ભારતમાં જ નહી પણ વિશ્વમાં ઉજવાય છે હોળી

    ૨૦-માર્ચ-૨૦૧૯   

 
  

વિશ્ર્વના વિવિધ દેશોમાં આ રીતે ઊજવાય છે હોળી

 
આપણા દેશમાં જેમ હોળીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે તેમ વિદેશોમાં પણ હોળીને જુદી જુદી રીતે ઊજવવામાં આવે છે. હવે વિદેશોમાં પણ આપણી હોળીને મળતા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાં કિચડ, માટી, ટમેટાં અને પાણી એકબીજા પર નાખીને ઊજવવામાં આવે છે. જોઈએ તેની એક ઝલક.
 
 

 
 

શ્રીલંકા

 
પાડોશી દેશ શ્રીલંકામાં આપણા દેશની જેમ જ હોલિકા દહન કરવામાં આવે છે. ત્યાં પણ લોકો એકબીજાને રંગ લગાવી હોળીની ઉજવણી કરે છે.
 

અમેરિકા

 
અમેરિકામાં હોળી જેવો તહેવાર ઊજવાય છે જેને ત્યાંના લોકો હેલીવન કહે છે, જ્યારે બીજો તહેવાર માર્ચમાં હોલો નામનો આવે છે. આ દિવસે લોકો પગમાં એક ચપ્પલ પહેરીને ચિત્રવિચિત્ર અને અવનવાં કપડાં પહેરી એકબીજાની મશ્કરી કરે છે.
 

 
 

ફ્રાન્સ

 
ફ્રાન્સના લોકો આ દિવસે એકબીજાને કાળા રંગથી રંગે છે, જે લોકો મોઢું રંગવા દેતા નથી તેમને માથે નકલી શીંગડાં લગાવી ગધેડા ઉપર બેસાડીને ગામમાં ફેરવે છે.
 

સાઇબિરિયા

 
સાઇબિરિયામાં આ દિવસે છોકરાઓ ઘેરઘેરથી લાકડાં લાવીને અગ્નિ પ્રગટાવી આપણી જેમ પ્રદક્ષિણા કરે છે.
 

 ઇજીપ્ત

 
ઇજીપ્તમાં હોળીને ફાલીક કહે છે, જે દર વર્ષે ૧૩મી એપ્રિલે ઊેજવાય છે. આ દિવસે લોકો જંગલમાં આગ લગાવીને પોતાના પૂર્વજોનાં કપડાં અને વાળ નાખે છે જે સળગાવ્યા પછી એકબીજા પર ફેંકીને આ તહેવારની ઉજવણી કરે છે.
 

ચેકોસ્લોવાકિયા

 
ચેકોસ્લોવાકિયાના લોકો આ પર્વને વેલીયા કોનીસ તરીકે ઉજવે છે. આ દિવસે યુવક-યુવતીઓ એકબીજાના ખબર પૂછ્યા બાદ સુગંધી પાણી છાંટી હોળી પ્રગટાવી તેમાં ધન ધાન્યો નાખીને ઊજવે છે.
 

પોલેન્ડ

 
પોલેન્ડમાં હોળીને અર્શિના કહે છે. આ દિવસે લોકો એકબીજા પર ફૂલોના રંગો છાંટીને તહેવારની ઉજવણી કરે છે.
 

 
 

થાઇલેન્ડ

 
થાઇલેન્ડમાં હોળીને સાંગકાન કહે છે. આ દિવસે લોકો એકબીજા પર પાણી પિચકારીઓથી ઉડાડે છે.
 

બર્મા

 
બર્મામાં હોળીનો તહેવાર ટીંગુલા ટેચ્યાં નામથી ઊજવાય છે. અહીં સતત ચાર દિવસ સુધી લોકો એકબીજા પર રંગીન પાણી છાંટીને ઉજવણી કરે છે.
  

ચીન

 
ચીનમાં આ દિવસ ચાયનવા તથા સ્વેલજે નામથી ઊજવાય છે. આ દિવસે લોકો નકલી ચહેરા મોં પર લગાવી પરસ્પર પાણીની પિચકારીઓ મારીને ઊજવે છે.
 

સ્વીડન

 
સ્વીડનમાં આ પર્વને સેન્ટ જહોનની યાદમાં ઉજવાય છે. બાળકો ફટાકડા ફોડીને તેમજ સાંજે પહાડ પર આગ લગાવીને આ પર્વની ઉજવણી કરે છે.
 

જર્મની

 
જર્મનીમાં લોકલ ઓલ્ડ રબર્ગ સ્થાન પર ઘાસનાં પૂતળાં સળગાવ્યા બાદ એકબીજાના મોઢા ચાટીને પોતાનાથી મોટી વયના લોકોનાં કપડાં પર રંગ લગાવીને ઊજવે છે.
 

ગ્રીસ

 
ગ્રીસના લોકો પ્રેમની દેવી ફેમીનાની યાદમાં આ દિવસે વાજતેગાજતે ગામમાં ઢોલ વગાડી ફેરી કાઢી બગીચામાં ઝૂલીને ઊજવે છે.
 

આફ્રિકા

 
આફ્રિકામાં હોળીના તહેવારને ઓગેના વોંગા તરીકે ઊજવે છે. વર્ષ સારું જાય તે માટે આકાશમાં વાદળાંઓ સમક્ષ વોંગા નામના જંગલના દેવનું પૂતળું બાળીને આ દિવસની ઉજવણી કરે છે.
 

રશિયા

 
સોવિયેત સંઘ એટલે કે રશિયામાં આ તહેવાર ૩૧મી માર્ચના દિવસે મૂર્ખાઓનું સંમેલન ભરીને ઊજવાય છે, જેમાં એકબીજાની જોરદાર મસ્તી કરીને તહેવાર ઊજવે છે.
 

બેલ્જિયમ

 
બેલ્જિયમમાં હોળીને લોકો મૂર્ખાઓનો તહેવાર ગણીને દિવસે લોકો રાજા પતી અને રાણી પતીની રમત રમે છે અને સાંજે પોતાના જૂના બૂટ ચંપલને બાળીને આ તહેવાર ઊજવે છે.
  

રોમ

 
રોમના લોકો કાર્નિબલની મૂર્તિને રથમાં બેસાડીને આખા ગામમાં ફેરવીને તેને આગ લગાવીને આ તહેવારની ઉજવણી કરે છે.
 
આમ, આ હોળીના તહેવારને ભારત સહિતના દેશો વિવિધ નામે મજાક મસ્તી સાથે ધામધૂમથી ઊજવે છે.