માત્ર ૧ મિનિટ । દુઃખ કોને નથી? । એક બોધપ્રદ ટૂંકી વાર્તા

    ૧૯-જૂન-૨૦૧૯   

 
 
એક ટૂંકી બુદ્ધિવાળો પુરુષ સતત ચિંતામાં રહેતો. દુ:ખના રોદણા રોયા કરતો અને નિરાશ રહેતો હતો. તે પુરુષ વારંવાર પોતાની સ્ત્રીને જ્યાં ત્યાં કહેતો ફરતો કે, ‘શું કરીએ, ઘરનો ખર્ચ ભારે છે, છોકરાઓને પરણાવવા પડશે, વહુઓને ઘરેણાં વિના કેમ ચાલશે ? વળી બહેનનો ભાણો પરણશે ત્યારે મામેરું કરવું પડશે. છોકરાના છોકરાઓને પણ કંઈ પરણાવ્યા વિના ચાલશે ? વળી બધાને રહેવા ઘર જોઈશે. શું કરું ? હવે વર્ષો બહુ ખરાબ આવે છે, વ્યાપાર પરદેશીઓના હાથમાં એટલે દેશીઓ શું ફાવે ? નોકરીના દર પણ ઓછા થયા, માટે આ બધાં કામો પાર પડવાનાં નથી.’
 
આ પ્રમાણે બોલી તે હંમેશા દુ:ખી થાય. તેની સ્ત્રી ઘણી શાણી હતી. પોતાના પતિનું હિત ઇચ્છે તે જ સ્ત્રી. પત્નીએ વિચાર્યંુ કે ગમે તેમ કરીને પણ પતિની ચિંતા દૂર કરવી પડશે. તેને સાચી સમજણ આપવી પડશે.
 
એક દિવસ પોતાના પતિને સમજાવવા તેણે પોતાનાં દુ:ખ રડવા માંડ્યાં. તે બોલી : ‘તમારે શું દુ:ખ છે ? દુ:ખ તો મારા પર છે. મારું સાઠ વર્ષનું આયુષ્ય છે એમ જોશીએ કહ્યું છે. તેમાં દશ હજાર મણ તો અનાજ દળવાનું છે, વીસ હજાર વાસણ માંજવાના છે. અરેરે ! આ બધું મારાથી કેમ બનશે ? હું તો મરવા જ ધારું છું, કારણ કે આટલું બધું દુ:ખ સહન કરવું તે કરતાં તો મરવું સારું.’
ત્યારે પુરુષ બોલ્યો : ‘પણ તારે તે બધું ક્યાં એક જ દિવસમાં કરવું છે?’
 
સ્ત્રી બોલી : ‘ત્યારે તમારે ક્યાં ઉપલા કામો અત્યારે ને અત્યારે કરવાં છે ?’
 
આમ સ્ત્રીના ઉપદેશથી ત્યાર પછી તે પુરુષ જ્યાં ત્યાં રોદણાં રડવાનું છોડી દઈ સમજીને સુધરી ગયો.