UPSC - સિવિલ સર્વિસિઝ : દેશસેવા માટેની ઉમદા કારકિર્દી - તમારા પ્રશ્નોના જવાબ

    ૨૫-મે-૨૦૧૯   

 
સપને ઉન્હીં કે સચ હોતે હૈં, જીન કે સપનોં મેં જાન હોતી હૈ,
સિર્ફ પંખો સે કુછ નહીં હોતા, હોંસલોં સે ઉડાન હોતી હૈ
 
‘યુપીએસસી’ - ૨૦૧૮નું પરિણામ તાજેતરમાં જાહેર થયું. ગુજરાતના ૧૮ જેટલા ઉમેદવારોએ ‘યુપીએસસી’ની પરીક્ષા પાસ કરી છે. આમાંનો કાર્તિક જીવાણી નામનો એક યુવાન ટોપ ૧૦૦માં ૯૪મું સ્થાન મેળવી ગુજરાતમાં પ્રથમ આવ્યો છે. સિવિલ સર્વિસિસની પરીક્ષાઓ સમાજસેવા અને દેશસેવા માટે ઉત્તમ છે. ગુજરાતના યુવાનો માટે આ વિશેષ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટેનું માર્ગદર્શન અને દેશસેવા કરવા માટેની અનોખી તક વિશેની વાત આ મુખપૃષ્ઠ વાર્તામાં માણો...
આપણા દેશમાં કોઈ સરકારી નોકરીનો ચાર્મ આજે પણ જેમનો તેમ રહ્યો હોય તો તે ‘યુપીએસસી’નો છે. ૨૦૧૭માં ૯૯૦ ઉમેદવારો પાસ થયા હતા. જેમાંથી ૭૫૦ પુરુષ અને ૨૪૦ મહિલાઓ હતી. આમાંથી ગુજરાતના ૨૦ ઉમેદવારોએ અંતિમ પરીક્ષા પાસ કરી હતી. ૨૦૧૮માં ૭૫૯ ઉમેદવારો પાસ થયા છે. જેમાંથી ૫૭૭ પુરુષ અને ૧૮૨ મહિલા ઉમેદવારો હતાં. ગુજરાતના ૧૮ ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી હતી.
 
આખરે દેશના યુવા સિવિલ સેવક તરીકેની કારકિર્દીને સફળતાનું સર્વોચ્ચ શિખર કેમ ગણી રહ્યા છે. શું માત્ર પૈસા માટે? તો તેનાથી વધારે પગાર તો મલ્ટિનેશનલ કંપનીઓ અને અન્ય વ્યવસાયોમાં આરામથી મળી શકે છે. તો પછી એવું કયું કારણ છે કે સિવિલ સેવા લોકોને આટલી હદે આકર્ષિત કરી રહી છે ? પહેલાં સિવિલ સેવાની કેટલીક ખાસિયતો પર નજર કરીએ...

UPSC Exam  સિવિલ સેવા જ કેમ ?

 
ભારતીય લોકસેવા આયોગ એટલે કે (UPSC)ની પરીક્ષામાં સફળ થયા બાદ ઉમેદવારને રેન્કના આધારે ‘આઈએફએસ’, ‘આઈએએસ’, ‘આઈપીએસ’, ‘આઈઆરએસ’ અને ‘આઈઆઈએસ’ નોકરી મળતી હોય છે ત્યારે જો કોઈ ઉમેદવાર સિવિલ સેવક બનવા માંગતો હોય તો તેણે એ પણ જાણી લેવું જોઈએ કે એક સિવિલ સેવક તરીકે તે શું શું કરી શકે છે. પરીક્ષા પાસ કર્યા બાદ તેને કેવા-કેવા અધિકાર મળી જાય છે અને તેને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડી શકે છે.
શાસન-વ્યવસ્થાના સ્તરે જોઈએ તો કાર્યપાલિકાનાં મહત્ત્વપૂર્ણ દાયિત્વોનું નિર્વહન સિવિલ સેવકોના માધ્યમ થકી જ થતું હોય છે. આઝાદી પહેલાંથી જ આ પદનું ખાસ્સું મહત્ત્વ હતું અને આઝાદીનાં ૭૦ વર્ષો બાદ પણ તેનું મહત્ત્વ જેમનું તેમ બની રહ્યું છે. હા, આમાં કેટલાંક સંરચનાત્મક પરિવર્તનો જરૂર આવ્યાં છે. પહેલાં જ્યારે આ પદની ભૂમિકા એક નિયંત્રકના ‚પમાં હતી જ્યારે આજે સિવિલ સેવક કલ્યાણકારી આજે સિવિલ સેવકો પાસે કાર્ય કરવાની વ્યાપક શક્તિ છે, જેને કારણે અનેક વખત તેઓ ટીકાઓ અને આરોપોના ભોગ પણ બને છે. પરંતુ આ શક્તિઓનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો દેશની દશા અને દિશા બદલી શકાય છે.
 
આપણી પાસે એવાં અનેક ઉદાહરણો છે, જેમાં કોઈ ‘આઈએએસ’, આઈપીએસ અધિકારીઓએ પોતાના જિલ્લા અને અન્ય ક્ષેત્રોમાં કમાલનું કામ કરી બતાવ્યું છે. આ કમાલની પાછળ તેમનું વ્યક્તિગત યોગદાન તો ખરું જ, પરંતુ મોટું યોગદાન આ સેવાની પ્રકૃતિનું પણ છે, જે તેઓને અસંખ્ય વિકલ્પો અને શક્તિ પણ આપે છે. આઈએએસ અધિકારી એસ.આર. શંકરણ જીવનભર બંધુઆ મજદૂરી સામે લડતા રહ્યા. તેમના પ્રયાસો થકી જ ‘બંધુઆ શ્રમ વ્યવસ્થા (ઉન્મૂલન) અધિનિયમ ૧૯૭૬’ જેવો કાયદો બન્યો. આવ જ અનિલ બોડિયા નામનાં આઈએએસ અધિકારીએ શિક્ષાક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ કામ કર્યું હતું.
કુલ મિલાકર આ ક્ષેત્રે ખુદનો અને દેશની પ્રગતિના અનેક અવસરો પૂરા પાડે છે. કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષા, પ્રબંધન જેવાં વિવિધ ક્ષેત્રોનાં વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ. જે બીજા કોઈ સાર્વજનિક ક્ષેત્રમાં કદાચ જ સંભવ બની શકે છે. સિવિલ સેવકો પાસે એવા અનેક સંસ્થાગત અધિકારો હોય છે, જેના ઉપયોગ થકી કોઈપણ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે. આ જ કારણે અલગ-અલગ ક્ષેત્રોમાં સફળ લોકો પણ આ સેવાઓ પ્રત્યે આકર્ષિત થઈ રહ્યા છે.
 

ગુજરાતની નવી પેઢીને સિવિલ સર્વિસિઝની પરીક્ષામાં રસ જાગી રહ્યો છે

 
વાત કરીએ ગુજરાતની ગુજરાતની યુવાપેઢીમાં હવે દાક્તરી કે ઈજનેરી અભ્યાસક્રમ પૂરો કર્યા પછી પણ ઇંડિયન એડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ)માં જોડાવાનું આકર્ષણ વધ્યું છે, એટલું જ નહીં સંઘ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) કેન્દ્ર સરકારની વિવિધ સેવાઓમાં સ્થાન મેળવવામાં ગુજરાતીઓ પાછળ હોવાનું મહેણું ભાંગવાના સંજોગો સર્જાયા છે. પણ છેલ્લાં કેટલાક વર્ષથી ગુજરાતમાંથી આઈએએસ, આઈપીએસ, આઈએફએસ જેવી સેવાઓમાં સફળતાપૂર્વક પ્રવેશ મેળવનારા યુવાનોની સંખ્યા સતત વધતી ચાલી છે.
 
ગુજરાત સરકારે છેક ૧૯૬૨માં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડ્મિનિસ્ટ્રેશન (સ્પીપા)ની સ્થાપના કરીને પોતાના કર્મચારીઓને સારો વહીવટ કરવાની તાલીમ આપવાની જોગવાઈ કરી. સમયાંતરે આ જ સંસ્થામાં યુપીએસસીની પરીક્ષાઓ માટેની તૈયારી અને માર્ગદર્શનનું કેન્દ્ર પણ શરૂ કરાયું. ૧૯૬૨માં શરૂ થયેલી આ સંસ્થામાં સૌપ્રથમ ૧૯૯૨માં તેના વિદ્યાર્થી આઈએએસ થવામાં સફળતા મેળવી શક્યા અને એ પછી તો એ સફળતા વધ-ઘટ સાથે ચાલુ રહી. કેન્દ્ર સરકારની સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ઉત્તમ હોવાની ભ્રમણા હવે દૂર થઈ છે. ગુજરાતી ભાષામાં પણ એની પરીક્ષાઓ આપી શકાય છે, પણ અંગ્રેજીને અવગણ્યે ચાલવાનું નથી. સ્પીપામાં અનેક પ્રકારની તાલીમની વ્યવસ્થા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણામાં સ્પીપાના પ્રાદેશિક તાલિમ કેન્દ્રો આવેલા છે.
 
આઈએએસ અધિકારી એસ. એલ. અમરાણી કહે છે કે, યુપીએસસીની મેઈન્સ પરીક્ષાનું પરિણામ આવ્યું અને સ્પીપા થકી જેમને તાલીમ અપાય છે એવા વિદ્યાર્થીઓમાંથી સફળતા મેળવનારાઓનો આંકડો વધી રહ્યો છે. સ્વયં અમરાણી આપબળે તેજસ્વી કારકિર્દીને વરેલા છે એટલું જ નહીં, સ્પીપા ઉપરાંત અન્ય સંસ્થાઓ કે કોલેજો દ્વારા સંચાલિત આઈએએસ તાલીમ કેન્દ્રોમાં માર્ગદર્શન માટે હોંશેહોંશે જાય છે. અમરાણી કહે છે કે, હવે આઈએએસમાં પ્રવેશ મેળવનારા અર્બન સેન્ટ્રિક રહ્યા નથી. માત્ર શહેરના સમૃદ્ધ વર્ગોમાંથી જ આવનારા વિદ્યાર્થીઓને બદલે અંતરિયાળ ગામડાંનાં પહેલી પેઢીના ભણેલાં દીકરા-દીકરી, પછાત વર્ગના કે ખેડૂત વર્ગનાં સંતાનો, સામાન્ય કર્મચારીનાં સંતાનો સનદી સેવા માટે સારી તૈયારી કરીને હોંશભેર એમાં પ્રવેશ મેળવવામાં સફળ થઈ રહ્યા છે.
 
ક્યારેક ચરોતરમાંથી સૌથી વધુ આઈસીએસ થયા અને બ્રિટિશ ઇન્ડિયાની સેવામાં જોડાયા હતા. ઇન્ડિયન સિવિલ સર્વિસ (આઈસીએસ)માં પાસ થયા પછી એ સેવામાં નહીં જોડાઈને દેશની આઝાદીના જંગમાં ઝુકાવનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા મહાનુભાવોનું પણ આપણને સ્મરણ થઈ આવે છે. ગુજરાતના સૌપ્રથમ બિનકોંગ્રેસી પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ અંગ્રેજોના જમાનામાં આઈએએસ હતા. એચ. એમ. પટેલ કે સી. સી. દેસાઈ જેવા આઈસીએસ અધિકારીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું. આઝાદી પછીના દિવસોમાં ગુજરાતના મુખ્ય સચિવ રહેલા તેજસ્વી આઈસીએસ અધિકારી એલ. આર. દલાલ જેવાએ દાખલારૂપ સનદી સેવામાં યોગદાન કર્યાનું સનદી સેવાનાં સંભારણાંમાં નોંધ્યું છે.
 

આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીને શું કરવાનું હોય છે ?

 
યુપીએસસીની સિવિલ સર્વિસ સવિરોઝની પરીક્ષાના અંતિમ તબક્કો સફળતાપૂર્વક પાર કર્યા બાદ આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અધિકારી પસંદ કરવામાં આવે છે. જો કે લોકોને આ અધિકારીઓના કામ અંગે ખૂબ ઓછા લોકોને જાણકારી હોય છે. એક વાત ‘આઈએએસ’, ‘આઈપીએસ’ અને આઈએફએસ અધિકારીઓ વચ્ચેના અંતર અને તેમના કામકાજની. આઈએએસ અને આઈપીએસનું પદ વિશેષ અધિકારવાળું હોય છે. તેઓ લોકસેવા અધિકારીઓ તરીકે ઓળખાય છે અને ભારતીય લોકશાહીના ખરા ધ્વજવાહક હોય છે.
 

આઈએફએસ ( IFS -  Indian Foreign Service

 
યુપીએસસી અંતર્ગત સફળ થયેલા ઉમેદવારને ભારતીય વિદેશ સેવા એટલે કે આઈએફએસની મહત્ત્વની જવાબદારી મળી શકે છે. આ સેવા ભારત સરકારની કેન્દ્રીય સેવાઓનો એક મહત્ત્વનો ભાગ છે. એક વખત આ પરીક્ષામાં પસંદગી થયા બાદ ઉમેદવારને વિશેષ પ્રશિક્ષણ આપવા માટે મોકલવામાં આવે છે, જે અનેક પડાવોમાં પૂરું થાય છે. શૈક્ષણિક વિષયોનું જ્ઞાન, વિદેશી ભાષાઓની તાલીમ, એક મહિના માટે વિદેશી એલચીમાં વ્યાપારની શિક્ષા અને રાષ્ટ્રમંડળના વિદેશ સેવા અધિકારી પ્રશિક્ષણ કેન્દ્રમાં દોઢ મહિનાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. ત્યાર બાદ જ તેની વિદેશી દૂતાવાસમાં નિયુક્તિ થાય છે. હાલ ભારતીય વિદેશ સેવામાં પ્રતિવર્ષ સરેરાશ ૨૦ જેટલા વ્યક્તિઓને વિદેશ સેવા (આઈએફએસ)માં સામેલ કરવામાં આવે છે. હાલ લગભગ ૧૬૨ જેટલા અધિકારી વિદેશોમાં ભારતીય મિશન તેમજ પદો અને દેશ-વિદેશી બાબતોના મંત્રાલયનાં જુદાં જુદાં પદો પર કાર્યરત છે. ‘આઈએફએસ’ અધિકારી ડિપ્લોમેસી સાથે સંબંધિત મુદ્દાઓ પર કામ કરવાનું હોય છે અને દ્વિપક્ષીય બાબતોને હેન્ડલ કરવાની હોય છે.
 

આઈપીએસ ( IPS - Indian Police Service )

 
‘આઈપીએસ’ અધિકારીએ પોતાના કાર્યક્ષેત્રમાં કાયદો વ્યવસ્થા બનાવી રાખવાનું કામ કરવાનું હોય છે. આઈપીએસ એસપીથી લઈ ‘આઈજી’, ‘ડેપ્યુટી આઈજી’, ‘ડીજીપી’ પણ બનાવવામાં આવે છે. આઈપીએસ ફિયરલેસ અને ક્વોલિટીને સાથે લઈ ચાલે છે. ‘આઈએએસ’ ખરા અર્થમાં કાયદાનું પાલન કરાવવાનું કામ કરે છે.
 
 

 

આઈએએસ : (  IAS - Indian Administrative Service )

 
સિવિલ સેવા પરીક્ષામાં ટોપ રેન્ક મેળવનારા ઉમેદવારોને ‘આઈએએસ’ બનાવવામાં આવે છે. આઈએએસ અધિકારી સંસદમાં બનતા કાયદાઓને પોતાના વિસ્તારમાં લાગુ કરાવે છે. સાથે સાથે નવી નીતિઓ કાનૂન બનાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. આઈએએસ અધિકારી કેબિનેટ સેક્રેટરી, અંડર સેક્રેટરી વગેરે પણ બની શકે છે.