રવાન્ડાની રાજધાનીમાં રામકથાનું રજવાડું

    ૨૦-મે-૨૦૧૯   

 
 
તાજેતરમાં કિગાલીના વાદળછાયા વાતાવરણમાં, નહીં ઠંડી કે નહીં ગરમીની મિશ્ર મોસમના મધ્યબિંદુ પર પૂ. મોરારિબાપુની કથાનો પ્રેમયજ્ઞનો પ્રારંભ થયો હતો. મોરારિબાપુની રામકથા ગયા વર્ષે આફ્રિકામાં યોજાઈ હતી. અને ફરી એક કથાનો ઉઘાડ અને ઉપાડ થયો હતો. આ ઐતિહાસિક રામકથામાં વિશ્ર્વમાંથી ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. એ રીતે બાપુના વૈશ્ર્વિક વિચારો વૈશ્ર્વિક ફલક પર વિસ્તર્યા હતા.
 

પ્રથમ દિવસે માનવતાનું માહાત્મ્ય

 
કચ્છના દાદા મેકરણ જેમ કાળી કામળીવાળા બાપુએ માનવતાનું કાર્ય ઉપાડ્યું છે. બાપુએ કહ્યું કે ભારતના લોકો જ્યાં જાય છે ત્યાં આપીને, ત્યાગીને આવે છે એવી વૈશ્ર્વિક લેવલે છાપ ઊભી કરવી છે. દરેક કથામાં સામાજિક નિસ્બતનું બહુ મોટું કામ થઈ રહ્યું છે. રવાંડાના રાષ્ટ્રપ્રમુખ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમણે કહ્યું હતું કે બાપુની પ્રતિભા સંમોહિત કરે તેવી છે. શ્રોતા તરીકે આવેલા આફ્રિકાના લોકોના ચહેરાના પ્રતિભાવ પરથી લાગતું હતું કે ભાષા નહોતી સમજાતી તો પણ તેઓ કથામાં રમમાણ થઈ ગયા છે. સંવેદનાને ભાષાનો અવરોધ નડતો નથી. કિગાલીમાં ફેન (FAN) બહુ ઓછા જોવા મળે છે. પણ બાપુના ફેન (FEN) ખૂબ છે, એ પ્રથમ દિવસની વિશાળ જનમેદની પરથી સાબિત થયું. ઈસ્ટ આફ્રિકાના જીનોસાઈટમાં દસ લાખ લોકોની કત્લેઆમ થઈ હતી, એ મૃતાત્માની શાંતિ અર્થે આ કથા કરાઈ હતી. રાખમાંથી ઊભો થયેલો આ દેશ છે. વર્લ્ડ બેન્કની યાદીમાં ૧૩૯મું સ્થાન ધરાવનાર આ દેશ દસ વર્ષમાં ૨૯મા સ્થાને આવી ગયો. જગતનો મોટો સંહાર થયો હોવા છતાં આજે આ દેશ સૌથી શાંતિવાળો છે. સંહારમાંથી પણ સ્નેહનો સાર રવાન્ડિયન પ્રજા શીખી છે. તો જ આટલાં ઓછાં વર્ષોમાં ગતિ-પ્રગતિ કરી શકે. આઈએ હનુમંત, બિરાજીએ, કથા કરું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવનકુમાર-થી કથાનો પ્રારંભ થયો હતો. બાપુની પ્રથમ વિદેશકથા આફ્રિકામાં હતી એટલે આ એમનું પાટલાનું ગામ કહેવાય. કિગાલીનું પ્રાકૃતિક સૌંદર્ય અને માણસોના સ્વભાવનું સૌદર્ય અમને આકર્ષતું રહ્યું છે.
 
કિગાલી એ રવાંડાની રાજધાની આજે રામકથાની રાજધાની બની ગઈ છે. સત્યનારાયણની કથા કરવી પણ અઘરી હોય છે ત્યારે આટલું મોટું આયોજન કરવા બદલ યજમાન અને એના પરિવારજનોને આકંઠ અભિનંદન. યજમાન આશિષ જગદીશભાઈ ઠક્કર પરિવારની સુચારુ વ્યવસ્થા. પ્રવાહી પરંપરા પ્રમાણે પ્રથમ દિવસે કથાનું માહાત્મ્ય આપવાનું હોય, બાપુએ માનવતાનું માહાત્મ્ય આપ્યું.
 

મંત્ર વગર પણ મંત્ર થઈ શકે

 
કથાના ત્રીજા દિવસે નૈરોબીના જનકભાઈનો ભેટો થયો. છેલ્લાં ચાલીસ વર્ષથી એ બાપુની કથા નિયમિત સાંભળે છે. વિશ્ર્વના કોઈ પણ ખૂણે કથા હોય, જનકભાઈ હનુમાનજીની જેમ હાજર જ હોય. એ કહે છે કે ‘દરેક કથામાંથી એક નવી વાતનું ભાથું બાંધું છું અને શક્ય હોય ત્યાં સુધી એને પાળવાનો પ્રયત્ન કરું છું. કથાને કારણે મારા જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. બધાં વ્યસન તો ત્યાગી દીધાં સાથે સાથે મારા કુટુંબમાં પ્રશ્ર્નો હતા એ પણ ઉકેલાયા. થોડુંક જતું કરીએ તો સામે બહુ બધું મળતું હોય છે. આ વખતે કથામાંથી મંત્ર મળ્યો કે કોઈ મંત્ર વગર પણ મંત્ર થઈ શકે. મતલબ ભાર વગરના ભણતર જેમ ભાર વગરનો ભગવાન પણ જોઈએ.
 

 
 
જનકભાઈએ સરસ વાત કરી છે. આજથી ૭૦ વરસ પહેલા નૈરોબીમાં અંગ્રેજોનું શાસન હતું. ત્યારે સ્કૂલમાં અંગ્રેજી મીડિયમમાં ભણવામાં ગુજરાતીઓને તકલીફ પડતી હતી. તો અંગ્રેજોએ ખાસ ગુજરાતી વિદ્યાથીઓ માટે ગુજરાતી મીડિયમની વ્યવસ્થા કરી હતી. ત્યારે ગુજરાતીઓ હરખાયેલા અને જ્યારે ૪૦ વરસ પહેલાં બાપુની નૈરોબીમાં કથા થયેલી ત્યારે ગુજરાતી ભાષાને બહુ વેગ મળેલો. બાપુની કથામાં કહ્યું એ પ્રમાણે અમે ઘરમાં ગુજરાતીમાં વાત કરવા લાગ્યા. ઘરમાં ફરજિયાત ગુજરાતી અખબાર અને સામયિક બંધાવ્યા. ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો વસાવ્યાં. ગુજરાતી પુસ્તકોની લાઇબ્રેરી શરૂ કરી, જે હજુ પણ ધમધમે છે.
 
મોરારીબાપુએ દેશ-વિદેશમાં ગુજરાતી ભાષામાં ૫૦૦થી વધુ કથા કરી છે. દરેક કથામાં અંદાજિત લાખેક લોકો હોય છે. આટલા મોટા સ્કેલ પર મહાન વ્યક્તિ દ્વારા જ્યારે ભાષાની વાત રજૂ થાય ત્યારે એની અસરકારકતા કૈં ઑર હોય છે. શાહબુદ્દીન રાઠીડ અને મોરારિબાપુ વચ્ચે એ તફાવત છે. શાહબુદ્દીનભાઈ કવિતા બોલે પણ કવિનું નામ ન બોલે અને મોરારીબાપુ હંમેશા કવિને ક્રેડિટ આપે જ. નાનું સરખું વાક્ય હોય તો પણ સર્જકનો નામોલ્લેખ કરે જ. બાપુએ કલાકારોને આંખોનાં ઓઢણ અને પાંપણનાં પોઢણ હંમેશાં આપ્યાં છે.
 

એકવાર મેં કહ્યું કે ‘બાપુ આ બધી વાત લખો તો ?’

 
એમણે કહ્યું કે ‘હું ક્યાં લેખક છું’ ગાંધીજી પણ કહેતા કે ‘હું લેખક નથી’ પણ એમની આત્મકથા વાંચતાં ખબર પડે કે એમનું સરળ ભાષામાં લખાયેલું ગદ્ય કેટલું બળકટ છે. બાપુની પણ સરળ ભાષામાં કહેવાયેલી મૌલિક ગહન વાતો સર્જનનું એક નવું આકાશ ખોલે છે. આજની તારીખે સતત વાંચે છે. રોજના ૧૨ કલાક વ્યસ્ત હોવા છતાં એમના ચહેરા પર હંમેશા પ્રસન્નતાની પૂર્ણિમા છવાયેલી હોય છે.
 

 
 

સાંસ્કૃતિક ધરોહર જેવું શહેર

 
રવાંડાની રાજધાની કિગાલી જાણે રામકથાની રાજધાની બની ગઈ હતી. જગતનું સૌથી તીખું મરચું અહીં થાય છે, પણ અહીંના લોકો બહુ ઓછું તીખું ખાય છે. આફ્રિકાનું સૌથી સ્વચ્છ શહેર છે. પ્રકૃતિવિહાર માટે અમે નીકળ્યા તો અમારી ગાડીને પંક્ચર પડ્યું. એક નાના ગામ પાસે અમે ઊભા રહ્યા. માત્ર ચડ્ડી પહેરેલાં બાળકો કુતૂહલવશ ટોળે વળ્યાં. મેં બધાને ચોકલેટ આપી તો બધા બાળકોએ ચોકલેટના રેપર એક થેલીમાં ભર્યાં. આખા કિગાલી શહેરમાં કાગળનો એક નાનો સરખો ટુકડો પણ જોવા ન મળે. સ્વચ્છતાની આવી સમજના સમાજને સલામ. બાકી આ કસ્બાની મોટા ભાગની પ્રજા સાવ ઓછું ભણેલી. અહીંના માણસોમાં ભણતર ઓછું પણ ગણતર વધુ છે. જાહેર શૌચાલયો પણ ફાઇવ સ્ટાર હોટેલ જેવાં.. એક શૌચાલયમાં લખેલું કે તમારા માટે કોઈક ચોખ્ખાઈ રાખીને ગયું છે તો તમે પણ આવનાર માટે રાખીને જાવ.. જિંદગીની કેવી અદ્ભુત સમજ આવી જગ્યાએથી જ મળતી હોય છે. અહીંના મોટાભાગના લોકો કૃષિપ્રધાન છે. સરકાર પાસે ફાયદા લેવાને બદલે સ્વનિર્ભર છે. અહીંના લોકો ભોળા અને મહેનતુ છે. પ્રવાસી કોઈ મુશ્કેલીમાં મુકાય તો તુરંત મદદ માટે દોડી આવે છે. અમારી ગાડીનું સ્પેરવિલ કોઈ પણ અપેક્ષા વગર તુરંત બદલી આપ્યું હતું. સંગ્રહાલય અને સાંસ્કૃતિક ધરોહર આ શહેરની ઓળખ છે. ટેકરીઓ પર વસેલા આ શહેરના નાક-નકશા અદ્ભુત છે. પ્રહ્લાદ પારેખ કહે છે તેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે...’ પ્રકૃતિની અદ્‌ભુત રમણા અને લીલાનાં દર્શન થાય છે. માણસને ખુલ્લા આકાશ નીચે ૬ દિવસ સુવડાવો એટલે આપોઆપ એ સૌન્દર્યનો પૂજારી થઈ જાય છે. કુદરતની કમનીયતા નિહાળી ‘પાયો પરમ વિશ્રામ’ની અનુભૂતિ થાય છે. કેટલાક લોકો પાસે બધું હોય છતાં દુ:ખી જ હોય છે, શેષના માથેથી પૃથ્વી પોતાના માથે લઈ ફરે છે. સાવ ટાંચાં સાધનો વચ્ચે અને અભાવોમાં જીવતા હોવા છતાં અહીના લોકોના ચહેરા હંમેશ પ્રસન્ન હોય છે. કાળાશમાં પણ એક સુંદરતા હોય છે જે અહીના લોકોને જોઈ અનુભવાય છે. ઓશો કહે છે કે ધોળા ચહેરા હંમેશ મને ફ્લેટ લાગ્યા છે અને કાળા ચહેરામાં એક ઊંડાઈ હોય છે. જગતના શ્રેષ્ઠ પુરુષ કૃષ્ણ કાળા છે. અહીં આવીને અનુભવાય છે કે શ્યામ રંગ સમીપે જાઉં... જગતમાં બેજોડ કહી શકાય એવું અહીનું ગોરીલા પાર્ક જેણે નથી જોયું એણે કશુંક ગુમાવ્યું છે. અહીંના આકાગેરા નેશનલ પાર્કમાં અનેક પશુ-પ્રાણીઓની સાહજિક લીલાઓ જોઈ દિલ બાગબાગ થઈ જાય છે.
 

 
  

અગ્નિ પણ વૈરાગી છે

 
હનુમાનને કેન્દ્રમાં રાખીને નવ દિવસ કથા ચાલી હતી. હનુમાન આધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય છે, જેનું સંશોધન હજી થવાનું બાકી છે. मारुत सुत मै कपि हनुमान, नामु मोर सूनु कृपानिधान... આ ‘માનસ હનુમાના’ કથામાં બાપુએ હનુમાનજીનાં વિવિધ સ્વ‚પોનાં દર્શન કરાવ્યાં હતાં. પ્રહ્‌લાદ, ધ્રુવ, ઉપમન્યુ, નચિકેતાએ નાની ઉંમરમાં વૈરાગ્ય લીધો હતો. હનુમાનજી પણ એ પ્રવાહમાં જોડાયા હતા. વૈરાગી હોય એ અનુરાગી હોતા નથી. અગ્નિ ચોવીસ કલાકમાં નવ રંગ બદલે છે. અગ્નિ પણ વૈરાગી છે. પ્રેમ પણ વૈરાગી છે. દરેક પ્રેમીએ જ્વાળામાંથી બહાર નીકળવું જ પડે છે. પ્રેમને કદી સફેદ વાળ આવતા નથી. એ તો જેમ દિવસો જાય એમ વધુ યુવાન થતો જાય છે. પ્રેમ મૃત્યુ તો કદી પામતો જ નથી. પ્રેમનો પ્રવેશ થાય છે ત્યારે વેદ પણ વિદાય લે છે. પ્રેમ કરાય, વર્ણવાય નહીં. प्रेम नगर की सुन्दर गलियां... હનુમાન અને રામનું મિલન થયું એ પ્રેમ અને પરમાર્થનું રિહર્સલ હતું. ભરત અને રામ અયોધ્યામાં મળ્યા ત્યારે મંચન થયું. માનસ સપ્તસિંધુ છે. એમાં આપણો અભિપ્રાય એક લહેર જેવો હોય છે. એક બંદર(હનુમાન) આટલો સુંદર છે તો સુંદર (રામ) કેટલા સુંદર હશે ! ભક્તિ કદી વૃદ્ધ ન હોય... જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ થઈ જાય તો થઈ જાય.. એક પળ એવી આવે છે કે તુલસીદાસ હનુમાનની ગતિ લખી નથી શકતા. હનુમાનનું એક રૂપ અગ્નિ છે. માનસમાં જ્યાં જ્યાં ચોપાઈ આવે છે ત્યાં ત્યાં હનુમાન છે. હનુમાનને ચાર પગ છે. રામાયણમાં દોહા અને સોરઠા બાધક બને ત્યારે ચોપાઈ લખાઈ છે. શ્ર્લોક એ હનુમાનજીનું મસ્તક છે. હનુમાન જેવો કોઈ ઉત્તમ વક્તા નથી. बुद्धिमतां वरिष्ठं... કીગાલીનાં જંગલો જોઈને થાય છે કે અહીં હનુમાનજી જરૂર આવ્યા હશે. આટલાં વર્ષોથી કથા કરે છે પણ કદી બાપુને ઉબ નથી આવતી એનું એક કારણ હનુમાન છે. આટલાં બધાં વર્ષોથી કથા કર્યા પછી પણ હનુમાનને સંપૂર્ણ રીતે પામી નથી શક્યો એવું બાપુએ કહ્યું હતું. શનિવારથી આરંભાયેલી કથામાં નવ દિવસ હનુમાનજીને સિક્ત (તેલ) ચડાવીશું. સિક્ત અર્થાત્ સ્નેહ... સિંદૂર ચડાવીશું. સિંદૂર સુહાગનનું પ્રતીક છે. હનુમાનની પૂજાથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે. હનુમાન જેવો કોઈ ગુરુ નથી. મંગલ મૂરતિ મારુત નંદનની ભક્તિ કરીએ પછી સ્વર્ગ સુધી ધક્કો શું કામ ખાવો? દિવસમાં એક વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિચક્રનો તુરંત નાશ થાય છે. મહાવીર સાચા મોતીની માળા પણ તોડી નાખે છે કે આમાં ક્યાંય રામ દેખાય છે ? છાતી ચીરી રામ બતાવનાર, પૂંછડે લંકા બાળનાર હનુમાનજી નિરભિમાની છે. એક જડીબુટ્ટીને બદલે આખો ડુંગર ઊંચકી લાવનાર હનુમાનમાં ભોળપણ ભારોભાર ભર્યું છે. ‘મહાબીર બીનવઉ હનુમાના, રામ જાસુ જસ આપ બખાના’ હનુમાનજી સમ્યક્ સાધક છે. કાળના માથા પર જે નર્તન કરી શકે એ હનુમાન.. હનુમાન શિવનો અવતાર છે એટલે બધાના કલ્યાણમાં માને છે. એ મૂકસેવક છે. જહાં હલ્લા હોતા હૈ, વહાં અલ્લાહ નહીં હોતા...
 

અનુમાનથી હનુમાન સુધી

 
બાપુ સાથે છેલ્લા ૩૦ વરસથી કેમેરામેન તરીકે કામ કરતા તલગાજરડાના ધર્મેશ ગોંડલિયા કહે છે કે બાપુને કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થતાં કદી જોયા નથી. કથાસ્થળે કામ કરી રહેલા રવાન્ડિયનને મેં ટીપમાં ફ્રેંક આપ્યા તો એણે ફ્રેન્ક્લી ના પાડતા કહ્યું કે બાપુ અમારા દેશ માટે આટલું મોટું કામ કરી રહ્યા છે, તે સૌથી મોટી ભેટ છે... પાંચ દાયકા કરતાં વધુ સમયથી બાપુની સંનિધિ સેવતા સાઉન્ડ એન્જિનિયર નિલેશ વાવડિયા કહે છે કે દરેક કથા બાદ મને જીવનમાં કશુંક ઉમેરાતું લાગે છે. કથા રોજ એક નવી ઊંચાઈ તરફ ગતિ કરતી હતી. દરેક દિવસે કોઈ જીવનલક્ષી અદ્‌‌ભુત વાત ગાંઠે બાંધી વિશ્રામના વનમાં પ્રવેશીએ. અનુમાનથી શરૂ થયેલી કથા હનુમાન સુધી આવીને વિશ્રામ લે છે. આ આનંદનો અનુવાદ થઈ શકે એમ નથી.
 
- હરદ્વાર ગોસ્વામી