દેશના રાજકારણમાંથી ડાબેરીઓનો સંપૂર્ણ સફાયો | આવું કેમ થયું?

    ૩૦-મે-૨૦૧૯   

 

ડાબેરીઓને આ ચૂંટણીમાં ગણીને છ બેઠકો મળી છે

 
લોકસભાની આ ચૂંટણીમાં એક મહત્ત્વની ઘટના તરફ લોકોનું ધ્યાન નથી ગયું અને આ ઘટના ડાબેરીઓનો સંપૂર્ણ સફાયો છે. એક જમાનામાં કેન્દ્રમાં કોની સરકાર બનશે તે નક્કી કરતા ડાબેરીઓને આ ચૂંટણીમાં ગણીને છ બેઠકો મળી છે. આ જ ડાબેરીઓ રમતાં રમતાં ૫૦ બેઠકોને પાર પહોંચી જતા. આજે એ જ ડાબેરીઓ સાવ છ બેઠકો પર સમેટાઈને રહી ગયા છે. ડાબેરી મોરચામાં સૌથી મોટા પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સસિસ્ટ) એટલે કે સીપીએમને ૩ બેઠકો મળી છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે સીપીઆઈને ૨ બેઠકો મળી છે જ્યારે રીવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (આરએસપી)ને ૧ બેઠક મળી છે.
 

આટલી હદે ડાબેરીઓનો સફાયો? 

 
ભારતમાં લોકસભાની ચૂંટણીઓનો ઇતિહાસ તપાસશો તો સમજાશે કે, ડાબેરીઓનો આ હદે સફાયો કોઈ ચૂંટણીમાં નહોતો થયો. લોકસભાની પહેલી ચૂંટણી ૧૯૫૨માં થઈ ત્યારે કુલ ૪૯૪ બેઠકો હતી. કોંગ્રેસ ૩૬૪ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી સાથે ફરી સત્તામાં આવેલી. એ વખતે સીપીએમ અસ્તિત્વમાં નહોતી આવી અને સીપીઆઈને બીજા નંબરે સૌથી વધારે ૧૬ બેઠકો મળેલી. કોંગ્રેસે ૧૯૫૭ની ચૂંટણીમાં ૪૯૪માંથી ૩૭૧ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી જ્યારે સીપીઆઈને બીજા નંબરે સૌથી વધારે ૨૭ બેઠકો મળેલી. લોકસભાની ૧૯૬૨ની ચૂંટણીમાં કોંગ્રેસે ૩૬૧ બેઠકો જીતી હતી જ્યારે સીપીઆઈ ૨૯ બેઠકો સાથે બીજા નંબરે હતી.
 
 

 
 

અને સીપીઆઈ અને સીપીએમ બે પક્ષ અસ્તિત્વમાં આવ્યા

 
લોકસભાની ૧૯૬૭ની ચૂંટણીમાં ૫૨૦ બેઠકોમાંથી ઇન્દિરાના નેતૃત્વમાં કોંગ્રેસ ૨૮૩ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવેલી. સામ્યવાદી પક્ષોનાં ઊભાં ફાડિયાં થતાં સીપીઆઈ અને સીપીએમ બે પક્ષ અસ્તિત્વમાં આવેલા. સીપીઆઈને ૨૩ જ્યારે સીપીએમને ૧૯ બેઠકો મળેલી. કોંગ્રેસનું ૧૯૬૯માં વિભાજન થયું પછી સંસ્થા કોંગ્રેસ અસ્તિત્વમાં આવી. ઇન્દિરાએ કોંગ્રેસ (આર) એટલે કે કોંગ્રેસ રેક્વિઝિશનિસ્ટ બનાવેલી. ૧૯૭૧ની ચૂંટણીમાં લોકસભાની ૫૪૫ બેઠકોમાંથી ઇન્દિરાની કોંગ્રેસ ૩૫૨ બેઠકો જીતી હતી. સીપીઆઈને ૨૩ અને સીપીએમને ૨૫ બેઠકો મળી હતી.
 

ડાબેરીઓના ટેકાથી સરકાર બની હતી 

 
૧૯૭૭ની ચૂંટણીમાં જનતા પાર્ટીએ ૨૯૮ બેઠકો જીતી હતી. ઇન્દિરા કોંગ્રેસ ૧૫૩ બેઠકો પર સમેટાઈ ગયેલી. એ વખતે સીપીએમ મોરારજી દેસાઈ સાથે હતી ને તેણે ૨૨ બેઠકો જીતી હતી. આરએસપી અને ફોરવર્ડ બ્લોકે પણ ૩-૩ બેઠકો જીતી હતી. સીપીઆઈ ઇન્દિરાની પડખે હતી ને તેણે ૭ બેઠકો જીતી હતી. ૧૯૮૦માં બધા ડાબેરી પક્ષો એક થયા ને ૫૪ બેઠકો જીત્યા હતા. ૧૯૮૪માં રાજીવ ગાંધીની આંધી વખતે પણ ૩૩ બેઠકો જીત્યા હતા. ૧૯૮૯માં ૫૨ બેઠકો જીત્યા હતા ને વી.પી. સિંહને સરકાર રચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૧૯૯૧માં ડાબેરી મોરચો ૫૭ અને ૧૯૯૬માં ૫૨ બેઠકો જીત્યો હતો. ૧૯૯૮માં ૪૮ અને ૧૯૯૯માં ૪૨ બેઠકો જીતી હતી. ૨૦૦૪માં તો ડાબેરીઓને ૫૯ બેઠકો મળેલી ને તેમના કારણે કોંગ્રેસ સરકાર રચી શકેલી ને મનમોહનસિંહ વડાપ્રધાન બની શક્યા હતા. મનમોહનસિંહ સરકારે અમેરિકા સાથે પરમાણુ કરાર કર્યો ત્યારે ડાબેરીઓ તેના વિરોધમાં અવિશ્ર્વાસની દરખાસ્ત લાવેલા. ડાબેરીઓના પતનની શરૂઆત એ ચૂંટણીથી થઈ અને ૨૦૦૯માં તેમને માત્ર ૨૪ બેઠકો મળી. ૨૦૧૪માં ડાબેરીઓ ૧૬ બેઠકો પર આવ્યા ને આ વખતે માત્ર ૬ બેઠકો પર સમેટાઈ ગયા.
 

ડાબેરીઓને પહેલો ફટકો મમતા બેનરજીએ બંગાળમાંથી ખદેડીને માર્યો

 
એક સમયે પશ્ર્ચિમ બંગાળ, કેરળ અને ત્રિપુરા એ ત્રણ રાજ્યોમાં ડાબેરીઓનું એકચક્રી શાસન હતું ને ત્યાં તેમને કોઈ હરાવી જ ના શકે તેવું મનાતું હતું. આ ત્રણ જ રાજ્યોના જોરે તો ડાબેરીઓ રાષ્ટ્રીય રાજકારણમાં પણ જોર કરતા હતા. કેન્દ્રમાં ડાબેરીઓ સત્તામાં ભાગીદાર પણ બન્યા હતા. બંગાળમાં તો ડાબેરીઓએ સળંગ ૩૫ વર્ષ શાસન કર્યું. ત્રિપુરામાં પણ સળંગ ૨૫ વર્ષ શાસન કર્યું. ડાબેરીઓને પહેલો ફટકો મમતા બેનરજીએ બંગાળમાંથી ખદેડીને માર્યો. પછી ભાજપે ત્રિપુરામાંથી તેમને તગેડ્યા. કેરળમાં તેમની સરકાર છે પણ આ વખતે કેરળમાં કોંગ્રેસના મોરચા સામે તેમની કારમી હાર થઈ છે.
 

આ દેશમાં રાષ્ટ્રવાદ વિરોધી વલણ અપનાવનાર ગમે ત્યારે તો ખતમ થાય જ છે

 
ડાબેરીઓ ભારતમાં પતી ગયા તેનાં ઘણાં કારણો છે. ડાબેરીઓએ હિંસા અને ગુંડાગીરીના જોરે સત્તા હાંસલ કરી હતી. સત્તામાં આવ્યા પછી પણ તેમણે એ જ રસ્તો અપનાવ્યો. બંગાળમાં ૩૫ વર્ષના શાસન પછી પણ તે બંગાળમા સમૃદ્ધિ ના લાવી શક્યા. ડાબેરીઓની નજર વિદેશ ભણી મંડાયેલી રહેતી એ પણ એક કારણ છે. તેના કારણે રાષ્ટ્રવાદી લોકોને ડાબેરીઓ કદી પસંદ જ ના આવ્યા. દંભી સેક્યુલારિઝમના કારણે પણ લોકોએ તેમને જાકારો આપ્યો છે. ડાબેરીઓનું પતન એ વાતનો પુરાવો છે કે, આ દેશમાં રાષ્ટ્રવાદ વિરોધી વલણ અપનાવનાર ગમે ત્યારે તો ખતમ થાય જ છે.