સિંધિયા સાથે સેલ્ફી લેવા ભાજપનો જે ઉમેદવાર લાઇનમાં ઉભો રહેતો તેણે સવા લાખ વોટથી તેમની જ સામે જીત મેળવી

    ૨૪-મે-૨૦૧૯   

ગાડીમાં બેઠેલા જ્યોતિરાદિત્યનાથ સિંધિયા અને સેલ્ફી લેનાર ભાજપનો વિજેતા ઉમેદવાર કેપી યાદવ
 
જનતા જ જનાર્દન છે. આ કામ જનતા જ કરી શકે. રાજાને રંક અને રંકને રાજા જનતા જ બનાવી શકે છે. આ કાલના પરિણામ પછી જાહેર પણ થઈ ગયુ છે. રાજાશાહી ઘરાનાના જ્યોતિરાદિત્યનાથ સિંધિયાને ભાજપના એક સામાન્ય ઉમેદવારે ગુના બેઠક પરથી હાર આપી છે.
 
મધ્યપ્રદેશની ગુના લોકસભા બેઠક. એવું કહી શકાય કે આ કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક હતી. જ્યોતિરાદિત્યનાથ સિંધિયા અહીંથી છેલ્લી ચાર લોકસભાની ચૂંટણી જીતી ગયા છે. આ વખતે પણ લાગતુ જ હતુ કે જ્યોતિરાદિત્યનાથ સિંધિયા ફરી જીતી જશે. કારણ પણ સ્પષ્ટ હતુ કે સિંધિયા પરિવારનો એક સભ્ય અહીં વર્ષોથી જીતી રહ્યો છે. તેને એક સામાન્ય ભાજપનો ઉમેદવાર આ વખતે કેવી રીતે હરાવી શકે. માહોલ પણ એવો જ બની ગયો હતો…
 
આવામાં જ્યોતિરાદિત્યનાથ સિંધિયાની પત્નીથી એક ભૂલ થઈ ગઈ. થયું એવું કે જ્યોતિરાદિત્યનાથ સિંધિયાને કોંગ્રેસે ઉત્તર પ્રદેશ (પશ્ચિમ)ના પ્રભારી બનાવ્યા હતા. એટલે તેમને તો પોતાની ગુના બેઠક પર પ્રચાર કરવાનો સમય જ ન મળ્યો. આથી તેમના પ્રચારનું કામ તેમની પત્ની ગુનામાં સંભાળતી હતી. આવામાં ભાપજે જ્યોતિરાદિત્યનાથ સિંધિયા સામે જે ઉમેદવાર ઊભો કર્યો હતો તે કેપી યાદવની જ્યોતિરાદિત્યનાથ સિંધિયા સાથેની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર સિંધિયાની પત્નીએ પોસ્ટ કરી દીધી અને નીચે લખ્યું કે “જે મહારાજ સાથે સેલ્ફી લેવા લાઈનમાં ઉભા રહેતા હતા ભાજપે તેવા વ્યક્તિને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે”
 
બસ આ પોસ્ટ બાદ અહીં માહોલ પલટાઈ ગયો. મધ્યપ્રદેશની ગુના બેઠક પર પહેલા જ્યોતિરાદિત્યનાથ સિંધિયાના પિતા જીતતા હતા અને છેલ્લી ચાર ટર્મથી અહી જ્યોતિરાદિત્યનાથ સિંધિયા જીતી રહ્યા હતા. એટલે તેમની પત્નીને આ ફોટો આવી લાઈન સાથે શેર કરતા જરા પણ વિચાર ન આવ્યો. પણ ગુના બેઠક પર પોતાનો અધિકાર ગણી બેઠેલા સિંધિયા પરિવારને આ વખતે ઝટકો વાગ્યો છે. ભાજપના એક સામાન્ય ઉમેદવારે સવા લાખ જેટલા માર્જિનથી જ્યોતિરાદિત્યનાથ સિંધિયાને અહીંથી હરાવ્યા છે.