ઝૂંપડીમાં રહેનારા પ્રતાપચંદ્ર સારંગી પ્રધાન કેવી રીતે બની ગયા? જીવન પ્રેરણાત્મક છે

    ૧૫-જૂન-૨૦૧૯   

  

ઝૂંપડીમાં રહેનારા પ્રતાપચંદ્ર સારંગી પ્રધાન બન્યા તે ભારતની લોકશાહીનો ચમત્કાર છે

રાજકારણનો વ્યવસાય એટલો ખર્ચાળ બની ગયો છે કે ૧૭મી લોકસભામાં ચૂંટાયેલા કુલ ૫૪૨ સંસદસભ્યો પૈકી ૮૮ ટકા એટલે ૪૭૫ સંસદસભ્યો કરોડપતિ છે. ભાજપના ૩૦૩ પૈકી ૨૬૫ સંસદસભ્યો કરોડપતિ છે તો શિવસેનાના તમામ ૧૮ સંસદસભ્યો કરોડપતિ છે. આ વાંચીને કોઈને લાગે કે ભારતના રાજકારણમાં હવે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે કોઈ તક નથી રહી તો તેઓ ભીંત ભૂલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનમંડળમાં ઓડિશાના બાલાસોરના સંસદસભ્ય પ્રતાપચંદ્ર સારંગીની નિમણૂક કરી છે. તેઓ માટીના કાચા ઝૂંપડામાં રહે છે અને સાઈકલ પર જ પ્રવાસ કરતા દેખાય છે. ૬૪ વર્ષના સારંગી સુદામા જેવું જીવન જીવે છે. તેમણે ચૂંટણીપ્રચારમાં બિલકુલ ખર્ચો કર્યો નહોતો. તો પણ બે કરોડપતિ ઉમેદવારો સામે તેઓ ચૂંટાઈ આવ્યા હતા. પ્રતાપચંદ્ર સારંગીની કથા ભારતની લોકશાહી માટે દાખલારૂપ છે.
 
પ્રતાપચંદ્ર સારંગીનો જન્મ બાલાસોર જિલ્લાના નીલગીરિ તાલુકાના ગોપીનાથપુર ગામમાં ગરીબ બ્રાહ્મણ પરિવારમાં ૧૯૫૫માં થયો હતો. તેમણે ૨૦ વર્ષની ઉંમરે બાલાસોરની ફકીર મોહન કોલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી હતી. પ્રતાપચંદ્ર સારંગી બાળપણથી સાધુ બનવા માગતા હતા. તેમણે કલકત્તામાં આવેલા રામકૃષ્ણ મઠની અનેક વાર મુલાકાત લીધી હતી અને ત્યાંના સંન્યાસીઓને દીક્ષા આપવા વિનંતી કરી હતી. સંન્યાસીઓ તેમને દીક્ષા આપવા તૈયાર નહોતા, કારણ કે તેમની વિધવા માતા જીવતી હતી. પ્રતાપચંદ્ર સારંગીએ લગ્ન કર્યા વિના સમાજસેવા કરવાનો નિર્ધાર કર્યો હતો. તેમણે વિશ્ર્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળની પ્રવૃત્તિઓમાં રસ લેવાનું શરૂ કર્યુ હતું. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર બની ગયા હતા. ઓડિશાના અંતરિયાળ ભાગોમાં ચાલતી વટાળપ્રવૃત્તિ સામે વનવાસી પ્રજાને જાગૃત કરવાનું મિશન તેમણે આદર્યુ હતું. વનવાસી પ્રજાના ઉદ્ધાર માટે તેમણે સંખ્યાબંધ એકલવ્ય વિદ્યાલયો શરૂ કરાવ્યાં હતાં.
 

 
 

સંસ્કૃત તથા ઓડિયા ભાષાના વિદ્વાન છે અને પ્રભાવશાળી વક્તા 

 
સૂકલકડી શરીર, સફેદ દાઢી અને ખાદીનાં કપડાં જોઈને એક ગરીબ કિસાનની યાદ અપાવતા પ્રતાપચંદ્ર સારંગી સંસ્કૃત તથા ઓડિયા ભાષાના વિદ્વાન છે અને પ્રભાવશાળી વક્તા છે. તેમનું આગઝરતું ભાષણ વગર માઈકે પણ હજારો લોકો સાંભળી શકે તેવું બુલંદ હોય છે, બાલાસોરના લોકો તેમને નિ:સ્વાર્થ સેવાના મસીહા તરીકે ઓળખે છે. તાજેતરમાં ઓડિશામાં વાવાઝોડું આવ્યું ત્યારે તેઓ ચૂંટણીનો પ્રચાર છોડીને લોકોની સેવામાં જોડાઈ ગયા હતા. પ્રતાપચંદ્ર સારંગી પાસે રહેવા માટે પાકું મકાન નથી. તેઓ મુસાફરી કરવા માટે સાઈકલ અથવા ઓટોરિક્ષાનો જ ઉપયોગ કરે છે. તેમની બધી જ મિલકતોનો સરવાળો માત્ર સાડા પાંચ લાખ રૂપિયા છે.

વિવાદ પણ છે 

બજરંગ દળ સાથે જોડાવાને કારણે પ્રતાપચંદ્ર સારંગીને વિવાદોનો સામનો પણ કરવો પડ્યો હતો. ઈ.સ. ૧૯૯૯માં ઓડિશાના અંતરિયાળ વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહેલા ઓસ્ટ્રેલિયન પાદરી ગ્રેહામ સ્ટેઇન્સ અને તેમનાં બે બાળકોને આગમાં હોમી દેવામાં આવ્યાં તેનો આરોપ બજરંગ દળ પર આવ્યો હતો. ઓડિશા સરકારે તે કિસ્સાની તપાસ કરવા કમિટી બનાવી હતી, પણ તેના રિપોર્ટમાં બજરંગ દળનો હાથ ન હોવાનું જણાયું હતું. ૨૦૦૨માં બજરંગ દળે વટાળપ્રવૃત્તિ સામે વિધાનસભાની બહાર ધરણાં કર્યાં તેનું નેતૃત્વ સારંગીએ લીધું હતું. પોલીસે તેમની સરકારી માલમત્તાને નુકસાન પહોંચાડવા બદલ ધરપકડ પણ કરી હતી.

જ્યારે  ૧.૪૨ લાખ મતથી હારી ગયા

રાજકારણને પણ સેવાનું માધ્યમ બનાવીને પ્રતાપચંદ્ર સારંગીએ ૨૦૦૪માં સક્રિય રાજકારણમાં ઝંપલાવી દીધું હતું. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે નીલગિરી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને વિધાનસભા પહોંચી ગયા હતા. ૨૦૦૯માં ફરીથી તેઓ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા. વિધાનસભ્ય તરીકે તેમને જે પગાર મળતો તેનો ઉપયોગ પણ તેઓ જનસેવામાં કરતા હતા. ૨૦૧૪માં તેમણે ભાજપની ટિકિટ પર બાલાસોર લોકસભાની ચૂંટણી લડી હતી પણ બીજુ જનતા દળના ઉમેદવાર રબીન્દ્ર કુમારની સામે ૧.૪૨ લાખ મતથી હારી ગયા હતા.
 

 

૧૨,૯૫૬ મતોથી લોકસભાની બેઠક જીતી લીધી

ભાજપે પ્રતાપચંદ્ર સારંગી પર વિશ્ર્વાસ મૂકીને ફરીથી તેમને બાલાસોર લોકસભાની ટિકિટ આપી હતી. આ વખતે તેમના મતદારક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પણ યોજવામાં આવી હતી. આ વખતે તેમનો મુકાબલો બીજુ જનતાદળના રબીન્દ્ર જેના ઉપરાંત કોંગ્રેસ કરોડપતિ ઉમેદવાર નબજ્યોતિ પટનાયક સામે હતો જેમનો આખો પરિવાર રાજકારણમાં છે. ત્રિપાંખિયા જંગમાં તેમણે ૧૨,૯૫૬ મતોથી લોકસભાની બેઠક જીતી લીધી હતી.

લોકસભાની ચૂંટણીમાંમુકાબલો બે કરોડપતિ અને વગદાર ઉમેદવારો સામે હતો

લોકસભાની ચૂંટણીમાં પ્રતાપચંદ સારંગીનો મુકાબલો બે કરોડપતિ અને વગદાર ઉમેદવારો સામે હતો. કોંગ્રેસના ઉમેદવાર નબજ્યોતિ પટનાયકના પિતા નિરંજન પટનાયક ઓડિશા કોંગ્રેસના અધ્યક્ષ હોવા ઉપરાંત મીડિયા બેરોન પણ છે. નિરંજન પટનાયકના ભાઈ સૌમ્ય રંજન પટનાયક બીજુ જનતા દળના રાજ્યસભાના સભ્ય છે અને કનક ટીવી નામની ચેનલના માલિક છે. તેમની કંપની ઈસ્ટર્ન મીડિયા લિમિટેડ ઓડિશાના મુખ્ય અખબાર સંબાદની માલિક છે. બાલાસોર બેઠક પરના બીજુ જનતા દળના ઉમેદવાર રબીન્દ્ર જેઓ પણ મીડિયા હાઉસના માલિક છે. તેઓ બાલાસોર એલોયસ નામની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પણ રહી ચૂક્યા હતા. ઈ.સ. ૨૦૧૪માં રબીન્દ્ર જેનાએ સારંગીને હરાવ્યા હતા. તેનો હિસાબ તેમણે ચૂકતે કરી લીધો હતો.
 

 

ભુવનેશ્ર્વરની સડકો પર સાઇકલ પર ફરે છે

પ્રતાપચંદ્ર સારંગી ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન વિધાનસભ્ય રહ્યા ત્યારે પણ તેઓ ભુવનેશ્ર્વરની સડકો પર સાઇકલ પર ફરતા જોવા મળ્યા હતા. પોતાના મતદારક્ષેત્રની મુલાકાત લેવા માટે પણ તેઓ સાઈકલનો વધુ ઉપયોગ કરતા હતા. ભુવનેશ્ર્વરમાં વિધાનસભામાં હાજરી આપવા માટે તેઓ ક્યારેક ટ્રેનની મુસાફરી પણ કરતા હતા. ભુવનેશ્ર્વરમાં રહેતા હોય અને ભૂખ લાગે ત્યારે તેઓ રસ્તા ઉપર સાઇકલ ઊભી રાખીને વડાપાંઉ ખાતા નજરે પડતા હતા.

મૃત્યુ પામેલી ગાયોઅના અંતિમસંસ્કાર

તાજેતરમાં ચૂંટણી દરમિયાન ઓડિશામાં વાવાઝોડું આવ્યું ત્યારે નાના તરીકે ઓળખાતા પ્રતાપચંદ્ર સારંગી પુરીના આશ્રમની ગોશાળામાં પહોંચી ગયા હતા. ત્યાં કેટલીક ગાયો વાવાઝોડામાં મૃત્યુ પામી હતી. તેના અંતિમસંસ્કાર કરીને તેમણે ગોશાળા ચોખ્ખી કરી નાખી હતી. ગોશાળાના ટ્રસ્ટી જ્યારે મુલાકાતે આવ્યા ત્યારે સારંગી ઝાડની તૂટેલી ડાળીઓ ઉપાડી રહ્યા હતા.
 

 

બે-બે ચમત્કાર થયા છે 

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે બહુજન સમાજ પક્ષના અધ્યક્ષ માયાવતી દ્વારા તેમના પક્ષની ટિકિટો ૨૫ કરોડ રૂપિયામાં વેચવામાં આવે છે. જે ધનિકો ૨૫ કરોડમાં ટિકિટ ખરીદે તેઓ બીજા ૧૦ કરોડ રૂપિયા ખર્ચીને ચૂંટણી લડતા હોય છે. આ ઉમેદવારો લોકસભામાં ચૂંટાઈને આવે તો તેઓ લોકોની સેવા કરે તેવી આશા તેમની પાસેથી રાખી શકાય નહીં. તેની સરખામણીએ નિર્ધન એવા પ્રતાપ ચંદ્ર સારંગીને લોકસભાની ટિકિટ આપીને ભાજપે નવી ભાત પાડી હતી. પ્રતાપચંદ્ર સારંગી લોકસભાની ચૂંટણી જીતી ગયા તે ચમત્કાર હતો, પણ તેનાથી મોટો ચમત્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમને કેન્દ્રના પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું તે છે.