે એકલું પાડી દેવાની જરૂર છે. પાકિસ્તાન નામનો સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે તેવી નીતિ ભારતે અપનાવવાની જરૂર છે. પાકિસ્તાનની આ નાપાક યુદ્ધનીતિ અને ભારતની સક્ષમ રણનીતિ વિશે પ્રસ્તુત મુખપૃષ્ઠ વાર્તામાં છણાવટ કરી છે. સૌપ્રથમ પાકિસ્તાન શા માટે આતંકવાદ ફેલાવી રહ્યું છે તે અને ત્યારબાદ ભારતની સક્ષમ રણનીતિ વિશે જાણીએ.


પાકિસ્તાન ભારતને પોતાનું સ્થાયી દુશ્મન માને છે

 
ભારતની શાંતિ માટેના અનેક પ્રયાસો છતાં પણ પાકિસ્તાન ભારત પર આતંકવાદી હુમલા કરાવવાનો એક અવસર પણ ચૂકતું નથી. એ વાત પરથી એ તો નક્કી થઈ ગયું છે કે બન્ને દેશો વચ્ચે શાંતિ કદાચ હવે શક્ય નથી. જ્યારે પણ બન્ને દેશો દ્વિપક્ષીય શાંતિમંત્રણાની નજીક પહોંચે છે તો તરત જ આતંકવાદી હુમલા શરૂ થઈ જાય છે. ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરપ્રાઇઝ પાકિસ્તાન યાત્રા બાદ લાગ્યું હતું કે બન્ને દેશોમાં દોસ્તીનો નવો ઇતિહાસ રચાશે, પરંતુ થયું શું ? તેના એક જ અઠવાડિયામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પઠાનકોટ વાયુસેનાના મથક પર મોટો હુમલો કરી દીધો. ૨૦૦૮માં મુંબઈ પર ૨૬/૧૧ના હુમલા વખતે પણ પાકિસ્તાનના વિદેશમંત્રી ભારતમાં હતા. પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ એક મોટી વાત કરી હતી. પાકિસ્તાન પોતાનાં પરમાણુ શસ્ત્રોને ‘નો ફસ્ટ યૂઝ’ નીતિ અપનાવવા માટે તૈયાર છે. એ વખતે પણ એક નવી આશા બંધાઈ હતી અને બન્ને દેશોએ લાહોર ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ ત્યાં જ ત્યાંના સૈન્યે ૧૯૯૯માં કારગિલ હુમલો કરી દીધો અને બન્ને દેશોના શાંતિના તમામ પ્રયાસો પર પાણી ફરી ગયું.
આ બાબતથી સ્પષ્ટ થઈ ગયું છે કે, પાકિસ્તાનમાં પણ એક ઘોર ભારત વિરોધી કટ્ટર પાકિસ્તાન વસી રહ્યું છે, જેને બન્ને દેશો વચ્ચે શાંતિ ધોળા ધરમેય ખપતી નથી. તે એ વાત બરોબર જાણે છે કે, ભલે ભારત પાકિસ્તાન સાથે શાંતિની અનેક પહેલો કરે, પરંતુ આતંકી હુમલા બાદ ત્યાંના નેતૃત્વ પર એટલું દબાણ આવશે કે તે દ્વિપક્ષીય વાતચીત કરી જ શકવાનું નથી.
 

 

પાકિસ્તાનની અંદરનો એ દેશ કોણ ?

 
પાકિસ્તાનની અંદર ઘોર ભારત વિરોધી કટ્ટરવાદી એવું બીજું પાકિસ્તાન એટલે પાકિસ્તાની સૈન્ય, જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને તેના ગુરગા જેવાં આતંકવાદી સંગઠનો. પાકિસ્તાની લેખક હુસેન હક્કાની કહે છે કે, બ્રિટિશ ઇન્ડિયા સૈન્યનો ૧/૩ ભાગ પાકિસ્તાનને મળ્યો અને તેનાં સંસાધનોનો માત્ર ૧૭ ટકા આને કારણે પાકિસ્તાનમાં રાજકારણ સામે સૈન્યનો હાથ હમેશાં ઉપર રહ્યો છે. પાકિસ્તાની સૈન્ય જ પાકિસ્તાનના રાષ્ટ્રવાદની વ્યાખ્યા નક્કી કરે છે અને જો અહીંનો કોઈ રાજનેતા પાકિસ્તાની સૈન્યની ઉપરવટ જઈ સ્વતંત્ર નિર્ણય લેવાની ગુસ્તાખી કરે તો તેના હાલ બેનઝીર ભુટ્ટો અને નવાઝ શરીફ જેવા થાય છે. પોતાને પાકિસ્તાનના મસિહા સાબિત કરવા માટે પાકિસ્તાનના આમ નાગરિકમાં ભારતની છબી એક દુશ્મન દેશ તરીકે જળવાઈ રહેવી જ‚રી છે અને તેના માટે આતંકવાદ એ સૌથી મોટું અને કારગર શસ્ત્ર છે અને તેના માટેનો કાચો માલ ત્યાંની મદ્રેસાઓ પૂરો પાડે છે એ વાત જગજાહેર છે.
 
પાકિસ્તાનનાં જાણીતાં લેખિકા આયેશા સિદ્દીકીએ પોતાના બહુચર્ચિત પુસ્તક મિલિટરી ઈન્કમાં દસ્તાવેજો સાથે લખ્યું છે કે, કેવી રીતે પાકિસ્તાની સૈન્ય દેશની અર્થવ્યવસ્થામાં ખૂણે-ખૂણે ઘૂસી ગયું છે. પાકિસ્તાની સૈન્ય દુનિયાનું એક માત્ર સૈન્ય છે જે સિમેન્ટ, કપડાં, માંસ, અરે વીમાનો ધંધો પણ કરે છે. પાકિસ્તાની સેનાનો મુખ્ય રસ અહીંના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં છે. અહીંના જનરલને નિવૃત્તિ બાદ મનમરજી મુજબના પ્લોટ પોતાના નામે કરી લેતાં કોઈ તાકાત રોકી શકતી નથી.
 
પાકિસ્તાન અલગ દેશ બન્યા બાદ ત્યાં ૭૨ વર્ષોમાં ૩૩ વર્ષો તો સૈન્યશાસન રહ્યું છે. બાકીનાં વર્ષોની જે દેખાડાની લોકશાહી સરકાર રહી તે પણ સૈન્યની કઠપૂતળી સમાન જ રહી છે. હાલની ઇમરાન સરકાર પણ એમાંથી બાકાત નથી.
 

 

૧૯૭૧ના બદલાની ભાવના

 
હાલની તારીખમાં કદાચ જ કોઈ એવો પાકિસ્તાની મળી જાય, જે બાંગ્લાદેશને પાકિસ્તાનથી સ્વતંત્ર કરાવવા માટે ભારતને ગાળો ન ભાંડતો હોય. પાકિસ્તાની એ વાતને માનવા જ તૈયાર નથી કે પૂર્વી પાકિસ્તાન સાથે મૂળ પાકિસ્તાની સૈન્યનું ઓરમાયું વર્તન, સત્તામાં ભાગ ન આપવાની રાજરમત અને સૈન્ય દ્વારા લાખોનો નરસંહાર અને પોતાના મજહબની હજારો બાનુઓ સાથે બળાત્કાર અને અમાનવીય અત્યાચારને કારણે બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થયું હતું. પરંતુ પાકિસ્તાનીઓ માટે ૧૯૭૧ માત્ર દેશનો એક ભાગ તેનાથી અલગ થયો, તેટલું જ નહીં, પોતાના દેશના સૈન્યની વૈશ્ર્વિક સ્તરે આબ‚ના ધજાગરા થયા છે. અહીંના સૈન્ય અને નાગરિકો ભારતીય સૈન્ય સામે ૯૩,૦૦૦ યુદ્ધબંદીઓના જીવનની ભીખ માંગવાની ઘટના આજેય ભૂલ્યા નથી અને કદાચ જ ક્યારેય ભૂલી શકે.
 
દિલ્હી સ્થિત પાકિસ્તાન બાબતોના વિશેષજ્ઞ જેકબ કહે છે કે, આપણે માનીએ કે ન માનીએ પણ ૧૯૭૧માં પાકિસ્તાનની ફોજોને ભારતીય સૈન્ય દ્વારા જે લપડાક પડી છે તેણે ત્યાંની સૈન્યની માનસિકતા પર ઊંડો પ્રભાવ છોડ્યો છે. ભારત સાથેના યુદ્ધમાં મળેલી એ નાલેશીભરી હારને કારણે આજે પણ પાકિસ્તાની સૈન્ય ગમે તે ભોગે અને ગમે તે રસ્તે ભારત સાથે બદલો લેવા માંગે છે. કાશ્મીર પ્રત્યે અનેક આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ધોબી-પછડાટો છતાં પણ ફરી ફરી ભારત વિરુદ્ધ ગુસ્તાખી કરવાનું સાહસ કરવા પાછળ ભારત તરફથી મળેલા કારમા પરાજયનો બદલો લેવાની ભાવના જ છે. વાત કાશ્મીરની હોય કે પંજાબની, પાકિસ્તાન સમયે સમયે ઉંબાડિયાં કરી ભારત સામે ૧૯૭૧ની બેઇજ્જતીનો બદલો લેવા માંગે છે.

પાકિસ્તાન સામે રાષ્ટ્રીય ઓળખનું સંકટ

 
ઇસ્લામાબાદમાં બલૂચ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાને જે કહ્યું તે સાબિત કરે છે કે, પાકિસ્તાન તેની રાષ્ટ્રીય ઓળખ બનાવી રાખવા રીતસરનું વલખાં મારી રહ્યું છે. તેમના ભાષણમાં ભારોભાર ભારત વિરોધી ભાવના હતી. તેઓએ કહ્યું હતું કે, ભારતમાં મુસલમાનો સાથે જેવો વ્યવહાર થાય છે તે જોતાં સાબિત થાય છે કે અમે અલગ પાકિસ્તાનની માંગણી કેમ કરી હતી.
 
પાકિસ્તાન માટે ખરેખર અફસોસજનક કહેવાય કે તેના પ્રધાનમંત્રીને દેશની સ્થાપનાના સાત દાયકા બાદ પાકિસ્તાનના લોકો સામે રાડો પાડી પાડીને પાકિસ્તાન બનવાની ઘટનાને ન્યાયોચિત ઠેરવવી પડી રહી છે, કારણ તેઓ જાણે છે કે જો પાકિસ્તાનની રાષ્ટ્રીય ઓળખ બનાવી રાખવી હશે તો ભારતને સતત ઇસ્લામનું દુશ્મન, મુસ્લિમોનું દુશ્મન, પાકિસ્તાનનું દુશ્મન સાબિત કરતા રહેવું પડશે. માટે જ મજહબના નામે ભારત સાથે સતત દુશ્મનાવટ રાખવાના પ્રયાસો ત્યાંની હરેક સરકારે કર્યા છે. પાકિસ્તાનના પૂર્વ નેતા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ભારત સાથે એક હજાર વર્ષ સુધી યુદ્ધ લડવાની ડંફાસ એ પણ આ જ પ્રક્રિયાનો એક ભાગ હતો, જેને હાલના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને યુદ્ધ થયું તો ભારતનાં મંદિરોની ઘંટડીઓના અવાજ પણ નહીં આવેની શેખી મારતા રેલવે પ્રધાને જાળવી રાખી છે.
 
 

 

કાશ્મીર હડપી લેવાનો નાપાક ઈરાદો

 
ભારત પાસેથી કાશ્મીરને હડપી લેવું એ પાકિસ્તાની રાષ્ટ્રવાદનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. એક સમય હતો કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ગાઈ વગાડીને કહેતું કે વિભાજન દરમિયાન તમામ મુસ્લિમ બહુમતીવાળાં ક્ષેત્રો પાકિસ્તાનને અપાયાં હતાં માટે કાશ્મીર પણ પાકિસ્તાનને મળવું જોઈતું હતું, કારણ કે ત્યાં મુસ્લિમો બહુમતીમાં હતા, પરંતુ ૧૯૭૧માં બાંગ્લાદેશના અલગ થયા બાદ તેના એ દાવાની હવા નીકળી ગઈ હતી અને હવે બલૂચિસ્તાન સહિતનાં પાકિસ્તાની રાજ્યો જ પાકિસ્તાનથી અલગ થવા માટે હિંસક ચળવળ ચલાવી રહ્યાં છે. ત્યારે પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ જ સાંભળતું નથી, છતાં પણ બેશરમ પાકિસ્તાન ઇસ્લામના નામે કાશ્મીર પર કબજો કરવા માંગે છે. ૧૯૬૫ અને ૧૯૯૯ના યુદ્ધમાં કાશ્મીર મુદ્દે બરાબરની ખત્તા ખાધા બાદ તેણે આતંકવાદને ભારત વિરુદ્ધ એકમાત્ર વિકલ્પના ‚પમાં અપનાવ્યો છે.
પાકિસ્તાન માટે કાશ્મીરી અલગાવવાદીઓ ગોળા બારુદ છે, તો આતંકવાદી સંગઠન બંદૂકો છે અને આનું ટ્રિગર પાકિસ્તાની સેનાના હાથમાં છે અને એ ટ્રીગર દાબે ત્યારે કારગીલ, મુંબઈ, અક્ષરધામ, પઠાનકોટ અને પુલવામા થાય છે.
 
આપણે આ જ વાતોને સમજવી પડશે. પાકિસ્તાનમાં કોઈપણ સરકારો આવે તે માત્ર ને માત્ર પાકિસ્તાની સૈન્યની ગુલામ જ હોવાની છે. ત્યાંની જનતામાં ભારત વિરુદ્ધ એટલું ઝેર ભરી દેવામાં આવ્યું છે કે, તેવી આશા રાખવી કે આમ પાકિસ્તાનીઓ સૈન્ય વિરુદ્ધ બળવો કરે તે વધુ પડતી છે. ઇસ્લામ, આતંકવાદ એ પાકિસ્તાનનો ખોરાક છે અને તેની સાથે પાકિસ્તાન કોઈ જ સમાધાન નહીં કરી શકે. વિશ્ર્વનું કોઈ દબાણ, કોઈ પ્રતિબંધો પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ પગલાં લેવડાવવા મજબૂર કરી શકવાનું નથી. હા, કદાચ દેખાડા માટે લાલ મસ્જિદ કે પખ્તુનિસ્તાન જેવી કાર્યવાહી કરવાનો દેખાડો જરૂર કરશે, પરંતુ જે દેશ વિશ્ર્વના સૌથી મોટા આતંકવાદી ઓસામા બિન લાદેનને પોતાના દેશમાં છુપાવી રાખે, અનેક પ્રતિબંધો છતાં મસૂદ અઝહર જેવા આતંકવાદીનું ખુલ્લેઆમ સમર્થન કરે તે દેશ પાસેથી આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડવામાં સાથ આપવાની આશા એ ખુદને છેતરવા સમાન છે.
 
ભારતે તેના વંઠેલા આ પડોશીને તેની જ ભાષામાં જવાબ આપવાની નીતિ અપનાવવી પડશે. આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ-થલગ પાડવાની વાત યોગ્ય છે, પરંતુ પાકિસ્તાનમાં, વિશેષ કરીને તેના સૈન્યમાં અને આતંકવાદી સંગઠનોમાં ડર બેસાડીને જ ભારતના જવાનો અને નિર્દોષ નાગરિકોનું લોહી વહેવડાવતું અટકાવી શકાય છે. આતંકવાદીઓને સબક શીખવાડવા માટે સમય અને સ્થાન ભારતના સૈન્યે નક્કી કરવાનું છે, પરંતુ તે સમય અને સ્થાન નક્કી કરવાનું વાતાવરણ ભારતની રાજ્યશક્તિએ તૈયાર કરવું પડશે. અને આ માટે તેમને નૈતિક બળ દેશની જનતાએ પૂરું પાડવાનું છે.
 

 

ભારતની સક્ષમ કૂટનીતિ

 
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતની પ્રતિક્રિયા ફક્ત આ જ હુમલાના પરિપ્રેક્ષ્યમાં સીમિત ન હોવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન આ દિશામાં જ સંકેત કરે છે. કોઈપણ આકરી કાર્યવાહી જનાક્રોશને શાંત કરી દેશે, પરંતુ ભારતે એ પણ વિચારવું પડશે કે તે ફક્ત જેવા સાથે તેવાવાળી કાર્યવાહીથી સંતુષ્ટ થવા માંગશે કે પછી પાકિસ્તાનમાં આતંકના મૂળને ઉખાડવાનું લક્ષ્ય નક્કી કરીને તેને પ્રાપ્ત કરવાની કોશિશ કરશે? સ્વાભાવિક ‚પે તેને બીજો રસ્તો જ અપનાવવો જોઈએ, ભલે એ ગમે તેટલું મુશ્કેલ હોય અને તેમાં ચાહે ગમે તેટલો સમય લાગે. આખરે ભારતે પાકિસ્તાની આતંકવાદને આટલા લાંબા અરસા સુધી ઊછરવા જ કેમ દીધો, આ પ્રશ્ર્ન પર મંથન કરતાં પહેલાં આપણે કેટલીક કડવી સચ્ચાઈઓનો પણ સ્વીકાર કરવો પડશે. ગત ૨૫ વર્ષો દરમ્યાન ભારતના રાજકીય વર્ગ અને સુરક્ષા પ્રતિષ્ઠાને પાકિસ્તાની આતંકને એક રણનૈતિક પડકાર ‚પે જ નથી લીધો, તેને એક રાજકીય અને કૂટનૈતિક પ્રબંધનના મુદ્દા તરીકે જ લીધો છે.

પાકિસ્તાની આતંક એક રણનૈતિક પડકાર

 
પાકિસ્તાની આતંક એક રણનૈતિક પડકાર છે, કારણ કે તેને કારણે આપણે ન માત્ર પ્રત્યક્ષ રૂપે ભારે કિંમત ચૂકવવી પડે છે, બલ્કે નિરંતર સૈન્ય તૈનાતી, આર્થિક પ્રતિબદ્ધતાઓ ઉપરાંત સામાજિક તણાવ અને રાજકીય અને કૂટનીતિના મોરચે પણ અપ્રત્યક્ષ ‚પે નુકસાન ભોગવવું પડે છે. પાકિસ્તાને આતંકવાદને ભારત વિરુદ્ધ રણનૈતિક સિદ્ધાંત રૂપે ઉપયોગ કર્યો છે. પરંપરાગત સૈન્ય દળોનો ઉપયોગ અને પરમાણુ હથિયારોની ધમકી આ સિદ્ધાંતનાં બીજાં પાસાં છે. ૧૯૯૮માં પરમાણુ પરીક્ષણ બાદ જવાબદારીથી વર્તવાને બદલે પાકિસ્તાને તેની આડમાં ભારતને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું. તેણે એ ધારણા બનાવી લીધી કે જો ભારતે તેનાથી મજબૂત પોતાની રક્ષાક્ષમતાના જોરે આતંકી હુમલાનો જવાબ આપ્યો તો તેનાથી પરમાણુ યુદ્ધની નોબત આવી શકે છે. ગત ૨૦ વર્ષોથી પાકિસ્તાન ભારત અને આખી દુનિયાને પોતાના પરમાણુ હથિયારોની ધોંસ દેખાડતું આવ્યું છે કે ભારતના હુમલાના જવાબમાં તે તેને અપંગ બનાવી શકે છે. ૨૦૧૬માં નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને એ ગર્જનાને ધ્વસ્ત કરી દીધી. તેના પહેલાં કોઈ ભારતીય સરકારે સેનાનો આવો ઉપયોગ નથી કર્યો. પાકિસ્તાને સર્જિકલ સ્ટ્રાઇકનો સ્પષ્ટ ઇનકાર એટલા માટે કર્યો, કારણ કે તેનાથી એ સિદ્ધાંતની હવા નીકળી જાત કે ભારત દ્વારા સૈન્યનો ઉપયોગ કરવાથી હાલત બેકાબૂ થઈ શકશે. સેનાના ઉપયોગ પર ભારતને ખચકાટ ન થવો જોઈએ. જોકે કોઈ એક અભિયાનથી પાકિસ્તાની આતંકની કમર નથી તૂટવાની. ખુદ મોદીજી એ સ્વીકારે છે. હાલમાં જ તેમણે કહ્યું પણ હતું કે પાકિસ્તાન આસાનીથી સુધરવાનું નથી. તેનો અર્થ એ છે કે સીમિત સૈન્ય કાર્યવાહીથી આતંક ખતમ નહીં થાય. તેનો એ મતલબ પણ નથી કે જો સરકારને જ‚રી લાગે તો તેનાથી બચવું જોઈએ, પરંતુ એ પણ ન વિચારી શકાય કે પાકિસ્તાન બદલાઈ જશે. તમામ ખતરા અને નુકસાનને જોતાં કોઈપણ પૂર્ણ યુદ્ધ નથી ઇચ્છતું. તો સમાધાન શું હોઈ શકે ?
 

 
 
સૌથી પહેલાં તો આપણે એ વિચારને તિલાંજલિ આપવી પડશે કે એક સ્થિર પાકિસ્તાન જ ભારતના હિતમાં છે. તમામ બુદ્ધજીવી માને છે કે પડોશમાં અશાંતિ મુશ્કેલીઓનું કારણ બને છે. સામાન્ય રીતે એ પણ સાચું છે, પરંતુ જો તમારો પડોશી સતત બેલગામ થઈને પોતાની નીચતા છોડતો ન હોય તો તેનું સ્થાયીત્વ કશા કામનું નથી. ખાસ કરીને પાકિસ્તાન મામલે તો બિલકુલ પણ નહીં, જેની સ્થાપના જ ભારતવિરોધ રૂપે થઈ હોય. ભારતે ફક્ત એ કારણે શાંત ન બેસવું જોઈએ કે તે પાકિસ્તાનની સ્થિરતાને નુકસાન નથી પહોંચાડવા માંગતું. એ દેશમાં તમામ વંશીય, ધાર્મિક અને પ્રાંતીય વિભાજનની તિરાડો છે. ભારતે ક્યારેય તેનો ફાયદો ઉઠાવવા વિશે નથી વિચાર્યું. ભારત પાસે એવું કરવાનાં પૂરતાં કારણો છે અને હવે તેણે એ કરતાં ખચકાવું ન જોઈએ.
 
પીઓકેમાં પાક. વિરુદ્ધ છાસવારે વિરોધ પ્રદર્શનો થતાં રહે છે. થોડા સમય પહેલાં જ ત્યાંના લોકો રાડો પાડી પાડી અમને આઝાદી જોઈએ, ભારતમાં જવું છે કહી રહ્યા હોવાનો વીડિયો ફરતો થયો હતો. જો પાકિસ્તાન ભારતના કાશ્મીરમાં અલગાવવાદીઓને મદદ કરી શકે તો ભારત પીઓકેના ચળવળકારોને સમર્થન અને મદદ ન આપી શકે ? ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પીઓકેમાં પાક.ના અત્યાચારોને ખુલ્લા પાડવા જોઈએ.

બલૂચિસ્તાન ભારત માટે હથિયાર બની શકે છે ?

 
આવો જ મુદ્દો પાકિસ્તાનના બલૂચિસ્તાનનો છે. જે ભારત માટે પાકિસ્તાન સામે સીધું અને સચોટ હથિયાર બની શકે છે. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી બલૂચિસ્તાનમાં પાક. સૈન્યના બળપ્રયોગ અને અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ બલૂચ ચળવળકારોમાં ગજબનો જુસ્સો ભરાઈ ગયો હતો. બલૂચિસ્તાનમાં અનેક સ્થળો પર ભારત-બલૂચના ઝંડા લહેરાવી હિન્દુસ્તાન - બલૂચિસ્તાન ભાઈ-ભાઈના નારા લાગ્યા હતા. બલૂચિસ્તાન એક એવો મુદ્દો છે જે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે બરાબરનું ભેરવી શકે છે.
 

 
 
આ ઉપરાંત પણ પાકિસ્તાનમાં અલગ સિંધ દેશની માંગણી પણ સમયે સમયે થાય છે, જેના સમર્થનમાં હજારો સિંધીઓ રસ્તા પર ઊતરી આવે છે. અહીં ‘જય સિંધ કયૂમી મહાજ પાર્ટી’ અલગ સિંધ દેશનું આંદોલન ચલાવી રહી છે.
આ ઉપરાંત અહીં પશ્તુન આંદોલને પણ પાકિસ્તાની સરકારના નાકમાં દમ લાવી દીધો છે. ભારતે પણ પાકિસ્તાન સાથે જેવા સાથે તેવાની સ્થિતિ અપનાવી પાકિસ્તાનના અત્યાચારોના ભોગ બની રહેલા તમામ પ્રાંતોને યેન-કેન પ્રકારે સમર્થન આપવું જોઈએ. કાશ્મીરના મુદ્દા સામે બલૂચિસ્તાન, પીઓકે, સિંધ, પખ્તુનિસ્તાન તો કાશ્મીરી લોકો પરના અત્યાચાર સામે એહમદિઆ, શિયા, બલૂચોના માનવ અધિકારોનું હથિયાર ઉગામવું જોઈએ. ભારત સરકારે ફરી એક વખત પાકિસ્તાન સામે ૧૯૭૧વાળી થાય તેવું વાતાવરણ પેદા કરવું જોઈએ.
 

 

પાકિસ્તાન વિરુદ્ધ ઊડીને આંખે વળગે તેવા પુરાવાઓ

 
ઇમરાન ખાને વળતી હુમલો કરવાની ધમકી આપી. અલબત્ત, ઇમરાન ખાનની આ ગીધડ ધમકીથી કોઇ ડરતું નથી, પરંતુ ભારત માટે યક્ષપ્રશ્ર્ન એ છે કે શું ઇમરાને કરેલી ઓફર અનુસાર પાકિસ્તાન સાથે મંત્રણા કરવી? કે પાકિસ્તાનને આર્થિક લશ્કરી અને ડિપ્લોમેટિક ત્રિપાંખિયો વ્યૂહ રચીને વૈશ્ર્વિક સ્તરે તબાહ કરવું જોઈએ? જ્યાં સુધી મંત્રણાને લાગેવળગે છે ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે પાકિસ્તાન સાથે મંત્રણાનો સમય હવે વીતી ચૂક્યો છે. સંવાદનો કોઈ અર્થ સરતો નથી એની પ્રતીતિ ભારતને થઈ ચૂકી છે અને ઇમરાન ખાનની મંત્રણાની સૂફિયાણી વાતોનો અને પુરાવા સબબ માત્ર એક જ ઉત્તર હોઈ શકે કે ભારત જો પુરાવા આપે તો પણ શું ઈમરાનની ઔકાત પાકિસ્તાનના લશ્કરી કે ત્રાસવાદી આકાઓ સામે પગલાં લેવાની છે ખરી? ઇમરાન ખાનનાં પૂર્વ પત્ની અને લંડન સ્થિત પત્રકાર રેહાન ખાન કહે છે કે પાકિસ્તાની વડાપ્રધાન વાસ્તવમાં લશ્કરની કઠપૂતળી છે. પાકિસ્તાની લશ્કર નચાવે એમ તેઓ નાચે છે. આનાથી મોટું કયું સર્ટિફિકેટ ઇમરાન ખાનને ખપે છે? જ્યાં સુધી પુરાવાને લાગેવળગે છે ત્યાં સુધી સમગ્ર દુનિયાને ઊડીને આંખે વળગે એવા દસ પુરાવાઓ અહીં પ્રસ્તુત છે: સૌ પ્રથમ તો આ હુમલાની જવાબદારી લેનાર જૈશ-એ-મોહમ્મદ નામની ત્રાસવાદી સંસ્થાનું હેડક્વાર્ટર પાકિસ્તાનના બહાવલપુરમાં છે. બીજો મહત્ત્વનો મુદ્દો કે ત્રાસવાદને અંજામ આપનાર જૈશનો સુપ્રીમો મસૂદ અઝહર અત્યારે બહાવલપુર ખાતે પાકિસ્તાનની આર્મી હોસ્પિટલમાં સઘન સુરક્ષા વચ્ચે આરામ ફરમાવી રહ્યો છે. ત્રીજો મહત્ત્વનો પુરાવો છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતીય સરહદમાં મૃત્યુ પામેલા ૯૦ જેટલા આતંકવાદીઓની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ છે.
 
ચોથો મહત્ત્વનો પુરાવો એ છે કે ભારત ઉપરાંત ઇરાન અને અફઘાનિસ્તાને પણ પાકિસ્તાન ત્રાસવાદની નર્સરી હોવાની ફરિયાદ આંતરરાષ્ટ્રીય ફોરમમાં કરેલી છે. પાંચમો મહત્વનો પુરાવો ગણીએ તો મુંબઈમાં ૨૬-૧૧ની ત્રાસવાદી ઘટના અંગે ભારત સરકારે તમામ પુરાવાઓ પાકિસ્તાની લશ્કર, આઈએસઆઈ, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તોઈબા વગેરે આતંકી સંગઠનોના કમાન્ડરો અને મુંબઈના આતંકવાદીઓ વચ્ચેની રેકોર્ડિંગ ક્લિપ પાકિસ્તાન સહિત અમેરિકા, સંયુક્ત રાષ્ટ્રસંઘ વગેરેને સુપરત કરેલી છે. છઠ્ઠો મહત્ત્વનો પુરાવો યાને જીવતો જાગતો ત્રાસવાદી અજમલ કસાબ છે જેને ભારતે બા-કાયદા ખટલો ચલાવીને ફાંસીની સજા આપી હતી. કસાબનું પાકિસ્તાનનું સરનામું આપ્યું છતાં પાકિસ્તાની સરકાર નામક્કર ગઈ હતી. સાતમો પુરાવો એટલે પઠાણકોટના એરબેઝ પર પાકિસ્તાનનો ત્રાસવાદી હુમલો. અહીં તો ભારતે પાકિસ્તાનની તપાસ સંસ્થાને રૂબરૂ આવવાની છૂટ પણ આપી હતી. આઠમો પુરાવો ઉરી ખાતે ૧૮ જવાનોની શહાદતનો. નવમો પુરાવો કારગિલમાં કાયરતાપૂર્ણ કૃત્ય કરીને પીઠ બચાવીને ભાગતા પાકિસ્તાની સૈનિકો પર ભારતીય લશ્કરે ગોળીઓ ન છોડી અને ઉચ્ચ લશ્કરી પરંપરા જાળવી. એટલું જ નહીં, મૃતક પાકિસ્તાની સૈનિકોના મૃતદેહો કોફિનમાં મોકલ્યા છતાં પાકિસ્તાને નફ્ફટાઈપૂર્વક મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કર્યો અને દસમો પુરાવો એટલે ધ હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાદવને પાકિસ્તાન દ્વારા થતી કનડગતનો મામલો, જ્યાં મંગળવારે પાકિસ્તાને બચાવ કરવાને બદલે મુદત માગવી પડી.

૩૭૦ કલમ રદ કરવા તમામ સાંસદ એક થાય

 
જમ્મુ - કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦ જ અહીંના અલગાવવાદનું મુખ્ય કારણ છે. આ કલમ અહીંના નાગરિકોને બે નાગરિકતા આપે છે. જમ્મુ-કાશ્મીરનો અલગ રાષ્ટ્રધ્વજ આપે છે. આ કલમ અહીં ભારતના રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન કરવાની છૂટ આપે છે. દેશના ન્યાયાલયના આદેશો પણ અહીં લાગુ પાડી શકાતા નથી. જમ્મુ-કાશ્મીરની કોઈ યુવતી ભારતના અન્ય રાજ્યના નાગરિક સાથે લગ્ન કરી લે તો મહિલાની નાગરિકતા સમાપ્ત થઈ જાય છે. તેની સામે જો તે પાકિસ્તાનના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરે તો તે આપોઆપ જમ્મુ-કાશ્મીરનો નાગરિક બની જાય છે. એટલે કે પાકિસ્તાની નાગરિકને જમ્મુ-કાશ્મીરમાં વસવા માટે માત્ર ત્યાંની સ્થાનિક યુવતી સાથે લગ્ન કરવા પડે છે. ધારા ૩૭૦ને કારણે અહીં ‘આરટીઆઈ’ કે ‘કેગ’ લાગુ પડતા નથી. કાશ્મીરમાં હિન્દુ, શીખો લઘુમતી હોવા છતાં તેમને ૧૬% અનામત નથી મળતી. આ કલમને કારણે ભારતનો કોઈપણ નાગરિક અહીં જમીન ખરીદી શકતો નથી.
 
આ કલમને કારણે ત્યાંના અલગાવવાદીઓ અને પાકિસ્તાન તરફીઓને એવું લાગવા માંડ્યું છે કે, ભારતને અમારી ગરજ છે, અમને ભારતની નહીં. અહીંના લોકોની આ માનસિક્તા એ જ અહીં અલગાવવાદ ભડકાવ્યો છે. દેશના તમામ સાંસદોએ એકમતે ૩૭૦ કલમ વિરુધ્ધ આગળ આવી તેને એક ઝાટકે રદ કરી, ત્યાંના લોકો, અલગાવવાદીને સ્પષ્ટ સંદેશ આપવાનો સમય છે કે, તમે જમ્મુ-કાશ્મીરના છો, જમ્મુ-કાશ્મીર તમારું નથી. જો તમે સખણા નહિ રહો તો ભવિષ્યમાં આનાથી પણ આકરા પગલા માટે તમારે તૈયાર રહવું પડશે.

જમ્મુ- કાશ્મીરના આતંકવાદને નાથવાના ઉપાયો

 
જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટરના સદસ્ય શ્રી દેવાંગભાઈ જે. આચાર્ય જમ્મુ-કાશ્મીરના આતંકવાદને નાથવા માટે મહત્ત્વના ઉપાયો સૂચવતા કહે છે કે, "પાકિસ્તાન જ્યારે ભારત સાથે બે યુદ્ધ ૧૯૬૫ અને ૧૯૭૧માં હારી ગયું ત્યારે તેને સબક મળી ગયો હતો કે ભારત સાથે સીધા પરંપરાગત યુદ્ધમાં નહીં જીતી શકાય ત્યારે પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ જનરલ ઝિયા ઉલ હક દ્વારા ૧૯૯૦માં Bleeding India Through Thousands Cuts નામના કોન્સેપ્ટ અંતર્ગત નવા પ્રકારની યુદ્ધની રણનીતિ શરૂ કરવામાં આવી અને કાશ્મીર ઘાટીમાં અફઘાની, સુદાની, પાકિસ્તાની આતંકવાદીઓને આતંકવાદી પ્રવૃત્તિ શરૂ કરવા મોકલવામાં આવ્યા અને ઇસ્લામના નામથી આતંકવાદી પ્રવૃતિ શરૂ કરવામાં આવી. સન ૨૦૦૦ પછી કાશ્મીરી યુવાનોનું જેહાદના નામ પર બ્રેઈનવોશ કરી આતંકવાદી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું જે વર્તમાન સુધી ચાલુ છે અને આવી રીતે પાકિસ્તાન કાશ્મીર ઘાટીની આતંકવાદી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય ફોરમ પર ‘કાશ્મીરના સ્થાનિક લોકોની આઝાદીની લડાઈ’ તરીકે બતાવે છે. આ forth generation war છે, Information warfare છે જેમાં ખોટી માહિતીના આધાર પર યુવાનોનું બ્રેઈનવોશ કરી indoctrinate કરવામાં આવે છે. એટલે આતંકવાદીઓ તો ઠાર મરાય છે, પણ આતંકવાદને વિવાદ મરાતો નથી.
 

 
 
ભારતે જો જમ્મુ-કાશ્મીરના આતંકવાદના પડકારને પહોંચી વળવું હશે તો સૌપ્રથમ તો આ Information War લડાઈ જીતવી પડશે. બીજું, સ્થાનિક ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયામાં કાશ્મીર ઘાટીના પત્રકારોની જગ્યાએ બીજા રાજ્યના અથવા તો જમ્મુ કે લદાખ વિસ્તારના પત્રકારોને જોડવાની યોજના બનાવવી પડશે. વર્તમાનના સ્થાનિક મીડિયામાં ઘણા રીપોર્ટર જેહાદી પ્રવૃત્તિના Sympathiser છે. નવી પ્રાઈવેટ ટીવી ચેનલો, પ્રાઈવેટ FM Radio શરૂ કરવા પડશે. દૂરદર્શનથી નહીં ચાલે. ત્રીજું, સ્થાનિક ભાષામાં સોશિયલ મીડિયા માટે રાષ્ટ્રવાદી કન્સેપ્ટ તૈયાર કરી, નીચે સુધી મોકલવાની વ્યવસ્થા ઊભી કરવી પડશે. ચોથું, આપણે કાશ્મીર ઘાટીના નિવાસીનું બ્રેઈનવોશ અટકાવવું હશે તો જમાત-એ-ઇસ્લામી દ્વારા ચલાવાતી મદરેસાઓ બંધ કરાવી આધુનિક શિક્ષણની સંસ્થા ઉભી કરવી પડશે. પાંચમી, ૧૯૪૭થી જે દૃષ્ટિકોણથી દિલ્હીમાં બેઠેલી સરકારોએ કાશ્મીર માટે નીતિ ઘડી છે તેમાં આમૂલ પરિવર્તન કરવું પડશે. છઠ્ઠું, આઝાદીના નામે આતંકવાદનું ભૂત પાકિસ્તાન દ્વારા કાશ્મીરઓના મનમાં ઘુસાડવામાં આવેલું છે તે દૂર કરવું હશે તેના મૂળ સુધી પહોંચવું પડશે અને તેનું મૂળ કાશ્મીરઓનું મન છે, જેને deradicalize કરવું પડશે. સાતમું, પાકિસ્તાનને ફરી એક વખત સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. આઠમું, માત્ર સંસદમાં ઠરાવ કરીને નહીં, પણ જે કાર્ય કરવું પડે તે કરીને POJK જે પાકિસ્તાનના કબજા હેઠળનું જમ્મુ-કાશ્મીર છે તે પાછું મેળવવું પડશે. નવમું, માત્ર MFNનો દરજ્જો પાછો ખેંચવાથી પાકિસ્તાન નહીં સમજે. Indus Water treaty હેઠળ ભારતે સિંધુ નદીનું પોતાના ભાગનું પાણી જે પાકિસ્તાનને વર્તમાનમાં અપાઈ રહ્યું છે તે પાણી ભારતમાં વાળી લેવું જોઈએ. આમ કરવાથી પાકિસ્તાન તરસી જશે.

ભારત વિરોધીઓ ક્યારેય સમાધાનનો સ્વીકાર નહીં કરે

 
રા.સ્વ.સંઘના પૂર્વ પ્રચારક, લેખક અને પત્રકાર શ્રી નરેન્દ્ર સહગલ કહે છે કે, "પાકિસ્તાન સાથેની સરહદોથી જોડાયેલા જમ્મુ-કાશ્મીર પ્રાંતમાં જે કાંઈ થઈ રહ્યું છે તે સાધારણ કાનુન વ્યવસ્થાનો પ્રશ્ર્ન નથી. તે કટ્ટરપંથી અને એકતરફી મજહબી જનૂનમાંથી ભભૂકેલી એવી એક રાષ્ટ્રઘાતક આગ છે, જેને વાતચીત, સમજૂતી અને આર્થિક પેકેજ કે નાના-મોટાં ફાયરબ્રિગેડથી ઠારી શકાવાની નથી. ભારતનું બંધારણ, રષ્ટ્રધ્વજ, સંસદ અને ભૂગોળને ન માનનારાં ભારત વિરોધી તત્વ ક્યારેય એવા સમાધાનનો સ્વીકાર નહી કરે, જેનાથી તેમના અલગાવવાદી ઉદ્દેશ્યને નુકસાન પહોંચે. પાકિસ્તાનની ખુલ્લી મદદ અને કાશ્મીરમાં ભારતીય બંધારણ મુજબ સુરક્ષા લઈ રહેલા અલગાવવાદીઓની ચારેય હાથ હેઠળ કાશ્મીરના યુવાઓએ હાથોમાં હથિયાર ઉઠાવી ઇસ્લામિક જેહાદ માટે કમર કસી લીધી છે.
 

 

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા તોડી પાડો

 
શું પાકિસ્તાન સાથે આરપારની લડાઈ યાને યુદ્ધ એકમાત્ર વિકલ્પ છે? પાકિસ્તાન પાસે ન્યૂક્લિઅર શસ્ત્રો છે એ એક વાસ્તવિકતા સ્વીકારીને યુદ્ધનો વિકલ્પ ખરેખર છેલ્લું બ્રહ્માસ્ત્ર હોવું જોઈએ એવી જમીની સચ્ચાઈ સ્વીકારીને ઉપલબ્ધ અન્ય વિકલ્પો વિચારીએ તો પાકિસ્તાનને આર્થિક રીતે પછાડવા અંગેનો વિકલ્પ વિચારવો જોઈએ. દા.ત. પાકિસ્તાનનું મોસ્ટ ફેવર્ડ નેશનનું સ્ટેટસ પાછું ખેંચ્યા બાદ પાકિસ્તાની વેપાર પર ૨૦૦ ટકા ડ્યૂટી નાંખવામાં આવી છે અને તે ઉપરાંતનાં બીજાં અનેક પગલાં લઈ શકાય તેમ છે. આંતરરાષ્ટ્રીય વેપારી સમુદાયમાં પાકિસ્તાનની શાખ ઘટે, પાકિસ્તાન સાથેનો વેપાર ઘટે, પાકિસ્તાન સાથેના ક્રિકેટના સંબંધો કાપવામાં આવે, પાકિસ્તાની કલાકારોને ભારતમાં પગપેસારો કરતાં રોકવામાં આવે, સિંધુ નદી સહિત ભારતથી પાકિસ્તાન તરફ જતી તમામ નદીઓનું પાણી રોકવામાં આવે તો પાકિસ્તાનને પરોક્ષ રીતે ગળે ટૂંપો દઈ શકાય તેમ છે. જોકે ભારત સરકારના જળસંસાધન મંત્રીએ પાકિસ્તાનને અપાવા ભારતના હક્કનું પાણી રોકવાની વાત કરી સરકારના કડક ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.
 
પાકિસ્તાની અર્થવ્યવસ્થા પણ બેહદ કમજોર છે. તે સઉદી અરબ બાદ અન્ય દેશોથી વિદેશી રોકાણ માટે પ્રયાસ કરી રહ્યું છે. સીપેકમાં ચીન પણ ૬૦ અબજ ડોલરનું રોકાણ કરી રહ્યું છે, પરંતુ તેની અર્થવ્યવસ્થા ફક્ત વિદેશી સહયોગના ભરોસે આગળ નથી વધી શકતી. તેને આંતરિક મજબૂતી પણ જોઈએ. એ ત્યારે જ સંભવ છે જ્યારે ત્યાં શાંતિ હશે. ભારત પાસે એ ક્ષમતા છે જેનાથી તે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પડકારી શકે. પાકિસ્તાની આતંકવાદને પડકારતાં પહેલાંની શરત એ છે કે ભારતની રાષ્ટ્રીય એક્તા અને સામાજિક સૌહાર્દ અખંડ રહે. ઇતિહાસ સાક્ષી છે કે વિદેશી આક્રમણખોરોએ ધર્મ અને જાતિના આધાર પર આપણને વહેંચીને આપણો ફાયદો ઉઠાવ્યો છે. પાકિસ્તાન પણ આપણા સંવેદનશીલ વિસ્તારોમાં સતત સમસ્યાઓ પેદા કરી રહ્યું છે. એવામાં એ તમામ પક્ષો અને નેતાઓનું દાયિત્વ બની જાય છે કે તેઓ પાકિસ્તાનના આ મનસૂબાને સફળ ન થવા દે.

વિશ્ર્વને પાકિસ્તાન વિરુદ્ધ એકમત કરો

 
ટૂંકમાં, પાકિસ્તાન સામે ત્રાસવાદના સેંકડો પુરાવા છે, પરંતુ જાગતો હંમેશા બમણું ઘોરે છે એ ઉક્તિ અનુસાર પાકિસ્તાન હંમેશા ત્રાસવાદને પ્રોત્સાહન આપી ઊંઘવાનો ડોળ કરી રહ્યું છે.
 
પાકિસ્તાન વિરુદ્ધ વૈશ્ર્વિક માહોલ જામી રહ્યો છે ત્યારે સાઉદી અરેબિયા જેવા કેટલાક ઇસ્લામિક દેશો અને ચીન પોતાનાં અંગત હિતો જેમ કે, ગ્વાદર બંદર, વન-બેલ્ટ વન-રોડ, ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જેવા પ્રોજેક્ટ્સને કારણે પાકિસ્તાનને મદદ કરે છે, પરંતુ આ દેશો સાથે ભારતે સહેજ અક્કડ અને ડિપ્લોમેટિક વલણ અપનાવી તેને જો એકલું અટૂલું પાડી શકાય તો ત્રાસવાદને મળતો ઓક્સિજન ‚ંધાઈ જશે. પાકિસ્તાનને ધોબીપછાડ આપવાનો આ જ શ્રેષ્ઠ સમય છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં પાકિસ્તાને સરહદ પારથી ઘૂસણખોરી વધારવા અવારનવાર શાંતિમંત્રણાનો ભંગ કરીને અંધાધૂંધ ગોળીબાર કર્યા છે અને પરિણામે, સેંકડો નિર્દોષ ભારતીય નાગરિકો અને જવાનો મૃત્યુ પામ્યા છે. આ ઘટનાક્રમને પરિણામે ભારતના પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધોમાં છેલ્લાં ત્રણ વર્ષથી ઓટ આવી છે. ઇસ્લામાબાદમાં યોજાનારી સાર્ક પરિષદ રદ કરવી પડી છે અને ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં વિદેશ મંત્રીઓની મુલાકાત પણ શક્ય બની નથી. પુલવામાની ઘટના બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ, અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને ચીન જેવી મહાસત્તાઓ ઉપરાંત, જાપાન અને નોર્થ કોરિયા જેવા દેશોને પાકિસ્તાનની હરકતોથી વાકેફ કરતાં કહ્યું છે કે દાઉદ ગેંગથી માંડીને જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઈબા જેવી આતંકવાદી સંસ્થાઓને પાકિસ્તાન પ્રોત્સાહન આપી રહ્યું છે અને તેને કારણે દક્ષિણ એશિયાનો માહોલ બગડી રહ્યો છે. ભારતની સાથે ઈરાન અને અફઘાનિસ્તાન પણ આ ફરિયાદમાં જોડાયાં છે. પરિણામે, પ્રેશર વધતાં ઇમરાન ખાને મંત્રણાની ઔપચારિક ઓફર કરી છે, પરંતુ પાકિસ્તાન પર હવે રતીભાર પણ વિશ્ર્વાસ કરાય તેમ નથી.