આંખ ઉઘાડનારો કિસ્સો – કોઇને લીફ્ટ આપવી કે નહી?

    ૧૭-મે-૨૦૧૯   

પોલીસે ભાર્ગવને ૧૧ દિવસમાં પકડી પાડ્યો હતો. બાજુની તસવીર ગુણવંતરાય ભટ્ટની છે. 
 
દુનિયામાં આપણે સમજીએ એના કરતા વધારે લોકો સારા છે. લોકોની મદદ કરવા લોકો હંમેશાં તૈયાર હોય છે. તમે બજારમાં એક આટો મારી આવો. કોઈ એક તો એવું દ્રશ્ય દેખાશે જ કે કોઇ કોઇની મદદ કરી રહ્યું હોય. મદદ કરવી સારી વાત છે પણ આ મદદના બદલામાં દગો મળે તો? તો પછી અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે.
 
પર્યાવરણ બચાવવા અને ઓછુ પેટ્રોલ – ડિઝલ વપરાય એ માટે શું કરવું જોઇએ? અનેક નાના પણ અસરકારક ઉપાયો આ માટે સોશિયમ મીડિયામાં ફરતા થયા છે. આમાનો એક ઉપાય છે કે જો તમે એકલા ગાડી લઈને જતા હોવ તો રસ્તામાં કોઇને લીફ્ટ આપી દો. સામેવાળાના પૈસા બચશે અને એક જ સવારીમાં બે જણા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી પણ જશે. પેટ્રોલ અને પૈસા બન્ને બચશે.
 
આપણે અનેક વાર લોકોને લીફ્ટ આપતા જોયા હશે. માત્ર કારમાં જ નહી લોકો હવે ટુ વ્હીલરમાં પણ લીફ્ટ આપે છે. એકલા જવું એના કરતા બે જણા જાય તો શું વાંધો?
 
તમે કહેશો કોઇ વટેમાર્ગુને લીફ્ટ આપવી એ તો સારી જ વાત છે. વાત તો સાચી છે પણ જરા વિચારો? તમે કોઇને રસ્તામાંથી લીફ્ટ આપી, તમે તેને ઓળખતા નથી. તે કોઇ ક્રિમીનલ હોય તો? કોઇ દારૂની ખેપ મારતો વ્યક્તિ તમારી સામે અંગૂઠો બતાવી લીફ્ટ માંગે અને તમે તેને લીફ્ટ આપો. તે દારૂની બોટલ તેની થેલીમાં ભરી તમારી ગાડી પાછળ બેઠો હોય અને પોલીસ તમેન પકડે તો? તમે વગર ફોગટના હેરાન થાવ! આવું થાય છે.
 
હા અહીં તમને ડરાવવાનો હેતુ નથી પણ સાવધ કરવાનો હેતુ છે. લીફ્ટ આપો પણ સમજી વિચારીને!
 
આવું એટલા માટે લખવું પડ્યું છે કે આજે છાપાઓમાં એક ચોકાવનારો કિસ્સો પ્રકાશિત થયો છે. કિસ્સો કંઇક એવો છે કે, અમદાવાદના ૮૪ વર્ષના કૃષિ વિભાગના નિવૃત ડૅપ્યુટી ડાયરેક્ટર ગુણવંતરાય ભટ્ટ પોતાની કાર લઈને એકલા જૂનાગઢ જતા હતા. તેમને થયું કે એકલા જવું એના કરતા કોઇને લીફ્ટ આપી દઈએ તો સથવારો થાય અને સફર જલ્દી કપાય. રસ્તામાં ભાર્ગવ જાની નામના યુવાને તેમની પાસે લીફ્ટ પણ માંગી. ભાર્ગવે કહ્યું દાદ રાજકોટ જવું છે, લીફ્ટ આપશો. દાદાએ પણ કહ્યું કે ગાડી ચલાવતા આવડે છે? ભાર્ગવે હા પાડી એટલે ગુણવંતરાયે ગાડી ભાર્ગવને સોંપી દીધી. અને કહ્યું હાલ તારે ચલાવીલે…!
 
વાતો કરતા કરતા બન્ને આગળ વધ્યા. રસ્તામાં ગુણવંતરાયે ભાર્ગવને પૂછ્યુ કે તમારી જ્ઞાતિ કઈ છે. ભાર્ગેવે કહ્યું કે બ્રાહ્મણ છું. તરત વાતવાતમાં ગુણવંતરાયે ઠપકો આપતા કહ્યું તું પાન-મસાલા ખાય છે તો દારૂ પણ પીતો હઇશ. ભાર્ગેવે હા પાડી તો ગુણવંતરાયથી રહેવાયું નહી અને તેમનાથી કહેવાઈ ગયું કે તું બ્રાહ્મણના નામે કલંક છે. બ્રાહ્મણ હોવા છતાં આવું વ્યસન કરે છે. બસ આટલું જ કહેતા ભાર્ગવથી રહેવાયું નહી અને તેણે ગુણવંતરાયનું ગળુ કાપી હત્યા કરી નાખી, પછી તે ત્યાથી ભાગી પણ ગયો.
 
આ બનાવ સત્ય છે. ૭મી મેના રોજ આ બનાવ સુરેન્દ્રનગર ખાતે બન્યો. આજે ૧૧ દિવસ પછી ભાર્ગવ પોલીસના હાથમાં આવી ગયો છે. તેણે જ હત્યા પાછળની આ કહાની પોલીસને જણાવી હતી. જાણવા એપ મળ્યું છે કે ભાર્ગવ પબજી ખૂબ રમતો હતો. તેને પબજી રમવાનો નશો હતો. આ રમતા રમતા તેનામાં આવેલી કૃરતા જ આ હત્યા માટે જવાબદાર હોઇ શકે છે.
 
હવે તમે જ વિચારો આટલી નાની નાની વાતમાં કોઇ યુવાન હત્યા કરી શકતો હોય તો તે ચિંતાનો વિષય તો છે જ! અજાણ્યા લોકોથી ચેતતા રહેવાની સલાહ આપણે આપતા હોઇએ છીએ પણ હવે પ્રશ્ન થાય કે અજાણ્યા લોકોને લીફ્ટ અપાય?