કેનેડા કેમ અમેરિકાનો વિકલ્પ બની રહ્યો છે?

    ૦૨-માર્ચ-૨૦૧૯   

 
 
દુનિયાના મોટા ભાગના દેશો વિદેશીઓ માટે પોતાના દરવાજા બંધ કરી રહ્યા છે ત્યારે કેનેડાએ વિદેશીઓને આવકારવાની નીતિ અપનાવીને આશ્ર્ચર્ય સર્જ્યું છે. કેનેડાની સરકારે હમણાં જ નિર્ણય લીધો કે, ૨૦૧૨ સુધીમાં એટલે કે આગામી બે-ત્રણ વરસના સમયગાળામાં જ કેનેડા ૧૧ લાખ વિદેશી નાગરિકોને પોતાના દેશમાં આવકારવા અને વસાવવા માટે તત્પર છે. મતલબ કે, કેનેડા દર વર્ષે ૪ લાખ કરતાં વધારે વિદેશીઓને આવકારશે. કેનેડાના ઈમિગ્રેશન બાબતોના પ્રધાન અહમદ હુસૈને કેનેડાની સંસદમાં પણ આ જાહેરાત કરી. અહમદ હુસૈન પોતે બહારથી આવીને વસેલા નાગરિક છે. તેઓ સોમાલી શરણાર્થી તરીકે કેનેડા આવ્યા હતા અને અહીં જામી ગયા પછી એટલી પ્રગતિ કરી કે પ્રધાનપદ સુધી પહોંચ્યા છે.
 
એક સમય હતો કે જ્યારે અમેરિકા દુનિયાના બીજા દેશોમાંથી લોકોને પોતાને ત્યાં આવકારતું હતું. વિશ્ર્વભરમાંથી ટેકનોક્રેટ્સ, એક્સપર્ટ્સ અને ઈન્ટેલેક્ચ્યુઅલ્સને અમેરિકામાં આવકાર મળતો હતો. અમેરિકા તેમને સારા પગારો અને સારી સગવડો આપીને પોતાને ત્યાં વસાવતું હતું. ભારતીયો માટે તો અમેરિકાને વધારે પ્રેમ હતો કેમ કે ભારતીયો મહેનતુ પ્રજા છે, શિક્ષિત છે અને તેમને સારું અંગ્રેજી આવડે છે. તેના કારણે લાખો ભારતીય પરિવારો અમેરિકામાં સ્થાયી થયા.
 

કદાચ અમેરિકા વિદેશીઓ પર પ્રતિબંધ મૂકી દે !

 
હવે અચાનક જ અમેરિકા ભારતીયોથી રહસ્યમય રીતે નારાજ થઈ ગયું છે. તેમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદે આવ્યા પછી તો અમેરિકનો ભારતીયોને પસંદ જ કરતા ના હોય એવો માહોલ છે. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં ભારતીય સહિતના વિદેશીઓ સામે બહુ ઝેર ઓકેલું તેનું આ પરિણામ છે. ભારતીય સહિતના વિદેશીઓ અહીં જામી ગયા છે ને અમારી નોકરીઓ છીનવી રહ્યા છે તેવી વાતો કરીને ટ્રમ્પે અમેરિકનોને ભારતની વિરૂદ્ધ કરી દીધા છે. હજુ વધારે વિદેશીઓ આવે ને ક્યાંક હજુ વધારે જામી ન પડે એની દરેક અમેરિકનને ચિંતા છે. ટ્રમ્પના અમેરિકન ફર્સ્ટનો અર્થ જ એ છે કે, બધા વિદેશીઓ સેક્ધડ ક્લાસ સિટીઝન્સ છે. મેકિસકો સરહદે દીવાલ બાંધીને ટ્રમ્પ મેક્સિક્ધસને અમેરિકામાં ઘૂસવા નથી દેવા માંગતા પણ વાસ્તવમાં ટ્રમ્પના મનમાં દુનિયાના અન્ય તમામ દેશોની સામે દીવાલ છે. ટ્રમ્પ ઈચ્છે છે કે, દરેક અમેરિકનના મનમાં પણ આવી દીવાલો હોવી જોઈએ અને વિદેશીઓને અમેરિકામાં કામ કરીને અમેરિકાના આર્થિક વિકાસમાં યોગદાન આપવા સિવાય બીજા અધિકાર ના હોવા જોઈએ. ટ્રમ્પ અત્યારે એ હદે વિદેશીઓ સામે ઝેર ઓકે છે કે, ધીરે ધીરે તે વિદેશીઓના અમેરિકામાં પ્રવેશ પર જ પ્રતિબંધ મૂકી દેશે એવું લાગે છે. અમેરિકામાં અત્યારે રહેતા ભારતીયો સુખી છે પણ હવે પછી ભારતીયો અમેરિકા જઈને બહુ સુખી ન થઈ જાય એવા કાયદા ડોનાલ્ડ ટ્રમ્પ બનાવી રહ્યા છે તેથી ભારતીયો માટે અમેરિકા જવું પહેલાં જેટલું સરળ ને સુખમય પણ નથી.
 

 
 
આ સંજોગોમાં કેનેડા એક નવા વિકલ્પ તરીકે ઊભર્યો છે. ૩૭ કરોડની વસતી ધરાવતા કેનેડાની જીડીપી ૧.૮૨૦ ટ્રિલિયન ડોલર છે અને કેનેડા વિશ્ર્વમાં દસમું સૌથી મોટું અર્થતંત્ર છે. કેનેડામાં માથાદીઠ આવક ૪૮ હજાર ડોલર છે. મતલબ કે લગભગ અમેરિકાની લગોલગ છે. એક વ્યક્તિની સરેરાશ આવક મહિને ૪૦૦૦ ડોલર એટલે કે ત્રણ લાખ ‚પિયાની આસપાસ થઈ. આટલી આવક ધરાવતો દેશ સમૃદ્ધ કહેવાય તે કહેવાની જરૂર નથી. કેનેડાનો વિસ્તાર બહુ મોટો છે ને વસતીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર ચાર લોકોની છે. મતલબ કે, એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં સરેરાશ ચાર લોકો રહે છે. કેનેડામાં મોટો પ્રદેશ બર્ફીલો પ્રદેશ છે તેથી ત્યાં લોકો રહેતા નથી પણ શહેરી વિસ્તારોમાં પણ એટલી બધી ગીચતા નથી જ.
 

ભારતીયો માટે કેનેડા હવે સારો વિકલ્પ

 
કેનેડામાં મિક્સ ઇકોનોમી છે. મતલબ કે, કોઈ ચોક્કસ ઉદ્યોગના કારણે કેનેડા સમૃદ્ધ નથી પણ તેની સમૃધ્ધિમાં ઘણા બધાં ક્ષેત્રોનો ફાળો છે. આરબ દેશો ક્રુડ ઓઈલમાંથી કમાણી કરી કરીને ધિંગા થયા એવું કેનેડાનું નથી. કેનેડા પેટ્રોલિયમ ઉત્પાદનોમાં મોખરે છે. તેની જંગી પ્રમાણમાં નિકાસ કરે છે. એ જ રીતે કૃષિ ઉત્પાદનોમાં પણ મોખરે છે ને તેની પણ જંગી પ્રમાણમાં નિકાસ કરે છે. કેનેડાની આયાત અને નિકાસ બંને સરખી છે તેથી તેને કોઈ વેપારખાધ નથી. કેનેડામાં સર્વિસ ઈન્ડસ્ટ્રી બહુ મોટી છે અને દેશમાં ૭૦ ટકા રોજગારી તો સર્વિસ સેક્ટર જ આપે છે.
 
કેનેડા આમ તો દાયકાઓથી વિદેશીઓને આવકારે છે. ભારતના શીખો તો એટલાં વરસો પહેલાં અહીંથી ગયેલા કે હવે કેનેડાના જનજીવનનો હિસ્સો બની ગયા છે. જો કે છેલ્લાં કેટલાંક વરસોથી કેનેડાએ વિદેશીઓને વધારે પ્રમાણમાં આવકારવા માંડ્યા તેનું કારણ એ છે કે, કેનેડાની વસતી પ્રમાણમાં ઓછી છે, અને તેમાં પણ વૃદ્ધોની સંખ્યા બહુ જ વધારે છે. કેનેડામાં વાતાવરણ ઠંડું છે અને સરકાર સોશિયલ સિક્યુરિટી આપે છે તેથી લોકો લાંબુ જીવે છે. અત્યારે કેનેડાની વસતીમાં પચાસ ટકા કરતાં વધારે લોકો પચાસ વરસ કરતાં વધારે વય ધરાવનારા છે. હવે જો કેનેડાએ તેના અર્થતંત્રને સમૃદ્ધ જ રાખવું હોય તો નવયુવાનોની જરૂર પડે ને એ કેનેડામાં નથી તેથી વિદેશીઓને આવકારવા પડે. કેનેડાના સદ્નસીબે અમેરિકા વિદેશી નવયુવાનો તરફથી મોં ફેરવીને બેઠું છે તેથી હવે યુવાનો કેનેડા તરફ વળી રહ્યા છે. આમ અમેરિકાનું નુકસાન કેનેડાનો ફાયદો સાબિત થઈ રહ્યું છે ને આ નવયુવાનોના સહારે કેનેડા આગામી એક દાયકામાં વિશ્ર્વમાં ટોપ ફાઇવ ઇકોનોમિક્સમાં આવી જાય તો નવાઈ નહીં.
 
ભારતીયો માટે કેનેડા હવે સારો વિકલ્પ સાબિત થઈ રહ્યો છે કેમ કે અમેરિકાની સરખામણીમાં કેનેડા ભારતીયોને સન્માનથી જુએ છે. કેનેડા માને છે કે ભારતીય પ્રજા કામગરી છે અને વિદેશમાં રહે છે ત્યારે તેની ક્ષમતા અનેકગણી વધી જાય છે. અમેરિકા એમ માને છે કે વિદેશી નાગરિકો અહીં જામી જશે તો અમેરિકનોની રોજગારી છીનવી લેશે જ્યારે કેનેડા એમ માને છે કે વિદેશી નાગરિકો અહીં આવીને વસવાટ કરશે તો કેનેડિયન પ્રજા માટે રોજગારીના નવા વિકલ્પો વધશે. કેનેડાના પ્રધાનમંડળમાં ચાર પ્રધાનો મૂળ ભારતીય છે તેના કારણે પણ ભારતીયોનો કેનેડામાં રસ વધ્યો છે. આ પૈકી હરજિત સજ્જન કેનેડાના રાષ્ટ્રીય સંરક્ષણ પ્રધાન છે. નવદીપ બેન્સ પાસે વિજ્ઞાન અને આર્થિક વિકાસ જેવું મહત્ત્વનું ખાતુ છે. જગમિતસિંહ ધાલિવાલ વિરોધપક્ષ ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ છે અને તેમને કેનેડાના ભાવિ વડાપ્રધાન ગણાવાય છે. આ બધાના કારણે ભારતીયોને લાગે છે કે, કેનેડા માત્ર વિદેશીઓનું સ્વાગત કરતું નથી પણ એને પોતાના દેશનું નાગરિકત્વ આપીને દરેકને આગળ વધવાનો પૂરતો અવકાશ અને અનુકૂળતા આપે છે. અમેરિકા ભારતીયોને દબાવવા ને તગેડવા મથે છે ત્યારે કેનેડા તેમને તક આપે છે. અમેરિકા અને કેનેડાના અભિગમમાં એ રીતે આસમાન-જમીનનો ફરક છે તેથી ભારતીય કેનેડા તરફ વળી રહ્યા છે.