મહેન્દ્રસિંહ ધોનીના કારણે આતંકવાદી અઝહર મસૂદ વૈશ્વિક આતંકી જાહેર થયો

    ૦૩-મે-૨૦૧૯   


ક્રિકેટ જગતનો બોસ, થલા, માહી, કેપ્ટન કૂલ જે કહો તે. એક જ વ્યક્તિ છે મહેન્દ્રસિંહ ધોની. આજે તેની સફળતાના કારણે ક્રિકેટ જગતમાં તેનું મોડલ અપનાવી વિશ્વની અનેક ટીમો પોતાની ટીમો ઉતારે છે. ક્રિકેટ જગતની અનેક માન્યતાઓને માહીએ દૂર કરી એક નવો માર્ગ બધાને બતાવ્યો. ધીરજથી કઈ રીતે સામેવાળી ટીમને હરાવી શકાય તે ધોનીએ કરી બતાવ્યું છે. ક્રિકેટ માઈન્ડ ગેમ છે તે જાણતા હતા પણ તેને લોકો સમક્ષ સરળભાષામાં માહીએ મૂક્યું અને એ પણ પ્રેક્ટીકલ રીતે. આજે ક્રિકેટ જગતમાં ચારે તરફ મહેન્દ્ર ધોનીના દ્રષ્ટિકોણની ચર્ચા થાય છે. આ દ્રષ્ટિકોણ કયો? તો એ છે કે,

“કોઇ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવાના પ્રયાસ દરમિયાન આપણે જેટલો સમય હોવાનું વિચારીએ છીએ તેનાથી વધુ સમય આપણી પાસે હોય છે. એવું ક્યારેય ન કહેશો કે સમય પૂરો થઈ ગયો છે. ક્યારેય જલદી હાર ન માનશો”

આ જ કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીનો દ્રષ્ટિકોણ છે. આટલું વાચ્યા પછી તમે કહેશો કે આમાં મસૂદ અઝહર ક્યાંથી આવ્યો. તો વાત જાણે એમ છે કે સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝરને વૈશ્વિક આતંકી જાહેર કરવા ભારતીય રાજદૂત સૈયદ અકબરોદ્દીને ખૂબ મહેનત કરી. તેમને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત તરીકે પેરવી કરી. હવે જ્યારે મસૂદને સંયુક્ત રાષ્ટ્ર દ્વાર વૈશ્વિક આતંકી જહેર કરાયો તો ખૂદ ભારતીય રાજદૂત સૈયદ અકબરોદ્દીને જણાવ્યું કે તેઓ મહેન્દ્રસિંહ ધોનીના દ્રષ્ટિકોણમામ વિશ્વાસ ધરાવે છે અને તેના દ્રષ્ટિકોણ સાથે આગળ વધવાના કારણે જ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં મદદ મળી છે…