પેટને મસ્ત રાખવું હોય તો દર્‌રોજ કરવા જેવું આસન : શશાંકાસન

    ૧૯-જૂન-૨૦૧૯   


 

 શશાંકાસન

પરિચય :

શશાંકાસન શશાંક એટલે સસલાના દેખાવ જેવું. આસન એટલે રોકાવું. આ આસનની પૂર્ણ સ્થિતિમાં સસલા જેવો દેખાવ બનતો હોવાથી તેને શશાંકાસન કહે છે.

સાવચેતી :

પગના ઘૂંટણમાં અસહ્ય દુઃખાવો હોય, પેટ કે પેટના આંતરડામાં કંઈ દુઃખાવો ઓપરેશન થયું હોય તો ડોક્ટર કે યોગશિક્ષકની સલાહ લઈને આસન કરવું.
સ્થિતિ : વજ્રાસનમાં સ્થિતિ ગ્રહણ કરો.
 

 

પદ્ધતિ :

વજ્રાસનમાં બેસો. બન્ને પગની એડી અને ઘૂંટણને એકબીજાને અડકેલો રાખો. બન્ને હાથને ખભાની દિશામાં ફેલાવો. હથેળી પલટો, બન્ને હાથને ઉપરની તરફ લઈ જાવ. બન્ને કાન સાથે અડકેલા રહે. શરીર ટટ્ટાર. હાથ સંપૂર્ણ રીતે ઉપરની તરફ ખેંચાયેલા અને ઊંડો શ્વાસ લો. શ્વાસને શરીરમાં ભરી લો.
હવે શ્વાસ છોડતા છોડતા કમ્મરેથી ઝૂકો. સાથોસાથ હાથ માથું પણ ધીરે ધીરે નીચે લાવો અને માથું જમીનને અડકાવી દો. માથું-કપાળ જમીનને અડકેલું રહેશે. હાથ કોણીથી આંગળીઓ સુધી જમીન ઉપર લંબાયેલો રહેશે. આ પૂર્ણ સ્થિતિમાં થોડો સમય રોકાઈ જાવ. આ સમયે બંને પગની એડી ઉપરથી નિતંબ ઉંચકાય નહીં તેનું ધ્યાન રાખવું.
પરત ફરવા માટે શ્વાસ લેતા લેતા સૌ પ્રથમ જમીન ઉપર અડકેલા હાથ માથું, છાતી અને કમ્મરને ઊંચકો. હાથ માથા ઉપર આવી જાય એટલે હાથને બન્ને બાજુ ફેલાવી હથેળી પલટીને હાથને સાથળ કે પગના ઘૂંટણ ઉપર મૂકી રિલીઝ અને રિલેક્સ થાવ.

ધ્યાનમાં રહે :

- પૂર્ણ સ્થિતિમાં નિતંબ એડી ઉપરથી ઊંચકાઈ જવા જોઈએ નહીં.
- બન્ને હાથ કોણીથી હથેળી આંગળીઓ સુધી જમીન ઉપર અડકેલી રહેશે.
- છાતી પગના ઘૂંટણ પર અને માથું કે કપાળ જમીન પર અડકેલું રહેશે.
- બન્ને હાથ બન્ને કાન સાથે અડકેલા રહેશે.

ફાયદા :

- સાઈટિકા સ્નાયુઓને શિથિલ કરે છે અને એડ્રિનલ ગ્રંથિના કાર્યને નિયમિત કરે છે.
- નિતંબ અને ગુદાસ્થાન વચ્ચેની માંસપેશીઓને સામાન્ય રાખે છે.
- પેટમાંનો ગેસ મટે છે. મંદાગ્નિ અને કબજિયાત જેવા પેટના રોગમાંથી મુક્તિ મળે છે.
- સાથળ પરની ચરબી ઘટે છે, પેટ પરનો મેદ પણ ઓછો થાય છે.
- વજ્રાસન અને યોગમુદ્રાના બધા જ લાભ મળે છે.

સેકન્ડ વેરિયેશન :

વજ્રાસનમાં જ કરો. અહીં હાથની સ્થિતિ જ બદલવાની છે. બન્ને હાથને કમરની પાછળ હાથ લઈ જઈ ડાબા હાથથી જમણું કાંડું પકડી લો. આંખ બંધ કરી લો. બન્ને હાથને પાછળ એકબીજાને પકડી રાખતા શરીરને નીચે ઝુકાવો. માથું કે કપાળ. જમીનને અડકાડો. બાકી બધી જ પ્રક્રિયા ઉપર મુજબ જ રહેશે.