નરેન્દ્ર મોદીનું આ કામ કામ કરી ગયુ…આ પાંચ કારણે દેશના ગરીબ લોકોએ નરેન્દ્ર મોદીને મત આપ્યા

    ૨૩-મે-૨૦૧૯   

 
 
ફિર એકબાર મોદી સરકાર…નરેન્દ્ર મોદી ફરીવાર આ દેશના વડાપ્રધાન બને તેવું આ દેશની જનતા માને છે અને એટલે જ મનભરીને લોકોએ મોદીને મત પણ આપ્યા છે. મહત્વની વાત એ છે કે આખા દેશમાંથી ભાજપને કે એનડીએ જે મત મળ્યા છે તે તેમના ઉમેદવારના નામે નહી પણ મોદીના નામે જ મળ્યા છે. આ પાછળનું કારણ છે કે લોકો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે પંસદ કરે છે. જનતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે પસંદ કેમ કરે છે તો તેની પાછળ મોદીએ જે ગરીબ લોકો માટે કામ કર્યુ, જે યોજનાઓ જાહેર કરી તેના પર કામ કર્યુ, તે જવાબદાર છે. આવી કઈ યોજનાઓ છે જેના કારણે ચૂંટણીમાં મોદીને ફાયદો થયો છે, આવો જાણીએ…
 

 
 

ઘરે ઘરે વીજળી પહોંચાડી # સૌભાગ્ય

 
આહીં સૌભાગ્ય યોજના યાદ કરવી પડે. ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ વડાપ્રધાને “સૌભાગ્ય” યોજનાની શરૂઆત કરી. આ યોજના હતી ઘરે ઘરે વીજળી પહોંચાડવાની. આ યોજના લોંચ કરતી વખતે વડાપ્રધાને કહ્યું હતું કે આઝાદીના ૭૦ વર્ષ પછી પણ દેશમાં ઘરે ઘરે વીજળી પહોંચી નથી. દેશમાં ૪ કરોડ કરતા વધારે ઘર એવા હતા જ્યાં વીજળી પહોંચી જ ન હતી. સરકારે અહીં વીજળી પહોંચાડવાનું કામ હાથમાં લીધુ અને એ કામ સફળતા પૂર્વક કરી પણ બતાવ્યું, જેનું અજવાળું ભાજપને ફાયદો પહોંચાડી ગયું. સરકારી વેબસાઈટનું સાચું માનીએ તો મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ૨૧,૪૪,૭૩,૦૪૩ ઘરોમાં વીજળી પહોંચાડી છે. હવે દેશમાં માત્ર ૧૮,૭૩૪ ઘરોમાં જ વીજળી પહોંચાડવાની બાકી છે. એટલે ભાજપ એવું કહી રહી હતી કે અમે ૯૯.૯૯ ટકા ઘરો સુધી વીજળી પહોંચાડી છે. લોકોને આ યોજનાથી ખૂબ લાભ થયો છે. તો લોકોમાં એક આશા જાગી છે. અને એ આશાએ ભાજપને જીતાડી છે.
 

 
 

ઘરે ઘરે શૌચાલય

 
મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા દેશમાં લોકો સંડાસની વાત કરતા પણ શરમાતા હતા. આવા સમયે મોદીએ “સ્વચ્છ ભારત મિશન” શરૂ કર્યુ. વડાપ્રધાને ખૂદ ઝાડું પકડી કચરો વાળ્યો અને સ્વચ્છતાને એક મિશન બનાવ્યું. ભાજપને આજે બીજીવાર સ્પષ્ટ બહુમતી મળી છે તો તેની પાછળ આ સ્વચ્છ ભારત મિશન નો પણ ખૂબ મોટો ફાળો છે. આ યોજના અંતર્ગત ગામે ગામ શૌચાલયો બનાવવામાં આવ્યા. સરકારી આંકડાઓનું સાચુ માનીએ તો આ મિશન હેઠળ દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ૯,૨૪,૩૩,૧૯૮ શૌચાલયો બનાવવામાં આવ્યા. જેમાં ૫,૫૫,૪૦૫ શૌચાલયો ગામડાઓમાં બનાવવામાં આવ્યા છે. દેશના ૩૦ રાજ્યો આજે શૌચાલય યુક્ત થઈ ગયા છે. જે ખૂબ મોટી વાત છે. આ સફળતનો ફાયદો મોદી સરકાર ને મળ્યો છે.
 
 

 
 

સૌને ઘરનું ઘર

 
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સપનું જોયુ કે આ દેશના દરેક નાગરિક પાસે ઘરનું ઘર હોવું જોઇએ. આ યોજના હેઠળ ૨૦૨૨ સુધીમાં દેશમાં કુલ ૩ કરોડ મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું. જોકે ઘર જેટલા બનવા જોઇએ એટલા બન્યા નથી પણ લોકોને નરેન્દ્ર મોદીની સ્વચ્છ નીતિ પર વિશ્વાસ છે અને ભરોશો છે કે મોદી બધાને ઘરના મકાન કરી આપશે. જેનો ફાયદો નરેન્દ્ર મોદીને થયો છે.
 

 
 

ઘરે ઘરે ગેસ કનેક્શન

 
નરેન્દ્ર મોદીની મહત્વની યોજનામાં ઉજ્જ્વલા યોજના ખૂબ મહત્વની અને અસરકારક રહી. ૧ મે ૨૦૧૬ના રોજ ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીએ આ યોજનાનું લોકાર્પણ કર્યુ. શરૂઆત કરી દેશના બીપીએલ પરિવારોથી. દેશમાં ગરીબી રેખા નીચે જીવતા ૫ કરોડ પરિવારોને LPG ગેસ કનેક્શન આ યોજના હેઠળ આપવામાં આવ્યા. પછી જેને જરૂર હોય તેને પણ આ કનેક્શન આપવામાં આવ્યું, સરકારનો દાવો છે કે તેમણે સાત કરોડ કરતા વધારે ઉજ્જ્વલા કનેક્શન આપ્યા છે. આ યોજનાથી દેશની મહિલાઓને ઘણો ફાયદો થયો અને મહિલાઓનો સાથ મોદી સરકારને તેમના મત રૂપે મળ્યો.
 

 
 

ખેડૂતોને મદદ કરતી યોજના

 
દેશમાં ખાસ કરીને મોદી સરકારમાં ખેડૂતોનો મુદ્દો ખૂબ ઉછાળવામાં આવ્યો. રાહુલ ગાંધીએ તો ગરીબોને વર્ષે ૭૨૦૦૦ આપવાની જાહેરાત પણ કરી. પણ આ પછી નરેન્દ્ર મોદીએ પણ ખેડૂતોને અમૂક નિશ્ચિત રકમ આપવાની વાત કરી કિશાન સમ્માન નિધિ યોજના હેઠળ મોદીએ દેશના ૧૨ કરોડ ખેડૂતોના ખાતામાં વર્ષે ૬ હજાર જમા કરાવવાની વાત કરી અને આ રકમનો એક હપ્તો ખેડૂતોના ખાતામાં જમાં પણ કરાવ્યો. મોદી સરકાર તેના છેલ્લા બજેટમાં આ માટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. બસ આ ફળવણી કામ કરી ગઈ અને ખેડૂતોએ પણ તેમને મત આપ્યા છે.