માત્ર ચાર મહીનામાં જ સાબરમતીને સ્વચ્છ કરવામાં આવશે – વિજય નહેરા

    ૨૮-મે-૨૦૧૯   

 
અમદાવાદના મેયર બિજલ પટેલ અને મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ આજે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે માત્ર ચાર મહીનામાં ચાર ચરણમાં કામ કરી સાબરમતી નદીને એકદમ સ્વચ્છ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં સુજલામ – સુફલામ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ નદી અને જળાશયોનું શુદ્ધીકરણ થઈ રહ્યું છે. આ અતંર્ગત સાબરમતી નદી પણ સ્વચ્છ કરવામાં આવશે.
 
વિજય નેહરાએ જણાવ્યું કે સાબરમતી નદીના કિનારે સાબરમતી આશ્રમ આવેલો છે. ગાંધીજીની આઝાદીની લડાઈનો આ આશ્રમ સાક્ષી રહ્યો છે. ત્યારે આવનારી ગાંધીજીની ૧૫૦મી ગાંધી જયંતિના રોજ આ નદીને એકદમ સ્વચ્છ કરી ગાંધીજીને અર્પણ કરીએ એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.
 
વિજય નહેરાએ જણાવ્યું કે ચાર તબક્કામાં માત્ર ચાર મહિનામાં આ નદી સ્વચ્છ કરાશે. જ્યારે આ યોજના પર વિચારવામાં આવ્યું, થોડું કામ કરવામાં આવ્યું તો લાગ્યું કે નદીને સાફ કરવામાં ૪ થી ૫ વર્ષ લાગશે પણ પછી અમે યોગ્ય આયોજન કર્યુ છે અને સાબરમતીને જૂન, જૂલાઈ, ઓગષ્ટ અને સપ્ટેમ્બર - આ ચાર મહીનામાં જ સ્વચ્છ કરાશે.
 

 
 
 
આ માટે ચાર તબક્કામાં કામ થશે
 

પહેલો તબક્કો

પહેલા તો નદીમાં સંગ્રાહેલું પાણી છોડી દેવામાં આવશે. અહીં પાણી બંધીયર હોવાથી પાણીની માત્રા ખરાબ થઈ ગઈ છે. એટલે સૌથી પહેલા સંગ્રાહેલું પાણી છોડી દેવામાં આવશે.

બીજો તબક્કો

હાલ નદીમાં દરરોજ ૧૮ કરોડ લીટર ગંદુ ગટરનું પાણે કોઇ પણ ટ્રીટમેન્ટ કર્યા વિના છોડાય છે. તેને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે.

ત્રીજો તબક્કો

નદીનો જે સૂકાયેલો પટ છે ત્યાં કચરાનો થર જામી ગયો છે. એક ખૂબ મોટુ અભિયાન ચલાવી આ કચરાની સફાઈ કરવામાં આવશે

ચોથો તબક્કો

આ તબક્કામાં વરસાદી પાણી અને ગંદા પાણીને યોગ્ય રીતે ટ્રીટ કરીને પછી નદીમાં છોડવામાં આવશે.
 
એટલે કે આગામી ચાર મહિનામાં માત્ર ચાર તબક્કામાં યોગ્ય કામ કરી સબરમતી નદીને એકદમ સ્વચ્છ કરવામાં આવશે એવું મ્યુનિ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું.