તો અયોધ્યા વિવાદનો ઉકેલ હવે વાતચીતથી આવશે!

    ૦૮-માર્ચ-૨૦૧૯   

 
 
 

અયોધ્યા વિવાદને લઈને સુપ્રિમ કોર્ટે આજે મોટો ચુકાદો સંભળાવ્યો છે

સુપ્રિમ કોર્ટે આજે અયોધ્યા વિવાદને લઈને એક મોટો ચૂકાદો સંભળાવ્યો છે. મોટો ચૂકાદો એ છે કે અયોધ્યાને લઈને કોઇ મોટો ફેંસલો સુપ્રિમ કોર્ટ સંભળાવે તે પહેલા કોર્ટે ત્રણ પેનાલિસ્ટની એક મધ્યસ્થતા પેનલ ગઠિત કરી છે.
 
આનો મતલબ એ છે કે સુપ્રિમ કોર્ટ અયોધ્યા બાબતે કોઇ મોટો ફેંસલો સંભળાવે તે પહેલા ત્રણ લોકોની આ મધ્યસ્થતા પેનલ કોર્ટની બહાર બધા જ પક્ષો સાથે વાતચીત કરશે અને તે આધારે આગામી ૪ અઠવાડિયામાં એટલે કે એક મહિનામાં રીપોર્ટ તૈયાર કરી સુપ્રિમ કોર્ટને સોંપશે.
 

 
 
આ ત્રણ લોકોની પેનલમાં ક્યા નામ છે? તો પહેલું નામ છે આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર, બીજું નામ છે સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટિસ ઇબ્રાહિમ ખલીકુલ્લાહ અને ત્રીજુ નામ છે શ્રીરામ પંચૂ જે વરિષ્ઠ વકિલ છે. જસ્ટિસ ઇબ્રાહિમ ખલીકુલ્લાહની અધ્યક્ષતામાં આ પેનલ રીપોર્ટ બનાવશે.
 
આ પહેલાની સુનાવણીમાં બેંચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ બેંચમાં પાંચ જજ- જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ સામેલ છે.
 
ગત સુનાવણીમાં જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, "અમે ઈતિહાસ વાંચ્યો છે. ભૂતકાળમાં જે થઈ ગયું છે તેના પર આપણું કોઈ જ નિયંત્રણ નથી. તેઓએ કહ્યું હતું કે એક વખત મધ્યસ્થતાની પ્રક્રિયા શરૂ થયાં બાદ તેની રિપોર્ટિંગ ન કરવી જોઈએ." જ્યારે કે જસ્ટિસ ચંદ્રચૂડ કહ્યું હતું કે એક વખત મધ્યસ્થતા શરૂ થઈ જાય છે તો તે બાદ આપણે કોઈ વસ્તુને બાંધી ન શકીએ. બંધારણીય બેંચે તમામ પક્ષકારોને મધ્યસ્થતા પેનલ માટે નામ આપવા કહ્યું હતું કે જેથી જલદીથી આદેશ પસાર કરી શકાય. અને આજે હવે ત્રણ લોકોની મધ્યસ્થા પેનલની રચના થઈ છે.